અન્વેષણા/કૃતિ-પરિચય

Revision as of 05:59, 19 September 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃતિ-પરિચય

ભોગીલાલ સાંડેસરા આપણાં ગુજરાતી સાહિત્યના સંશોધક અને વિવેચક છે. તેમણે ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ, ભારતીય વિદ્યા અને પ્રાચ્યવિદ્યા વગેરે વિષયોમાં વ્યાપકરીતે વિદ્વત્તાથી કામ કર્યું છે. તેમનું લેખન વિવિધ સંદર્ભો અને ટિપ્પણોથી ભરપૂર છે. એટલે સંશોધક અભ્યાસીને એમના લેખનમાંથી સંશોધન માટેના સંદર્ભો મળશે.

ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખનો એમનો ‘અન્વેષણા’ સંગ્રહ નોંધપાત્ર સંદર્ભસામગ્રીથી ખીચોખીચ ભરેલો છે. આ સંગ્રહમાં લેખકના બે વ્યાખ્યાનો, સંખ્યાબંધ રેડિયો વાર્તાલાપ તથા શબ્દચર્ચાવિષયક કેટલીક નોંધો છે. સંગ્રહમાંના આ લેખોનું વૈવિધ્ય જુઓ. અહીં ‘વેદ,ઋત અને વરુણ’, ‘ચૈત્યો અને વિહારો’, ‘શાન્તિપર્વ : રાજનૈતિક દ્રષ્ટિએ’, ‘પ્રાચીન ભારતમાં વહાણવટ અને નૌકાસૈન્ય’, ‘ભારત અને ચીન : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ગુજરાત અને કાશ્મીર : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ‘અમદાવાદની પોળ : ઐતિહાસિક દ્રષ્ટીએ’, ‘શાંતિપર્વ : રાજનૈતિક દ્રષ્ટીએ’, ‘ભાષા અને વ્યાકરણ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’, ‘કાન્હડદેપ્રબંધ’ વગેરે જેવાં ૪૨ લેખ છે. વિવિધ વિષયસંદર્ભો તપાસવા, સામગ્રીનું ચયન કરવું અને સામગ્રીને યોગ્ય સંદર્ભો સાથે ગોઠવવાની કળા શીખવતો આ સંગ્રહ આજે પણ મહત્ત્વૂર્ણ છે.

— કીર્તિદા શાહ