ગામવટો/૧૨. મોંઘી જણસ

Revision as of 02:53, 24 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૨. મોંઘી જણસ

સ્મૃતિ ગજબની વસ છે. મોંઘી જણસ છે સ્મૃતિ. આપણી પ્રત્યેક પળ આ સ્મૃતિના અજવાળે જ આલોકિત હોય છે. આપણાં બધાં જ વીતેલાં વર્ષો; સ્વજનો; પ્રસંગો પર્વો; વેદના વિલાપો આ સ્મૃતિની દાબડીમાં અકબંધ હોય છે. વર્તમાનની પળે ઊભા રહીને વિચારીએ છીએ ત્યારે આપણે શાને આધારે ટકેલા છીએ? શેને આધારે ‘આપણાપણું' છે? તો તેનો જવાબ છે – વ્યતીત. હા, આપણે વિ–ગતને આધારે ઊભેલા છીએ... ને એ વ્યતીત આપણી સ્મૃતિમંજુષામાં સંઘરેલો હોય છે. આ મંજુષા અતલ છે, અતાગ છે. એમાં વેઠેલું–સંવેદેલું જ માત્ર હોય છે એવું નથી, ધારેલું ને નહીં અવતારેલું, નહીં પમાયેલું ને કલ્પેલું, વિચારી વિચારીને મૂકી દીધેલું, મેળવીને ગુમાવી દીધેલું – બધું જ હોય છે ભારોભાર. આ બધાનો સરવાળો સ્મૃતિમાં હોય છે. સ્મૃતિનાં અનેક સ્તરોનો સરવાળો છે આપણી આજ સુધીની હયાતી. પૂર્વસૂરિઓએ કહેલું છે કે આ સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે જ આપણું મનોરાજ્ય વસેલું હોય છે. સ્મરણ છે તો મરણ સહ્ય બને છે એ ખરું છે; પણ ઘણી વાર આવું કોઈ સ્મરણ જ જીવતરને પીડિત કરી મૂકે છે. કોઈ તીવ્ર સ્મૃતિ માણસને પાગલ કરી દે કે મરણશરણ કરી દે એમ બને... જાણે બધે જ ‘જે પોષતું તે મારતું’ – એવો ન્યાય છે! સ્મરણો કૈં ઓછાં દાહક નથી હોતાં. પ્રેમીજનનાં સ્મરણો દાહક રહીને જે દર્દાનુભવ કરાવે છે તેનું પીડાજન્ય માધુર્ય માણવાનું ગમે છે, ‘ખુવારીમાં ખુમારી'ની સરહદો અહીંથી શરૂ થાય છે – ગઝલનો પ્રદેશ પણ આ જ! મિજાજની મૂડી પણ અહીંથી જ મળે છે. કેટલાંક મધુર સ્મરણો જીવી જવાનો આધાર બને છે. પીડાના પ્રદેશમાંથી પસાર થતા હોઈએ ત્યારે એવાં સ્મરણોની છાયામાં બપોર ગાળવાનો સધિયારો સાંપડે છે. આવી સ્મરણાચ્છાદિત બપ્પોરો મારી મૂડી છે. જે ગયું તે ગયું! જે છે તે પણ જવાનું છે! આપણે પણ પસાર થઈ જઈએ છીએ. ઘણું રહી જતું હશે પણ આપણા જતા રહ્યા પછી આપણા માટે એનું કશું મૂલ્ય– અમૂલ્ય રહેતું નથી! આપણી હાજરીમાં નહીં મંડાયેલી મહેફિલો આપણા ગયા પછી જામતી હોય છે. આપણી હાજરીમાં નહીં થઈ શકેલી વાતો આપણા ચાલ્યા ગયા પછી તરત થાય છે. દુનિયાનો સ્વભાવ કાંઈ સાદો સરળ નથી. વાસ્તવ પણ સંકુલ છે. એ અનેક સંદર્ભે અને અનેક ખૂણે–દિશાએથી જોતાં સાવ જુદું લાગે છે. એમાં જીવવા સારુ આપણી પાસે આમ જોવા જઈએ તો સ્મૃતિ સિવાય બીજા કશાનો સહારો નથી! આ સ્મૃતિનું ટેકણ એકાકી મનના એક દંડિયા મહેલનો મુખ્યથંભ છે. જીવતરની હોડીનો એ સ્તો કૂવાથંભ છે. જેના આધારે સઢો ટકે છે ને યાત્રાઓ ચાલ્યા કરે છે. કેવી વિ૨લ કે કેટલી વિચિત્ર છે આ સ્મરણોની સૃષ્ટિ! જેને ભૂલી જવું છે તેને ભૂલી શકાતું નથી. ને જેને સદાય યાદ રાખવા માગીએ છીએ એના ઉપર કાળ પોતાનાં પડળો ચઢાવ્યા કરે છે ! સ્મરણો ઉપર પણ ધૂળના સ્તર અને બાવાં–જાળાં બાઝી જાય છે. મનની ભૂમિમાં એક ઝાંખીપાંખી દુનિયા ઝલમલ્યા કરે છે. એમાંય કાળ–છેદ થતાં વધુ ને વધુ રહસ્યમયતા આવે છે. મૂક્યું મુકાતું નથી ને ઝાલ્યું ઝલાતું નથી આ સ્મરણજગત. કવિની વાત સાચી છે કે કોક કન્યાના સ્મિતનું પક્વ ફળ હજી આપણી સ્મરણ ડાળે ઝૂલ્યા કરે છે. વાવાઝોડાંય એને ખેરવી શકતાં નથી! વનવગડાની વાટે જતાં વયમાં આવેલી કન્યાએ પાસે ખેંચીને બાથમાં ભરીને, મીઠું મુખ હોંશે હોંશે ચૂમી લીધેલું. બીજે કે બારમે અવતારે પણ એના ભીના આર્દ્ર હોઠોનો ઉષ્ણ સ્પર્શ ભૂંસાવાનો નથી; શી મીઠાશ હતી એ શ્વાસોમાં! નારી થાઉં થાઉં કરતી એ અબોટ કાયાની વયસ્ક સુગંધીનો કેફ કોઈ જન્મારે ઊતરે એ મુમકીન નથી. વક્ષસ્થળની કંકુમસૃણ ટેકરીઓ હતી કે કાયાને ઝરૂખે મૂકેલા દીવાઓ! દેવનાં નેત્રો જેવું એ દર્શન અવિસ્મૃત છે. બા–ના વસમા મરણની એ પળ ભૂલી જવી છે – જ્યારે નાની બેને વણ સમજ્યે મરણપોક મૂકી હતી; એ પોકમાં પમાયેલી નિરાધાર થઈ ગયાની ખાતરી હજી કેડો મૂકતી નથી, બેન પણ જતી રહી – પોતાના હાથે લીંપેલી ઓકળીઓ ઉપર એનો ગૌછાણથી ચૉકો થયો હતો. હવે એ ઘરનાં ખંધોડિયાં માત્ર ઊભાં છે. આંગણાના ઘેઘૂર ઘટાદાર લીમડા કપાઈ ગયા છે – જાણે મારી નાભિનાળ છેદાઈ ગઈ છે. ફળિયાનો કૂવો જરજ૨ થઈ ગયો છે; ત્રિભેટો ઉજ્જડ છે. મહીસાગરે જતા નાળિયામાં કાંટા ઊગી આવ્યા છે. વચલી ફળીમાં જતો માર્ગ સંકડાઈ ગયો છે. પેલાં હસતાં ને ઉત્સાહ ઉલ્લાસથી હરખાતાં મનેખ હવે નથી રહ્યાં. સદા ભર્યોભાદર્યો રહેતો કૂવા–આરો, વહુ–ભોજાઈઓનાં વેણકટાક્ષ–નેણબાણ કશું નથી રહ્યું! રહી છે રસ્તાની ધૂળ, જેમાં મારી શૈશવ પગલીઓ પડેલી; જ્યાં વરસાદી સાંજોમાં ઘરઘ૨ ૨મીને છેવટે હારી ગયા હતા – જુવાન થઈ થઈને ચાલી જતી કન્યાઓ, બાલ સખીઓ, સંબંધો બંધ મજૂસમાં મુકાઈ ગયા હતા ને પછી એ જૂની મજૂસો સસ્તા ભાવે વેચી દેવામાં આવી હતી – આપણી જિન્દગીની જેમ ! ક્યાં છે પેલી સહ્યાઠી કૉલેજ કન્યાઓ – પંચરત્નાઓ, પાતળી! હર્યુંભર્યું હસીને હેત કરતી હતી. ટી. વાય.ના છેલ્લા વર્ષમાં જીદે ચઢીને પ્રોફેસર સાહેબ વિના જ અમને પટાવીને લઈ ગઈ હતી પિકનિક ઉપર! વાત્રકનો એ જળપ્રવાહ વહી ગયો — જ્યાં આખો દિવસ ગાળ્યો હતો તોફાન–મસ્તીમાં! વહી ગયાં એ સમયજળ; ભળી ગયાં દરિયામાં ને થઈ ગયાં ખારાંઉસ! ત્યાંથી વાદળ બનીને આવે ને આપણી ઘરમેડીએ વરસે; ત્યારે આપણે એને ઝીલી લઈએ, ચાખતાં જ ઓળખી જઈએ કે અરે! આ તો પેલી પંચરત્નાઓએ પખાળેલાં પ્રેમજળ છે! પણ એવા દિવસો કદી આવશે નહીં... અત્યારે તો એના સ્મરણનો સહારો છે... માત્ર સ્મરણનો !

તા. ૫–૬–૯૬