ભારેલો અગ્નિ/૩ : પાદરી યુવાનસેન

Revision as of 06:47, 8 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩ : પાદરી યુવાનસેન

બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડું,
ત્યાં એકલો ઊડું,
જન જગત સૂર્ય સુહાગી જ્યોત્સ્ના બહુ રૂડું,
પણ એકલો ઊડું.
ન્હાનાલાલ

સાહેબ ચમક્યો, તેણે પચીસનો અંક હજી ગણ્યો નહોતો. તે પહેલાં એકાએક બંદૂક કેમ ફૂટી? અને તે જાણે દૂરથી ફૂટી હોય એમ કેમ લાગ્યું?

રુદ્રદત્ત સામે બંદૂક ધરી ઊભેલો અમલદાર જમીન ઉપર ઢળી પડયો. તેની બંદૂક ધૂળમાં પડી ગઈ. તેના મુખમાંથી દુઃખનો ઉદ્ગાર નીકળી ગયો. તેનો શ્વાસ જોરથી ચાલવા લાગ્યો. તેનો દેહ ખેંચાયો.

ટોળાએ આકાશ ભેદતો હર્ષનાદ કર્યો. સાહેબે જોયું તો રુદ્રદત્ત એમના એમ સ્થિર ઊભા હતા.

એ શું? રુદ્રદત્તને વાગવાને બદલે અમલદારને ક્યાંથી ગોળી વાગી? સુધરેલો શિક્ષિત અંગ્રેજ, જંગલી અને વહેમી હિંદી ટોળાની માફક રુદ્રદત્તની દિવ્ય સત્તામાં કંઈ માનતો નહોતો. અમલદારની બંદૂકને અકસ્માત થયો જણાતો નહોતો. દૂરથી બંદૂક ફૂટી, અને તે ખરે વખતે અમલદારને જ વાગી. રુદ્રદત્તને બચાવવા માટે જ તેના કોઈ સંતાઈ રહેલા મળતિયાએ આ કામ કર્યું હોવું જોઈએ. ચોક્કસ કોઈ કાવતરું!

હિંદીઓની સહાયતા વડે અંગ્રેજોએ ફ્રેન્ચોને માત કર્યા હતા; હિંદીઓના પરાક્રમની સરદારી લઈ અંગ્રેજોએ હિંદી રાજકર્તાઓને હિંદમાંથી અલોપ કરવા માંડયા હતા; હિંદવાસીઓનાં હાડમાંસ ઉપર કંપની સરકારના રાજ્યની ભવ્ય મહેલાત રચાઈ હતી; છતાં હિંદીઓ કાવતરાંખોર છે એમ માનતા અને મનાવતા અંગ્રેજોએ જરા પણ હરકત આવતી નહિ.

લોકસમૂહ હિંમત ધરી આગળ આવવા લાગ્યો. લોકો તમાશો જોવા ભેગા નહોતા થયા; જનસમાજના એક પૂજ્ય આચાર્યનું અપમાન કરી જનતાના આત્મગૌરવને હણવાનું નાટક ભજવાતું હતું તે જોવા લોકો ભેગા મળ્યા હતા. તેમની પૂજ્ય મૂર્તિ – તેમના આત્મગૌરવની જીવંત ભાવના ખ્ર્ તો અક્ષત અખંડિત ઊભી રહી હતી. રુદ્રદત્ત જીવતા હતા. લોકોએ આગળ આવતાં આવતાં અનેક હર્ષનાદ કર્યા.

લોકોની જાગૃતિમાં બળવો જોનાર રાજ્યસત્તા છેવટે બળવો જ અનુભવે છે. સાહેબને લાગ્યું કે ‘જો હું આ વખતે દુર્બળતા દેખાડીશ તો આ આખું ટોળું બળવાખોર બની જઈ પોતાની ટુકડીને મુશ્કેલીમાં નાખી દેશે.’ બળ એ જ બળવાને દબાવવાનો અકસીર ઈલાજ છે એમ યુદ્ધવીરો માનતા લાગે છે.

‘અરે, અરે! કોણે આ બિચારાને માર્યો? એને સુવાડો પાઠશાળામાં!’ ઘાયલ સૈનિકને જોઈ રુદ્રદત્તના મુખમાંથી ઉદ્ગારો નીકળ્યા. સાહેબને સંબોધી તેમણે કહ્યું :

‘સાહેબ! પચીસ બોલી નાખો. મારે ખાતર કોઈને મિથ્યા ઘાત ન થાય.’

સાહેબને આ વાત ખરી લાગી. રુદ્રદત્તને જ પહેલો સાફ કરી નાખવો જોઈએ ખ્ર્ જોકે પહેલાં તો માત્ર ભય પમાડવાનો જ તેનો વિચાર હતો.

‘હવે હું એ જ બોલું છું.’ કહી ઝડપથી તેણે પોતાની લટકતી કીરચ મ્યાનમાંથી ખેંચી કાઢી અને પોતે જ રુદ્રદત્તને વીંધવા ધસ્યો.

રુદ્રદત્તની છાતી સામે કીરચ ઝબકી.

‘આ….’

‘થોભો! પ્રભુને ખાતર થોભો! એક ક્ષણ માટે થોભો!’

પચીસ બોલી ઘા કરવા જતા સાહેબે પોતાની જ ભાષામાં અત્યંત શુદ્ધ રીતે થોભવા માટેની મોટી બૂમ સાંભળી. બૂમ તેની પાછળથી આવી. અંગ્રેજી ભાષા સાંભળી વિસ્મય પામેલો સાહેબ થોભ્યો. તેણે પોછળ જોયું તો એક યુરોપિયન પુરુષ હાથ ઊંચા કરી દોડતો તેની ભણી આવતો હતો.

‘કોણ! જૉન્સન?’

‘હા.’

‘અહીં ક્યાંથી?’

‘પછી કહું છું. પણ પીટર્સ! આ શો ભવાડો કરે છે?’

‘કેમ! શું છે? હું મારી ફરજ બજાવું છું.’

‘શાની ફરજ?’

‘કંપની સરકારના એક ભારે ગુનેગારને આ વૃદ્ધે પોતાના મકાનમાં સંતાડયો છે.’

‘કોણે કહ્યું?’

‘મારી ખાતરી છે. અમારી અને એની વચ્ચે બે કલાકનું છેટું પડી ગયું. ગામમાં પેસતાં સુધીની ભાળ મળી છે.’

‘આ વૃદ્ધ શું કહે છે?’

‘તે ના કહે છે.’

‘તો આની જ વાત ખરી. તમારી નજરે જોયું હોય અને એ ના પાડે તો તમારી આંખ કરતાં આ વૃદ્ધના બોલને ખરો માનજો.’

‘એ કેવી રીતે બને? તમને શી ખબર પડે?’

‘હું અહીં પાંચ વર્ષથી પાદરી તરીકે રહું છું. એ બ્રાહ્મણ કદી જૂઠું બોલે નહિ એની ખાતરી આપું છું.’

‘આ ગામમાં બીજે ક્યાંઈ સંતાયો હોય તો?’

‘તોપણ તે હકીકત તમને કોઈ નહિ જણાવે. એ ખબર કઢાવશે તો જ તમે જાણી શકશો.’

‘મારે રાત્રે અહીં જ રહેવું પડશે. પૂરી બાતમી મેળવ્યા વગર અહીંથી ખસાય એમ નથી.’

‘ભલે પણ એમને છૂટા કરી દ્યો. તમે કેટલું જોખમ સાથે લીધું તે જાણો છો? રુદ્રદત્તને કાંઈ પણ થયું હોત તો આટલો પ્રદેશ સળગી ઊઠત; તમારામાંથી કોઈ પણ બચવા પામ્યો ન હોત; અને ભડકો ક્યાં ક્યાં સુધી ફેલાયો હોત એ કોણ કહી શકે?’

પાદરી જૉન્સન રુદ્રદત્ત તરફ ફર્યો અને બોલ્યો :

‘પંડિતજી! આપ પધારો, માફ કરજો આપને તકલીફ આપી તે. આ લોકો તમને ઓળખતા નથી.’

‘યુવાનસેન મહાશય! આ સાહેબ આપના પરિચિત છે, ખરું?’

રુદ્રદત્તે જૉન્સને પૂછયું. જૉન્સનનું નામ પંડિત રુદ્રદત્તે સ્વાભાવિક રીતે ‘યુવાનસેન’માં ફેરવી નાખ્યું હતું. જૉન્સનનું જુવાનસેન અને તેનું અતિશુદ્ધ ‘યુવાનસેન’ ઝડપથી બને એમ હતું. અંગ્રેજો હિંદી નામોને બદલી નાખે. ગંગો ગેન્જીઝ કહે, મુંબઈને બૉમ્બેનો પલટો આપે અને દક્ષિણને ડેક્કન તરીકે ઓળખાવે તો હિંદીઓ જૉન્સનને યુવાનસેન બનાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી.’

‘હા, પંડિતજી! એ મારા મિત્ર છે. અમે વિલાયતમાં સાથે ભણતા.’

‘ત્યારે તો એ મારા પણ મિત્ર. એમને બહુ ત્રાસ પડયો. એમને વહેમ આવ્યો કે મેં ગૌતમને સંતાડયો છે. એમને કહો હું ગૌતમને સંતાડું નહિ અને મારો ગૌતમ સંતાવું પડે એવું કદી કરે નહિ.’

‘મેં ખાતરી આપી છે, પણ એમને એમ લાગે છે કે ગૌતમને ગામમાં સંતાડયો છે.’

‘હું તો સંતાડું જ નહિ. બીજા કોઈએ ગૌતમને છુપાવ્યો હોય તો આપણે પૂછી જોઈએ. નાગરિકો! કોઈએ ગૌમતને સંતાડયો હોય તો મને કહી દેજો.’

કોઈએ જવાબ આપ્યો નહિ. સહુ કોઈ અંદર અંદર વાત કરવા લાગ્યા કે ગૌતમ આવ્યાની જ કોઈને ખબર નથી.

સંધ્યાકાળ થયો. ઘાયલ થઈ પડેલા સૈનિકને વિદ્યાર્થીઓએ બેઠો કર્યો. તેને હાથે વાગેલા ઘા ઉપર કોઈ ઔષધિ મૂકી પાટો બાંધ્યો અને તેને ઊંચકી પાઠશાળાની ઓસરીઉપર સુવાડયો.

સૈનિકોને આજની રાત વિહાર ગામે જ મુકામ કરવા તેમના સરદાર પીટર્સે હુકમ કર્યો. પાદરીએ પીટર્સને પોતાના મુકામ ઉપર આવવા જણાવ્યું. અંગ્રેજને અંગ્રેજના ઘરમાં જ ફાવી શકે. તેણે ખુશીથી આમંત્રણ સ્વીકાર્યું. રુદ્રદત્તે ગામના આગેવાનોને સૈનિકો સારુ ધર્મશાળા ખોલી આપવા અને ખોરાકનો સામાન પૂરો પાડવા વિનતિ કરી, તેવી વિનતિ ન કરી હોત તો સૈનિકો ગમે તેના ઘરમાં પેસી જઈ ગમે તે ચીજો લઈ જાત એવી સહુને ભીતિ પણ હતી.

ઘાયલ દેશી અમલદારને પણ પાદરીએ પોતાના સ્થાન ઉપર મોકલવા જણાવ્યું. પાદરી યુવાનસેન વૈદ્યકીય ઉપચારો માટે જાણીતો હતો. ભેગા થયેલા લોકો અનેક વાતો કરતા વીખરાવા લાગ્યા. રુદ્રદત્તે પોતાના મકાનમાં જઈ સાયંસંધ્યાની તૈયારી કરવા માંડી. કલ્યાણીએ પિતામહને પાણી કાઢી આપ્યું.

પાદરીનું મકાન ગામથી જરા છેટે હતું. પાંચ વર્ષ ઉપર જૉન્સન વિહારમાં આવ્યો ત્યારે એક નાની ઝૂંપડી બાંધીને ત્યાં રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે તેણે પોતાનાં રહેઠાણનો એક સુંદર બંગલો અને બગીચો બનાવી દીધો હતો. પ્રથમ તો એ ઝૂંપડીવાળી જગા પણ કોઈ તેને આપતું નહોતું. વિહાર એ હિંદુ ધર્માન્ધતાનું મથક છે અને તેને સુધારી નાખવું જોઈએ એવી ધારણાથી જૉન્સન ત્યાં આવ્યો હતો. રુદ્રદત્ત એ પ્રાચીનતાનો પૂજારી છે. અને તેની સામે મોરચો બાંધી, ધર્મયુદ્ધ કરી, આખા હિંદુસ્તાનને ખ્રિસ્તી બનાવવાનું સ્વપ્ન સેવી તે અત્રે આવ્યો હતો. તેને પ્રથમથી હિંદુસ્તાનનો પરિચય હતો. બંગાળા, દક્ષિણ તથા ગુજરાત એ ત્રણે પ્રદેશો તેણે જોયા હતા. બંગાળામાં તેને સારી ફત્તેહ મળી અને મોટી સંખ્યામાં તેણે હિંદુઓને ખ્રિસ્તી ધર્મ પાળતા કર્યા. ગુજરાતી પંડિત રુદ્રદત્ત અને હિંદુ સમાજ ઉપરની તેની છાપ વિષે તેણે ઘણું ઘણું સાંભળ્યું હતું. એ પંડિતની અસર ઓછી કરવાના ઉત્સાહથી તે ગુજરાતમાં આવ્યો.

તેણે ઘણા પૈસા વેર્યા, પરંતુ કોઈએ તેને રહેવા માટે સ્થાન ન આપ્યું. ખ્રિસ્તી પાદરીઓના ધર્મપ્રચારનો ઇતિહાસ વિવિધરંગી છે. ધર્મશૌર્ય અને ધર્મસાહસનાં અદ્ભુત દૃષ્ટાંતો એ ઇતિહાસમાંથી મળી આવે એમ છે.

રુદ્રદત્તે એક દિવસ સાંભળ્યું કે ખ્રિસ્તી ગોરો ત્રણ દિવસથી ગામમાં ફર્યા કરે છે અને ટાઢ-તડકો વેઠી ગમે ત્યાં સૂઈ રહે છે. પરંતુ તેને રહેવા માટે સ્થાન મળતું નથી.

‘લોકો કેમ આવા નિર્દય બને છે?’ રુદ્રદત્તે પૂછયું.

‘ખ્રિસ્તી સાહેબ જો અહીં રહેશે તો ઘણા જણને ભૂરકી નાખી ખ્રિસ્તી બનાવશે એવો બધાને ડર છે.’ એક જણે જવાબ આપ્યો.

‘ખ્રિસ્તી આપણી વચ્ચે રહે એટલાથી જ આપણે ખ્રિસ્તી બની જઈએ. એવો ભય હોય તો પછી આપણે એકદમ ખ્રિસ્તી બની જવું જોઈએ. એને અહીં બોલાવો. હું કહી દઉં કે વિહાર ગામ ખ્રિસ્તી બનવાનું છે.’ રુદ્રદત્તે કહ્યું.

રુદ્રદત્તનું મહેણું સહુને સમજાયું : ખ્રિસ્તી બની જવાના ભયમાં ખ્રિસ્તીને પાસે વસવા જ ન દેવો એ સ્વધર્મની મશ્કરી કરવા બરોબર છે. જૉન્સનને ખબર પડી કે રુદ્રદત્ત તેને મકાન આપવાની તજવીજ કરે છે. તેને નવાઈ લાગી. બ્રાહ્મણ અને પંડિતો ભાગ્યે જ ખ્રિસ્તીઓ તરફ ઉદાર બની શકતા. એક ચપળ, ધર્માન્ધ વિતંડાવાડી, ગર્વિષ્ઠ બ્રાહ્મણ તરીકે તેણે રુદ્રદત્તની કલ્પના કરી હતી. તેની કલ્પનામાં જરા ફેરફાર પડયો. તેને રહેઠાણ માટે જમીન મળી. તેને રુદ્રદત્તને મળવાની ઇચ્છા થઈ.

એક દિવસ નદીકિનારે સ્નાન કરી રુદ્રદત્ત પાછા ફરતા હતા. થોડા વિદ્યાર્થીઓ અને કલ્યાણી તેમની સાથે હતાં. જૉન્સન ફરતો ફરતો તે બાજુએ સામેથી આવતાં મળ્યો.

‘આ જ પાદરી ને?’ રુદ્રદત્તે પૂછયું.

‘હા જી!’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો.

‘પાદરી સાહેબ! કુશળ તો છો ને? કશી મુશ્કેલી પડે તો જરૂર મને જણાવજો.’

‘હું તો આપનો દુશ્મન છું. બધાને ખ્રિસ્તી બનાવવા માગું છું.’

‘ભલે તમે એમ માનો. આર્યધર્મીને તો કોઈ જ દુશ્મન નથી. અમારા ધર્મમાં કશું તત્ત્વ નહિ દેખાય તે દિવસે બધા જ ખ્રિસ્તી થશે. એમાં હું કે તમે શું કરી શકીએ?’

આમ બંને ધર્મશિક્ષકો વચ્ચે પરિચય થયો. રુદ્રદત્ત માટે જે કલ્પના કરીને જૉન્સન આવ્યો હતો તે કલ્પના તો ખોટી જ હતી. ધીમે ધીમે એ ખ્રિસ્તી પાદરીને રુદ્રદત્ત માટે એક પ્રકારની મમતા થઈ. સહુના આશ્ચર્ય વચ્ચે જ્યારે રુદ્રદત્તે તેને ગીતા શીખવવી શરૂ કરી ત્યારે તેને પૂજ્યભાવ ઉત્પન્ન થયો. બન્ને ધર્મગુરુઓ વચ્ચે સારી ચર્ચા ચાલતી અને જેમ પાદરીનું હિંદુ ધર્મ સંબંધી જ્ઞાન બીજાઓને આશ્ચર્ય ઉપજાવતું તેમ રુદ્રદત્તનું બાઈબલ વિશેનું જ્ઞાન જૉન્સનને ચકિત કરી નાખતું. પાદરીને પોતાના ધર્મનો અતિશય આગ્રહ હતો, પરંતુ રુદ્રદત્ત ખ્રિસ્તી ધર્મની વિરુદ્ધ બોલતા જ નહિ. ગીતા શીખવતાં બાઈબલમાંથી તેવા જ ભાવ અને અર્થવાળાં વાક્યો અને પ્રસંગો તેઓ આગળ લાવતા. જૉન્સનને લાગ્યું, જો બ્રાહ્મણો આવા થાય તો ખ્રિસ્તી ધર્મના પ્રચારની આશા જ નિરર્થક છે. રુદ્રદત્તને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવાનો જરા પણ સંભવ નહોતો; છતાં બાઈબલની બધી વિગતો તેમના જાણવામાં આવી.

આવા સમર્થ વિદ્વાનો પાદરીઓની માફક પોતાના ધર્મનો પ્રચાર કેમ નહિ કરતા હોય એવો પણ વિચાર જૉન્સનને આવતો; અને એવો પ્રચાર નથી કરતા એ જ ઠીક છે એમ પણ સ્વધર્મનાં અભિમાનને અંગે તેને લાગતું. એક દિવસ જૉન્સનથી ન રહેવાયું એટલે રુદ્રદત્તને પૂછયું :

‘પંડિતજી! તમે આર્યધર્મનો પ્રચાર કેમ કરતા નથી?’

‘એ ધર્મને પ્રચારની જરૂર જ નથી. એ સનાતન ધર્મ છે. સર્વ ધર્મોમાં એનાં બીજ રહેલાં છે; ખ્રિસ્તી, મુસલમાન કે યહૂદી કોઈ પણ ધર્મ પૂર્ણ વિકાસની ભૂમિકાએ આર્યધર્મ જ બની જાય છે. પછી અમે શા માટે પ્રચાર કરીએ?’

એ વાત ખરી હોય કે ખોટી હોય; પરંતુ ત્યાર પછી જૉન્સનનો હિંદુ ધર્મ માટેનો હલકો અભિપ્રાય દૂર થયો; અને જોકે પાદરી તરીકે તે પોતાનું પ્રચારકાર્ય કર્યે જતો હતો. તથાપિ ધર્મબોધ કરવા કરતાં દરદીઓના ઉપચારમાં તેણે વધારે મન પરોવવા માંડયું. રુદ્રદત્તની અને તેની વચ્ચે સ્નેહભરી મૈત્રી જાગી. દરરોજ પાદરી સાહેબ પંડિતજીને મળ્યા વગર રહેતા નહિ ખ્ર્ જો કે પંડિતજી પાદરીનો ક્વચિત્ સ્પર્શ થતો ત્યારે સ્નાન કરતા અને પાદરીને બીજા બધાથી છેટે કોઈ અડકે નહિ એવી રીતે બેસાડતા.

સૈનિકોએ રુદ્રદત્ત ઉપર અત્યાચાર કરવા માંડયો તેની ખબર કેટલાક લોકોએ પાદરી સાહેબને આપી. લોકોમાં કેટલી ઉશ્કેરણી ફેલાઈ હતી, અને લોકોનું ટોળું સૈનિકોને ઘેરી લેવા કેવી રીતે સજ્જ થતું હતું તેની તેને માહિતી મળી. જૉન્સન પાદરી બંગલામાંથી નીકળી લોકોના ટોળા સાથે દોડયા. રુદ્રદત્તને કશી પણ ઈજા થાય તો કેટલી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય તે એ સારી રીતે જાણતો હતો. અંગ્રેજ તરીકે તેનામાં ભારે અભિમાન તેને અંગ્રેજ અમલદારોનાં સઘળાં કાર્યોને આંખ મીંચીને વખાણ જ કરવા પ્રેરતું નહિ. અંગ્રેજોએ પણ ઘણી ભૂલો કરી છે. અને ઘણા અક્ષમ્ય અપરાધો કર્યા છે. એમ તે માનતો. રુદ્રદત્તને મારીને જ અંગ્રેજ સેનાની એવો જ એક અપરાધ વધારે નહિ એવી તેને તીવ્ર લાગણી થઈ આવી.

તેણે એવો અપરાધ થતો અટકાવ્યો. સંયોગવસાત્ ટુકડીનો અમલદાર પીટર્સ તેનો સહધ્યાયી હતો. તેને સાથે લઈ તે બંગલે આવ્યો. પાદરીની પત્ની અને પુત્રી ઘરમાં જ હતાં. તેમણે એ અંગ્રેજ મહેમાનનું ખૂબ આતિથ્ય કર્યું. પીટર્સની ટુકડી ક્રીમિયાની લડાઈમાંથી પાછી ફરતી હતી. રશિયા અને ઇંગ્લેંડ વચ્ચે થયેલી ભયાનક લડાઈમાંથી હિંદમાંથી હિંદી લશ્કરીઓના મોકલેલા એક સૈન્યની ટુકડી કંઈ કારણસર હિંદુસ્તાન પાછી વિદાય થઈ. એ ટુકડીનો નાયક કેપ્ટન પીટર્સ હતો.

ઘણે દિવસે પીટર્સે ગૃહસ્થનું ઘર જોયું. કપરું જીવન આજ રાત પૂરતું હળવું થયું લાગ્યું. કૅપ્ટન પીટર્સ અને રેવરંડ જૉન્સને ખૂબ વાતો કરી; શાળાના દિવસો યાદ કર્યા; યુદ્ધનાં રોમાંચ ઉત્પન્ન કરે એવાં વર્ણનો પીટર્સે આપ્યાં; જૉન્સને એવાં જ અદ્ભુત વર્ણનો જંગલી જાતોના પ્રસંગોમાંથી વર્ણવ્યાં. છેવટે પીટર્સે કહ્યું :

‘મેં શૂરવીરોને મરતાં જોયા છે; મેં જાતે મૃત્યુના ભણકારા સાંભળ્યા છે; અને માનવધૈર્યનાં મહાભારે દૃશ્યો જોયાં છે. પંરતુ જે દૃશ્ય મેં આજે જોયું તેવું અદ્ભુત દૃશ્ય મેં કદી જોયું નથી.’

‘એ કયું દૃશ્ય?’

‘એક નઃશસ્ત્ર વૃદ્ધ હિંદી હસતે મુખે, સહજ પણ ક્ષોભ પામ્યા વગર, મૃત્યુને જાણે ભેટવા ઊભો રહ્યો હોય એમ, ઉપાડેલી બંદૂક સામે પચીસ ગણતાં સુધી ઊભો રહ્યો. એ દૃશ્ય તો હું કદી ભૂલીશ નહિ. મૃત્યુ માટેની આટલી બેપરવાઈ મેં નથી જ જોઈ!’

‘રુદ્રદત્તની વાત કરે છે ને?’

‘હા. એ કેમ બની શકે?’

‘હિંદીઓનું માનસ અકળ છે. હિંદીઓનાં વર્તન અગમ્ય છે. એ બરાબર સમજીશું તો જ આપણે અંગ્રેજો રાજ્ય કરી શકીશું.’

‘મને નથી લાગતું કે આપણે રાજ્ય કરી શકીએ. એક નઃશસ્ત્ર મનુષ્ય આખી ટુકડી સામે વગર ભયે ઊભો રહ્યો. એવા થોડા પણ હોય તો આપણાં લશ્કરોને તે નિરર્થક ન બનાવે?’

વિચારમાં પડેલા બંને જણ થોડી વાર શાંત પડયા. બગીચામાં ખડખડાટ થયો.

‘પાદરી સાહેબ જાગે છે કે?’ બંનેને સંભળાયું. જૉન્સને લાગ્યું કે અવાજ જાણીતો છે, તે નક્કી કરતામાં તો નોકરે આવી કહ્યું :

‘પંડિતજી આવ્યા છે.’

બંને જણ મચકીને ટટાર બેઠા. જૉન્સન ઊભો થયો. ઓરડાની બહાર ઓસરી ઉપર આવ્યો અને બોલ્યો :

‘રાત્રે ક્યાંથી પંડિતજી?’

‘હું ગૌતમને લાવ્યો છું.’

પીટર્સ ખુરશી ઉપરથી ઊછળી ઊભો થયો.