સાહિત્યિક સંરસન — ૩/સંસ્કૃતિરાણી દેસાઈ

Revision as of 08:19, 5 October 2023 by Atulraval (talk | contribs)


++ સંસ્કૃતિરાણી દેસાઈ ++


૧: વાતને કવિતામાં —

એક વાતને કવિતામાં મૂકવાનું કરું છું 
તો રહી જાય છે એક બાજુથી 
થોડો છેડો બહાર. 
ઘુસાડવાનું કરું છું આંગળીથી એને અંદર, 
તો ઘૂસી તો જાય છે 
પણ બીજી બાજુથી 
નીકળી જાય છે થોડું બહાર. 
ત્યાંથી જરા દબાવું છું  
તો 
ટપકી પડે છે થોડો રસ દબાવવાને લીધે 
પ્રવાહીનાં રૂપમાં બહાર 
તેને પાછો કવિતામાં લઈ લઉં છું...
વળી થોડું રહી જાય છે બહાર 
એમ કરવાને બદલે 
બધું જ અંદર આવી જાય 
એટલે 
પ્રવાહી કરી, ઉકાળી, ઓગાળી, ઢોળી દીધું 
નવલકથાનાં સ્વરૂપમાં 
ભરાઈ ગયો આખો આકાર બરાબર.
પણ આ તો થઈ ગયું ખૂબ આછુંપાંખું 
આ ન ચાલે...
ફરી ઉકાળી, ઘટ્ટ કરી 
રેડ્યું 
વાર્તાનાં બીબામાં 
પણ 
સાલું દિલ ખુશ થાય એવું  ન થયું.
મઝા આવે છે, 
એ વાતની તો 
કવિતામાં જ.
મૂકી તેને ફરી પાછી કવિતામાં 
હા... થોડીક બહાર  રહી ગઈ  એક બાજુથી 
ને થોડા દોરા લટકે છે બહાર પાછળથી.
પણ બધું તે કંઈ આવે કવિતામાં? 
થોડું બહાર રહે તે જ સારું.
મઝા તો એમાં જ  છે ને?

૨ : તારી ઇચ્છા પ્રમાણે —

ઉપર માળિયામાં ભૂત ફરતું લાગે છે.
પગલાં સંભળાય છે...
ભૂત તો નહીં પણ કંઇક છે ખરું.
હીંચકો જોર જોરથી હીંચવા માંડ્યો 
બહારના કાદવવાળા પગલાં 
ઘરમાં આવતા દેખાયાં...નાનકડાં છે...
હવે બારી ઉપર ચઢી બહાર જતા રહ્યાં...
ને ફરી બારીમાંથી આવી ભીંત પર ચાલતાં 
સિલિંગ પર ચઢી ગયાં, પગલાં... કાદવવાળા, 
પોતાના ચિહ્ન મૂકવાં.
પ્રેશરકૂકરની સીટી જોર જોરથી વાગવા માંડી 
વોશિંગ મશીન પોતાની મેળે જ ચાલુ થઈ 
ઘૂર ઘૂર અવાજ કરવા માંડ્યું.
અરે ભઈ... જરા થોડું કામ પતાવી દેવા દે ને  
પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી આપી દેવાનો છે 
પછી બેસીએ આપણે...? 
બારી એકદમ ધડાક કરીને ખુલી ગઈ 
ને ટેબલ ઉપરનાં બધાં કાગળિ યાં  
ઊડવા માંડ્યા બારી બહાર...
આખ્ખેઆખ્ખી કાગળની થપ્પી ઊડી  ગઈ.
ટેબલક્લૉથ ખેંચાઇને નીચે પડ્યો ને તેના ઉપરના 
કપ, રકાબી, કિટલી, બધાં જ જમીન પર પડી 
તૂટી  ગયાં...
સારું ભઈ સારું... તારી ઇચ્છા પ્રમાણે 
લે ચાલ આવી જા, 
બેસું છું હું અત્યારે જ  
કવિતા લખવા...

૩ : મારી જિંદગીની હોડી —

મારી જિંદગીની હોડીને આટલે સુધી 
ખેંચીને લઈ આવ્યો છું હું 
એકલે હાથે. 

હોડી બહુ મોટી છે, ને છે વજનદાર. 
સખત મહેનત પડી છે તેને ખેંચવામાં 
જંગલોમાંથી, રણોમાંથી, ખડકાળ જમીન પરથી 
માણસખાઉ આદિવાસીઓની વસ્તીમાંથી 
તળિયામાં પડી ગયાં છે થોડાં કાણાં 
ને હલેસાં ચોરી ગયા છે પેલા માણસખાઉ આદિવાસીઓ.
 
મહાસાગર હવે બહુ દૂર નથી 
અશક્ય નથી તેના સુધી પહોંચવું 
આજે કદાચ મુદતનો છેલ્લો દિવસ છે 
નહીં તો મારી જિંદગીની હોડીને તોડી નાખશે  
કે કદાચ માણસખાઉ આદિવાસીઓ મને...
પણ હજી થોડી વાર છે 
બસ કાણાંઓ જ સાંધી દેવાનાં છે 
અને હલેસાં જ બનાવી દેવાનાં છે 
સૂરજ આથમતા પહેલાં...
તો મારી હોડી બની જશે જળકન્યા 
ને હું 
મત્સ્યદેશનો રાજકુમાર 
પૂરો થઈ જશે 
અનેક જન્મોનો શ્રાપ 
ને રાજ કરીશું અમે, પાતાળના મત્સ્યદેશમાં.
મારી જિંદગીની હોડીને 
આટલે સુધી ખેંચીને લઈ આવ્યો છું 



તન્ત્રીનૉંધ :

કેટલાંક કાવ્યો એટલાં બધાં ઊંડાં હોય કે દોરડે બંધાઈને એ કાવ્યકૂવામાં ઊતરવું પડે, તો સમજાય કે અરે, આને તો સાત પાતાળ છે. પણ બીજાં કેટલાંક એવાં તો સ્પષ્ટ હોય કે તમે લ્હૅરથી લૉનમાં લેટ્યા રહો ને, મજાકમાં કહું કે, કોઈ તમને નાનાં નાનાં બોર ખવરાવતું રહે.

૧: વાતને કવિતામાં — કાવ્યકથકનો કાવ્યસર્જનપુરુષાર્થ દાદ માગી લે એટલો રમૂજી છે. એણે કશીક વાતને કવિતામાં, એ પછી નવલકથામાં, અને એ પછી, વાર્તામાં મૂકી જોઈ, પણ ફાવટ ન આવી, એટલે છેલ્લે કાવ્યમાં જ મૂકી. એને એની મજા આવી, એ પણ સારું જ થયું કે, ભલે વાત થોડીક બહાર રહી ગઈ. જાગ્રત ભાવકને પ્રશ્ન થવાનો કે એ એક ‘વાત’ હતી શું. જોકે એની જાણ કાવ્યકથકને હોય કે ન હોય, ઉચિત જ હતું કે એનું એણે નામ નથી પાડ્યું. બહાર રહી જતા છેડાને ઘુસાડવો, દબાવવો, તેમજ ઉકાળીને ઘટ્ટ કરી રેડવું વગેરે ક્રિયાઓ અને લટકતા દોરા, કાવ્યકથકના એ પુરુષાર્થને તાદૃશ કરી આપે છે, જેમાં ભાવક સ-રસ સંડોવાયેલો રહે છે. હળવાશથી કાવ્ય રચી લેવાનો એટલો જ હળવો ઇલાજ પણ સ-રસ.

૨ : તારી ઇચ્છા પ્રમાણે — કવિતા લખવા માટેના પ્રેશર હેઠળ ઘટેલા એક કલ્પનામય વ્યાકુળ બનાવની અવિકળ અભિવ્યક્તિરૂપ રચના.

૩ : મારી જિંદગીની હોડી — આ એક સારી કાવ્યકૃતિ છે. ‘મહાસાગર’, અને ‘જીવનનાવ’ કે ‘જિન્દગીની હોડી’ રૂઢ રૂપકો છે તેમછતાં કાવ્યકથક એ રૂપકને આગવી રીતે વિકસાવી શક્યો છે. એ રીત એવી કે રૂપક એક નાનકડી કથામાં ઑગળી જાય છે. હોડીને મહાસાગર લગી ખૅંચી લાવતાં એને કષ્ટ ખાસ નથી પડ્યું પણ માણસખાઉ આદિવાસીઓથી એને રંજાડ થયો છે. બને કે એ માણસખાઉઓ આદિવાસી ન હોય, એની આસપાસના જ હોય. છતાં એને આશા છે કે બધું સરખું થઈ જશે અને હોડી બની જશે જળકન્યા. પછી કાવ્યકથકની કલ્પના સુખે ચગી છે. એની જેમ દરેક મનુષ્યને થતું હોય છે કે આટલે લગી ખૅંચી લાવ્યો છું, ને મહાસાગર તો હવે દૂર નથી. વેદનાને જિરવી જાણતો કાવ્યકથક ભાવકોને સ્પૃહા કરવા જેવો લગશે.