૧
અહીં, મેં ‘કાવ્યકથક કહે છે’ એવો પ્રયોગ કર્યો છે, કેમકે ‘કવિ કહે છે’ કહેવાથી તે વ્યક્તિની કવિ તરીકેની પૂરી ગુણવત્તાનો (કે મર્યાદાનો) નિર્દેશ થઈ જાય છે; હાથ પરના કાવ્યની વિશિષ્ટતા ગૌણ રહી જાય છે અને કવિની સર્વસામાન્યતા પ્રધાન બની જાય છે. અહીં કાવ્યકથક એટલે કાવ્યમાં છે તે વ્યક્તિ એમ સમજવાનું છે.
કર્તાને સ્થાને કૃતિ નું નિદાન કરનારી કૃતિલક્ષી વિવેચનાએ આ પરિ વર્તન સ્વીકારવું જોઈશે, સર્જનાત્મક કૃતિઓમાં તો ખાસ, કેમકે, એમાં કર્તા નહીં પણ એણે સરજેલો પ્રોટેગનિસ્ટ હાજર હોય છે, એ જ કર્તાહર્તા હોય છે. વિચારો કે સંવેદનો, સુખ કે દુ:ખ એનાં હોય છે, સર્જક વ્યક્તિનાં નહીં.
૨
હું સુજોસાફોના વાર્તાશિબિરોમાં ટૂંકીવાર્તાની કલાત્મકતા માટે નિ ર્ણાયક બાબતોની ચર્ચા કરતો હોઉં છું. એમાં એક છે, કથનકેન્દ્ર વિશેની. મેં એક સુધારો સૂચવ્યો છે કે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’-ને બદલે આપણે ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહીએ તે વધાારે યોગ્ય કહેવાશે. કેમકે, મૂળમાં જે અંગ્રેજી પ્રયોગ છે તે, ‘ફર્સ્ટ પર્સન નૅરેશન’ છે.
‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ પ્રયોગ બરાબર છે, પણ સાથોસાથ, ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’ પણ બરાબર છે.
કથનકેન્દ્ર વાર્તાના ચાલક-સંચાલકનું કામ કરે છે.
બને છે એવું કે કેટલીયે વાર્તાઓ ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-થી કહેવાતી હોય છે, ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી ઓછી. વાત એમ છે કે આ બે-માંથી કયા કથનકેન્દ્રની પસંદગી કરાય તો વિષયવસ્તુને અનુકૂળ પડે અને વાર્તા અમુક કક્ષાની સફળતાને વરે, વાર્તાકારો એ ઔચિત્યનો વિચાર બહુ કરતા હોય એમ લાગતું નથી. અહીં રજૂ થયેલી વાર્તાઓમાં પણ એ અસંગતતા જોવા મળશે.
વાર્તાના દૃષ્ટાન્તથી મુદ્દો સ્પષ્ટ કરવાની મારી રીત છે, તદનુસાર, જે તે નૉંધમાં કહીશ કે આને બદલે આ કથનકેન્દ્ર પ્રયોજ્યું હોત તો વાર્તા કેવી થઇ હોત, વિચારો…