સાહિત્યિક સંરસન — ૩/લતા હિરાણી

Revision as of 21:19, 27 October 2023 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



++ લતા હિરાણી ++


૧ : સાવ કોરો કાગળ જોઇએ મારે —

સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન
ને મારી દિશા
હું જ નક્કી કરું.
લીટીઓ દોરી આપે કોઈ
મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય.
મારા શબ્દોને
કોઈ કહે એમ ખસવાનું
એટલું જ ચડવાનું કે ઊતરવાનું
મને મંજૂર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યાં નથી
હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઊગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો.


૨ : બચપણમાં અગાશી —

બચપણમાં અગાશી
અમારી પાક્કી દોસ્ત હતી
પરોઢનો કૂણો ઉજાસ 
સૂર્યની પાંખે ઊતરી આંખોમાં અંજાતો
રાત્રે ચાંદામામાનું સ્મિત 
અને તારલાઓનો કૂણો સ્પર્શ
હળવેકથી અમારી પાંપણો બીડી દેતો
શરદપૂનમની રાતે 
ચાંદનીનાં રુમઝુમતાં અજવાળે
સોયમાં સાત વાર દોરો પરોવ્યા પછી  
મા દૂધપૌંઆ આપતી.
પછી અમે શહેરમાં આવ્યાં 
ચારેકોર આંખો આંજી દેતી રોશનીમાં 
પેલું હૂંફાળું અજવાળું 
ને નમણું અંધારું, ક્યાંક ખોવાઈ ગયાં
સૂર્ય, ચંદ્ર અને રાતે ક્યાંય સુધી 
અમારી સાથે વાતો કરતા’તા 
એ તારલાઓ
અમે અમારાં બાળકોને 
પ્લેનેટોરિયમમાં બતાવ્યા
અમે ખુશ હતાં 
અમારાં બાળકોને અમે બ્રહ્માંડ બતાવ્યું 
અને ખબરે ય ન પડી
ક્યારે અમે અમારી તેજ આંખો 
શહેરને ભેટ ધરી દીધી! 
રિટર્ન ગિફ્ટનો અહીં રિવાજ ખરો ને!
ધીરે ધીરે 
શહેર પાછું વાળી રહ્યું છે 
ગામનું અંધારું
અમારાં બાળકોની ફિક્કી આંખોથી.


૩ : કદી કોઈ વાતે —

કદી કોઈ વાતે અમસ્તો અછડતો 
ન’તો આસપાસે ફરકતો ય તડકો
જરી ઘાવ અમથા જ ખોલે વલોવે      
અને રોજ પીડા ખડકતો જ તડકો.  
 
હતા પાસ એને ધક્કાઓ દઇને
પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો
પછી છાંયડા કાજ ઘમસાણ માંડ્યું
ઠરે કેમ, બાળે એ બળતો જ તડકો.
 
હવેલી અજબની, શી રોનક ગજબની 
અહમ્-નો અડે જો અકડતો જ તડકો
બને શૂન્યતાનું એ ખંડેર કેવું
કે પથરાય ચોગમ ગરજતો જ તડકો.
 
સફરના મિજાજે, ઉંમરના પડાવે
હતો દર વળાંકે વળગતો ય તડકો
ઢળ્યો જ્યારે છાંયો, સીમાડો કળાયો
જણાયો પછી તો સરકતો જ તડકો.   



તન્ત્રીનૉંધ :

૧ : સાવ કોરો કાગળ જોઇએ મારે — કાવ્યકથકે વાત કોરા કાગળની માંડી પણ તેમાં એણે પોતાના સ્થાન અને પોતાની દિશા પોતે જ નક્કી કરવાનો સંકલ્પ ઉચ્ચાર્યો એટલે એ વાત ફંટાઈને કવિતાના પ્રદેશમાં પ્રવેશી ગઈ. કેમકે કાગળમાં સ્થાન કે દિશા મેળવીને એ થોડો બેસી રહેવાનો’તો? એના ‘કાગળ’ શબ્દનો વાચ્યાર્થ ન રહ્યો, એ કશાકને સૂચવનારો બની રહ્યો, જેને પ્રતીક કહેવાનો આપણે ત્યાં રિવાજ છે. રચનામાં જ્યાંજ્યાં શબ્દાર્થને, મુખ્યાર્થને, તાળું વસાયેલું લાગે, પ્રતીક નામની ચાવી લગાડવાથી ખૂલી જતું લાગશે, જેમકે, ‘લીટીઓ દોરી આપે કોઈ’ -માં ‘લીટીઓ’; ‘મારા રસ્તાની એ વાત’-માં ‘રસ્તો’. ‘એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી’ -માં ‘અક્ષર’. એ પ્રકારે ભાવક હવે ‘ખસવું’ ‘ચડવું’ ‘ઊતરવું’ ક્રિયાપદોને, ’ઝરણુ’ ‘તરણું’ શબ્દોને અને સમગ્ર રચનાને પણ કાવ્યાર્થની રીતેભાતે ઘટાવશે. સાહિત્યકૃતિની કલાને પામવા શબ્દોને જોતાં-સમજતાં શીખવાનું હોય છે, ભલે ને એ કૃતિ શબ્દોની જ બની કેમ નથી !

૨ : બચપણમાં અગાશી — આ એક એવી રચના છે જેમાં પ્રતીકાર્થો કરવાની જરૂરત નથી. ગામ અને નગરપ્રવેશ પછી શું થયું એની સરળ શબ્દોમાં વાર્તા માંડતા કાવ્યકથકની અભિવ્યક્તિથી ભાવક ખુશ થઈ શકે છે. એને ઇચ્છા થાય, તો ‘ધીરે ધીરે / શહેર પાછું વાળી રહ્યું છે / ગામનું અંધારું / અમારાં બાળકોની ફિક્કી આંખોથી’ -વિશે વધુ વિચારી શકે છે. એ સ્વવિચાર પણ એને ખુશ કરી દેશે.

૩ : કદી કોઈ વાતે — આ રચનામાં વાત તડકાની છે પણ એ ‘અમસ્તો અછડતો’ ‘આસપાસે ફરકતો’ ‘પીડા ખડકતો’ ‘સ્વયંનો સળગતો’ ’બાળે એ બળતો’ ‘અડે જો અડકતો’ ‘ચોગમ ગરજતો’ ‘વળાંકે વળગતો’ વગેરે રૂપો લઈને આવ્યો છે. એનું ‘અમસ્તો’ વગેરે વિશેષણતત્ત્વો સાથે અને ‘કોઈ વાત’ વગેરે નામતત્ત્વો સાથે જે જોડાણ થયું છે તેથી એ રૂપોના સંકેતાર્થો વિકસ્યા છે. દાખલા તરીકે, વિચારો કે ‘કદી કોઈ વાતે અમસ્તો અછડતો / ન’તો આસપાસે ફરકતો ય તડકો’ એટલે શું. દાખલા તરીકે, ‘હતા પાસ એને ધક્કાઓ દઇને / પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો’ અર્થવિસ્તાર કરી જુઓ. દાખલા તરીકે, ‘અહમ્-નો અડે જો અકડતો જ તડકો / બને શૂન્યતાનું એ ખંડેર કેવું’, વિચારી જુઓ. દાખલા તરીકે, ‘સફરના મિજાજે, ઉંમરના પડાવે / હતો દર વળાંકે વળગતો ય તડકો’, કલ્પી જુઓ. વગેરે. રચના એ વાતનું ઉદાહરણ છે કે છાન્દસ રચનાઓ પણ કાવ્યત્વસાધક નીવડી શકે છે.