સાહિત્યિક સંરસન — ૩/મિલિન્દ ગઢવી

Revision as of 18:02, 27 October 2023 by Atulraval (talk | contribs) ()


++ મિલિન્દ ગઢવી ++


૧ : નઝ્મ : બેરંગ —

 હવે મારાં દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે !
 ઘણા સોનેરી સૂર્યોદય
ઉભયની આંખમાં મ્હોર્યા
અને વખતોવખત લીલાં કિરણની વારતા માંડી;
ખબર ન્હોતી
કે ભૂરીભઠ સવારો પર
પવનથી પણ વધારે પાતળું પડ છે,
સમયનો કાટ લાગી જાય તો
તરત જ ખરી જાશે બધુંયે
પોપડા થઈને !
 બધી બપ્પોર કંઈ પીળી નહોતી આપણી વચ્ચે,
ઘણી ગુલમ્હોર જેવી લાલ લાગેલી,
અમુક તો સાવ રાતીચોળ –
અડકો કે દઝાડી દે !
અમુક તારા નયન જેવી જ
ભૂખરી –
પણ રિસાયેલી !
 સુંવાળી કેસરી સાંજો
હું તારા હાથમાં ચોળ્યા કર્યો કાયમ
મને એમ જ હતું કે
ત્યાં વસી જાશે
એક આખું ગામ મેંદીનું,
પછી જાણ્યું કે સાલો રંગ કાચો છે.
 અધૂરી જાંબલી રાતો ઉપર
મેં ચંદ્રનો canvas ટાંગેલો,
અને તેં ‘હાઉક’ જેવો એક નાનો શબ્દ દોર્યો !
એ ગુલાબી રાત જ્યારે
wall-paintingમાંથી પેલો મોર
શરમાઈને ઊડી ગયેલો . . .
. . . એ હજુ પાછો નથી આવ્યો.
 તને જો ક્યાંક સપનામાં મળે
તો એટલું કહેજે –
હવે મારાં દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે !

૨ : તારું શહેર —

 હું એક આત્મકથાના નગરમાં રઝળું છું.
 ક્યાંક ક્યાંક ફૂરચા થયેલી લાગણીઓ
ક્યાંક ક્યાંક ભૂલાઈ ગયેલી વારતાના ટુકડા
નદી જેમ જ વહે છે ધ્વસ્ત પડછાયા ગટરમાં
જ્યાં જ્યાં અજવાળાંની રાખ
જ્યાં ત્યાં ભુક્કો થઈને ખરી પડેલા તારાનો ઢગલો
હું એક આત્મકથાના નગરમાં રઝળું છું.
 અહીં હથેળીમાંથી ફેંકી દીધેલી રેખાઓ
બની ગઈ છે રસ્તા
અને રસ્તા પર પડેલી પાછલી રાતની કરચોને
વ્હેલી સવારે વાળી નાખે છે સફાઈ-કામદારો
ક્યાંક કોઈને પગમાં વાગી ન જાય !
મોસમ અહીંયા રોજ મરે છે,
રોજ દાટવા જવું પડે છે.
એક ઇન્દ્રધનુષની લાશને તો
મેં મારા ખભા પર કબ્રસ્તાન સુધી પહોંચાડેલી.
હું એક આત્મકથાના નગરમાં રઝળું છું.
 કોઈ અજાણ્યા ટાપુ પર
ચાંચિયાને ફાંસીએ ચડાવ્યો હોય
એ રીતે લટકે છે ઘરની દીવાલ પર
સ્મરણોના ફોટા.
આંખોમાં ઘુવડ એમ મૂકી જાય છે સપનાંઓ
સુક્કાં તળાવમાં જાણે કોઈ
બે ખોબા આંસુ નાખી જાય.
 હું એ જ આત્મકથાના નગરમાં રઝળું છું.
 અહીં જ ક્યાંક સમયની અનંત ખીણ હતી
અહીં જ ક્યાંક સબંધોએ પડતું મેલ્યું’તું !

૩ : ગીત — 

     જીવતરને કોડથી વલોવીને જોયું
કે મંથનથી મેળવીએ શું?
પહેલાં જે પીધું તે ઝૂર્યાનું ઝેર
અને અમૃત જે તારવ્યું તે તું.
 
છાતીમાં એક-બે છમકલાં તો હોય
એમાં કર્ફ્યું નખાય નહીં રોજ
તારે મન કોઈ હસ્તરેખાનો વાંક
અને મારે મન જન્મ્યાનો બોજ
ઊની બપ્પોર હજી ઠારો ન ઠારો
ત્યાં હૈયાની આરપાર લૂ . . .
 દરિયાને જેમતેમ પાછો ધકેલો
કે રેતીનો ખોવાશે દેશ
જોજો કે અજવાળાં ભીડ ના કરે
નહીં તો ડહોળાશે ચાંદાનો વેશ
કલરવનો શોર જરી ઓછો કરો
કે મારા માળાને આવ્યું છે ઓછું . . .



તન્ત્રીનૉંધ :

૧ : નઝ્મ : બેરંગ — કાવ્યકથક સૂર્યોદયને સોનેરી, સવારોને ભૂરીભઠ, બપ્પોરોને ગુલમહોર જેવી લાલ, સાંજોને સુંવાળી કેસરી, રાતોને જાંબલી, ગુલાબી, એમ પોતાનાં દિવસ-રાતને ખાસ્સાં રંગરંગીન અનુુભવી ચૂક્યો છે, છતાં, કંઈક એવું બન્યું કે એને આવું કહેવાનો પ્રસંગ આવ્યો, કે, ‘હવે મારાં દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે !’ આવું એ આપણને કહે છે પણ હકીકતે તો એ એની પ્રિયાને કહે છે. એવું કેમ બન્યું કેમકે એને ખબર ન્હૉતી કે એ સવારો પર પવનથી પણ વધારે પાતળુંં પડ હતું. એ બપ્પોરો અડકો કે દઝાડી દે એવી હતી, અમુક એની પ્રિયાના નયન જેવી ભૂખરી ખરી પણ રિસાયેલી હતી. એ રાત એવી હતી કેમકે wall-paintingમાંથી પેલો મોર શરમાઈને ઊડી ગયેલો. મેં સાંભળ્યું છે કે નઝ્મમાં શાયર પોતાનાં ભાવ-સંવેદનનાં કારણ દર્શાવતો હોય છે અને ગાતો રહે છે; એ જો સાચું હોય, તો આ કાવ્યકથકે પોતાનાં નીરંગ અને તેથી દર્દીલાં દિવસ-રાતનાં એકોએક કારણ ગણી ગણીને આપ્યાં છે, ગાતો પણ હશે. સાંજોને પ્રિયાના હાથમાં ચોળ્યા કરવાથી એના એ દર્દને સહૃદયી ભાવક પણ અનુભવી શકે છે; હું એને કાવ્યલાભ કહું છું.

૨ : તારું શહેર — કાવ્યકથકની આત્મકથાના નગરમાં, ફૂરચા થયેલી લાગણીઓ, ભૂલાઈ ગયેલી વારતાના ટુકડા, અજવાળાંની રાખ, ભુક્કો થઈને ખરી પડેલા તારાનો ઢગલો; એમ ફૂરચા, ટુકડા, રાખ, કે ભુક્કા જ બચ્યાં છે. વધારે આસ્વાદ્ય પંક્તિઓ આ છે : અહીં હથેળીમાંથી ફેંકી દીધેલી રેખાઓ / બની ગઈ છે રસ્તા : એક ઇન્દ્રધનુષની લાશને તો / મેં મારા ખભા પર કબ્રસ્તાન સુધી પહોંચાડેલી’ : ‘અહીં જ ક્યાંક સમયની અનંત ખીણ હતી’ : ‘અહીં જ ક્યાંક સબંધોએ પડતું મેલ્યું’તું !’ : સંભવ છે કે એવા બરબાદ નગરમાં એની આત્મકથા પ્રારમ્ભાઈ હશે. નગરજીવન વિશેનાં આપણાં આધુનિક કાવ્યોમાં એક આને પણ ઉમેરવું રહેશે.

૩ : ગીત — પહેલી જ પંક્તિ ઘણી જ અર્થવાહી છે : ‘જીવતરને કોડથી વલોવીને જોયું / કે મંથનથી મેળવીએ શું?’ : સહેજ ધ્રાસકો પડી જાય કે ગીત એને ખમી જાણશે -? પણ તરત જ ‘તું’ નામી પ્રિયજન પધારે છે; છમકલાં, હસ્તરેખા, ઊની બપ્પોરો, લૂ, દરિયો, ચાંદો એમ અનેક વાસ્તવશીલ પદાર્થો ક્રમે ક્રમે ઉમેરાતા આવે છે, અને તેથી ગીત માગે એવી મુલાયમ બાની રચાતી જાય છે. કાવ્યકથક ગીતકાર આમ તો જીવવા મળેલા એની આસપાસના સંસારથી એટલો બધો ખુશ નથી લાગતો, પણ લાગે છે કે મન્થનથી ઠીક ઠીક સાતા પામ્યો છે.