બારી બહાર/૯૭. હૈયાનો હંસલો
Jump to navigation
Jump to search
૯૭. હૈયાનો હંસલો
હૈયાનો હંસલો આ મારો
કે ચારો તે ચરવાને જાય
કોણે આ આસમાને વેર્યા છે તારલાને ?
ચૂગી ચૂગી ને એ તો ખાય.
કોણે મેલ્યા છે મધના પ્યાલા આ ફૂલ કેરા ?
પીવાને હંસલો એ જાય;
સૂરજનાં સોનેરી ને ચંદાનાં રૂપેરી
નીરમાં જઈ ને એ તો ન્હાય. હૈયાનો.
ધરતીના હરિયાળા, આભ કેરા આસમાની,
રંગે એ હંસલો રંગાય;
શ્યામલ સ્વરૂપ જ્યાં એ જોવે મેહુલિયાનું,
પોતે યે રૂપે એ સોહાય ! હૈયાનો.
આભે ઊડીને એ તો ધરતીને નીરખે, ને
ધરતીએ આવી જોતો આભ;
મૂંગા છે હંસ પેલા માનસનાં નીર કેરા :
મારો આ હંસલો તો ગાય ! હૈયાનો.