કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૬. અમેરિકા, ઓ અમેરિકા
ત્રણ પગાળી નિર્જીવ ઘોડી—
ઉપર ટેકવી નીચા નિશાનભરી બંદૂક—
ની નાળ સરસું ટેલિસ્કોપ—
માં જોતી સ્થિર, ક્રૂર, વૈરઝરતી આંખ
જે જુએ ભલે એક ક્ષણ
તે પાડે નિશ્ચિત સજીવ સ્વજન
આંગળીને ટેરવે દબાતી ચાંપ
ધડિંગ, ધડિંગ, ધડિંગ,
લક્ષ્ય બને કેનેડી કે કિંગ.
નિર્જીવ એક પગ, જે ભરે ન ડગ
તે સ્થિર તપે, બળે, દાઝે, દઝાડે,
કાળું અને ગોરું સમવર્ણ રક્ત
અલગ અલગ સંસ્કૃતિ અર્થે, દેશ-પરદેશે;
નિર્જીવ બીજો પગ, તે પણ વધે ન ડગ
તે ઉગ્ર તપે, બળે, પૂરે, આપે, હોમે,
યુદ્ધગ્રસ્ત માનવયુક્ત પ્રચાર ઈંધણ
માત્ર સ્વરક્ષણાર્થે, દેશ-પરદેશે;
નિર્જીવ ત્રીજો પગ, તે કેમ ભરે ડગ?
જે કઠોર તપે, બળે, બાળે, ખાક કરે
વિજ્ઞાનની યંત્રવિદ્યાશક્તિ કેરું બળ
કહેવાતા સર્વોચ્ચપણા શિખરે, દેશ-પરદેશે.
ટેલિસ્કોપમાં વિકસતા ક્રોસ-
નું મધ્યબિંદુ વીંધતી નજર
વિનાશમાર્ગ દોરતી આંગળી-
નો વિરૂપ, અપરૂપ, વ્યામ વિગતજ્વર
અમેરિકા, ઓ અમેરિકા!
નવી દુનિયા, તું કોને વશ?
ભણે, તું હવે જશે કઈ દશ?
૧૯ એપ્રિલ ’૬૮
અડિસ અબાબા
(સાયુજ્ય, પૃ. ૫૫-૫૬)