કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૧૧. શું ખરેખર આપણે સમજીને વર્તતા હોઈએ છીએ?...

Revision as of 01:22, 17 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૧. શું ખરેખર આપણે સમજીને વર્તતા હોઈએ છીએ?...

શું ખરેખર આપણે સમજીને વર્તતા હોઈએ છીએ?
આપણે તો આંધળી સાપણની જેમ
ગરુડની પાંખમાં આશ્રય શોધીએ છીએ.
સ્વપ્નમાં આપણને કોઈ વાર જીવનની વિષમ પરિસ્થિતિનો
તાળો મળી જાય છે એટલે શું આપણે
સાપ ખાઈ ચૂકેલી કીડીઓની છિન્નતામાં
સાપનો દેહ ઘડવાની મનીષા રાખવી?
યુગોથી આપણે આમ જ સમુદ્રના પવનની જેમ
નોધારા ભટકતા રહ્યા છીએ,
કોઈક વાર આકાશમાં છીણી મારીને બાકોરાં પાડી
શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો છે.
કોઈક વા૨ ધૂળનાં ચર્મવસ્ત્રો લપેટ્યાં છે,
નવજાત શિશુની ચીસથી ભડકીને
ભૂતકાળના ભંડકિયામાં કશુંક શોધવાનો પ્રયત્ન પણ કર્યો છે
અને યૌવનના પ્રથમ નિઃશ્વાસથી મૂર્ચ્છિત થઈને
જન્મતા ભવિષ્યની લાલ આંખોનાં પાણી પીધાં છે.

નવેમ્બર, ૧૯૬૦
(અથવા અને, પૃ. ૨૮)