ગામવટો/૨૧. ઝાડવે ઝાડવે જીવ

Revision as of 03:13, 24 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૧. ઝાડવે ઝાડવે જીવ

ઉમરાં પાકી ગયાં છે, એની ગળચટી સુગંધ મારા ઘરની બારી સુધી આવીને મને પાછો આદિવાસી થવા લલચાવે છે. ‘સહજ’ બંગલો – મારું નવું ઘર. એની સામે જ મોટો ઉદ્યાન છે, ચારે તરફ તરુઓનું સામ્રાજ્ય છે. એમાં આ ઉમરાનાં વગડાઉ વૃક્ષો ઊછરી ગયેલાં છે – આપમેળે! બધાં વૃક્ષોમાં એ ખરેખરાં ‘તરુવર’ લાગે છે. એની જરાક સફેદ દેખાતી ડાળીએ ડાળીએ અને થડે– થંભોએ ઉમરાં ઝૂમખેઝૂમખાં થઈને વળગેલાં છે. એ લીલાં ફળ પાકવા આવે ત્યારે આછાં કથ્થાઈ બની જાય છે – ચીકુ જેવાં. એનો અંદરનો ભાગ–ગર પણ એવો જ. જેમ જેમ વરસાદની ઝડીઓ વરસતી જાય, ઉમરાં પાકતાં તથા ખરતાં જાય છે. રાતે વડવાગોળ (ચમગાદડ) ઊડી આવે છે – ઉમરાં ખાવા. મધરાત પહેલાં એના તીખા અવાજો મને હીંચકે ઝૂલતાં ઝૂલતાં સંભળાય છે. શૈશવમાં ખેતરે રાતવાસો કરવા હઠ કરીને જતાં ને ત્યાં અંધારા આભલામાં વડવાગોળને ઊડી આવતી જોતાં. જાણે અંધારામાંથી જ ઘડેલાં હોય એવાં એમનાં શરીર... દિવસે તળાવપાળના આંબે લટકેલાં જોયાં હતાં. ઉમરાં ખાતાં ખાતાં એમની તીણી ચીસો સંભળાય છે – પ્રશ્ન થાય છે કે એમને એવું તો શું વહેંચી લેવાનું છે?! પણ તરત ખ્યાલ આવે છે કે એ તો એક માદા માટે થઈને લડતા નર ચમગાદડોની રતિચીસો છે. વૃત્તિ જીવમાત્રને આક્રમણખોર બનાવે છે. સવારે લેલાંટોળી ઉમરા નીચે ખરેલાં ઢગલાબંધ ઉમરાંને ફંફોસે છે. એને ફળના ગર કરતાં એના દીંટામાં રહેતાં જંતુડાં ખાવામાં રસ છે. પાકા ઉમરાને ફોલીએ તો એમાંથી થોડી જીવાત, ક્ષણજીવી જીવાત જોવા મળે છે. આમ તો એ ફળમાં જન્મે ને ફળ પાકીને ફાટતાં જરાક ઊડાઊડ કરીને મરી જાય છે. ગામડામાં, નાની વાતે ફૂલીને ફાળકો થઈ જનાર માટે લોકો મર્મમાં બોલે છે – ‘આ તો ભૈ! ઉમરાનાં જીવડે આભલું ભાળ્યું!' આદિવાસીઓ ઉમરાં ખાય છે. એ એમને મહુડાંની જેમ વહાલાં છે. સવારે ગાયોનું ટોળું આવે છે ને પ્રેમથી ઉમરાં આરોગે છે. હું ફરીને પાછો વળતો હોઉં છું. સૂડાઓ ઉમરાંને ખાસ વહાલાં કર્યા વગર ડાળીઓ પર બોલ્યા કરે છે. એક બાઈ દાતરડાં જેવું હથિયાર લઈને ઉમરાના થડમાં ઘા કરી રહી છે. હું ઘડીક થોભું છું. એ ઉમરાનું દૂધ કાઢવા મથે છે. કશાક દેશી ઉપચાર માટે એ ઘણી વાર દૂધ કાઢવા–લેવા આવતી દેખાય છે. આમ ઉમરો ઉપેક્ષિત, જંગલોમાં એનાં તોતિંગ ને ઘટાદાર કદાવર ઝાડવાં જોયાં છે. એના મૂળમાં એ પાણીને ખેંચી લાવે છે. ઉમરાનાં થડમાંથી ઝરા ફૂટતા જોયા છે. વીરેશ્વરના પહાડોની કૂખમાં ઉમરાના ઝાડમાંથી ઝરણું નીકળે છે. આદિવાસીઓ ઉનાળામાં બાધા કરવા અને વારતહેવારે ઉમેરો પૂજવા આવે છે. વૃક્ષપૂજનનો મહિમા ભદ્રલોકમાં તો ક્યાંથી હોય?! આદિમજનોની કેટલીક અંધશ્રદ્ધાઓ (પૂર્વે એ કશીક વૈજ્ઞાનિક તથ્યોવાળી પણ હશે.) પ્રકૃતિની રક્ષા કાજે મને તો આજેય જરૂરી લાગે છે. ઉમરા મારી આંખો સામે પ્રશાંત ઊભા છે. આડેધડ કપાયેલી ડાળીઓને લીધે એમનો ઘેરો ખંડિત થયેલો છે પણ કોયલો એની ડાળે બેસીને બોલે છે ત્યારે ઉમરો વઢાયાની વેદના વીસરી જતો હશે એમ મને લાગે છે. આ ઉમરાઓની છાંયામાં, ધાબા માટે સેંટિંગના સળિયા કાપતા કાળુભાઈ કંત્રાટીના મજૂરો ક્યારેક ઉંમરાં ચાખે છે ને બીડીઓ પીવે છે. પાસેના બંગલામાં જડવાનો આરસ મારા ઘર – પછીતે કપાય છે – એનો તીણો અવાજ મારાં લેખન–વાચનમાં વિઘ્ન કરે છે; ઘડી વાર જોઉં છું – મારી બારી સામેનો સોનમહોર ઝૂમતો ભળાય છે. એનાં પીળાં ફૂલોનું અજવાળું બગીચામાં પથરાયેલું લાગે છે. ગઈ સાંજે લોકચરણે ચંપાયેલું બગીચાનું ઘાસ પાછું બેઠું – ટટ્ટાર થઈને મલકે છે. કોઈ પ્રિયજન પામેલી કન્યાના મન જેવો ઉદ્યાન સાચ્ચે જ પ્રસન્ન છે. એને દરવાજે સોનમહોરનાં ફૂલોની જાજમ ૫૨ બિલ્ડર જયંત પંડ્યાની અદ્યતન કાર આવીને નાંગરે છે. સૂડાઓ દૂર દૂર ઊડી જવાનો સંકલ્પ કરે છે પણ પાછા જાંબુડાની ઘટામાં આવીને સંતાય છે. પીપળ પર બુલબુલ જોડી બોલ્યા કરે છે. આંબાને કિરમજી–કથ્થાઈ પાંદડાં આવ્યાં છે. લટક–ચમેલીનાં ફૂલો ખરે છે. માળી બગીચાને વહાલ કરવા આવી લાગ્યો છે ને સરસ રંગનાં ફ્રૉક પહેરીને કૂણી કૂણી કન્યાઓ શાળા જઈ રહી છે. ઉદ્યાનને સામે છેડે રસ્તાની ધારે ધારે કેસિયાઓનું રાજ ચાલે છે. અષાઢમાં ખીલતાં આ તરુવરો ૫૨ વસતિનું ધ્યાન જતું નથી. દૂર બસસ્ટૅન્ડની પડખેનો કેસિયો પીળચટાં ફૂલોથી નીતરી રહ્યો છે. એની ફૂલઘટાઓમાં એનાં ઝીણાં ઝીણાં પાંદડાંની સેરો ઢંકાઈ ગઈ છે. પેલી કૉલેજના દરવાજે ઊભેલો અને થડ–ડાળે બાવળથી પણ વધારે કાળો કેસિયો રાતાં રાતાં ફૂલોના ગુચ્છાઓની હારોથી સવા૨ને ઊજળી અને બપોરોને રંગીન બનાવે છે. એના પરથી સાંજ નીતરતી હોય છે ત્યારે ત્યાં જોનારું મારા સિવાય કોઈ નથી હોતું. જાણીતા છબિકા૨ સુનીલ આડેસરા આ કેસિયાઓની છબિઓ લેવા આવે છે... ને ધરતી તથા આભ વચ્ચે વહેતી આ કવિતાને કચકડામાં કેદ કરી લે છે. જો કે સુનીલ પણ કહે છે કે છબિ તો સારી જ વાત છે પણ ખરી મજા તો વૃક્ષોને ફૂલેચઢેલાં જોવામાં જ છે! મારા મિત્રના આંગણે પિંક ફૂલોવાળો કેસિયો છે. આ ઋતુમાં હું કેસિયો જોવાની લાલચે મિત્રને ઘેર વધારે વખત જાઉં છું. આ કેસિયાઓ મૂંગા મૂંગા વૈભવ વહેંચ્યા કરે છે. વરસાદની ઝડીઓ સાથે એમની ફૂલપત્તીઓ ભોમકાને કુમકુમવરણી કરી દે છે. હજી ફૂલોને નહિ છોડતો – મેં ‘વૈદેહી'ને આંગણે ઊછરેલો – ગુલમહોર મને બરક્યા કરે છે. મારા કાર્યાલયને ઝાંપે રેઈન ટ્રીન છે – રાતો શિરીષ ! એનાં લાલગુલાબી ફૂલો દીવાઓ જેવાં જોઉં છું... ગરમાળા હવે પાંદડાંની પછેડીઓ ઓઢીને ગોટમોટ થઈ ગયા છે. કાંચનાર ૫૨ તાજાંતાજાં પાંદડાંની સંપત્તિ છે - એ પાંદડાંને હાથમાં લઉં છું ત્યારે કોઈ કન્યાની સુંવાળી હથેળીઓ પંપાળતો હોઉં એમ લાગે છે. મારા નવા ઘરના બગીચામાં કેડિયા કરકરાં પાન સાથે વધવાની હોડ બકી રહેલું છે. છ–સાત જાતનાં કોટન લાવ્યો છું – એનાં બહુરંગી પત્તોને પંપાળવાં ગમે છે. મોગરવેલ અને મધુમાલતી કઠેડો વીંધીને ઝરૂખે પહોંચશે ત્યારે કેવી મજા આવશે એની કલ્પનામાં હું વંડી ૫૨ બોગનવેલને વાળી રહ્યો છું... માથેથી કાળાં વાદળો વરસ્યા વિના ચાલ્યાં જાય છે... હું આછી વાદળીઓની વાટ જોઉં છું : કેમ કે એ વાદળીઓ આપણને કોરાં નથી રાખતી !!