બારી બહાર/૭૬. છેલ્લી પૂજા
અજાતશત્રુના પુરે રાજઆજ્ઞા ફરી વળી,
“બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.”
સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
વિલાપ કેરા પડઘા સમા આ
ડંકા પડે મંદિર-આરતીના.
ત્યારે ધરીને કર આરતીની
સામગ્રી, કો સુંદરી આવતી’તી :
તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?
ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
ને એના એ મધુર અધરે સ્મિત જેવું વહે છે,
ઓષ્ઠે તેવું અવિરત વહે સ્મિત, ને પાય તેવા
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.
નાચી રહી છે નવશિખ આરતી,
નાચંત તેની શતરશ્મિ આંખડી;
કરે ધરેલી ફૂ લ મા ળ કેરી
નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.
ભિક્તભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
પ્રેમાશ્રુ જે સતત વહતાં, સ્તૂપ તેથી ધુએ છે;
છાની જાણે હૃદય તણી, કો સાથ, ગોષ્ઠી કર છે;
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.
છેલ્લી હતી એ નવશિખ આરતી,
ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
વાતો હતી અંતિમ સર્વ આજની,
ને આખરી એ પળ જિંદગી તણી.
બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
પુરના રક્ષકો કેરી પ્રકોપ આંખ પ્રજવળી
“તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?”
કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.
કંપી રહે છે નવશિખ આરતી,
ને ધ્રૈજતી સૌ ફૂલમાળ-પાંખડી;
નભે બધા તારક થરથરે છે;
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.
“ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ પૂજતી ?”
જગાડી સુંદરી, પૂછ્યું; કોપે વાણી ય ધ્રૈજતી.
“બુદ્ધના પાયની દાસી,”–સુણંતાં અસિ ઊછળે;
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.
શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
–શિખા સહસ્ત્ર થઈ રક્તધારની !