સાહિત્યિક સંરસન — ૩/હરીશ મીનાશ્રુ

Revision as of 08:27, 5 October 2023 by Atulraval (talk | contribs)


++ ++ હરીશ મીનાશ્રુ ++ ++


૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —

બહુલનો અનંતભોગી
હું
હવે શમું છું એકમાં

હું વિલસું છું શૂન્યના વિવેક વિષે
હું એક છું

કદાચ એક કહેવામાં વીગતદોષ છે:
મેં જગવી છે અહાલેક એકની
તત્ત્વત:
હું એકનો અતિરેક છું

હું પૂર્ણનો નિષ્પલક સાક્ષી
પ્રકટ્યો છું અ-ગણિતનો ઉદ્રેક બની
હું એક છું

પ્રમાણથી પર
સંખ્યા અને સાંખ્યથી અતીત
ધૃતિથી ધન્ય : અનન્ય એક

હું પ્રસન્ન થાઉં છું
ને અંશ પર અભિષેક કરું છું
એકનો

૨ : ગાંધીને માથે કાગડો —

ગાંધીને માથે કાગડો બેઠો છે.
પહેલાં તો બેઠો હશે બાવલા પર, ઘડીભર
પછી તસવીરમાં, કાયમ માટે.
બેઠો છે એવું કહ્યું તે અભિધા ને વ્યંજના, બેઉમાં.
જે ઝડપાઈ ગયો છે તસવીરમાં
તે બેઠો હશે અભિધામાં, ઉભડક જીવે
બાકી વ્યંજનામાં તો બેઠો છે દાયકાઓથી, નિ રાંતે.
તાજ્જુબીની વાત એ છે કે
શ્રાદ્ધપક્ષમાં વિદ્યાપીઠના ઇલાકામાં
કોઈ કહેતાં કોઈએ કર્યો નથી કાગવાશનો પોકાર
તોય આવતોકને બેઠો છે ગાંધીને માથે.
એવુંય નથી કે નર્મદાનાં કાંકરા નાખીને
એણે ઊંચું લાવવાનું છે સાબરમતીના જળનું તળ
તોય અડિંગો લગાવીને બેઠો છે ગાંધીને માથે.
ને આ વાતે
આ ગાંધીચકલાના લોકોના પેટનું પાણીય હાલતું નથી
દેશ દુનિયા ને રિવરફ્રન્ટના રાહદારીઓને તો
જાણે આ વાત કોઠે પડી ગઈ છે
કે કાગડો બેઠો છે ગાંધીને માથે, બિનધાસ્ત
ન્યૂ નોર્મલના દાવે.


છાપાની કોલમ જેવડા
બુદ્ધિજીવીઓના એક મોટા વર્ગને તો
ઇન્ડિયન ઇન્ગ્લિશ ને વર્નાક્યુલર ગુજરાતીમાં
એવું બરાબર ઠસી ગયું છે
કે કાગડાના બેસવાથી
કાંસાના ગાંધીને પ્રાપ્ત થઈ છે જીવંતતા.


એકાદ ફૂટકળ ન્યૂઝચેનલ
એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ચલાવી રહી છે
કે એ કાગડો નથી, ખૂફિયા કેમેરો છે
કાગદૃષ્ટિ ધરાવતો

ગાંધીએ ખુદ માથે બેસાડેલો -
કોઈ પણ આશ્રમ રોડ કે એમ જી રોડ પર ચાલનારાં
સૌ પર ચાંપતી નજર રાખવા.
પણ મહાદેવભાઈની ડાયરીના તેવીસે ભાગ વાંચી જનારા
એક બે જણ શંકા વ્યક્ત કરે છે કે
ગાંધીએ તો
ખથી શરુ થતા ખૌફ ને ખૂફિયા જેવા ખડૂસ શબ્દો
(ખાદી તે ઓનરેબલ એક્સેપ્શન)
સાર્થ જોડણીકોશમાંથી ચેકી નાંખ્યા હતા…


જૂનાં રદ્દી અખબારો
ને રીઢા પત્રકારો સાહેદી પૂરશે:
એ જમાનામાં કબૂતરોમાં સફેદનો દબદબો રહેતો, -
વારે તહેવારે જાન્યુઆરી કે ઓગસ્ટમાં
આકાશને અંજલિ આપતાં હોઈએ તેમ ઉડાડી શકાય એવાં,
મેટાફર જેટલાં સફેદ. એ ઊડે એટલે
હવામાનખાતું ભારે શોરબકોર કરી મૂકતું શાંતિ અંગે.
પણ વરસો વીતતાં ગયાં ને ઊડતાં રહ્યાં
ડૅમોક્રસીના બ્લૅકહોલમાં થઈને વર્લ્ડ ઍટલાસ પર
એટલે કબૂતરો આસ્તે આસ્તે થતાં ગયાં કર્બૂરતર
ને એમ કરતાં કરતાં આખરે નર્યાં કાળાંધબ.
એમાંનું એકાદું
બળેલાં પીંછાંવાળું સફેદ (એટલે કે કાળું)
કબૂતર જ બેઠું છે ગાંધીને માથે,
એમ માનવું રહ્યું.
સમજો ને, અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર.
રાષ્ટ્રવાદી અર્થાન્તરન્યાસમાં એ
આત્મરક્ષા કાજે શકરા બાજનું રાફેલ સ્વરૂપ પણ ધરી શકે.
કોઈ એને ગીધ પણ કહી શકે વાલ્મિકીવાળું, -
કપાયલી પાંખ ફફડાવતું,
મહિલા સદ્રક્ષણાય મરણોન્મુખ.
તમે આ તસવીર જોતા હો ને જોગાનુજોગ ટીવી ચાલુ હોય તો
એ અરાજક દૃશ્યશ્રાવ્ય ભેળસેળને કારણે
ગાંધીને માથે પાળેલો પોપટ બેઠો છે કે બેસાડ્યો છે
એવો ભાસ પણ થાય.
જોકે એ શુકસપ્તતિ નું સંસ્કૃત ખગ છે
કે સુડા બહોતેરીનું પ્રાકૃત પંખીડું
કે ઉર્દૂમાં અશિક્ષિત કોઈ મીઠ્ઠુ મિ યાં છે

તે તો હવે પછીના સૅન્સસનો અને સંસદસત્રનો
ને તેથી વિવાદનો વિષય.
નિર્વિવાદ સંભાવના બસ એટલી કે બાપુના તાલકે
પડ્યા હશે અદૃશ્ય ઉઝરડા એના નહોરના.


ગાંધીને માથે કાગડો બેઠો છે
એ અધૂરું કથન અને દર્શન છે.
ખરેખર તો કહેવું જોઈએ કે
ક્રોમેટોલોજી પ્રમાણે કાળું બાવલું બની ચૂકેલા ગાંધીને માથે
એક કાળો કાગડો બેઠો છે.
એક જોતાં, લોજિકલી, એનો અર્થ એ થયો કે
ઘઉંવરણા ગાંધીને માથે ઘઉંવરણું ચકલું બેઠું છે.
(એમ તો આખો દેશ ઘઉંવરણો છે તે ઇલ્લોજિકલ જોગાનુજોગ)
બને કે કોઈ અત્યધિક વિશાળ કદના
બાવલાનાં માથા પરથી નીચે જોતાં
બિચારાને તમ્મર આવી ગયાં હોય
ને આમ ચકરાઈને સપાટાભેર બેસી પડ્યું હોય
અદના ગાંધીના સાવ આદમકદના બાવલાનાં માથે
પોરો ખાવા, બે ઘડી.


ગાંધી તો ગાંધી છે :
ચોરેચૌટે, કોટકાંગરે, કોરટકચેરીએ, ધારાસભાને નાકે,
નગરના હાંસિયામાં, ફ્લાયઓવરની તળેટીમાં, દેશદેશાવર
ગોઠવવામાં આવ્યાં છે એનાં ફૅન્ગ શુઈ પ્રકારનાં બાવલાં:
બેઠેલાં, ઊભેલાં, ચાલવા માંગતાં, ચલિત ને ચલણી.
એ ‘વૉકિંગ બુઢ્ઢા’ને ખબર હશે ખરી કે
એ બધ્ધાં બાવલાંનાં માથે બેઠો છે એક એક કાગડો,
કદાચ કબૂતર કદાચ ગીધ
કદાચ શકરો શુક ચકલું
કે અગલુંબગલું?


આહારવિહાર સાથે
પક્ષીની સ્વાભાવિક દિનચર્યામાં
હગારની ક્રિયાનો ઉલ્લેખ પણ કરવો પડે.
પણ ગમે તેમ તોય આ ગાંધીબાપુના-
રાષ્ટ્રપિતાના બાવલાની વાત છે
વળી ઈન્ડિરેક્ટલી માથે મેલું ઊંચકવાની વાત પણ છે

એટલે
એક વિવેકી (અર્થાત્ પોલિટિકલી કરેક્ટ) કવિ હોવાના નાતે
આ કવિતામાં પ્રસ્તુત હોવા છતાં હું એ મુદ્દો ગુપચાવી દઉં છું.


કિંવદંતી છે કે
જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો
એ ચક્રવર્તી બને ભૂમાનો.
કવિતાના આ છેડે
આ ક્ષણે મને એક શંકા એ જાય છે કે
જેને આપણે ક્યારના
કાગડો કબૂતર ગીધ બાજ પોપટ કે ચકલું
સમજી રહ્યા છીએ

હુમા તો નહીં હોય ને?

(ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને)

૩ : ભડલીવાક્ય —

આ બોમ્બ ઊછળીને જે ક્ષણે ફૂટબોલ થશે
મારા ફૂરચા ઊડી જશે, તમારો ગોલ થશે

દિતિના પુત્ર મિસાઈલો ઝીંકતા રહેશે
ને એટલાસના પાનાં ઉપર બખોલ થશે

કે શમી વૃક્ષથી શસ્ત્રો ઉતારશે યોદ્ધા
ઘટામાં ચહકતાં વિ હંગ સૌ અબોલ થશે

કવચ વિનાની હશે કાય, કર્ણ કુંડળહીન
ને જિંદગીનો જીવલેણ તોલમોલ થશે

બધાંયે મુણ્ડ મુગટભેર રવડશે રણમાં
ને ઈન્દ્રપ્રસ્થમાં કબંધનો કિલોલ થશે

શ્વેત પારેવું ફંગોળાશે શ્યામ પથ્થર થૈ
પ્રશાંતિ ઝંખતી હથેળીઓ ગિલોલ થશે

પરોઢે ખૂલશે અખબારની જાસાચિઠ્ઠી
દશે દિશેથી ગમે ત્યારે હલ્લા બોલ થશે

સખીદાતાર બધા આલશે ચપટી બારૂદ
ફફડતા દેશનો નકશો કદી કશ્કોલ થશે

પછી ઇતિહાસ એની નોંધ અછડતી લેશે
એક્ પરપોટો ફૂલતો જશે, ઢમઢોલ થશે

વિશ્વ આખામાં આણ (ષં)ઢની જ વર્તાશે
કદી એ ઢેલ થશે, ઢાલ થશે, ઢોલ થશે

લોહીનાં વ્હેણ ભારોભાર વરસશે આંસુ
બીજી તો શી રીતે આ ત્રાજવું સમતોલ થશે

છેદ આકાશમાં એવાં તો પડશે, હે લાઠા
કવિનો શબ્દ ફરી સાવ કાણી ડોલ થશે

બની જશે આ કક્કો અંતે કારતૂસ અને
તકાશે તંગ બની પેન ને પિસ્તોલ થશે



તન્ત્રીનૉંધ :

૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —

ફિલસૂફી અને કવિતાના વિરોધમૂલક જોડકાને છોડી નાખતી આ રચના એ જ વિષયને અપાયેલો એક કાવ્યશીલ જવાબ છે. ભગવાને કહ્યું છે, એકોહમ્ બહુસ્યામ્. તાત્પર્ય, હું એક છું પણ બહુવિધ સ્વરૂપોમાં પ્રકાશિત થઉં છું. ભારતીય પરમ્પરામાં પિણ્ડ અને બ્રહ્માણ્ડ, એક અને અનેક, એકલ અને બહુલ, એમ સાંકેતિક જોડકાં છે, આપણને જાણીતાં છે. કેટલાક વિદ્વાનો પિણ્ડમાં બ્રહ્માણ્ડ, અનેકમાં એક, બહુલમાં એકલ, એમ ભાળે; તો કેટલાક બ્રહ્માણ્ડમાં પિણ્ડ, એકમાં અનેક, એકલમાં બહુલ, એમ ભાળે. આ યિન્ગ-યાન્ગની સ્થિતિ છે -સર્પના મુખમાં એ જ સર્પનું પુચ્છ. પરસ્પર પૂરક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતો દ્વૈતમૂલક સિદ્ધાન્ત.

પણ આ રચના કવિની રચના છે તેથી એમાંથી એ બધી ફિલસૂફીનાં પડ ખરી પડ્યાં છે અને કાવ્ય એના અસલી રૂપમાં રજૂ થયું છે. આ હકીકત પર રચનાની આ પંક્તિઓ પ્રકાશ પાડે છે : ‘પ્રમાણથી પર / સંખ્યા અને સાંખ્યથી અતીત / ધૃતિથી ધન્ય : અનન્ય એક’. કવિતાકલા ભગવાનનો નહીં પણ મનુષ્યનો એટલે કે ‘અંશ’નો મહિમા કરે એનો એ મિજાજ સમજાય એવો છે - ‘હું પ્રસન્ન થાઉં છું / ને અંશ પર અભિષેક કરું છું / એકનો’. કવિના ‘આનંત્યસંહિતા’ - કાવ્યગુચ્છનું આ કાવ્ય ભાવકને એ ગુચ્છ માણવા લલચાવે એવું રસપ્રદ છે

૨ : ગાંધીને માથે કાગડો — ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને રચાયેલું આ કાવ્ય એક સળંગસૂત્ર દીર્ઘ વ્યંગોક્તિ છે. કાવ્યકથકના જ શબ્દો વાપરીને કહું કે લગભગ બધો વખત એ અભિધા અને વ્યંજના બેઉમાં બોલ્યો છે, ને એનો એ વ્યંગ ક્યાંક કિંચિત્ મજા પડે એવા સંકેતોના ઝીણા તણખા પણ વેરે છે, ક્યાંક એનો સ્વર કરુણ પણ થઈ જાય છે. પણ ભાવકને વધારે મજા ત્યારે આવે છે જ્યારે કાવ્યકથક આ કાગડાને ગાંધીજીએ ગોઠવેલો ‘કાગદૃષ્ટિ ધરાવતો ખૂફિયા કેમેરો’ કહે છે; એટલું જ નહીં, લાગે કે એને પણ એ રૂપાન્તરની મજા પડી ગઈ છે, એટલે, કહેવા માંડે છે કે ‘ડૅમોક્રસીના બ્લૅકહોલમાં થઈને વર્લ્ડ ઍટલાસ પર / કબૂતરો આસ્તે આસ્તે થતાં ગયાં કર્બૂરતર / એમાંનું એકાદું / બળેલાં પીંછાંવાળું સફેદ (એટલે કે કાળું) / કબૂતર જ બેઠું છે ગાંધીને માથે, / એમ માનવું રહ્યું. / સમજો ને, અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર’.

લીલા છે એટલે, શકરો બાજ, ગીધ, પોપટ, શુકસપ્તતિ નું સંસ્કૃત ખગ, સૂડા બહોતેરીનું પ્રાકૃત પંખીડું, ઉર્દૂમાં અશિક્ષિત કોઈ મીઠ્ઠુ મિ યાં, ઘઉંવરણું ચકલું. અગલુંબગલું, વગેરે વગેરે સંકેતો પ્રયોજીને કાવ્યકથકે પોતાની આ વ્યંગોક્તિને પાસાદાર રૂપમાં સમ્પન્ન કીધી છે. એને ‘હગારની ક્રિયા’ અને ‘માથે મેલું ઊંચકવાની વાત’ યાદ આવે છે ખરી, પણ કહે છે, ‘એક વિવેકી (અર્થાત્ પોલિટિકલી કરેક્ટ) કવિ હોવાના નાતે આ કવિતામાં પ્રસ્તુત હોવા છતાં એ મુદ્દો ગુપચાવી દીધો છે’.

કાવ્યકથક કવિ છે એટલે એને આમ ગુપચાવીને કહી દેવાની ફાવટ છે. વળી, એની પાસે ભાષાની અભિધા લક્ષણા વ્યંજના શક્તિઓ છે તેમ રૂપક કે અર્થાન્તરન્યાસ અલંકારો પણ છે. એટલું જ નહીં, જરૂરતે કરીને એ લૉજિકલ થઈ જાય છે, ઇલ્લૉજિકલ પણ. પરન્તુ પોતે પોલિટિકલી કરેક્ટ છે પણ મૂળે કવિ છે એટલે અન્તે એને હુમાની કિંવદંતી યાદ આવે છે અને એની સહાયે કરીને વાતને એ સુખાન્ત અર્પીને શમી શક્યો છે.

૩ : ભડલીવાક્ય — કાવ્યકથક ભડલી છે. એણે ભાખેલું વાક્ય અહીં કાવ્યરંગે રંગાયેલું છે, છતાં એ ભવિતવ્ય એકંદરે પ્રાચીન અને અર્વાચીન યુદ્ધ અને તેથી સરજાનારા વિનાશને ચીંધે છે. આમાં તો નૉંધ શું કરવી? સુન્દરથી અતિ સુન્દર કહેવાય તેનાં અવતરણ જ કરાય :

૧ : ‘આ બોમ્બ ઊછળીને જે ક્ષણે ફૂટબોલ થશે મારા ફૂરચા ઊડી જશે, તમારો ગોલ થશે’

૨ : ‘કે શમી વૃક્ષથી શસ્ત્રો ઉતારશે યોદ્ધા ઘટામાં ચહકતાં વિ હંગ સૌ અબોલ થશે’

૩ : ‘સખીદાતાર બધા આલશે ચપટી બારૂદ ફફડતા દેશનો નકશો કદી કશ્કોલ થશે’

૪ : ‘લોહીનાં વ્હેણ ભારોભાર વરસશે આંસુ બીજી તો શી રીતે આ ત્રાજવું સમતોલ થશે’