આરાધના ભટ્ટ
હર્ષદેવ મહાદેવ સાથે વાર્તાલાપ
આપણા સરકારી દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રીય સમાચાર બુલેટિન આપે એને એ માધ્યમોના ઉપભોક્તાઓ દ્વાર ખાસ આવકાર ન મળ્યો. બોલચાલની ભાષા તરીકે સંસ્કૃત બહુજન સમાજમાં સ્વીકૃતિ પામી નથી. આ દેવભાષાને લોકભાષા તરીકેનો દરજ્જો આપવા અને એનો બોલચાલમાં ઉપયોગ થાય એવા હેતુથી ગુજરાતના એક વિદ્વાન કાર્યશીલ છે, બલ્કે એ એમના જીવનનું ધ્યેય હોય એટલી નિષ્ઠાથી તેઓ સંસ્કૃત ભાષામાં છેલ્લા ચાર દાયકાથી લેખન-સર્જન કરતા રહ્યા છે. અમદાવાદની એચ.કે આર્ટસ કોલેજના સંસ્કૃતના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષપદેથી નિવૃત્ત થયેલા બહુભાષી સર્જક ડો હર્ષદેવ માધવે આપણને દોઢસોથી વધુ પુસ્તકો આપ્યાં છે, જેમાં સંસ્કૃત નાટક, હાઇકુ, તાન્કા, સીજો, ગઝલ અને મોનો-ઈમેજ જેવાં આધુનિક કાવ્યપ્રકારોના પુસ્તકો, નવલકથા, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ, શબ્દકોશ, ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક સર્જનો અને અનુવાદોનો સમાવેશ થાય છે. આધુનિક સંસ્કૃત સાહિત્ય, વેદ-પુરાણ, જ્યોતિષ, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર અને મંત્રશાસ્ત્ર એમના રસના વિષયો છે. એમને કલ્પવલ્લી એવોર્ડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીના એવોર્ડ, ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર, અખિલ ભારતીય કાલિદાસ સન્માન, એમના કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, મોરારિબાપુ પ્રેરિત ‘વાચસ્પતિ એવોર્ડ’ ઉપરાંત અનેક સન્માનો પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. અનેક ભારતીય અને બિનભારતીય ભાષાઓમાં એમનાં કાવ્યોના અનુવાદો થયા છે. એમના માર્ગદર્શન હેઠળ ૨૦થી વધુ વિદ્યાર્થીઓએ મહાનિબંધ તૈયાર કરીને પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમની સર્જનશીલતા, સંસ્કૃત ભાષા-સાહિત્ય અને એના શિક્ષણ પ્રત્યેના એમના વિશિષ્ટ અભિગમનો પરિચય કરાવશે. તાજેતરમાં આપને સોમનાથ ટ્રસ્ટનું સન્માન પ્રાપ્ત થયું એ બદલ સૌપ્રથમ અભિનંદન. આ અગાઉ પણ આપને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. સન્માન મળે ત્યારે શું અનુભવો? સાહિત્યકાર એક ખૂણામાં બેસીને લખતો હોય છે, મોટેભાગે અંધારામાં બેસીને લખતો હોય છે. એ સમાજની રોશનીથી બહુ દૂર હોય છે. પછી અચાનક સમાજ એનો સ્વીકાર કરે, પ્રશંસાનાં પુષ્પોથી એને વધાવે ત્યારે એ અંધારાની અંદર કોઈએ રોશની કરી હોય એવું લાગે. એનો અનુભવ બહુ સુખદ, આહ્લાદક, રોમાંચક હોય છે, કેટલીક વાર પીડાદાયક પણ હોય છે. પણ ઘણીવાર સાહીત્યકારોની બહુ કદર થતી નથી. કેટલાક સાહિત્યકારો તો મૃત્યુ પછી પોંખાયા છે. એ બાબતે સાહીત્યકારના મનમાં જે દુખ હોય એ દુખ સામાન્ય લોકો કરતાં જુદા પ્રકારનું દુઃખ હોય છે. ૧૯૯૭માં મને સૌથી પહેલો એવોર્ડ મળ્યો –કલ્પવલ્લી એવોર્ડ. એ એવોર્ડ મળ્યો ત્યારે મને પોતાને ખબર નહોતી, એક મિત્રએ કહ્યું કે છાપાંમાં તારું નામ છે. કલકત્તાની ભારતીય ભાષા પરિષદનો સંસ્કૃત ભાષા માટેનો એ એવોર્ડ મારા ચોથા કાવ્યસંગ્રહ ‘મૃગયા’ માટે મળ્યો ત્યારે હું એકદમ રોમાંચ અનુભવવા માંડ્યો. અને મને એમ થયું કે મારું સર્જન ગુજરાતથી કલકત્તા સુધી તો પહોંચ્યું છે અને એ મારું સદભાગ્ય હતું. ત્યાર પછી મને અવારનવાર સન્માનો અને એવોર્ડ મળતા રહ્યા છે. એ વખતે બે વસ્તુ મનમાં આવે છે, એક તો એ કે લોકો મારા સાહિત્યની કદર કરે છે. બીજું એ કે ભગવતી સરસ્વતિ મારા ઉપર કૃપા કરે છે, મારી જરૂરિયાતો પૂરી કરે છે અને મને યશ પણ અપાવે છે, અને સમાજમાં મારો સાર્વત્રિક સ્વીકાર થઇ રહ્યો છે એનો વિશેષ આનંદ થાય છે. પ્રશ્ન: અગિયારમા ધોરણમાં સારા ગુણાંક આવ્યા છતાં આપે સંસ્કૃતનો અભ્યાસ કર્યો, વિજ્ઞાન શાખા ન લીધી. પછી જેવું નરસિંહ મહેતાના જીવનમાં બન્યું હોવાનું કહેવાય છે એવું આપના જીવનમાં બન્યું. નરસિંહને ભાભીનું મહેણું લાગ્યું, આપને ભાઈનું મહેણું લાગતાં આપે સંસ્કૃતમાં સર્જન કરવાનાં શરુ કર્યાં. આપના બાળપણ અને પરિવાર વિષે વાત કરો. મારો જન્મ ભાવનગર પાસેના એક નાનકડા ગામ વરતેજમાં થયો. અમે ત્રણ ભાઈ-બહેન હતાં અને હું ચાર વર્ષનો હતો ત્યારે મારા પિતાજીએ દેહ છોડી દીધો. પછી મારી વિધવા માએ હિંમત કરીને પ્રાથમિક શિક્ષકની નોકરી સ્વીકારી અને અમને બધાંને મોટાં કર્યાં. વિધવા હોય એને એ સમયમાં અનેક દુઃખો પડતાં, સગાં-વહાલાં સાથ છોડી દે વગેરે. એ વખતે શિક્ષકોનો પગાર સો-સવાસો રૂપિયા જેટલો જ હતો અને આખર તારીખમાં અમારી પાસે પૈસા ન હોય એવું પણ બનતું અને આઠ-દસ દિવસ કેમ પસાર થશે એવો પ્રશ્ન પણ ઉભો થતો. આમ જોવા જઈએ તો બે ટંક ખાવાના સાંસા હોય એવી પરિસ્થિતિ હતી, એવામાં અમે ભણ્યા. મારા ટકા સારા આવ્યા એટલે હું કોઈપણ કોલેજમાં એડમિશન લઇ શકું એમ હતું પણ મારી પરિસ્થિતિ એવી નહોતી કે હું કોલેજની ફી ભરી શકું. બાની બદલી કોળીયાક ગામે થયેલી અને ત્યાંથી બસમાં જવા-આવવાના પૈસા પણ ન હોય એવું હતું, ભણવાની વાત તો પછી આવે. એટલે અગિયારમાં ધોરણ પછી એક્સ્ટર્નલ અભ્યાસ કરીને મેં બી.એ કર્યું અને પછી પોસ્ટ એન્ડ ટેલિગ્રાફમાં મને નોકરી મળી. એ પછી હું બધા સંઘર્ષોને પાર કરતો કરતો પોસ્ટલ ક્લાર્કમાંથી હાયર સેકન્ડરી સ્કુલમાં અને ત્યાંથી પછી કોલેજમાં આવ્યો. એમ.એ સુધીનો બધો અભ્યાસ મેં એક્સ્ટર્નલ કર્યો. સંસ્કૃત પણ મને કોઈ દેવકૃપાએ આવડ્યું છે. કેમ કે મારા ઘરમાં એવી કોઈ પરંપરા નહોતી, મને કોઈ શિખવાડનાર નહોતું. મારા વિષે ઉમેશ કવિ કરીને એક જ્યોતિષી હતા એમણે આગાહી કરી હતી કે આ છોકરો ડોક્ટર થશે. પણ મારા ભાગ્યમાં મેડીકલ ડોક્ટર થવાનું નહોતું લખ્યું એટલે પછી હું સાહિત્યનો ડોક્ટર થયો. એ બનવા જોગ છે કે સંસ્કૃત ભાષાએ જ મને આર્ટસ તરફ ધકેલ્યો. એટલે મેં જ્યારે સંસ્કૃત લીધું ત્યારે મારા મોટા ભાઈ ભરતભાઈ યાજ્ઞિક, મારા કરતાં ચાર વર્ષ મોટા, અને એ મને મહેણાં મારતા કે ‘આ સંસ્કૃત એ ચોટલીઓની ભાષા કહેવાય. તારે કર્મકાંડ કરવાનું હોય કે શ્લોકો બોલવાના હોય. તો તું કંઈ લખશે નહીં.’ પણ મારા બંને ભાઈઓ પસ્તીમાંથી જૂની ચોપડીઓ લઇ આવતા. એ વાંચતાં વંચાતાં હું સાહિત્ય અને વિશ્વ-સાહિત્યનો અભ્યાસી બન્યો. સંસ્કૃતના, ગુજરાતીના મોટા-મોટા સર્જકો મને પસ્તીમાંથી વાંચવાના મળ્યા. કૃષ્ણલાલ શ્રીધરાણીની એક કવિતા મારે એસ.એસ.સીમાં ભણવામાં આવતી, ‘પતંગિયું અને ચમ્બેલી’. મને આજે પણ એ કવિતા આખી મોઢે યાદ છે. એ બહુ રોમેન્ટિક કવિતા છે. એ કવિતાનું રસદર્શન એ પાઠ્યપુસ્તકમાં સુરેશ જોશીએ કરાવ્યું હતું. એ કવિતાથી મારી કવિ તરીકેની પાંખો ખુલી ગઈ. અને મેં સૌથી પહેલાં છંદોમાં લખવાનું શરુ કર્યું, પછી ગીતો શીખ્યો. તે વખતે દુલા ભાયા કાગ હતા, એમની પાસેથી હું ચારણી છંદો, પોસ્ટલ સંપર્ક દ્વારા, શીખ્યો. ઝવેરચંદ મેઘાણીને વાંચીને મને લોકસાહિત્ય શું છે, લોકભાષા શું છે એનો ખ્યાલ આવ્યો. બીજી તરફ કાલિદાસ, માઘ, ભવભૂતિ એ બધાએ મને ક્લાસિકલ ભાષાનું ઘેલું લગાડ્યું. પણ મેં નક્કી કર્યું હતું કે મારે કશુંક નવું કરવું હશે તો જ હું લખીશ, નહીં તો હું નહી લખું. મારા ભાઈએ મને ૧૯૭૨-૭૫ની વચ્ચે એક અંગ્રેજી હાઈકુનું પુસ્તક આપ્યું. અંગ્રેજી પણ હું જાતે જ શીખ્યો, મારે બધું જાતે જ શીખવાનું હતું. તો હાઈકુ વાંચતાં વાંચતાં હાઈકુનું જે ઊંડાણ છે, એની જે વિશેષતાઓ છે, એની જે ઈમેજ છે, એ મને સ્પર્શી ગઈ અને એમાંથી મેં સંસ્કૃતમાં હાઈકુ લખવાનાં શરુ કર્યાં. ૧૯૭૨-૯૩થી લઈને ૧૯૭૫-૭૬ સુધી મેં લગભગ બસો પચાસ હાઈકુઓ લખ્યાં. અને સદભાગ્યે એ વખતે મને એક ગુરુનું સરનામું મળ્યું, હું એકલવ્ય હતો અને એ મારા દ્રોણ હતા. પોસ્ટલ સંપર્ક દ્વારા હું મારાં કાવ્યો એમને મોકલતો, એ મારાં કાવ્યો વાંચતા, મને પ્રોત્સાહન આપતા, ક્યાંક વ્યાકરણની ભૂલો હોય તો સુધારતા- એ ડો. એમ.વી જોશી, જે હમણાં જ દિવંગત થયા. તો હું એમનો ઉપકાર માનું છું કે એમણે મને એકલવ્ય તરીકે સ્વીકાર્યો પણ એમણે મારો અંગૂઠો ન માંગ્યો. એને કારણે ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી મારાં હાઈકુઓ ‘સંવિદ’ પત્રિકામાં છપાયાં. આપ જાણતાં જ હશો કે પહેલાં નવનીત અને સમર્પણ બે જુદાં સામયિક હતાં, એની સાથે ભારતીય વિદ્યાભવનનું ‘સંવિદ’ સંસ્કૃત મેગેઝીન પ્રકાશિત થતું. એ વખતે મારા અક્ષર બહુ ખરાબ હતા, ટાઈપીંગની કોઈ વ્યવસ્થા નહોતી, પણ એના તંત્રીએ મને બહુ પ્રેમપૂર્વક, વાત્સલ્યપૂર્વક વધાવ્યો અને કહ્યું કે તમે નવો ચિલો ચાતરી રહ્યા છો અને તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો. ‘સંવિદ’ આ પ્રકાશિત કરશે. અને લગભગ ત્રણ વર્ષ સુધી મારાં હાઈકુઓ એમાં પ્રકાશિત થયાં. અને એ રીતે સંસ્કૃતમાં મારી લેખનની શરૂઆત થઇ. પ્રશ્ન: આપનું મૂળ નામ હર્ષવદન મનસુખલાલ જાની. એમાંથી આપે હર્ષદેવ માધવ નામ અપનાવ્યું. એનું કારણ શું? એનાં બે-ત્રણ રમૂજી કારણો પણ છે. એક તો કનૈયાલાલ મુનશીની માસ્ટરપીસ નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ મેં વાંચી અને મને બહુ જ ગમી ગઈ, એમાં ‘માધવનો સંયમ’ કરીને એક પ્રકરણ છે. એ માધવ એટલે માલતીનો માધવ. એ સમયે મેં સમ્રાટ હર્ષવર્ધનની કૃતિ વાંચી, ‘રત્નાવલી’ ‘પ્રિયદર્શિકા’ વગેરે. તો હર્ષવર્ધન સંસ્કૃતમાં હર્ષદેવ તરીકે જાણીતા છે. એટલે મારું નામ હર્ષવદન એમાંથી મેં વદન કાઢીને દેવ સાથે જોડી દીધું. આ પહેલું કારણ. અને બીજું કારણ એ હતું કે એ વખતે હું પોસ્ટલ ડીપાર્ટમેન્ટમાં હતો અને એ ડીપાર્ટમેન્ટ ખૂબ જ શિસ્તબદ્ધ હતું. એટલું બધું શિસ્તબદ્ધ કે તમે કોઈ સરકારી કાર્યક્રમમાં ભાગ ન લઇ શકો, તમે કવિ સંમેલનોમાં ભાગ ન લઇ શકો, તમે કશું છપાવી ન શકો. એને કારણે મારે મારી સાચી ઓળખ છૂપાવવાની અનિવાર્યતા હતી, એટલે મેગેઝીનોમાં મારું નામ આવે તો મને કોઈ ઓળખે નહીં. એ રીતે આકાશવાણીમાં પણ ઘણા બધા કાર્યક્રમો મેં આપ્યા. અને સદભાગ્યે ‘હર્ષદેવ માધવ’ એ નામથી હું ઘણું લખી અને પ્રકાશિત કરી શક્યો અને ‘ધૂમકેતુ’એ જે યાતનાઓની વાત કરી છે એ યાતનાઓથી હું મુક્ત રહ્યો. અને પછી તો આ નામનું મને વળગણ થઇ ગયું. એટલે મને એમ થયું કે આ માલતી-માધવ અને હર્ષવર્ધન એ બેને મારી સાથે લઈને હું જીવી રહ્યો છું. પ્રશ્ન: આપે ગજલ, હાઈકુ, અછાંદસ, એબ્સર્ડ નાટક, નવલકથા જેવાં ગદ્ય અને પદ્યનાં અનેક સ્વરૂપોમાં સર્જનો કર્યાં છે. આટલા બધા સ્વરૂપોમાં સર્જનો કરવાં એ સહજ અભિવ્યક્તિ અને સર્જનશીલતા છે કે પછી પ્રયોગાત્મકતા? તમે બહુ સરસ સવાલ પૂછ્યો. ગુજરાતીમાં બે શબ્દો છે ‘પ્રયોગશીલ’ અને ‘પ્રયોગખોર’. પ્રયોગખોર ખાલી કરવા ખાતર પ્રયોગ કરતો હોય છે. જે પ્રયોગશીલ હોય એનાથી આપોઆપ પ્રયોગો થતા રહેતા હોય. સંસ્કૃતમાં એક બહુ સરસ ઉક્તિ છે કે क्षणेक्षणे यं नवतां उपैति तदैव रूपं रमणीयता:’ જે ક્ષણેક્ષણે નવું લાગે એનું નામ રૂપ. તમે જુવો તો સમુદ્ર એક સરખો નથી હોતો, એનાં રૂપ સતત બદલાતાં હોય છે. અને કવિની ચેતના પણ એ પ્રકારની જ હોય તો એ સારું લખી શકે છે. જે લકો એક રૂપમાં ફસાઈ જાય છે એ લોકો જિંદગીભર પછી ગજલ તો ગજલ જ ઘસ્યા કરે છે, અને પછી એમાં કશું નવું આવતું નથી. સંસ્કૃતમાં બીજી પણ એક સરસ ઉક્તિ છે કે प्रज्ञा नवनवोन्मेषशालिनी प्रतिभामता’. જે નવા નવા ઉન્મેષો પ્રગટાવે એનું નામ પ્રતિભા. તો મને ખબર નથી કે મારી ઈશ્વરદત્ત પ્રતિભાએ આ બધું કામ કર્યું છે, પણ મેં જે પ્રયોગો કર્યા છે એ પૂરેપૂરા સાહસ સાથે, પૂરેપૂરા જોખમ સાથે કર્યા છે અને હું સંસ્કૃતના પંડિતોની નિંદાનો ભોગ પણ બન્યો છું. પણ ભોગ બન્યા પછી પણ મેં મારી પ્રતિષ્ઠા, મારી કારકિર્દી અને કવિ તરીકેનો મારો દિગ્વિજય ચાલુ રાખ્યો છે અને અંતે એ પંડિતોએ મને હાથ જોડીને સ્વીકાર્યો છે. એટલે સંસ્કૃતમાં હાઈકુ, સિઝો- જે દક્ષિણ કોરિયાનો કાવ્યપ્રકાર છે, તાન્કા વિષે આપણે ગુજરાતીઓ જાણીએ છીએ, એ બધું હું લઇ આવ્યો. મોનો-ઈમેજ કવિતા એ ૧૯૭૦-૭૧ની આજુબાજુએ સુરેન્દ્રનગરના રમેશ આચાર્ય, મધુ કોઠારી જેવા મિત્રોએ કાવ્યપ્રકાર શરુ કર્યો. એમાં મફત ઓઝા, સતીશ ડણાક આ બધા કવિઓ હતા. એ લોકોએ એક કાવ્યસંગ્રહ બહાર પાડ્યો, એમાં પણ મારી એક કવિતા આવેલી. એટલે મોનો-ઈમેજનું આંદોલન મને બહુ ગમ્યું, કારણકે મૂળથી હું ઈમેજીસ્ટ કવિ હતો. હાઈકુએ મારામાં બિંબવાદનાં, કલ્પનવાદનાં મૂળ નાખી દીધાં હતાં. બીજું એ કે સંસ્કૃત ભાષા બહુ જ રૂઢિચુસ્ત હતી. હું ‘હતી’ શબ્દ વાપરું છું, મારા આવ્યા પછી નથી રહી. સંસ્કૃતમાં સામન્ય રીતે મહાકાવ્યો લખાય, ખંડકાવ્યો લખાય, નેતાઓની પ્રશસ્તિઓ લખાય, બોધ આપનારા શ્લોકો લખાય. ભાષાની એ બધી સરહદોને મેં તોડી નાંખી. સંસ્કૃતમાં એવા વિષયો પર ક્યારેય કોઈએ લખ્યું જ ન હોય એવા વિષયો પર મેં લખવાનું શરુ કર્યું, અને સંસ્કૃત પંડિતોને આંચકો આપ્યો. અને એ આંચાકાઓ ખાતા ખાતા પંદર-વીસ વર્ષ પછી મારો સાર્વત્રિક સ્વીકાર થયો. હું તમને એક ઉદાહરણ આપું: મોનો-ઈમેજ એ અકાવ્યોચિત વિષયોને કાવ્યોચિત બનાવે છે. આ એની પહેલી શરત છે. બીજું, એની અંદર પ્રતિક હોય, કલ્પન હોય, પુરાકલ્પન હોય, એ બધું મને બહુ ગમ્યું. ગમ્યું એટલા માટે કે આ બધું લખવા માટેની મને પૂરેપૂરી મુક્તિ હતી. એક ઉદાહરણ આપું તમને કે बुद्धस्य भिक्षापात्रे निमज्जितमस्ति अणुबोम्बदग्धं नगरम् l બુદ્ધના ભિક્ષાપત્રમાં ડૂબી ગયું છે અણુબોમ્બથી બળેલું નગર. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે બધું પાયમાલ થઇ જાય ત્યારે એ ખંડેરોમાં કોઈ આશ્વાસન આપે એવું હોય તો માત્ર બુદ્ધની દયા છે. અને એ વખતે બુદ્ધના ભિક્ષાપાત્રમાં આખી સંસ્કૃતિ, આખી સભ્યતા ફેંકાઈ જશે. બીજું તમને કહું, દાખલા તરીકે સંસ્કૃતમાં આજ સુધી બાથરૂમ ઉપર કોઈએ લખ્યું જ નથી. અને જો લખ્યું હોય તો બહુ ભવ્ય વર્ણન હોય, કે સોનાજડિત વાસણો અને એવું બધું પડ્યું હતું વગેરે જેવું બાણ ભટ્ટે લખેલું છે. મારું બાથરૂમ તો કોમન મેનનું બાથરૂમ છે. स्नानगृहं गत्वा गृहक्लेशश्रान्ता वधूः निःशब्दं रोदिति तदा स्नानगृहं तस्याःपितृगृहं भवति। બાથરૂમમાં જઈને, ઘરના કંકાસથી કંટાળેલી પુત્રવધુ નિશબ્દ રડે છે ત્યારે બાથરૂમ થઇ જાય છે એનું પિયર. સંયુક્ત