કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૧૦. સવારના તડકે ભોળપણમાં...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. સવારના તડકે ભોળપણમાં...

સવારના તડકે ભોળપણમાં
સીમના થોરની વાડને બાથ ભરી લીધી
અને એનાં રૂંવેરૂંવાં છેદાઈ ગયાં.
ઝીણા, તીણા, લોહિયાળ દાંતે કાંટા હસ્યા
પણ એમના પડછાયા ઝાંખા પડી ગયા.
શરી૨ ૫૨ ચડી ગયેલ વીંછી ખંખેરવા
કોઈ બીકણ નાસાનાસ અને કૂદાકૂદ કરે તેમ
સીમની ગામડિયણ જમીન ચડતા સૂરજની ગતિએ નાઠી.
એને કોઈ રોકી શક્યું નહિ.
ખેતરના લીમડાની શીતળ છાયામાં એ બેઠી નહિ.
ભરવાડની વાંસળીના સૂરની શૂળો ભાળી એ ભડકી
અત્યારે મોડી રાતે
અજાણી ભાગોળે
એ ભારે થઈને હાંફતી પડી છે.
દૂરનાં ગામોની સૂકી હવાની ભૂખરાશ એના લોહીમાં
વરતાય છે
અને કસાઈવાડે ઊંઘતા બકરાનું પેટ ઊંચુંનીચું થાય
તેમ એનાં નસકોરાં બોલે છે.

એપ્રિલ, ૧૯૬૧
(અથવા અને, પૃ. ૨૭)