આરાધના ભટ્ટ
વાર્તાલાપની શ્રાવ્ય કડી
કેટલાક શિક્ષકો માટે શિક્ષણ એ વ્યવસાય છે, તો કેટલાક શિક્ષકો માટે શિક્ષણ એ આજીવન કર્તવ્ય છે. ૭૬ વર્ષીય ડૉ. રક્ષાબહેન દવે, આવાં આજીવન શિક્ષક છે એટલું જ નહીં એમનું લક્ષ્ય ભાષા શિક્ષણ અને એના દ્વારા મૂલ્ય શિક્ષણનું રહ્યું છે. નવી પેઢીના ભાષા પ્રત્યેના દુર્લક્ષ વિષે વયસહજનિરાશાકે કડવાશ ધારણ કરવાને બદલે તેઓ ભાષાશુદ્ધિ માટે ઉલટભેર કાર્યરત છે. એ અર્થે એમણે વીડિયો ટેકનોલોજીને અપનાવી લીધી છે અને યુટ્યૂબ ઉપર અસંખ્ય વીડિયો પ્રવચનો દ્વારા આબાલવૃદ્ધને ભાષાશુદ્ધિ માટે શિક્ષણ આપે છે. ગાંધીવિચાર સાથે ઉછરેલાં રક્ષાબહેન ભાવનગરની મહિલા કૉલેજમાં ગુજરાતી ભાષાનાં અધ્યાપક અને વિભાગીય વડા તરીકે કાર્યરત રહ્યાં, એ ઉપરાંત શિક્ષણની એમની કારકિર્દી દરમ્યાન તેમણે ઘણું પરિભ્રમણ કર્યું અને ઘણા સંઘર્ષોનો સામનો કર્યો. તેઓ બાળસાહિત્યમાં સર્જનશીલ છે, હસ્તકળા અને ભારતીય સંસ્કૃતિના અનેક આયામો વિષે એમનાં પુસ્તકો અને પ્રવચનો ઉપલબ્ધ છે. આ વાર્તાલાપ એમના ઉર્જામય અને ક્રિયાશીલ વ્યક્તિત્ત્વનો પરિચય કરાવશે.
પ્રશ્ન: ૨૧મી ફેબ્રુઆરી એક સરસ અવસર છે. એ દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે મનાવાય છે અને એ જ દિવસ તમારો જન્મદિવસ પણ છે. માતૃભાષા માટે જેને અપાર પ્રેમ છે, અને એના જતન અને સંવર્ધન માટે જે આટલા સક્રિય છે એનો જન્મદિવસ આ રીતે આખી દુનિયા ઉજવે એ કેટલો સરસ સુયોગ છે. ભાષાપ્રેમ તમને ગળથૂથીમાંથી મળ્યો? તમારા જન્મ-ઉછેરની વાત અમને કરશો?
મારા પ્રપિતામહ કવિ હતા અને એમને બધા કવિજી કહેતા. ભાવનગરના મહારાજા તખ્તસિંહજી એ ખૂબ ગુણગ્રાહી હતા અને એ એમના પાવિત્ર્ય ઉપર અને એમના કવિત્ત્વ ઉપર એટલા બધા ખુશ હતા કે એમને ભાવનગરમાં એક મકાન આપેલું. એટલે મારી પાસે આ ભાષાપ્રેમ, કવિતાએ બધું જે છે એ બધાની ગંગોત્રી એ છે, એમનું નામ ભવાનીશંકર દ્વિવેદી. અમે લોકો દ્વિવેદી છીએ. પછી મારા દાદા જયકૃષ્ણ ભવાનીશંકર દવે, એ ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં સરસ પ્રવચન કરતા, અને એ પણ કવિ હતા. મારા બાપુજી પણ થોડુંઘણું જાણતા. એટલે મને બધું ઘરના વાતાવરણમાંથી મળ્યું છે. મારી બા, એનું નામ શારદાબહેન દવે, એ પણ શાળામાં શિક્ષક હતા. મારા બાપુજી પ્રહ્લાદભાઈ દવે, એ પણ શિક્ષક હતા. એ બંને ભાષા શિક્ષક હતાં. એટલે અમારે ત્યાં હમેશા ભાષાની વાત જ થતી હોય. અમે કોઈ દિવસ કોઈની ચોવટ કરી હોય એવું તો યાદ જ નથી. છંદની વાત થતી હોય, સમાસની વાત થતી હોય, કે પછી હૃસ્વ-દીર્ઘની વાત થતી હોય. આવા વાતાવરણમાં હું ઉછરી એટલે તમે મને ચોટિયો ભારોને તો એમાંથી પણ વ્યાકરણ જ નીકળે એવું છે.
પ્રશ્ન: પછી વ્યવસાયે તમે કૉલેજમાં અધ્યાપન કર્યું. અને હવે તમે પ્રવાચનો કરો છો, લખો છો, અને હસ્તકળા પણ કરો છો. તમે ભાષા માટે જે કામ કરી રહ્યાં છો એનાથી આવતી પેઢીનું સંસ્કાર ઘડતર પણ થાય છે. અધ્યાપન કાળના તમારા અનુભવો જાણવાની ઇચ્છા છે.
અત્યારે જે હું કરું છું, પ્રવચનો, બાળવાર્તાઓ, બાળકવિતા, ધાર્મિક પ્રવચનો- એ બધું જ હું અધ્યાપક હતી ત્યારે પણ કરતી હતી. હું લગભગ આઠ-નવ વર્ષની હતી ત્યારથી પ્રવચન કરતી હતી. અધ્યાપનમાં મારે સંઘર્ષ બહુ વેઠવો પડ્યો છે. જે જુનિયર હોય એને સર્પલસ થવું પડે, અને હું જ્યાં જાઉં ત્યાં સર્પલસ થતી ગઈ અને બીજી જગ્યા જ્યાં મળે ત્યાં ગોઠવાતી ગઈ. પણ જ્યાં જાઉં ત્યાં હું વિદ્યાર્થીઓની પ્રિય અધ્યાપક થઇ જાઉં એટલે મને બીજી કોઈ તકલીફ નથી પડી. નવા ગામમાં જઈને મકાન શોધવાનું એ બધી તકલીફ સિવાય કોઈ તકલીફ નથી પડી. બાકી તો હું શું કહું તમને? હું બેલ પડે કે તરત ભણાવવા ક્લાસમાં જાઉં, કોઈ દિવસ મોડી ન જાઉં. મારા ક્લાસમાં વિદ્યાર્થીઓને મૂલ્યશિક્ષણ મળે એની કાળજી લેતી. એક વખત એક છોકરો મારી પાસે આવ્યો અને મને કહે કે બહેન આગળથી નોટબુક ખોલો તો તમે જે ભણાવતા હો એની રનિંગ નોટ લખી છે અને પાછળથી નોટબુક ખોલો તો એ વાત છે જે તમે અમને મૂલ્યશિક્ષણ રૂપે ભણાવતા હતા. અધ્યાપક થઈ તે પહેલાં હું હાઈસ્કૂલમાં શિક્ષક હતી, ત્યાં પણ આવી જ રીતે ભણાવતી. અને હજુ પણ ભણાવવાનું ચાલુ જ છે. ભણાવવામાં મને બહુ જ આનંદ આવે છે.
પ્રશ્ન: તમે હવે જે શિક્ષણનું કામ કરો છો એ ઘણું બધું યુટ્યૂબ દ્વારા થાય છે. એ તરફ ક્યાંથી વળ્યાં?
હું ઘણી બધી બાળવાર્તાઓ કહું છું અને મને થયું કે આને યુટ્યૂબ પર મૂકવી જોઈએ. અમારા એક પ્રિન્સીપાલ ધીરુભાઈ હતા, એ મને જ્યારે મળે ત્યારે કહેતા કે તમે મરી જશો ને ત્યારે બધું તમારા ભેગું જતું રહેશે.હું મજાક કરતી કે ‘એવું કેમ કહો છો? તમે મારું મોત જોઈ ગયા છો?’ તો એ કહેતા કે ‘તમારી પાસે જે બધું છે એને યુટ્યૂબ પર મૂકો. તમારી પાસે એટલું બધું છે કે સેંકડો અપલોડ થશે તમારા’. એટલે મેં મારા ભત્રીજાને કહ્યું કે મારી ૩૬ લાઈવ બાળવાર્તાઓ છે, એ મને યુટ્યૂબ પર મૂકી આપ. એટલે એણે મારી યુટ્યૂબ ચેનલનું એ રીતે ઉદ્ઘાટન કર્યું. અને પછી લોકો તો એની પાછળ ગાંડા થઈ ગયા. એટલે પછી હવે હું બધું મૂક્યા જ કરું છું. હું માત્ર બાળવાર્તાઓ નથી મૂકતી, બાળગીતો પણ મૂકું છું. તાલિમાર્થી શિક્ષકોને હું અભિનય શીખવું છે, એ પણ મૂકું છું. બાળકો આગળ કેવી રીતે પ્રસ્તુતિ કરાય તે હું એ લોકોને બતાવું છું. હું ધાર્મિક વાતો પણ યુટ્યૂબ પર મૂકું છું, ભાગવત ઉપર પણ બોલું છું. એટલું જ નહીં, હું નકામી વસ્તુઓમાંથી કળા કારીગીરી કરીને સર્જન કરું છું, એ કૉલાજ અને ચિત્રો બનાવવાનું પણ હું ત્યાં મૂકું છું. પણ હું જે જે કામ કરું છું એમાં મૂલ્યશિક્ષણનો ખ્યાલ રાખીને જ કરું છું. એટલે મારી યુટ્યૂબ ચેનલ પર તો પાર વિનાની વિવિધતા છે.
પ્રશ્ન: આજે વિશ્વગુજરાતીઓની જ નહીં, પણ ગુજરાતમાં વસતા અને ભારતમાં વસતા ગુજરાતીઓની ભાષાશુદ્ધિ માટેની ચીવટ ઘટતી જાય છે. તમે ભાષાશુદ્ધિના આગ્રહી છો, સાચી જોડણીના આગ્રહી છો. તમે કહો છો કે ભાષાના કેટલાક સાદા નિયમો યાદ રાખવાથી ભાષાશુદ્ધિ જાળવી શકાય છે. અમને આવા એક-બે નિયમોનાં ઉદાહરણસાથે આ વાત સમજાવશો? હવે ભાષા એ જાણે જાહેર કૂવો અથવા જાહેર નદી છે. ગાંધીજી કહેતા કે જાહેર કૂવામાં કોઈ દીઅસ થૂંકાય નહીં, એનું પાવિત્ર્ય જાળવવું જોઈએ, એમ ભાષાને પણ આપણે બરાબર જાળવવી જ જોઈએ. એને માટે હું એવાં પ્રવચનો કરું છું કે માણસોને જરાય કંટાળો ન આવે. પહેલાં તું હું એમની સાથે શરત કરું કે બે કલાક હું એક ધારું ભણાવીશ, કારણકે એમાં શિક્ષકો અને એવા લોકો આવતા હોય છે. જો શિક્ષકોની જોડણી સાચી હશે તો જ બાળકોની જોડણી સાચી હોવાની. એટલે બાળકોને ભણાવતાં પહેલાં શિક્ષકોને ભણાવવાની જરૂર છે, કારણકે બાળકો અનુકરણશીલ છે અને જાણે કે શિક્ષકોને આ વાતની ખબર જ નથી. હું એ રીતે આ શિક્ષણ આપું છું કે એમને ગળે વાત તરત ઉતારી જાય, એ જરાય અઘરું નથી. અંગ્રેજી અઘરું છે. એમાં લખાય ‘વુલ્ડ’ અને બોલાય ‘વુડ’, લખાય શુલ્ડ અને બોલાય ‘શુડ’, લખાય ‘ફાટીગ્યુ’ અને બોલાય ‘ફટીગ’. આવું તો કેટલું બધું છે. કેટલાક અક્ષરો એવા હોય જેના ઉચ્ચાર કરવાના જ ન હોય. આવું ગુજરાતી કે હિન્દી કે સંસ્કૃતમાં નથી, એમાં જે બોલીએ એ જ પ્રમાણે લખાય છે. તો હું શિક્ષકોને કહું કે આપણે સૌથી વધારે ભૂલો કરીએ છીએ અનુસ્વારમાં, બીજી આપણે ભૂલો કરીએ છીએ હ્રસ્વ-દીર્ઘમાં, એ ભૂલો ન થાય એ માટે આપણે જાગૃત રહેવું જોઈએ. તો હું તમને બે-ત્રણ નિયમો આપું અને એ નિયમો યાદ રાખવાની ચાવી પણ તમને આપું. એક નિયમ એવો છે કે પુલ્લિંગમાં અનુસ્વાર ન કરાય. જેમ કે ‘રામ વનમાં ગયા’. ‘ગયા’માં યા ઉપર અનુસ્વાર ન કરાય. પણ‘સીતા પણ વનમાં ગયાં’. એમાં ‘યાં’ અનુસ્વાર વાળો છે. હવે આ અનુસ્વાર માત્ર ક્રિયાપદમાં જ આવે-ન આવે એની વાત નથી, જેમકે ટમેટું. ટમેટું એ નપુંસક છે. તો નપુંસકમાં અનુસ્વાર આવે. જેમ કે ‘ટામેટાં બગડી ગયાં’. ‘કબાટ તૂટી ગયો’,‘કબાટ તૂટી ગયા’, કારણકે ‘કબાટ’ પુલ્લિંગ છે. તો હવે પ્રશ્ન એ થાય કે ખબર કેવી રીતે પડે કે કયો શબ્દ સ્ત્રીલિંગ, કયો પુલ્લિંગ અને કયો શબ્દ નપુંસક છે? તો એનો પણ નિયમ છે. કોઈ પણ શબ્દ હોય એને આપણે ‘કેવો’, ‘કેવી’,‘કેવું’ એમ પૂછી જોવું. ‘ખુરશી કેવો?’- એવું ન બોલાય. ‘ખુરશી કેવી?’ એમ બોલવું પડે. એટલે એનો અર્થ એ કે ‘ખુરશી’ સ્ત્રીલિંગ છે. તો આમ લિંગ શોધ્યા પછી અનુસ્વારનો નિયમ લાગુ કરાય. આવું ભણાવીએ, પણ બહાર નીકળ્યા પછી માણસોને ઊંધું યાદ રહી ગયું તો? એટલે હું એ લોકોને સમજાવું કે અમે લોકો –સ્ત્રીઓ બારે માસ પાણી ભરીએ છીએ. અમે માથે બેડું ચડાવીને પાણી ભરીએ, અમને માથે બેડું ચડાવતાં શરમ ન લાગે. પણ એક દિવસ પાણી ભરવાનું પુરુષોને કહીએ તો એ બેડું માથે નહીં લે . એ ડોલ મંગાવશે અને ડોલથી પાણી ભરશે. આનો અર્થ એ કે પુરુષો માથે બેડું લેતા નથી. બસ, થઈ ગયું- જે માથે બેડું ન લે એને અનુસ્વાર ન હોય. અનુસ્વાર એટલે માથે બેડું. એટલે એમને સરસ યાદ રહી જાય અને બધું જ હું આવી રીતે ભણાવું છું. પછી હું એમને કહું કે પુલ્લિંગમાં અનુસ્વાર ન હોય, સ્ત્રીલિંગમાં અનુસ્વાર હોય અને નપુંસકમાં અનુસ્વાર હોય. પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બે ભેગાં થાય તો? તો, હું એમને કહું કે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બે ભેગાં થાય તો પુલ્લિંગનો ચેપ સ્ત્રીલિંગને લાગે એટલે અનુસ્વાર આવે. જ્યાં નપુંસક અને પુલ્લિંગ સાથે હોય ત્યાં પુલ્લિંગનો ચેપ નપુંસકને લાગે એટલે અનુસ્વાર આવે, બધાને પુલ્લિંગનો ચેપ લાગે. સ્ત્રીલિંગ અને નપુંસક હોય ત્યાં અનુસ્વાર આવે. એકલો પુલ્લિંગ હોય ત્યારે અનુસ્વાર ન આવે. પણ હજુ એક નિયમ છે. રામ અને સીતા વનમાં ગયાં. પણ અને બદલે ‘યા’, ‘અથવા’, ‘કે’ જેવા વિકલ્પવાચક સંયોજક વાપરીએ એનો પણ એક નિયમ છે. જેમ કે ‘ખેડૂતે વાડી, ખેતર વેચ્યાં’. અહીં ‘વાડી’ સ્ત્રીલિંગ છે અને ‘ખેતર’ નપુંસક છે, એ બે ભેગાં થયાં એટલે અનુસ્વાર આવે.‘ખેડૂતે પોતાનો કૂવો પણ વેચ્યો’. તો‘ખેડૂતે કૂવો, ખેતર, વાડી વેચ્યાં’. અહીં પુલ્લિંગ ‘કૂવો’, સ્ત્રીલિંગ‘વાડી’ અને નપુંસક ‘ખેતર’ ભેગાં થાય છે એટલે આપણે અનુસ્વાર મૂકીએ. પણ જો આપણે એવું કહીએ કે ‘ખેડૂતે કૂવો, અથવા વાડી અથવા ખેતર…’ તો એ વાક્યમાં ક્રિયાપદની પડખે જે નામ હોય એ પ્રમાણે ક્રિયાપદ એકવચન આવે અને એ નામના લિંગ પ્રમાણે અનુસ્વાર આવે અથવા ન આવે. તમને એક મજાની વાત કહું. મારો એક વિદ્યાર્થી પરણતો હતો, મને કહે કે બહેન લગ્નમાં આવશો? મેં કહ્યું હું કોઈ લગ્નમાં જતી નથી. કારણ કે મેં લગ્ન કર્યાં નથી એટલે હું સમજુ કે એ ઈલાકામાં આપણાથી ન જવાય. પણ એણે બહુ આગ્રહ કર્યો એટલે હું તૈયાર થઈ. હું ગઈ તો મેં જોયું કે જ્યાં વર અને કન્યા બેઠાં હતાં ત્યાં ઉપર લાઈટનો શણગાર કર્યો હતો અને અને એક બોર્ડ પર લખ્યું હતું ‘ભલે પધાર્યા’. એ જોઈને હું પાછી પડી, અને મેં કહ્યું કે આમાં તો કદાચ પુરુષોથી જ જવાય, એટલે હું પછી જાઉં છું. પછી મેં એમને કહ્યું કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, બધાએ આવવાનું છે એટલે ‘ભલે પધાર્યાં’ જોઈએ ને? અને મેં એની પાસે ત્યાં ને ત્યાં એ સુધરાવ્યું. એ છોકરાએ ઊભા થઈને કોઈ પાસે ચાંદલો માંગ્યો અને એનાથી એણે જાતે ત્યાં અનુસ્વાર કર્યું, બોલો ! ત્યાં આ જોઈ રહેલા અડધા માણસોએ મારા વખાણ કર્યાં કે વાહ, આવા પ્રાધ્યાપક હોવા જોઈએ. અને બીજા અડધાએ કહ્યું હશે કે સારું છે આ બહેન પરણ્યાં નથી. એ પરણ્યાં હોત તો વરની ભૂલો જ કાઢત. જોડણી બાબતે હું એટલી બધી ચીકણી છું કે કોઈએ મને ચિઠ્ઠી લખી હોય અને એ ચિઠ્ઠી વાંચીને હું કચરા ટોપલીમાં નાખું ત્યાં મારી નજર એમાં જોડણીની ભૂલ પર પડે તો હું ઊભી થઈને એ ફાટેલી ચિઠ્ઠી કચરા ટોપલીમાંથી ઉપાડું, એ ભૂલ સુધારીને પછી એ ચિઠ્ઠી પાછી નાંખી દઉં. જે વસ્તુ ગોટો વાળીને ફેંકી દેવાની હોય એમાં પણ જોડણીની ભૂલ ન હોવી જોઈએ. આવી ચિકાશ મને જોડણી માટે છે. એક બીજો દાખલો આપું? એને જોડણી સાથે નહીં, પણ ભાષા સાથે નિસ્બત છે. એક વખત એક બહેને મને મેસેજમાં લખ્યું ‘જયશ્રી કૃષ્ણ’. તો મેં એમને પૂછ્યું કે આ જયશ્રી કોણ છે? એટલે એ બહેન જરા મુંઝાયાં. એટલે એમણે ફરી લખ્યું ‘જય શ્રી કૃષ્ણ’. એટલે પછી મેં એમને સમજાવ્યું કે ભગવાન વિષે કે ભગવાનના અવતાર વિષે લખવું હોય ત્યારે શ્રી એમના નામની પડખે લખાય. અને મેં એમને સાચું કેવી રીતે લખવાનું એ કહ્યું-‘જય શ્રીકૃષ્ણ’.
પ્રશ્ન: તમારી આ વાત સાંભળીને લાગે છે કે તમને મેસેજ કરતી વખતે જોડણી વિષે સાવચેતી રાખવી પડશે! આપણે હવે વાત કરીએ તમારા પ્રથમ કાવ્યસંગ્રહની. એનું આમુખ કવિ સુન્દરમે લખેલું અને એમાં એમણે તમને‘આધુનિક મીરાં’ કહ્યાં છે. એમાં એમનો શું ભાવાર્થ હશે?
એ સંગ્રહમાં છે ને ઘણાં ભક્તિકાવ્યો છે, બીજા નંબરે પ્રકૃતિ કાવ્યો છે અને પછી કેટલાંક કુટુંબ કાવ્યો છે. પ્રણય કાવ્યો તો એક-બે જ છે. પછી તો મેં પ્રણય કાવ્યો લખવાનું પણ બંધ કર્યું. મને થયું કે આપણે કોઈને પ્રણય કર્યો નથી તો ખોટે ખોટું એવું નાટક શું કામ કરવું? એ ભક્તિ કાવ્યો વાંચીને સુન્દરમને એવું લાગેલું, પછી તો ઉશનસને પણ એવું લાગેલું કે મારાં કાવ્યોમાં નરસિંહ કે મીરાંની છાયા નથી, કોઈ આધુનિક ભક્તકવિની પણ છાયા નથી. એટલેએ કાવ્યો બિલકુલ મારી વ્યક્તિતાવાળાં જ છે. અને એમને લાગ્યું કે આનો આત્મા તો નક્કી મીરાંનો જ હોવો જોઈએ. તમે જુઓને હું સાવ સાદી છું, ખાદીનો ધોળો સાડલો જ પહેરું છું, હું ગુજરાતી છું એટલે ગુજરાતી ઢબે જ પહેરું છું, ઉંધો છેડો નાખીને પહેરવાનું મને કોઈ દિવસ મન થયું નથી. હમણાં મેં મારો એક ગ્રંથ કર્યો. એનું નામ છે ‘મીરાંમય ભાગવત’, એમાં મેં અનેક જગાએ ભાગવતની ટીકા કરી છે અને એ બહુ મોટું સાહસ છે. એ વાંચીને મને રાધેશ્યામ શર્માએ પત્ર લખેલો કે અત્યારે જો સુન્દરમ જીવિત હોત તો આ વાંચીને એ તમને ત્રિશુલધારીણી દૂર્ગા કહેત.
પ્રશ્ન: ૭૬ વર્ષની વયે તમે યુવાનોને શરમ આવે એવી ઉર્જાથી કામ કરી રહ્યાં છો. આ જોમ, આ ઉત્સાહનું રહસ્ય શું છે? એનું રહસ્ય એ છે કે હું પહેલેથી પ્રગતિવાદી છું.પહેલેથી હું મારો જે મત હોય તે દર્શાવું, કોઈથી ડરું નહીં. મારી મા, હું ઉંમરમાં આવી એટલે મારે માટે સંબંધો શોધતી, પણ મેં કહેલું કે હું પરણીશ નહીં. મેં એને કહી દીધેલું કે એ કુંડાળામાં મારે પગ નથી મૂકવો. મારે અપરિણીત રહેવા માટે પણ બહુ સંઘર્ષ કરવો પડ્યો છે. હું સાવ સાદી રહું છું, કોઈ દિવસ મેં રંગીન લૂગડું પહેર્યું નથી, સેંથો પાડવા સિવાય હું આયનામાં પણ જોતી નથી. ચાંદલો કરવો હોય તો નાકની ધારે ધારે જાઉં અને ત્યાં ચાંદલો કરી દઉં. મને ખબર છે કે જે રીત મારે જીવવું છે એમાં મારી રહેણીકરણી આવી હોવી જોઈએ.
પ્રશ્ન: આ વાર્તાલાપના સમાપનમાં તમે યુવાન મિત્રોને શું સંદેશો આપશો? સ્વસ્થ સમાજના ઘડતરમાં માતૃભાષાની ભૂમિકા તમારી દૃષ્ટિએ શું છે?
આપણી માતા આપણને ધવડાવતી હોય એવી આપણી માતૃભાષા છે. સપનું પણ આપણને માતૃભાષામાં જ આવે છે. ભલેને તમે અંગ્રેજી માધ્યમમાં ભણતા હો, પણ તમને સપનું તો ગુજરાતીમાં જ આવવાનું છે. આપણને કંઈક વાગે તો આપણે ‘ઓ મા’ એમ જ બોલવાના છીએ, ‘ઓ મધર’ નથી બોલવાના. માતૃભાષા આપણામાં માના દૂધની જેમ સિંચાયેલી છે, એને શું કામ આપણે છોડીએ છીએ એ ખબર નથી પડતી. મને અંગ્રજી ભણાવતા શિક્ષકોએ પણ કહ્યું છે કે આ પાઠ્યપુસ્તકમાંના પાઠ ભણાવવા સિવાય અમને કંઈ અંગ્રેજી આવડતું નથી. એટલે આ છોકરાઓ ‘ઓપન ધ ડોર’ અને ‘શટ ધડોર’ થી આગળ કશું શીખતા હોય એવું લાગતું નથી. એ લોકોને અંગ્રેજીમાં કોઈ સુંદર મજાનો નિબંધ લખવાનું કહીએ કે કોઈ કવિતા લખવાનું કહીએ તો એ ન લખી શકે. મને એમ થાય કે આપણી ગુજરાતી ભાષાનું, આપણે જો અંગ્રેજીભાષી હોઈએ તો અંગ્રેજી ભાષાનું, આપણે જો હિંદીભાષી હોઈએ તો હિંદી ભાષાનું, એટલે કે આપણી માતૃભાષાનું ગૌરવ કરશું નહીં તો આપણામાંથી કોઈ કવિ કે લેખક જન્મશે નહીં. કારણ કે કલ્પના તો હંમેશા માતૃભાષા દ્વારા જ થઈ શકે. હું તમને શું કહું? પ્રાથમિક શાળાના કે માધ્યમિક શાળાના કે કૉલેજના શિક્ષકો ગમે એટલું સારું ભણાવતા હોય પણ જો ચોક લઈને પાટિયા પર લખે તો જેમ વાઘરણના (???આ શબ્દ કાઢવો હોય તો કાઢી નાખવો)માથામાં જૂ ખદબદતી હોય એમ વાક્યે વાક્યે જોડણીની ભૂલો ખદબદતી હોય. એક વાક્યમાં એક ભૂલ તો હોય જ. હવે આવું તો કેમ ચાલે? એ સુધારવું જ જોઈએ અને એ જરાય અઘરું નથી. પ્રત્યેક શબ્દકોશના શરૂઆતના પાનાંઓ પર આ નિયમો છે અને એ નિયમો જાણતા હોઈએ તો ભૂલ ન થાય. નિયમો જાણતા હોઈએ તો અકસ્માત ન થાય. ડાબે જ વાહન ચલાવવું જોઈએ, એમ ખબર હોય તો કોઈ દિવસ અકસ્માત થાય? જેમ આપણા જીવનમાં કોઈ ખરાબ કામ કરવું ન જોઈએ એમ જ આપણે લખીએ એમાં પણ ખોટી જોડણી ન હોવી જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ જે લોકો જોડણીમાં આવા પાકા છે અને ચીકણા છે એ લોકો કોઈ દિવસ ખોટું કામ નહીં કરે. જોડણીની શુદ્ધિ એ આપણા જીવનના શુદ્ધિકરણમાં પણ સંક્રમિત થાય છે. જો જોડણીમાં અને ભાષામાં શુદ્ધિનો આગ્રહ રાખીશું તો એ જ આગ્રહ આપણા જીવનમાં પણ સંક્રમિત થશે.