બારી બહાર/૯૬. રખડવા નીકળ્યો છું

Revision as of 11:27, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૯૬. રખડવા નીકળ્યો છું

રખડવા નીકળ્યો છું.
તરસ ને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજ આ ભટકવા નીકળ્યો છું.
વર્ષા નથી, છે વાદળાં;
શીતલ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરેટ
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.
ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજુ અને થોડું ગરમ :
એકાદબે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી લઉં જરી.
શી છે કમી ? જહાંગીર છું,
–ને જહાંનું નૂર આ સામે ખડું !