ગામવટો/૨૦. ધૂળમાં ઊડતો મેવાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૦. ધૂળમાં ઊડતો મેવાડ

ઝોંકારેલા, ટોળાબન્ધ ઊંટો જેવી ટેકરીઓ. ઊંટના રૂવાં જેવું ઘાસ, કથ્થાઈ–આછા રાતા ને પીળા રંગોની ઝાંય. ટેકરીઓ આપણી સાથે ને સાથે હોય; દૂરથી પાસે ને પાસે આવતી દેખાય... ને સરી જાય પાછળ. પાછું વળીને જોઈએ તો સખીઓ–સૈયરો જેવી ટેકરીઓ ટોળે વળીને કે હારબંધ ઊભી હોય... કેટલીક તો ઝૂમખામાં વાતો કરતી બહેનપણીઓ જેવી. કેટલીક નર્યા લીલાં–પીળાં ઘાસથી છાયેલી – એની રંગછટાઓ ને ઢોળાવોની રમતીલી–ગમતીલી હડિયાપટ્ટી : હું જોયા કરું છું ઝાડ... આછેરાં પાન ઝાંખાં લીલાં! તડકો ચણાનો લોટ પાથર્યો હોય એવો. માથેનું નીલાકાશ વધુ તેજસ્વી વર્તાય. મને રાજસ્થાન બહુ ગમે છે – કોઈક અવતારે હું પણ ત્યાં જન્મ્યો ઊછર્યો હોઈશ... એટલે જ આ ભોમકા મને બોલાવ્યા કરે છે. આ વખતે ચિત્તોડગઢનો વારો કાઢ્યો છે. દિવસ થોડો મેલો લાગે છે. ઘસાઈ ગયેલા ને કધોવણ પડી ગયેલા પીતાંબર જેવો તડકો પણ નિશ્ચેતન શો પડ્યો છે. ગઈકાલે ‘ઝીલોં કી નગરી’ ઉદયપુરમાં પ્રસન્નતા હતી તેનો આંક થોડો નીચો ઊતર્યો છે... ને મન અકારણ ઉદાસ ઉદાસ લાગે છે. રાજસ્થાનમાં પ્રવેશીએ એટલે ‘મધ્યકાળ'ની છાલકો વાગવા માંડે છે. ડુંગરાઓ આવે એટલે ગઢ–કોટ–કાંગરા–બૂરજ દેખાય છે. અહીં દરેક ગામને વીરોની વાર્તાઓની વિરાસત મળેલી છે. તલવારો ઉગાડનારી આ વીરોની ભૂમિમાં, રૂપાળી–ઊજળી– ઘાટીલાં નાક–નક્શને સંઘેડાઉતાર અંગોપાંગોવાળી, ઘૂમટામાં રૂપ–નીતરતા ચહેરાવાળી નવયૌવનાઓ–રજપૂતાણીઓ છે... એમના ચહેરા પરનું કુમકુમ વરણું હાસ્ય આવકારે છે પણ લજ્જામાં–લાજમલાજામાં રહીને! ઘૂંઘટા હવે ઓછા થતા જાય છે ને ઊભી બજારે રાતાં પીળાં ગવન સાથે રંગીન દુપટ્ટાઓ લ્હેરાવા લાગ્યા છે... નમ આંખો ને મરકતાં મુખ હજી ગઈ કાલનો વારસો વધુ સારી રીતે દીપાવી રહ્યાં છે... આવા ભાવભરતીના વાતાવરણમાં હોવું ગમે છે. પણ– જોઉં છું તો કોટકિલ્લા ઢહવા માંડ્યાં છે. ખંડેરો જાહોજલ્લીની યાદ આપતાં ઊભાં છે. પર્વતે પર્વતે ફસડાઈ પડેલા કોટ–બૂરજ દેખાયા કરે છે... ટોચ પર એકાકી આવાસ જેવો કોઈ નાનકડો મહેલ છે ને સાવ સૂનો છે... મને સૂનકારનો સાદ સંભળાયા કરે છે... તળેટીઓમાં ગાતા ઘોડાઓના ડાબલાઓની જગ્યાએ સન્નાટો ચત્તોપાટ પડેલો ભાળું છું. પેલાં યુદ્ધોની રણભેરીઓ, દુંદુભીઓ ને વીરતાના સપાટાઓ; પ્રજાનાં શૌર્યગીતો ને વીરગતિ પામનારાઓની ફનાગીરી; અગ્નિજ્વાળાઓમાં જૌહર કરતી રૂપાંગનાઓની પડઘા પાડતી આશાઓ તથા મહેલો ને રાણીવાસોની રંગીન રાતો : બધું મને ઘેરી વળે છે. મારું મન એટલે જ ઉદાસ થઈ જાય છે; કદાચ! હા, ‘શું હતું ને શું થઈ ગયું?!' ભીતરમાં કોઈ પ્રશ્ન પૂછ્યા કરે છે. ‘હોવાપણાનો શો અર્થ છે?’ ને ‘નિષ્ઠુર પ્રાણ કાળ' આપણી કેવી વલે કરે છે?! મારી પાસે કશું આશ્વાસન નથી. તહસનહસ થઈ ગયેલી મધ્યકાળની એ બહુપ્રભાવી ને અતિપ્રતાપી રાજાશાહી તથા એની એંધાણીઓ મારી નિર્ભ્રાંતિને વધારે ઘૂંટે છે. કશું જ કાયમી નથી... બધું જ ભંગૂર છે... ને કાળ આગળ કોઈનુંય કાંઈ ચાલતું નથી! કશું તારું નથી – કોઈ તારું નથી! હું, પરંપરા – સંસ્કૃતિ – અસ્મિતાનો આધાર લઉં છું ને વર્તમાનમાં પાછો ફરું છું. ભૂતકાળ ભવ્ય છે ને પીડાદાયક પણ છે. વર્તમાનમાં વલખતાં વલખતાં આપણે પણ કશુંક ઘડવા/રચવા મથીએ છીએ. મથામણનું અવર નામ જ જીવન હશે? ન જાને ! સામ્રજ્યો ખલાસ થઈ ગયાં છે ને પ્રકૃતિએ સંસ્કૃતિના ઘાવ ભરવાનું રાખ્યું છે. બચેલા મહેલોમાં હજી કલાવારસો ને જીવનવૈભવ સાચવવાનું છોડી દેવાયું નથી. માણસ વારસા વિના જીવી શકતો નથી. કેટલાક મહેલોને ભવ્ય હોટેલોમાં ફેરવી દેવાયા છે. માણસને હજી ભવિષ્યમાં ખૂબ રસ પડે છે. સાચ્ચે જ; સાંજના તડકામાં, ‘ધૂળમાં ઊડતો' મીરાં વગરનો મેવાડ જોઉં છું ને મન ભરાઈ આવે છે. હૃદય જરાક જોશથી થડકારા લઈ રહ્યું છે. ચિત્તોડગઢના સાતેય દરવાજા મીરાં મૂકીને ગયાં ત્યારથી – ખુલ્લાફટ્ટાક અને સૂના સૂના પાડ્યા છે. મહેલને–આઠમે–દરવાજે ટિકિટ કાપતો પીળી મૂછોવાળો સરકારી રજપૂત–ચોકિયાત, મ્યૂઝિયમનું દર્શન કરાવવાને બહાને પેટિયું જ રળી રહ્યો છે... મને રમેશ પારેખની ‘મીરાં કવિતા' ઘેરી વળે છે :

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં
ફૂલ જેમ ખૂલશે કમાડ...
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર–
મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ...
કીનખાબી પહેરવેશ કોરે મૂકીને, મીરાં–
કાળું મલીર એક ઓઢશે
હવે તારો મેવાડ મીરાં છોડશે... !

દૂર દૂર સુધી જોઉં છું – હજી ‘મીરાં વીખરાયાની’ ધૂળ ઊડી રહી છે... ને સાંજી જવનિકાને ખસેડતું ખસેડતું અંધારાનું કાળું મલીર પ્રગટું પ્રગટું કરી રહ્યું છે ! ચિત્તોડગઢનો અજેય કિલ્લો, પાંચસો–સાતસો ફૂટ ઊંચી વિશાળ ક્ષેત્રફળ ધરાવતી પહાડી ઉપર વસેલો છે. એના ભગ્નાવશેષો ચૌદ કિલોમીટ૨ રેંજમાં, ભવ્ય ભૂતકાળની યાદ આપતા, કૈક ઉદાસ ચહેરે ને સૂનમૂન ‘ઊભેલા' છે– બલકે ‘પડેલા’ જ છે ! સર્પાકાર રસ્તો પહાડી ઉપર સાત દરવાજા વીંધીને લઈ જાય છે. એનાં નામ છે : પાંડવ પોલ, ભૈંરોપોલ, હનુમાન પોલ, ગણેશ પોલ, જોડલા પોલ, લક્ષ્મણપોલ અને રામપોલ ! ભવનોના ભગ્નાવેશો તથા વિનયસ્તંભ–કીર્તિસ્થંભ જોતાં લાગે છે કે કિલ્લો કીર્તિમંત અને અજેય હશે જ. ૭મીથી સોળમી સદી દરમિયાન સિસોદિયા રાજપૂત રાજાઓનું અહીં સામ્રાજ્ય હતું.... એનો નિર્માણકાળ પણ તબક્કાવાર એ જ વર્ષોમાં રહ્યો હતો. દંતકથા તો એમ પણ કહે છે કે દ્વાપર યુગમાં ભીમે આ જૂનો કિલ્લો બનાવ્યો હતો. ઇતિહાસકારોના મતે ચિત્રાંગદ મૌર્યએ અહીં કિલ્લો બંધાવ્યો હતો. એના નામ પરથી આ જગ્યાનું નામ ચિત્રકૂટ પડેલું... કાળક્રમે ભાષાઉચ્ચાર બદલાતાં એ ચિતૌડ બની ગયાનું નોંધાયું છે. મેવાડના જૂના સિક્કાઓ પર ‘ચિત્રકૂટ' શબ્દ અંકિત થયેલો જોવા મળ્યો છે. ચિત્તોડ–ઉદયપુરના પ્રદેશને મેવાડને નામે ઓળખવામાં આવે છે. એને ‘વીરભૂમિ' કહે છે એ ખરેખર ઉચિત છે. ઉદયપુરમાં રાણાપ્રતાપના સ્મારક પાસે ઊભાં રહેતાં વિચાર આવે છે – એમની બહાદુરી અને ફનાગીરીનો; માતૃભૂમિ માટેનો લગાવ અને જિંદગી સ્વમાન સાથે જીવતાં જીવતાં જ ખપી ખૂંટવાનો એમનો ખ્યાલ ! ખ્યાલ જ નહિ પણ એથીય સવાયું આચરણ. રાણાપ્રતાપનું લોખંડી બખ્તર, એમનો વિશિષ્ટ ટોપો, એવો જ તીક્ષ્ણ ભાલો અને વજનદાર ઢાલ ! આટલું વજન ઉપાડનારા, ‘વેઈટલીફ્ટિંગ ચેમ્પિયનો' તો દશ સેકન્ડમાં થાકી જાય –! તો એ ઉપરાંત ખુદ રાણા પ્રતાપનું પડછંદ ને કસાયેલું શરીર... આ બધાંને પ્રેમથી પીઠે લઈને પવનવેગે દોડતો ઘોડો ચેતક! સાચ્ચે જ, દિમાગ ચકરાઈ જાય છે! આવા રાજાઓ અને યોદ્ધાઓની ભૂમિ માટે વીરભૂમિ શબ્દ પણ જરાક ઓછો પડે છે – ‘પ્રતાપ’ને વર્ણવવા ભાષા પણ કૈંક પાંગળી લાગે છે. ‘ચેતક અશ્વ’–નું વર્ણન કેવી રીતે કરીશું? એ શક્તિ વર્ણનાતીત છે ! પશ્ચિમી રાજસ્થાન–બાડમેર અને જેસલમેરનો પ્રદેશ પરિસર રેગિસ્થાન... રેતીનાં અનેક રૂપો દેખાડતો પ્રદેશ તે મારવાડ તરીકે ઓળખાય છે... ને દક્ષિણપૂર્વ રાજસ્થાન– જયસમંદર–વાંસવાડાનો વિસ્તાર મધ્યપ્રદેશના માળવા સાથે મળી જતો પમાય છે – એય ‘માળવા’ના વિશેષો દાખવે છે. સાબર અને મહીનદીનાં મૂળ આ પ્રદેશોમાં છે. ઉદયપુરથી રાણકપુર–આબુરોડ જઈએ; શામળાજીથી ઉદયપુર અને ત્યાંથી જયસમંદર જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ પહાડીઓ ખૂબસૂરત છે... વૃક્ષોથી અને વાટવળાંકોથી શોભતી આ ચઢતી– ઊતરતી ઘાટીઓ અત્યંત રમણીય છે... હા, દક્ષિણી રાજસ્થાનને ‘મરુભૂમિ’ કહેવામાં સચ્ચાઈ નથી. અરવલ્લીની આ ગિરિમાળાઓ ઋતુએ ઋતુએ આપણને બોલાવતી ઊભી છે... પ્રજાનાં વેશપરિવેશ– પ્રેમભાવ – હસવાં બોલવાં, માનસ્વમાન અને મહેમાનગતમાં આ પ્રદેશ સાચ્ચે જ રજવાડી છે – રાજસ્થાનની વીરતા, રંગીની અને ફનાગીરી ડગલે ને પગલે વર્તાયા કરે છે. આ ભોમકા ભમી વળવા મટે છે!! જર–જમીન ને જોરું ! વિશ્વનો ઇતિહાસ જ નહિ વર્તમાન પણ એમ જ કહે છે કે રૂપવતીઓ, વસ–જણસ અને ભૂવિસ્તાર માટે માનવજાત સદીઓથી લડતી – યુદ્ધો કરતી આવી છે. ખપી ખૂટે છે ને બેઠી થાય છે ને પુનઃ લડે છે... ચિતોડગઢની કથની પણ એવી જ છે. ચૌદમી સદીમાં અલ્લાઉદ્દીની ખીલજી દ્વારા; પછી (સને ૧૫૩૪માં) ગુજરાતના સુલ્તાન બહાદુર શાહ દ્વારા અને (સને ૧૫૬૭)માં છેલ્લે અકબર બાદશાહ દ્વારા ચઢાઈઓ કરવામાં આવી. ચિતોડગઢ સદીઓ સુધી ઝીંક ઝીલતો રહ્યો... એની કથા ભગ્નાવેશેષો આજે પણ કહી રહ્યા છે... જો કે આજે તો આ કિલ્લો–ગઢ વધારે ખંડિત હાલતમાં છે... ભવ્ય વ્યતીતની સામે બેહાલ વર્તમાન મનને વિષાદથી ભરી દે છે. સાંજ થોડી ગુલાલવરણી છે... પણ એય જાણે ઉદાસી જ ઘૂંટતી પમાય છે. હું અને મીતભાષી રાજેન્દ્રસિંહ ગોહિલ : બંને ઊભા છીએ સમિધેશ્વર મંદિર સામેના ખુલ્લા વિસ્તૃત મેદાન પાસે, રૂપ–શીલ અને શિયળ : રજપૂતાણીઓ માટે સોહાગ સૌભાગ્ય હતાં... એને સાચવવા પ્રાણત્યાગ એ જ એકમાત્ર વિકલ્પ ગણાતો. હાંડા રાણી કર્મવતી એ સ્વમાન–શિયળની રક્ષા કાજે અહીં આ જ મેદાનમાં તે૨ હજાર (વીર સૈનિકોની) વીરાંગનાઓ સાથે જૌહર કર્યું હતું – વિશ્વને આ ઘટના આજેય દિગ્મૂઢ કરી દે છે. એ દાહક ભૂમિને અમે જોઈ રહ્યાં છીએ... ગુલાબી તડકાની ઝાંય હજી પેલી નહિ શમેલી જૌહર જ્વાલાઓની એંધાણી શી લાગે છે. મહારાણા કુમ્ભાજીનો મહેલ રાજપૂત શૈલીમાં બનેલો, સ્થાપત્ય અને શિલ્પકલાનો ઉત્તમ નમૂનો રહ્યો હતો. આજે એય ખંડિત છે. આ મહેલમાંનો રાણીમહેલ, એના ઝરૂખાઓ, શિવમંદિર ખૂબ ખ્યાત હતાં. પણ ખાસ તો મહારાણી પદ્મિની, પોતાના શીલની રક્ષા કાજે આ જ મહેલની ભીતરમાં, હસતે મુખે, જૌહરની જ્વાળાઓમાં કૂદીને શહીદ થયાં હતાં ! આ જ મહારાણીને નામે, નાનકડી ઝીલને કિનારે, ‘પદ્મિની મહેલ' નામે સાદો મહેલ છે. એની ખૂબી એ છે કે ઓરડે ઊભેલી રાણીનું પ્રતિબિંબ – ભીંત પરના આયનામાં ઝિલાઈને ઝીલમાં પડે... ને ઝીલ વચ્ચેના આવાસમાં રહેલી વ્યક્તિ હોઈ શકે! એકબીજાને પ્રત્યક્ષ થયા વિના, પરાયા ને જિદ્દી આક્રમણખોર રાજાનું મન મનાવવા એને પદ્મિનીના રૂપનું દર્શન કરાવવામાં આવેલું ! આવી કૈં કેટલીક કથાઓ છે ને એનો સ્થાનમહિમા દર્શાવતી ઇમારતો ખંડિત હાલતમાં ઉદાસ ઊભેલી ભળાય છે. વિજયસ્તંભ અને કીર્તિસ્થંભ સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ તરીકે જાણીતા છે ને આજેય અડીખમ ઊભા છે. કોણાર્ક (ઓરિસ્સા) સૂર્યમંદિરનું સૂર્યરથ ચક્ર પ્રતીક તરીકે ઓરિસ્સા અને બીજે બધે ખ્યાત છે – લોકો એને ભીંતે ટિંગાડે છે... ‘વિજયસ્તંભ' પણ ચિતોડગઢ, રાજસ્થાનની નોખી ઓળખરૂપે બધે જ જાણીતો છે ને એની છબિઓનું ખૂબ ચલણ છે. એક શ્રદ્ધાનું ને બીજું વીરતાના વિજયનું પ્રતીક છે. પ્રજાની ખરી અસ્મિતા તે આ. પ્રજા મારગ ભૂલે ત્યારે એને પાછું વાળીને – માનવતા અને મૂલ્યો તરફ – જોવરાવે એ જ સંસ્કા૨વા૨સો ને એ જ ભારતીય સંસ્કૃતિ ! સૂરજ ડૂબી ગયા પછીના ઉજ્જ્વલ આકાશની છબિ ઝીલતો ગૌમુખકુંડ બેસવા માટે જાણે નિમંત્રણ આપતો હતો. સમગ્ર પરિસરમાં પ્રાચીનતા અને રમણીયતા બંને વણાઈ ગયેલાં હતાં. થાક હરાઈ જાય એવો જળસ્પર્શ ગમ્યો પણ મન તો હવે મીરાંમંદિરે જવા બહાવરું – ઉતાવળું હતું. નિરાંતે બેસવા અમે એને છેલ્લે – બીજીવાર અનુભવવાનું – રાખ્યું હતું! આપણું મન મીરાં મીરાં રટતું હોય ને મીરાં માટે અહીં ખાસ અવકાશ ન હોય એવું લાગ્યું – મીરાંની હયાતીમાં હતું તે જાણે કે આજેય હતું. કુંભશ્યામ મંદિરના પરિસરનો અગ્નિ ખૂણો મીરાંમંદિર માટે છે. મંદિર નાનકડું ને વારેવારે જિર્ણોદ્ધાર પામેલું છે. સ્વચ્છતા છે. બનાવટી ફૂલો અને પ્રકાશદીવાની સેરોથી મંદિરને સજાવેલું છે. મીરાંનાં પદોની કૅસેટ વાગી રહી છે... ઠેરઠેર મીરાંનાં પદો લખી–છપાવીને ગોઠવેલાં છે. ગર્ભગૃહના આસને તો શ્રીકૃષ્ણ–બંસીધરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પામેલી છે... મીરાં તો તંબૂર લઈને, ચરણોમાં, એક પથ્થરિયા આસન ૫૨, ભક્તિલીન બેઠેલાં છે. બધાં મંદિરોમાં આરતીટાણું છે... પૂજારી આવે છે ને અહીં પણ આરતી થાય છે... પાછી નીરવ શાંતિ... અમે બે જ સમ્મુખ બેઠા છીએ – મૌન ! દીવા બળે છે... ધૂપ લ્હેરાય છે. લિપિબદ્ધ પદોય છે. મીરાંની મૂર્તિ પણ છે... છતાં લાગે છે કે મીરાં અહીં તો નથી જ નથી... ક્યારેક અહીં આ ભૂમિમાં એનાં પગલાં પડ્યાં હશે... આ મહેલોમાં જ એ થોડું રહ્યાં હશે... અમે એ મીરાંને પશ્ચિમાકાશે ઢળતા ઢોળાવે જાણે મીરાંની વાટ જોતા બેઠા છીએ. આકાશમાં અષ્ટમીનો ચન્દ્ર અને શુક્ર ચમકી રહ્યા છે... હવા જંપી ગઈ છે, કુંડનાં જળ પણ ખામોશ થઈ ગયાં છે... મંદિરના કમાડ વાખનારો આવે છે. તાળું મારે છે... મીરાં મંદિરને તાળું ! અમ બહાર પગથિયે હજીય બેઠા છીએ... આકાશ જાગે છે... અલખની એંધાણીઓ જાગે છે... લોકો ચાલ્યા ગયા છે – નીચે નગરમાં ! સ્હેલાણીઓ પીવા–ખાવામાં પરોવાઈ ગયા છે... ચિતોડગઢ પર કારતકની રાત મૂંગી મૂંગી પ્રસરી રહી છે... એક બેઠક છે કોટની રાંગે... અમે પાસે જઈએ છીએ... ને અચાનક દેખાય છે દીવાઓનું શહેર ચિતોડ.... મંત્રમુગ્ધ કરી દેનારું દૃશ્ય છે... હીરા–મોતી–નીલ માણેક જડ્યાં હોય એવી દીવાઓની શોભા છે... અમે સાવ અબોલ છીએ... રાત્રિદીપમાળાઓવાળાં કેટકેટલાં શહેરો જોયાં છે ને ગમ્યાં છે... પણ આજનો અનુભવ જુદો છે. ઊઠવાનું મન થતું નથી, ગઢની ખામોશી અને મનની ઉદાસી બંનેને એકાકાર થતાં હું અનુભવું છું... આંખો નમ થઈ ગઈ છે ને હૃદયમાં ભીનાશ ભીનાશ છે... બીજે દિવસે નીકળ્યા ત્યારેય ગઢ પર નજર હતી... સવારનો કોમળ તડકો રાતના જખમો પર હાથ ફેરવતો હતો. ગઢ છૂટતો નથી... ચિતોડ દૂર ને દૂર સરતું જાય છે. આંખોમાં સ્થિર થઈ ગયો છે –‘ધૂળ મહીં ઊડતો મેવાડ !’

તા. .૧૦/૧૧–૧૨–૨૦૮

સવાર : બુધવાર, સવાર : ગુરુવાર, વલ્લભવિદ્યાનગર