ગામવટો/૧૦. જીજી

Revision as of 02:49, 24 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦. જીજી

બા–નું નામ અંબા. અમે સૌ એને જીજી કહેતાં, મોટેભાગે તો ફક્ત જી. બેઠી દડીનું શરી૨. સહેજ ઘઉંવર્ણી કાયા, ચહેરો ગોળમટોળ. આંખો નીચે આછી કાળાશ. નાકથી નમણી લાગે. આંખો થોડી નાની પણ પાણીદાર. આમેય એના કિસ્મતમાં આંખોનાં પાણી સુકાવાનું જાણે લખ્યું જ નહોતું. મધ્યમબાંધાની કાયામાં તરવરાટ દેખાય, કામ કરવાની ઝડપ હતી, પણ શરીર પરનો થાક ચહેરા ઉપર કળાય. હસે તો વ્હાલી લાગે, જોકે હસવાનું એને નસીબે નહોતું ને કદીક હસે તોય એમાં પ્રસન્નતાની ચોકી કરતી ઉદાસી કળાય. માત્ર સંતાન સુખ પામેલી જીજીના આ સુખને દુઃખનો કાયમી પહેરો હતો. કે કેટલાય જીવનસંતાપો અને કાયામાં ન પરખાતો રોગ. આજે હું એની આ સ્થિતિઓને આલેખી શકું છું; ત્યારની એની મારા ચિત્તમાં જડાઈ ગયેલી અમીટ છબિને આધારે. બાકી મારી સમજના એ દિવસો નહોતા. જીજીને પડછાયાની જેમ પળોજણો વળગેલી રહેતી. જીજી એને પાળ્યાપંપાળ્યા વિના અને કાકાનાં (અમે બાપુજીને કાકા કહીએ છીએ.) સ્નેહ કાળજીની જરાય આશા વિના પોતાનાં નિત્યકર્મો કર્યા કરતી. નીચી નાડે કામ કરવું એ જ જાણે એનો જીવનધર્મ હતો... સંયુક્ત કુટુંબમાં જીવવાનું. જીજી બધાંથી નાની. સૌની આમન્યા જાળવે, ને સૌનો પડ્યો બોલ ઉપાડી લ્યે. ડિલ સારું ના હોય, જીરણ તાવ આવતો હોય કે છાતીપેટનો દુખાવો હોય, દોઢબે વર્ષને આંતરે જન્મેલાં અમે છસાત ભાઈબહેનોમાંથી કોઈ રડતું હોય કે ધાવવા–ખાવા ભૂરાયું થયું હોય તોપણ જીજી ગણકારે નહીં; વડીલોનું કામ પહેલું. ખેતરમાં જવાનું વહેલું, ઢોરને ઘાસ–પાણી વેળાસર પતાવવાનું, ભેંસો દોહવાની, વાસીદાં કચરા વાળવાનાં ને ગામના પાદરવાળા કૂવાનું પાણી ખેંચી માટલા પર માટલું ચઢાવીને લાવવાનું. બધું પરવારીને ખેતરે જવાનું. વાઢવા, નીંદવા, રોપવા, ધરુ ઉપાડવા, ઘાસના ભારા લાવવા, મકાઈ બારી વહેવા જવાનું... ને આવીને પાછું ઘરકામ... વડીલોનાં કપડાં, નહાવાં, ધોવાં, ચાપાણી, હુકા, ખાટલા, ગોદડાં... ફૂદાની જેમ ફરી વળવાનું! પગ વાળીને બેસવાની વાત તો આઘી રહી જીજીને શ્વાસ લેવા જાણે નવરાઈ નહીં. આટલા છતાં કાકાની બીક, કાકાનો ગુસ્સો કપરો, સ્વભાવ ઘણો આકરો, તીખાં મરચા જેવો. જીજી તો કબૂતર જેવી ફફડતી જ રહે. કાકા શું કહેશે એની ધાક કાયમી. ને કાકાનું ઠેકાણું નહીં. ખેતરમાંથી આવે ને વિના કારણે અકળાયેલા હોય. તડકો ને મજૂરી, ભૂખ ને થાક હોકા બીડીની તલપ – કૈં કેટલીય વાતો મનમાં હોય, કાલનાં કાર્યો ને આજની અધૂરી કામગીરી... પૈસાની ખેંચ, બચરવાળું કુટુંબ, માથે જવાબદારી. કાકા કદીય પ્રસન્ન ન હોય ને એમની હાજરીમાં બીજું પણ કોઈ હળવું ના હોય. કાકા એમના બાપા (પરભુદાદા)નેય ખખડાવી દે... ‘તમે છાનામાના બેહો ડોહા...’ બિચારા દાદા ગમ ખાઈ જાય. એક રામીમા (જીજીનાં સગાં જેઠાણી) કાકાને કહી શકે; ને કાકા એમનાથી દબાય નહીં તોય એમનું સાંભળે, એમનું વેણ કાન તળે ના કાઢી શકે ! એટલે રામીમા અમારો દેવ ! જીજીનો અને અમારા સૌનો એ આશરો. એક માત્ર આશરો. રામીમા એટલે નર્યો પ્રેમ, સ્નેહનો અવતાર, ઉદાર અને લાગણીશીલ. ભરજોબનમાં વિધવા થયેલાં. એમનેય બે દીકરા, બે દીકરીઓ. એમના પતિ કાકાના મોટા ભાઈ તે નારણ પ્રભુદાસ. નાનકું ગલૂડિયું કરડેલું ને ધ્યાન ન આપ્યું તે હડકવામાં ગુજરી ગયેલા. એટલે કાકાએ ભણતર છોડવું પડ્યું, ત્યારે તો સાત ચોપડી ભણેલાને પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી, સામે ચાલીને આપતા. કાકા તો અંગ્રેજી ભણતા’તા. શિક્ષકની નોકરી મળતી તેય છોડવી પડી અને ખેતી સંભાળવી પડી; ટાંચાં સાધનો, ઓછી જમીન, વરસાદી ખેતી – કાળદુકાળ પડે, એક સીઝન માંડ પાકે. બે કુટુંબોની જવાબદારી, આબરૂદાર ઘર ને રસ્તા માથે; તે મહેમાનો કાયમ ચાલુ જ હોય... આમ દેવું થાય, ખર્ચા આવે ને કાકા અકળાયેલા રહે. આવામાં જીજીની દવાય ન થાય. અમારી તો કોઈ ઇચ્છા જ ટૂંપાઈ જાય. રામીમા અમને વેળાવેળાએ રોટલા, કઢી ને ખીચડી–દૂધ જમાડે. ઘરનો ને રસોડાનો ચાર્જ રામી મા પાસે. એ કાળજીપૂર્વક ખાવાનું આપે, પક્ષપાત કર્યા વિના બધાંને સાચવે; પોતે ભૂખ્યાં રહે પણ છોકરાંને ભૂખ્યાં સૂવા ન દે... જીજી સાંજે કામથી પરવારે ત્યારે રામીમા એની સાથે ખાય, જીજીનામાં છાંટો ઘી વધારે પાડે, છાપકું દૂધ આપે ને ગરમ રોટલા સાથે લસણની ચટણી. જીજી પેટ ભરીને ખાય ને રામીમાને ઓડકાર આવે. દેરાણી–જેઠાણીનો આવો સ્નેહ તો આજેય વિરલ વાત છે. રામીમા અને જીજી કદી લડ્યાંવઢ્યાં નથી... જીજી માટે તો રામીમા જ છત્ર હતાં; નિરાધારનો આધાર. જીજીને તાવ હોય ને કામ કરતી હોય તો એ લડે, કામ મુકાવી દે, કાવો કરીને પાય, સુવડાવીને પગ દબાવી આપે... ક્યારેક અમને પાસે બેસાડી જીજીની વાતો કરે. આવી સ્થિતિમાંય જો કોઈ કામ રહી ગયું હોય તો કાકા જીજીને વઢે જ. પણ રામીમા જાણે એટલે કાકાને સમજાવે; ગમે તે કરો એને દવાખાને લઈ જાવ, એ મરી જશે તો હાથે બળશો, આટલી પાંજરાપોળને ઠારશે કોણ? પૈસા જોઈએ તો મારું ઘૈણું લ્યો; ગી૨વે મૂકો પણ અંબાને સાજી કરો...' જીજી સાંભળે, એની આંખો છલકાય, કાંઈ બોલે નહીં. પણ દવાખાનેથી આવે, ને સારું લાગે ત્યારે રામીમાને કહે– ‘તમારા હારુ તો મારી ચામડીનાં જૂતાં કરાવું તોય ઓછું પડે...’ પછી રડે ને એના મરણ પછી અમારું શું થશે એની ચિંતામાં અડધી અડધી થાય. મા પાછાં એને ઠપકારે ને ધીરજ બંધાવે : ‘ઉપરવાળાને ઘેર કાંઈ સો મણ તેલે અંધારું તો નઈ હોય ને અંબા! એ ગજ કાતર લઈને બેઠો છે તે હરખું કરવાની ચન્ત્યા એનીય ખરી કે નઈ... ને આપણા હાથમાં શું છે? વેળાવેળાની છાંયડી છે, બુન! આજે રાત છે તો કાલે હવાર પણ પડશે હાં કે, માટે કાળજું ટાઢું રાખ...’ જીજીનું મન માને નહીં પણ એ કામે ચઢી જાય. ધમાલમાં જાતનેય વીસરી જાય. અમને ભાઈબહેનોનેય જાણે જીજીની માયા નહોતી. હાસ્તો! એણે જનમ આપીને ધવરાવ્યું એ માફ. પછી ઘૂંટણીએ પડ્યાં ને રામીમાના હવાલે થયાં. જે ખવરાવ્યું–પિવરાવ્યું તે તો રામીમાએ. જીજીએ કદી ખોળે લઈને વ્હાલ કર્યાનું સાંભરતું નથી, જીજીએ કાળજીથી ક્યારેય નવરાવ્યાં ધોવરાવ્યાં હોય, રડતાં હોય ને પંપાળ્યાં હોય કે માથેવાંસે હાથ ફેરવીને વ્હાલ વરસાવ્યું હોય એવી કઈક ઘડી તો જરૂર આવી હશે; પણ એ વિરલ પળો સ્મરણના કાણા પાત્રમાંથી અલોપ થઈ ગઈ છે – જીજીની જેમ ! અમે તો સાંજ પડ્યે જીજીના બદલે એના જાડા કરકરા સાડલાની સોડ જ વધુ પામેલાં, ને એ હૂંફ યાદ છે તો જીજીની હૂંફ કેવી હશે ! માને સ્વર્ગ કહી તે અમથી નહીં. આજેય હું એ હૂંફને માટે તરસ્યો છું. ભર્યા ભર્યા જીવન વચ્ચે એ ખાલીપો છે – મોટા ટાપુ જેવો – વેરાન ! માને વાત કરું છું – આજે રામીમા તો હયાત છે. એશીનાં. મા મારી આવી તરસ જાણીને બળે ને વ્યતીતની વાટે સરી પડે છે. એની ઊંડા કૂવા જેવી આંખો છલકાઈ ઊઠે છે ત્યારે હુંય એમાં તરબોળ... – કાકા જીજીને ગોધરા લઈ જતા, વડોદરા લઈ જતા. દાક્તરો દવાઓ આપતા. જીજી દવાઓ ખાતી, રોગ પરખાતો નહોતો. તાવ આવે ને શરીર ગળે. એમાં સુવાવડો ઉમેરાય. ઓછો ખોરાક ને લહાય વધારે. ખાટલો છૂટે ને ખેતરની મજૂરી, કાકા જીજી ઉપર માંલ્લાં કરાવતા, રાતે ભૂવા ધૂણે, ધગધગતી સાંકળો જોઈને જીજી ચીસ પાડે. કાકાનેય પૂર્વજ રમે, અમે ઊંઘમાંથી જાગી જઈએ તોય ઢબૂરી દેવામાં આવે. સવારે જીજીના ડિલે ડામ પડ્યા હોય ફોલ્લા. રામીમા પ્હાડનાં પાંદ તાવેથા પર ઘી સાથે શેકીને બાંધે. દૂધ–ઘી ખવરાવે પણ જીજી ખાય નહીં – કહે ‘આટલાં છોરાં ખાનારાં હોય ને હું મારું પેટ ભરું તો ભૂખડી જ ગણાઉં...' હું જીજી પાસે વધારે રહેતો, મને એના ઘણા બોલ યાદ છે – એક વાર, આ દવાદારૂ ને દોરાધાગા, બાધા–આખડી ને રામરાખડીથી કંટાળીને કહે : ‘હવે તો નથી વેઠાતું બુન ! આવા જીબ્બામાં ભલેવાર શો ? તેતરની જેમ બીબીને જીબ્બાના ઝાળું ને પેલું ઝાંખરું – ચ્યાં હુધી બુન! એનાથી તો એક હાંમટો ભડાકો કરી દેતો હોય તોય પાર આવે...’ બોલતાં બોલતાં એની છાતીમાં ડૂમો ભરાઈ જતો. નાની બહેનોને છાતીએ વળગાડીને એ છુટ્ટે મોંએ રડી પડતી, પાડોશીઓ ભેગાં થઈ જતાં... ને અમારા ભણી દયાભરી નજરે તાકી રહેતાં... ‘ધણીનું કોઈ ધણી છે બુન?... આપડા બતી કોઈનું દુઃખ લેવાતું ઓત તો જોઈતું'તું હું ?... ને દેવ જેવાં રામીમા બેઠાં છે... ચન્ત્યા ના કરીએ...’ જેવી વાતો સાથે પાછાં બધાં વિખરાઈ જતાં. સગાંવ્હાલાં જોવા આવતાં ને રોકકળ ચાલતી, એ જ વાતો ને એવી જ દયાભરી નજરો. મને અમારા એ ઓશિયાળાપણાનો આજે બરોબર ખ્યાલ આવે છે! એ દિવસોના સાચા દિલાસાઓ તે તો બહેનો–ફોઈઓના. બાકી તો બધી એંઠી–જૂઠી વાતો. બનાવટી હેત ને ક્ષણપૂરતી દયા. મને સમજણો થયો ત્યારથી આ વાત જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ત્યારે ન સમજાય એવી ગૂંગળામણ થાય છે. કઠોર સ્વભાવના કાકાએ સાંઠીના એ કાળમાં જે ઉપલબ્ધ હતી એ બધી દવાઓ જીજી માટે કરાવી હતી. કાકાના દીકરા એ વાતની સાખ પૂરે છે. કાકા ખર્ચો કાઢવા માટે ઉનાળે–શિયાળે વેપાર કરતા. વાંસ પુંવાડની ટ્રકો ભરી લાવતા. વાડામાં વાંસ ને પડસાળે પુંવાડ ઠલવાતા. કાકા ન હોય તો અમે બધું વેચતા ને નોંધતા. કાકા કપાસનો વેપાર પણ કરતા જતા, મગફળી ને ખોળય વેચતા. ક્યારેક કૉન્ટ્રાક્ટ રાખતા– કોક કાચા રસ્તાનો. એમાંથી ઝાઝું નહીં પણ દોડધામ જેવું મળતું ને ઘર ચાલતું. જીજીને કાકા ‘મીરાં દાતાર’ની દરગાહે લઈ જતા. ત્યારે અમને તો બેચાર દિવસ જીજીકાકા ઘેર ના આવે એટલે લાગે કે જાણે દેશ પાર ઊતરી ગયાં હશે. જીજીને ટી.બી. છે એમ લોક વાતો કરતું. ‘ખઈ રોગ સે’! ને તોય કાકા જીજીને દિવસો સુધી કારંટાની દરગાહે રાખતા. એક વાર હું જીજીને જોવા ગયેલો, જીદ કરીને. મહીસાગર કાંઠે ગામ. કારંટા. દરગાહો છે પીરની, નવગજા પીર અને બીબીની શલ્યા! લોકો વળગાડમાં ધૂણે મસ્જિદના ઘુમ્મટે, કોટના કાંગરે, ચંપા– આસોપાલવની પાતળી ડાળે, ચોકમાં સ્ત્રી–પુરુષો, છોકરા–છોકરીઓ ધૂણે જાણે કોઈ જુદો જ મલક ! શ્રીફળો ફૂટે, લીલા ઘોડા વળાય સળગતા, કાકાડા વળાય... વંતરી ઊતરે, ડાકણોનાં નામ લેવાય, ગાળો દેવાય, વંતરી રેખરેખ થઈ જાય. રેખમાંથી રતિ રતિ રહેને ‘દાદાના–થીરદાદા દરબારમાંથી રોજિયું (રોગી) રજા લઈને ઘેર જાય !' રહેવાની ઓરડીઓ બહાર હારડીઓ ને દરગાહમાં મેળો ! નબળો–પાતળો તો ડરથી જ ધૂણવા માંડતો હશે. હું તો ડરી ગયેલો– અવાક! જીજી આસોપાલવના થડમાં હાથ જોડીને બેઠી હતી. પીર વારે વારે ઘોડો ને કાકડો વાળતા? પણ જીજી તો શાંત! જાણે એના ચહેરા પર કોઈ ભાવ જ નહીં – જીવવાની કશી ઝંખના જ નહીં! મને ભાળીને સહેજ હેબતાઈ ગયેલી ને પછી મને એની પાસે બેસાડીને સૂનમૂન થઈ ગયેલી ! મને થયેલું કે જીજીને અહીંથી લઈ જાઉં – પાછી ઘરે, નહીં તો જીજી કદી પાછી નહીં આવે ! મને વળતાં આખીવાર આવા જ વિચારો ચાલેલા... પણ હું તો નાનકડું છોકરું – અણસમજુ, મારી વાત કહું કોને? ને માનેય કોણ? આ દરગાહની યાતના આજ લગી અમારા મલકને વળગેલી છે. નાનીબહેન અને નાનાભાઈની પત્નીને પણ આ દરગાહ ત૨ફની શ્રદ્ધા (કે અંધશ્રદ્ધા ?) એના ભણી ખેંચીને ભરખી ગઈ છે... ભણેલાઓનેય નિઃસહાય કરી મૂકે એવો એ અમારા અંધારિયા મલકનો ઊજળો સમાજ! હું માત્ર મુઠ્ઠીઓ વાળીને રહી જાઉં છું. અમે ખૂબ નાની વયે જાતે નહાતાં શીખી ગયેલા. કચરા વાળતા, ઢોર બાંધતા – ઘાસ નીરતા, પાણી ભરતા ને ખીચડી પણ ઓરતા થઈ ગયેલા. આટલું કામ પરવારી અંધારું પડે રમવા જઈએ ને ખેતરેથી આવતી જીજી જોડે પાછા વળીએ. ક્યારેક એને મોડું થાય તો રાહ જોઈએ. એને તાવ હોય તો એની પાસે બેસીએ. ભેળાયેલાં ખેતરોમાંથી મગફળી વીણીને વેચી હોય એનો રડો–રૂપિયો છાનો રાખ્યો હોય તે જીજીને દવા કરાવવા આપીએ ત્યારે એનો જીવ વલોવાઈ જતો... ‘હું અભાગણી !...' પછી એ જે બોલતી તે રડવામાં તણાઈ જતું. ઘરમાં શોક સન્નાટો... ત્યારે નવું ઘર થતું હતું. કાકાના (રામીમાના) દીકરાઓ પરણી ગયા હતા જૂના ઘરમાં ભાગ પડ્યા હતા. હવે જીજીને માથે ભાર વધ્યો હતો ને રોગ પણ, જોકે રામીમાની મદદ તો હતી જ... પણ જીજીને નોંધારો પડી જવાનો આઘાત લાગેલો. નવા ઘરવેળાએ એ ગારો કરતી ને કડિયાઓને આપતી. પથરા–ઈંટો– કપચીનાં તગારાં ઊંચકતી... મેં એને આ દિવસોમાં ફરીથી ગોરમટી ખાતાં જોઈ હતી, બઉ પહેલાં એ ક્યારડામાં ઊખડેલી પોપડીઓ ખાતી હતી. મને એ સમજાતું નહોતું કે જીજી માટી કેમ ખાય છે? – એને લીધે કદાચ મને પણ એવી ટેવ પડેલી... નવા ઘરમાં આવતાં હતાં તે પહેલાં જ પરભાદાદા ગુજરી ગયા હતા. મોટીબહેન નાથીને કૂતરું કડ્યું હતું ને ધનુરવા થતાં એય મરી ગઈ હતી... કાકાનાં બા પણ ખાટલો છોડી ગયાં હતાં – કાયમ માટે! નારણકાકાને ગુજર્યા પછી પાંચસાત વરસ પાછો મોતનો સિલસિલો ઘર માથે ગાજવા લાગ્યો હતો... જીજીનું શરીર નખાતું જતું હતું. એ હવે વારેવારે ખાટલો સંભાળતી હતી. નવા ઘરમાં રહેવા ગયાં. જીજીએ બહેનો (નાની)ને કામ લગાડીને પોદળા માટી–પરાળી ભેગાં કરી ગારો કર્યો. વીસ દિવસ સુધી એ ગારો અમે લૂંદેલો. પછી જીજી અને બહેનોએ મળીને નવા અને મોટા ઘરની ચોપાડ, ગુંજાર અને પડસાળો લીંપેલી. બીજત્રીજના ચન્દ્ર જેવી ઓકળિયોની હારો કાઢીને ઓળિયો કરેલા. શિયાળો ઊતર્યો ને આકરો ઉનાળો બેઠો. જીજીએ ખાટલો ઝાલ્યો. દવાઓ કે દોરાધાગા કાંઈ કામ નહોતાં કરતાં. કાકા વ્યગ્ર થઈ થઈને શાંત પડી ગયા હતા. સૌએ જીજીના આવનારા મોતને જોઈ લીધું હતું. સૌ જીજીને અમથી આશા બંધાવતાં હતાં, પણ જીજી હવે કળી ગઈ હતી. એણેય રાતવરત મોતનાં દબાતાં પગલાં સાંભળી લીધાં હતાં. હવે એ રોજ સવારે અમને ખાટલે બોલાવતી, દરેકને ઘરનું કામ સોંપતી. નાનીબહેનને રોટલા, કઢી, ભાત કરવાનું બતાવતી ને અમને સૌને લડ્યા વિના કામ કરીને રમવા જવાનું કહેતી હતી. ઘરમાં મહેમાનોની અને ગામલોકોની અવરજવર વધી એટલે અમનેય ખ્યાલ આવવા માંડેલો. અમારા ચહેરા પડી ગયેલા. ફોઈ અમને ખોળામાં લઈ લઈને રડી પડતાં હતાં. જીજીની જીજી આવી ગઈ હતી, એક ઢળતી સાંજે અમને વહેલું વહેલું ખાવાનું આપી દેવાયું. સૂર્ય ડૂબતાં પહેલાં ઢોર કોઢમાં બંધાઈને નીરણ પામ્યાં હતાં. ઉનાળાના વાયરે ઉડાડેલી ધૂળમાં સૂરજ ઝાંખોપાંખો હતો ને દિશાઓ મેલાદાટ થેપાડા જેવી થઈ ગયાનું મને યાદ છે. ખાઈને હું ફળિયામાં જવા જતો હતો ત્યાં કાકાની દીકરી – મોટીબહેને મને ઝાલીને જીજી સામે બેસાડ્યો.. બધાં ત્યાં જ હતાં, જીજી સૌને હાથ જોડતી વિદાય માગતી હતી, રામીમા એનું માથું ખોળામાં લઈને બેઠાં હતાં.– આંખો ભીની, સાદ ગળગળો! જોતજોતામાં દીવો મુકાયો. ને જીજીનો જીવ મારગ પકડવા વલખતો ભળાયો. સૂરજ ડૂબ્યો ને જીવ પણ... જીજીની આંખો મીંચાઈ ગઈ. હાથપગ સીધા ગોઠવાઈ ગયા... રામીમાનો ખોળો છોડીને જીજી ચાલી નીકળી હતી... એના હાથે જ લીંપાયેલી ઓકળિયો પર એનો ચોકો લીંપાયો ને કાકાએ મરણ પોક પુકી...ગામનું લોક ધાઈ આપ્યું ! અમે સાવ નમાયા થઈ ગયાં હતાં... રાત આખી જીજીના શબ પાસે સ્વજનો ડૂસકાતાં રહ્યાં– ઘંટી વલોણાં ને કૂવાની ગરગડી બંધ રહ્યાં... માત્ર અમે નાનાભાઈ–બહેન રફડતાં રડતાં કોણ જાણે કેમ ઊંઘી જ ગયાં – ઊખરેટા ખાટલાઓમાં ! સવારે રામીમાની પોકથી જાગી ગયાં ત્યારે દિવસના અજવાળામાં મેં પહેલી વાર અનુભવ્યું કે હવે જીજી નહોતી રડતી. અને ‘નમાયા હોવું એટલે ઓશિયાળા હોવું' એની ખાતરી બહાર ઊભેલાં ગામલોકો ખોટું ખોટું વહાલ દાખવી, સમજાવીને કરાવી રહ્યાં હતાં... મોટાભાઈએ દોણી દોરી, શબ નીકળ્યું. બહેનોના આક્રંદે હું હિબકે ચઢ્યો ને જીજી પાછળ દોટ મૂકી ત્યારે મને ઝાલી લઈને શાંત પાડવામાં આવેલો... હજીય એ દિવસનું રોણું અધૂરું રહ્યું છે – જાણે એને વહાવવા ન ઠામ છે ન ઠેકાણું ! મને ઝાલી લેનારાંએ તો સાંજ પહેલાં જ મને પાછો છોડી દીધો હતો – જીજીવિનાના એ ઘરમાં જે સૂનકાર અનુભવ્યો છે! એ સૂનકારે પછી ભેંકાર અને સન્નાટા સાથે મારો ઠીક ઠીક મેળ પાડી આપ્યો હતો. જીજીની કોઈ છબિ જ નહોતી! ક્યાંથી હોય? અમારા ચિત્તમાં સચવાઈ એ જ એની સ્મરણ છબિ. છેક નાનીબહેન રેવા તો ઘોડિયામાં હતી ને જીજી ગુજરી ગઈ... બીજી બે બહેનો ને એક ભાઈ પણ મારાથી નાનાં. મોટી બે બહેનો તો જીજીથી આગળ નીકળી ગયેલી... મોટાભાઈ ને હું ત્યારે ચોથા–પાંચમામાં ભણતા હોઈશું – ૧૯૬૦–૬૧ની એ સાલ હશે. નાની અમને રોટલા પાણી કરી આપવા પોતાનું બધું છોડીને આવી ગઈ હતી. પણ એની વીતકકથા તો જુદું પ્રકરણ માગે એવી છે. કાકા સાથેનું છેટું વધતું ગયું – અમે એમનાથી હોઈએ એથી એ અમારાથી જાણે વધારે આઘા ને અળગા લાગતા. એમનો ચહેરો તંગ ને અવાજમાં ગુસ્સો વર્તાતાં... અમે બધું વેઠતાં વેઠતાં મોટાં થતાં હતાં... આઠમા ધોરણમાં એક સામટાં ત્રણત્રણ કાવ્યો – મા વિશેનાં કાવ્યો; અને – ‘લોહીની સગાઈ’ જેવી માની મમતાની વારતા ભણવામાં આવ્યાં... જીજી મારામાં જીવતી થઈ ઊઠેલી, મને ઊઠતાં–બેસતાં ચેન ન પડે, ખાતાં ગળે ડચૂરો બાઝે. સુન્દરમનું ‘બાનો ફોટોગ્રાફ' કાવ્ય મનમાં ચાલ્યા જ કરે... ‘બાએ ના જિન્દગી જોઈ ઘરની ગોલકી ત્યજી...’ ‘બાએ, થોડી રાહ જોઈ હોત તો અમે બાને જરૂર બધે લઈ જાત... ને ફોટો પણ, અરે!’ મન કહેતું'તું. ‘ફોટો પડાવવાથી જિન્દગીની પીડા ભૂલી શકાતી નથી...’ જીજીએ કાંઈ જ નથી જોયું, કાંઈ જ પહેર્યું–ઓઢ્યું નથી કે કાંઈ જ શોખ કર્યા નથી! એની પેટીમાંથી પાનેતર, પટોળું, કોસંબો, ગવન નીકળેલાં તે કેટલાંય વરસો લગી બહેનોએ સાચવી રાખેલાં... આજે તો એય બચાવી શકાયાં નથી... અફસોસ! જીજીએ તગારાં ઊંચકીને બાંધેલું ને ઓકળિયે લીંપેલું ઘર પણ ૧૯૯૨ના ડિસેમ્બરમાં મોટાભાઈ અને કાકાએ પાડી નાખવું પડ્યું છે – નવી વસાહતે જવા સારુ. એ જગા સાથેનાંય અંજળ જાણે ખૂટી ગયાં છે! રમણીક અરાલવાળાની, બીજી કવિતાએ પણ મનને ઘણું તાવ્યું છે – ‘ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પીજાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા...’ પણ બધુંય હોવા છતાં એક જીજી નથી, ને હવે તો એ ઘર પણ નથી – કાળે અમને ઉન્મૂલિત કરી દીધા છે! હવે વતન જવાનો તલસાટ તો રહે છે પણ જીવ પાછો પડે છે; બધું ઘેરી વળે છે... ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...' એ ત્રીજી કવિતા તો હવે રામીમાના સંદર્ભે જ યાદ કર્યા કરું છું... જીજીની યાદે તો વારતહેવારે — પ્રસંગટાણે – વાટેઘાટે — માંદગી કે એકલતાએ ઘણો સોરાયો છું એકલો અટૂલો – અંદરથી તૂટ્યો છું – ખૂટ્યો છું ને પાછો રામીમાના બળે સાબદો થયો છું... ‘લોહીની સગાઈ’માં અમરતકાકીની પીડાએ મને જીજીની પીડાનો અહેસાસ કરાવ્યો છે. આજેય એ વાત વાંચતાં જીવ બાળક બની જાય છે ને ઝંખે છે – અમરતકાકીને જે મંગુની ન્યાતમાં વટલાઈ જવામાં જ અંતિમ સાર ને મુકામ જુએ છે! નબળા હોવા છતાં મારી એ પણ પ્રિય વાર્તા છે ! હું ‘લોહીની સગાઈ’ને પ્રમાણું છું – જીજી — નાની અને મારા સંદર્ભમાં, ત્યાં રામીમા અને કાકાના પરિપ્રેક્ષ્યમાં પણ ! આજે હું જીજીથી જરાય અળગો નથી – એ મારા પ્રત્યેક શબ્દની શક્તિ છે – જે મને સદાય સંવેદનશીલ અને સર્જનમય રાખે છે. – એ શબ્દ છે જીજી!

૧૨–૧૨–૯૩, વલ્લભવિદ્યાનગર