શ્રેષ્ઠ અનિરુદ્ધ/૫. માનશે?

Revision as of 01:44, 10 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫. માનશે?


રાતે ઊંઘ જ નથી આવી.
પ્લૅટફોર્મ છોડીને અંધારામાં વહી જતી
ટ્રેનના લાલ દીવાની જેમ
સળગ્યા કરી છે આંખની કીકી.
પવન બારણું ખખડાવીને કહી ગયો :
દરિયો અટવાઈ ગયો છે સરુનાં વૃક્ષોમાં,
પાણીના વહેવાનો અર્થ પૂછવાથી શું?
તેં કહ્યું હતું :
ડુંગરાય કો’ક વાર ડોલી ઊઠે છે
ને પથ્થરની મૂર્તિનેય આવે છે આંસુ,
કદાચ એટલે જ તો
ગોરંભાતી રાતને
થરથરતા પ્રભાતની વાત કહેવાનું થઈ આવે છે મન.
આકાશમાં મીટ માંડું છું:
આ રાત ક્યારે ખૂટશે?
પણ ઊંચે ચાલી ગયું છે આકાશ
ને ઘરનો થાંભલો બાજુએ ખસીને ઊભો છે!
બારણું ખોલીને જોઉં છું તો
ઘરનાં પગથિયાં જ નથી!
કોઈકને કહીશ કે અહીંથી એક રસ્તો જતો હતો
વળાંક લઈને —
— માનશે?