સાહિત્યિક સંરસન — ૩/દૃષ્ટિ સોની

Revision as of 19:29, 16 October 2023 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ દૃષ્ટિ સોની ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''દોઢ રોટલો —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} ફાગણના છેલ્લા દિવસોનો તાપ માથે ચડી રહ્યો છે. સવારના અગિયાર વાગ્યા છે. ચાર રસ્તા આગળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


++ દૃષ્ટિ સોની ++


દોઢ રોટલો —



ફાગણના છેલ્લા દિવસોનો તાપ માથે ચડી રહ્યો છે. સવારના અગિયાર વાગ્યા છે. ચાર રસ્તા આગળ અડધાં કાળાં અને અડધાં પીળાં પ્લાસ્ટિકનું એક ઘર બનાવ્યું છે. તડકામાં પીળું પ્લાસ્ટિક સોના જેવું ચમકી રહ્યું છે. ઘરની અંદર મેઘના એના થેલામાં એક પછી એક, પચ્ચીસ પચ્ચીસ કી-ચેનનાં ઝૂમખાં નાખે છે. કાળાં પ્લાસ્ટિકમાં એક ઝીણું કાણું પડ્યું છે અને ત્યાંથી તડકો સીધો મેઘનાના નાના ભાઈ, જેને એ અને સહુ હવે નાનુ કહે છે, મા ગળા પર જઇને પડે છે. મેઘના કી-ચેન નાખતી-નાખતી એ તડકાને જુએ છે. એ કિરણમાં ઊડતી રજકણ પર મેઘનાનું ધ્યાન પડે છે અને એને અન્યમનસ્ક તાકી રહે છે. રજકણ જાણે પોતાનો રાસ રમી રહી છે. મેઘનાએ થેલામાંથી પોતાનો હાથ કાઢ્યો અને સૂરજનાં કિરણને પોતાની હથેળીમાં ઝીલ્યો. એની હથેળી વચ્ચે ગોળાકાર ચમકી ઊઠ્યું. એ મંદ મંદ હસી. એણે હાથ લઈ લીધો. તડકો ફરી નાનુના ગળા પર પડવા લાગ્યો. એણે પોતાનો દુપટ્ટો ખભા પરથી લીધો અને પ્લાસ્ટિકને ટેકો આપતા દુપટ્ટાની બંને કિનારને એક લાકડાથી બીજાં લાકડા સુધી ખોસી દીધી. તડકો ઘણોખરો રોકાઈ ગયો.

"એ, નાનુ… ઊઠ હવે. કામે જવાનું છે." થેલાંને બહારની બાજુ મૂકતી મૂકતી મેઘના બોલી.

"નાનુ... ઊભો થા ! જા જલ્દી ચા બાંધી લાવ." મેઘના બોલી.

નાનુ આળસ મરડવા લાગ્યો. એણે પોતાના હાથ ઉપર અને પાછળની બાજુ લંબાવ્યા તો એના બગલની વાસ છેક મેઘના સુધી પહોંચી.

"આજે ના'ઈ લેજે." મેઘનાએ ટકોર કરી.

નાનુ એકદમ ઊભો થઈ ગયો. "પે'લા સાબુ લઈ આલ."

"સાબુ વગર પણ નવાય. પે’લા ચા લઈ આવ." મેઘના બોલી.

"તું જા." નાનુ જાતે કરીને મેઘનાને હેરાન કરતો બોલ્યો.

"એ ઘોડીનો મને દહ રૂપિયામાં આલે હ. તને પાંચમાં." મેઘના ચિડાઈ.

"તું જઈ ન કે'જે કે નાનુની બૂન બોલું. પાંચમાં આલ." નાનુ વધુ મસ્તી કરતો હતો.

"તું નેકળ ને ગધેડા નઇતર આલે એક…" મેઘનાએ હાથ ઊંચો કર્યો પણ નાનુને વાંસા પર એક લાત મારી. નાનુએ બૂમ પાડી અને વાંસાને પંપાળતો પંપાળતો બહાર જતો રહ્યો.

મેઘના પોતાનાં કપડાંના પોટલામાં સાબુની નાની ગોટી શોધવા લાગી જે એણે નાનુથી છુપાવીને રાખી હતી. નાનુ ખૂબ સાબુ વાપરતો. મહિનો ય ન ચાલતો અને મેઘના મહિનામાં એકાદ વખત જ એક ન્હાવાનો અને એક કપડાં ધોવાનો સાબુ લઈ આવતી. એને થયું કે નાનુને આજે આ ગોટી આપી દેવી પડશે. થોડાક દિવસ પછી કદાચ નવો સાબુ લેવાય. "હાશ! મળ્યો તો ખરો! કેવો ગંધાય છે હાળો!" મેઘનાને સાબુની છપતરી જેવી ગોટી મળી. એણે પોતાના બાવડાને સૂંઘી જોયું. એ પણ ગંધાય તો છે પણ નાનુ કરતાં ઓછું. એને થયું કે નાનુ હમણાં ચા લઇને આવે ત્યારે એને કહેવું કે આ સાબુ કેટલા દિવસથી ખોવાઇ ગયેલો. આજે બંને ન્હાઈ લઈએ અને કાલ-પરમદિવસે નવો સાબુ લઈ આવશું. સાબુ બહાર મૂકીને એ પોટલું બાંધવા લાગી.

અચાનક તડકાને તોડતો છાંયડો એના ઘર આગળ આવી પહોંચ્યો. મેઘનાએ એના ઘરની બહાર ઊંચું જોયું. લાકડાંનો આગલો ભાગ પકડીને એક પહાડ જેવો માણસ નીચે વળ્યો. લાલ આંખોવાળું કાળું મોઢું મેઘનાની એક્દમ સામે આવી ગયું. મેઘના એક પળ માટે ડરીને સહેજ પાછળ જતી રહી. પણ પોતાની કોરી આંખોમાં એણે બીકનો એક અંશ પણ વ્યક્ત થવા ન દીધો. પેલો માણસ પણ ઊંચો થયો. મેઘના ધીમે રહીને બહાર આવી.

"આ જગ્યા ખાલી કરવાની સે." લાલ આંખવાળો માણસ બોલ્યો.

મેઘનાની આંખો પહોળી થઈ ગઈ. એ વાતને સમજી ન શકી હોય એમ સામે જોતી રહી. એની બરાબર સામે ત્રણ પુરુષો ઊભા છે. તાપમાં એ બધાના કાળાં મોઢાં વધુ કાળાં દેખાય છે અને બધાની મેલી ડોક પરનો પરસેવો ચમકે છે. પાછળ એક માણસ બે-ત્રણ થેલા લઇને ઊભો છે. એ આ બધું જોયા કરે છે. મેઘના અને એ માણસની નજર મળી. મેઘનાની આંખમાં એ માણસને પોતાના માટેનો ભાવિ દુર્ભાવ દેખાયો અને એ માટે એ અત્યારથી જ પોતાને દોષી માનવા લાગ્યો. એની આંખમાં આ ભાવ મેઘનાને દેખાયો છતાં એ કશું બહુ સમજી શકી નહીં.

"ઊભી હું સે?" બીજો માણસ બોલ્યો.

"હું કેમ ખાલી કરું?" મેઘનાએ સહેજ ઊંચો અવાજ કરીને કીધું. આ પહેલીવાર ન હતું કે કોઈ એમની જગ્યા ખાલી કરાવવા આવતું હતું. એમના મા-બાપ જીવતાં હતાં ત્યારે ય લોકો આવતા અને એ મરી ગયાં પછી પણ લોકો ઘર ખાલી કરાવવા આવતા. પણ જેમ મા-બાપ ખસતાં નહીં એમ આ છોકરાંઓ પણ બધાને પહોંચી વળતા. એકાદ બે વખત એવું બન્યું હતું ખરું કે બંને જણાં જગ્યા ખાલી કરીને જતાં રહ્યાં હોય અને થોડા દિવસ પછી ફરી આવી ગયાં હોય. "કેમ એટલે? આ કંઈ તમાર રે'વાની જગ્યા હ?"

"તો તમાર રે'વાની જગ્યા હ?" એ સામે બોલી.

"એ છોડી ! છોડી સુ એટલે સાંતીથી કવ સુ. જગ્યા ખાલી કરો અને બીજે ઠેકાણે હાલવા માંડો."

"આ મારું ઘર હ. તારા બાપની જમીન નહિ."

"એ...ય!" ત્રીજા માણસે બૂમ પાડી. "તારી મા હામુ બરાડા પાડજે. મારા ઘરને અડી તો જો! મા આણી નાખી તમાર બધાની!" મેઘના એનું ઘર બચાવવા માટે જેમ ફાવે એમ બોલવા લાગી.

પાછળથી સામાન લઇને પેલો માણસ, રઘો, આગળ આવ્યો. "મન્યા રે'વા દે. નાના સોકરા હ. આપડે બીજી જગ્યા હોધી લેહુ."

એક માણસ પાછળ વળીને કહે છે, "બીજી જગ્યા કેમ? તમાર સીવવા બહવું સે ને! માર બૂને કીધું'તું તમને આ જ જગ્યા ગમઅ હ. ખૂલો રોડ હ. ઘરાકી હારી રે. હવ તો આ જગ્યા તમારી જ. મેં મારી બૂનના સોગંદ ખાધા હ."

"હાંભળ્યું ને? હાલ, હવઅ ખાલી કર જગ્યા." બીજા માણસે કીધું.

"આ મારી જગ્યા ય. અમે આય જ રઇએ હ. અને આય જ રે'હુ.

"જવા દે ને ભાઈ!" રઘાએ ફરી કીધું.

"તમે વચ્ચે ન પડો બનેવીલાલ. આ જગ્યા હવે તમારી જ ય." કહીને પહેલા માણસે મેઘનાનાં કી-ચેન ભરેલાં થેલાને લાત મારીને ફેંકી દીધો.

"તારી બૂન ને!" કહીને મેઘના થેલો લેવા ગઈ ત્યાં બીજા માણસે બહાર પડેલો ચૂલો ફેંકી દીધો અને એ જઇને નાનુના પગ ઉપર પડ્યો. નાનુના હાથમાંથી ચાની થેલી પડી ગઈ. એના પગમાંથી લોહી ધાર વહેવાની શરૂ થવા લાગી.

"હાળા ભડવા! મારી જગ્યા હ આ. નેકળ આય થી. નેકળો બધા!” મેઘના બધુ પડતું મૂકીને એના ઘર તરફ ભાગી. એ પહોંચવા જાય એની પહેલાં ત્રીજા માણસે મેઘનાના ઘરની ઉપરની બાજુનું લાકડું ખેંચીને પાડી દીધું જે લાકડા થકી બંને પ્લાસ્ટિક લટકાવેલાં હતાં. મેઘના ત્યાં પહોંચે એ પહેલાં એનું ઘર તૂટી ગયું હતું. મેઘના વચ્ચે જ ઊભી રહી ગઈ. પાછળથી નાનુ લંગડાતો અને લોહીની વહેતી ધાર સાથે આવ્યો. દૂરથી ચા-વાળો અને રસ્તા પર જતા લોકો આ બધું જોતા હતા પણ એ લોકો કેવળ જોતા જ હતા.

"હવે ઘર તો નથી રહ્યું. સામાન લઇને હાલતીનાં થાવ." બીજા માણસે કીધું.

"અમે નઇ જઇએ" મેઘનાને ખબર હતી કે પોતે હારી ગઈ છે પણ એ માનવા માટે તૈયાર નથી.

"મારી હારી…!" પહેલો માણસ લાલ આંખ કરીને નજીક આવ્યો. મેઘના અડીખમ ઊભી રહી અને એની બાજુમાં નાનુ પણ. એ માણસ આવ્યો અને સીધો નાનુની સામે પહોંચ્યો અને એના વાગેલા પર પોતાનો પગ જોરથી મૂકી દીધો. નાનુએ બૂમ પાડી. મેઘના આ જોઇને સાવ ભાંગી પડી અને નીચે પેલાના પગ આગળ બેસી ગઈ. બંને જણાં રોવા લાગ્યાં. ત્રણ માણસો એકબીજા સામે જોતાં રહ્યા અને અંદર અંદર પોતાની સફળતા મનાવતા રહ્યા. રઘાથી આ જોવાયું નહીં. એની આંખ ભીની થઈ ગઈ.

મેઘના અને નાનુ થોડાં સ્વસ્થ થઇને પોતાનો સમાન લેવા ગયાં. આ બાજુ બંને જણા પોતાનો સામાન સમેટતા હતા ત્યાં પેલી બાજુ પેલા માણસોએ એમના વાહનમાંથી સિલાઇનું મશીન કાઢ્યું અને રઘો પોતાનો થેલો ખાલી કરવા લાગ્યો. પેલા બધા માણસો પોતાનું કામ પતાવીને નીકળી ગયા. આ બાજુ રઘાની કામ કરવાની જગ્યા તૈયાર થઈ ગઈ અને એની ખુરશી પર બેઠો ત્યાં ઓલી બાજુ બંને છોકરાંઓ પોતાના હાથમાં આવે એટલો સામાન લઇને ચાલતાં થયાં. નાનુ ધીમે ધીમે પાછળ આવતો હતો. મેઘના જેવી રઘાના સિલાઈ મશીનનાં ટેબલ આગળ પહોંચી, રઘાએ અને મેઘનાએ એકબીજાની સામે જોયું ત્યાં મેઘના એના સિલાઈ મશીન ઉપર થૂંકી. રઘાએ કશું જ ન કર્યું. એ મેઘનાને જોતો રહ્યો. મેઘનાએ પણ એણે જોયો પણ પછી બંને છોકરાંઓ સામેના બ્રિજ નીચે રહેવા જતાં રહ્યાં. ત્યાં એક માજી સિવાય બીજું કોઈ રહેતું ન્હૉતું. એ માજી પણ ગમે ત્યાં સૂઈ જતાં હોય છે, એમને બહુ ભાન નથી રહેતું. 

રાત્રે રઘો એની વસ્તુ લઇને ઘર તરફ જતો હતો. એને થયું કે એ મેઘનાને મળે નહીં પણ કઈ રીતે રહે છે એ જુએ તો ખરો. એની જગ્યાએથી બ્રિજ નીચેનું બધું દેખાતું, પણ એટલું ચોખ્ખું નહીં. રઘો બ્રિજ આગળ પહોંચ્યો અને બ્રિજના પિલરની પાછળની બાજુએ ઊભો રહ્યો.

"આ લે… હો રૂપિયા. ચાવાળાને કેજે લાકડું આલે. ઓલું લાકડું તો તૂટી જ્યું."

"તે ચૂલો ય તૂટી જયો હ."

"લોટ ય ખૂટવા આયો હ. ઇમ લાગઅ કે બધું નવેસર ચાલુ કરવાનું." મેઘનાની નિરાશા પિલરની પાછળ સુધી પહોંચતી હતી. "આ લે, બસો રૂપિયા. લાકડું ને ચૂલો હમો કરાઈ દે.”

"ખાવું હુ?" નાનુ પેટ પર હાથ પંપાળતો બોલ્યો.

"ચા લઈ આવ." મેઘના બધું જ હારી ગઈ હોય એમ પિલરનો ટેકો લઇને બેઠી. રઘુ પોતાના ઘર તરફ જતો રહ્યો. એના મનમાં સતત મેઘનાનો ચહેરો આવ્યા કરતો હતો. એ જમવા બેઠો. એની વહુએ એની થાળીમાં એક રોટલો મૂક્યો. રઘુ રોજ દોઢ રોટલો અને મરચાં ખાતો. એણે રોટલાનું પહેલું બટકું તોડ્યું ત્યાં ફરી મેઘનાનો ચહેરો એની સામે આવ્યો. રઘો એ બટકાંને એના હોઠ સુધી પણ ન લઈ જઈ શક્યો.

"કેમ ખાતા નથી?" રઘાની વહુ બોલી. "આજે તો તમારે બે... બે હું… અઢી રોટલા ખાવા જોઇએ." એણે ઉમેર્યું.

રઘાને જાણે કંઇક ચમકારો થયો એમ ઢઢ્ઢો વળી ગયેલો રઘુ એકદમ ટટ્ટાર થયો.

"જા… બીજા બે રોટલા લેતી આવ." રઘાએ એની વહુને કહ્યું.

"પણ આ તો ખાઈ લો. ગરમ ગરમ આલુ ને!"

"હા, હું આ મારો રોટલો ખાઉં. તું બે બનાવ." રઘાની વહુએ વધુ કંઈ પૂછ્યું નહીં. એ બીજા બે રોટલા ટીપવા મંડી.

રોટલાના કોળિયા ગળતો ગળતો રઘુ બોલ્યો, "ઓલા એક કપડામાં બાંધી આલજે."

રઘુની વહુએ એની સામે જોયું. રઘુએ પોતાની નજર થાળીમાં ખોડી રાખી. રઘુની વહુએ દોઢ રોટલો જ બાંધ્યો. બીજો અડધો એણે રઘુની સામે એમ ને એમ મૂકી રાખ્યો.

એને થયું કે રઘુ આ ક્યાંય નાખી આવશે! એના બોલ એની જીભ પર આવી ગયા કે તે કહે.... તમને ખબર તો છે કે આ બે રોટલામાં આપડાં બે છોકરાનાં પેટ ભરાઈ જાય! પણ એ કશું બોલી નહિ. બે મિનિટમાં રઘુએ જમી લીધું અને બાંધેલો દોઢ રોટલા લઈ એ ઝડપથી બ્રિજ પાસે પહોંચ્યો. મેઘના અને નાનુ, ભૂખ્યા પેટે સૂઈ ગયેલાં. રઘુને થયું કે બંને છોકરાંઓને જગાડીને જમાડે પણ એ જાણે મેઘનાને એકદમ નજીકથી ઓળખી ગયો હતો; એમ પણ જાણતો હતો કે મેઘના માટે એ કોઈ રાક્ષસથી ઓછો નથી. એ બંને છોકરાંઓની થોડેક દૂર એક સ્ટીલની ડિશમાં રોટલા મૂકીને જતો રહ્યો. હલનચલનને લીધે નાનુ જાગી ગયો. રઘુ ઝડપથી પિલર પાછળ જતો રહ્યો. સામે બેઠેલાં માજી મૂંગાં મૂંગાં બધું જોતાં હતાં. નાનુએ આજુબાજુ જોયું. ઊંઘમાં એનું ધ્યાન ક્યાંય બહુ પડ્યું નહિ. પણ સ્ટીલની ડિશમાં રોટલા ભાળીને એણે મેઘનાને જગાડી. બંનેને થયું કે કોઇક આપી ગયું હશે. રઘુ પિલર પાછળથી બધું જોતો રહ્યો. ત્રણેય જણાંએ ખાઇ લીધું ત્યાં સુધી રઘુ એમ જ ઊભો રહ્યો અને પછી જતો રહ્યો.

દિવસો વીત્યા. રોજ સવારે એ કામ પર આવતો. મેઘના કે નાનુ ત્યાંથી પસાર થતાં તો રઘાને ખૂબ તિરસ્કારથી જોતાં. ઘણીવાર નાનુ એના થેલાને પાટા મારી આવતો અને ઘણીવાર મેઘનાની આંખો રઘાને ત્યાં ને ત્યાં ચીરી નાખતી. પણ રોજ રઘો રાત્રે એની વહુ પાસેથી દોઢ રોટલો બંધાવીને જતો. રોજ મેઘના અને નાનુ કી-ચેન વેચવા જઇને આવી જાય એ પહેલાં એમની થાળીમાં દોઢ રોટલો પીરસાયેલો હોય.

એક રાતે રઘુની વહુએ પોતાનું મૌન તોડ્યું. એણે કીધું, "રોજ તમે આ લઇને ક્યાં જાવ હો? ગાય- કૂતરાંને કે માણહએ ય ખવડાવતા હોવ તો હવેથી ભૂલી જજો. આપડે કઈ કુબેર થોડા સી કે દાન પુન કરતા રઈ ?! ધંધો કઈ એટલો હારો નહીં. બહુ હારો હોય તો મારે ય ગ્થનું લાવવું હ. પૈસા મનઅ આલ દેજો." રઘુ કશું બોલ્યો નહિ. બોલે પણ શું? એ ઘરની બહાર જઇને મૂંગો મૂંગો બેઠો રહ્યો. એને ખબર છે કે આજે મેઘના ભૂખી સૂઈ જશે. અને ખરેખર નાનુ અને મેઘના હવે જમવાનું બનાવતાં ન હતાં. ચૂલો ય હજી સમો થયો ન હતો. એ બંને ભૂખ્યાં સૂઈ ગયેલાં. રઘો પણ ઘરની બહાર ખાટલા પર સૂઈ ગયો. એણે પોતે ખાધેલો રોટલો એને જાણે પાછો આવતો હતો.

બીજા દિવસે વહેલી સવારે પેલા ત્રણ લોકો રઘુને બોલાવવા આવ્યા..

"એ રઘા… અરે ઑ બનેવીલાલ… તમારી દુકાન જોઈ આવો. હામેનો પુલ ભાંગ્યો હ તો તમને નુકસાન તો નહીં થયું ન?" રઘો ફડક દઇને ઊભો થયો. એ બ્રિજ તરફ દોડ્યો અને પાછળ પેલા માણસો પણ.

એ બ્રિજ આગળ પહોંચ્યો. વહેલી સવારે પડેલા બ્રિજની ધૂળ હજી પણ ઊડી રહી છે. પોલીસ બધી શોધખોળ કરી રહી છે. એ મેઘનાના ઘર આગળ નજીક ગયો. પોલીસે વધુ નજીક જવા ન દીધો. પોલીસ બધું ખોદાવતી હતી. ખોદવાવાળાએ બૂમ પાડીને કીધું, "બે અહીં મર્યા." રઘાનો શ્વાસ અટકી ગયો.

"ખોદો હજી." પોલીસે કીધું.

રઘુ ત્યાં જ ઊભો રહ્યો અને જોતો રહ્યો. દૂરથી એને સ્ટીલની ખાડામાં પડેલી ડિશ ચમકતી દેખાઈ. રઘુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.

"અહીં કશું નથી. બધું પતી ગયું." ખોદવાવાળા માણસે કીધું.

પાછળથી રઘાનો સાળો આવ્યો અને હાંફતો હાંફતો બોલ્યો, "તમે આંઈ સો! આપડાને કઈ નથ થયું. બધું હાઇકલાસ ય.” રઘુએ ભીની આંખે એની સામે જોયું અને ચાલવા લાગ્યો.



તન્ત્રીનૉંધ :

વાર્તાનો ઉઘાડ એક સૂચક પણ સુન્દર દૃશ્યથી થયો છે : મેઘના અને નાનુના પ્લાસ્ટિકનાં કવરના ઘરનું એક પીળું પ્લાસ્ટિક ‘સોના જેવું’ ચમકી રહ્યું હોય છે, તો એથી વિપરીત, કાળા પ્લાસ્ટિકમાં ઝીણું કાણું પડી ગયું હોય છે, જેથી તડકો નાનુના ગળા પર પડે છે. એટલે, મેઘનાને તડકામાં રજકણ દેખાય છે, અને એને એ અન્યમનસ્ક તાકી રહે છે, તડકો નાનુ પર ન પડે માટે રજકણને હથેળીમાં ઝીલી લે છે.

‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’-થી અથવા ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-થી કહેવાયેલી આ વાર્તાનો એ ઉઘાડ રમ્ય છે. કથકની વાણી પણ મેઘના અને નાનુ પ્રત્યે કરુણાળુ દીસે છે. પરન્તુ એ પછી મેઘના અને નાનુએ જે વીતક વેઠ્યાં અને અન્તે બન્ને મર્યાં, એ કરુણ કથનીમાં એકેય દૃશ્ય એવું રમ્ય નથી, કથકની વાણી પણ એ વિષમ વાસ્તવિકતાના નિરૂપણમાં શુષ્ક થઈ ગઈ છે.

શહેરના કોઇક ખૂણે ઝૂંપડપટ્ટીમાં અછતગ્રસ્ત ગરીબો જેમતેમ જીવનગુજારો કરતાં હોય છે, પણ માથાભારે નિ ર્દયીઓને કારણે એમને કોઈપણ વખતે પોતાનાં એ ‘ઘર’ મૂકીને બીજે ચાલી જવું પડે છે, એ દાસ્તાં સુવિદિત છે. આ વાર્તાનું વિષયવસ્તુ એ જ વર્ગનું છે. સમગ્ર રચના ઘર ખાલી કરાવવા આવેલા ત્રણ ઘૃણાસ્પદ માણસો, જેમનાં નામ નહીં જણાવીને કથકે પણ ઘૃણા દાખવી છે, અને મેઘના વચ્ચેના સંઘર્ષનું એક નિરૂપણ છે. પરન્તુ એમાં, શીવણકામ માટે મેઘનાના ઘરની જગ્યા મેળવવા આવેલા રઘાનો વાત્સલ્યભર્યો પ્રેમ ઉમેરાયો છે. વાર્તા મેઘનાની છે પણ એથી સમજાશે કે વાર્તા રઘુની પણ છે. વાર્તાનું શીર્ષક “દોઢ રોટલો” છે. એનું કથકે સવીગત નિરૂપણ કર્યું છે, એથી વાચકને સમજાઈ જાય છે કે મેઘનાની કમનસીબીમાં રઘુના એટલા રોટલાથી આશાની એક સુવર્ણ રેખા પ્રગટેલી, તેમછતાં, પરિસ્થિતિ માં કશો ફર્ક નથી પડતો બલકે કરુણ અંજામ આવે છે.

કથકને ખબર છે કે આવું જીવન જીવતાં માણસોની રહેણીકરણી કેવી હોય, તેથી એ તાદૃશ વર્ણનો કરી શક્યો છે. કથક ક્રમે ક્રમે આલેખી રહ્યો છે કે કેવીક દુ:ખદ ઘટનાને કારણે આ કથની સંભવી. એ રીતે આ વાર્તામાં આલેખન અને કથન -ડિસ્ક્રિપ્શન અને નૅરેશન- એકરૂપ થઈ ગયાં છે. કથકને એ જાણ પણ છે કે આવા બેહાલ જનોની બોલચાલ કેવી હોય. મેઘના અને નાનુ વચ્ચેની વાતચીત એવી છે, રઘુ અને એની પત્ની વચ્ચેની વાતચીત એવી છે છતાં થોડીક જુદી છે કેમકે એમનો સામાજિક દરજ્જો થોડોક જુદો છે. રઘુ બીજી જગ્યા શોધી લેવાનું કહે છે ત્યારે ત્રણ માણસોમાંનો એક રઘુને કહે છે : બીજી જગ્યા કેમ? તમાર સીવવા બહવું સે ને! માર બૂને કીધું'તું તમને આ જ જગ્યા ગમઅ હ. ખૂલો રોડ હ. ઘરાકી હારી રે. હવ તો આ જગ્યા તમારી જ. મેં મારી બૂનના સોગંદ ખાધા હ : પણ કથક એવી ઉક્તિઓ ય રચી શક્યો છે, જેમાં કશી શિષ્ટતા ન હોય, જેમકે, ઘર ખાલી કરાવવા આવેલાઓમાંનો એક બૂમ પાડે છે ત્યારે, મેઘના પોતાનું ઘર બચાવવા બોલે છે : તારી મા હામુ બરાડા પાડજે. મારા ઘરને અડી તો જો! મા આણી નાખી તમાર બધાની! : એમાં ’ગધેડીના’ ‘ભડવા’ -જેવા અપશબ્દો પણ છે. કથકે મેઘના, ઘર ખાલી કરાવનારાઓ અને રઘુ બધાં એકદમ અસલી અને જીવન્ત લાગે એવાં કેટલાંક સૂક્ષ્મ નિરીક્ષણોનું પણ નિરૂપણ કર્યું છે ; જેમકે, જગ્યા માટે બે-ત્રણ થેલા લઈને ઊભેલો માણસ રઘો બધું જોયા કરતો હોય છે એ ક્ષણને કથકે આ રૂપમાં આકારી છે : મેઘના અને એ માણસની નજર મળી. મેઘનાની આંખમાં એ માણસને પોતાના માટેનો ભાવિ દુર્ભાવ દેખાયો અને એ માટે એ અત્યારથી જ પોતાને દોષી માનવા લાગ્યો. એની આંખમાં આ ભાવ મેઘનાને દેખાયો છતાં એ કશું બહુ સમજી શકી નહીં : વગેરે.