સાહિત્યિક સંરસન — ૩/નૉંધ

Revision as of 23:02, 31 October 2023 by Atulraval (talk | contribs)


નિવેદન

સુમન શાહ


સાહિત્યિક સંરસન Literary Consortium - ૩ પ્રકાશિત કરતાં આનન્દ થાય છે.

આ સર્જક-અંક છે. સર્જક-અંક કરવાનું એ માટે સૂઝ્યું કે ધર્મ અધ્યાત્મ સમાજ રાજકારણ કે સંશોધન જેવા સર્જનેતર વિષયો માટે અગાઉના બે યે અંકોમાં મને ખાસ્સા પ્રયત્ન પછી, ઘણી ગરજ બતાવ્યા પછી, લેખો ન મળ્યા. (હા, સિનેમા, પત્રકારત્વ, સંસ્કૃત-સાહિત્ય, દલિત સાહિત્ય, અનુવાદ વગેરે વિષયોમાં મિત્રોએ સહયોગ દાખવ્યો, એ માટે એમનો આભારી છું.) એટલે વિચાર્યું કે માત્ર કવિઓ અને વાર્તાકારોની રચનાઓનો જ અંક કરવો.

પરન્તુ, એ સર્જનેતર વિષયો સાથે સાહિત્યને તેમજ એ ક્ષેત્રોને સાહિત્ય સાથે જોડવાની મારી ઝંખના ઝંખના જ રહી ગઈ. બીજા શબ્દોમાં એમ કહેવાય કે હું એ વિષયક્ષેત્રો સાથે સંરસન ન સાધી શક્યો, વાત સાહિત્યની જ શેષ રહી. કલ્પના નથી આવી શકતી કે એવો ચહુદિશ સંયોગ ક્યારે ખીલશે અને ક્યારે એક સાવયવ સંરસન સધાશે.

આ અંકમાં, સર્જનેતર એક જ લેખ છે, ‘સન્ધિ’-ના તન્ત્રી તરીકેની બાબુ સુથારની કૅફિયત. અન્ય તન્ત્રીઓએ લેખ ન કર્યા. મને સમજાતું નથી કે પોતાના તન્ત્રીકાર્ય વિશેની વાતોને જાહેરમાં મૂકતાં, ખચકાટ કે સંકોચ જો હોય, તો કેમ છે. સાહિત્યનાં અનૌપચારિક સંગઠનોના વાહકો પણ આ બાબતમાં એટલા જ ઉદાસીન છે, તો એમ કેમ છે?

બાકી, આ અંકમાં ૧૬ કવિઓ છે, અને ૧૯ વાર્તાકારો છે. દરેક કવિનાં ત્રણ કાવ્યો છે, દરેક વાર્તાકારની એક વાર્તા છે. આ અંકમાં પૂર્વપ્રકાશિત રચનાઓને પણ માન્ય ગણી છે. દરેક કાવ્ય વિશે અને દરેક વાર્તા વિશે મારી બધી મળીને ૬૭ તન્ત્રીનૉંધો છે. મારી વાર્તા ‘ખાઈ’ માટે સુજોસાફો-ના ૫૦-મા વાર્તાશિબિરમાં માંગ ઊઠેલી કે એની નકલ હાથમાં હોય તો ચર્ચા કરવામાં ફાવટ આવે, સુલભ કરી આપો. એટલા માટે મેં એ વાર્તાને અહીં મૂકી છે. સુજોસાફોના મિત્રો એની નૉંધ લેશે ને એ પર કોઈ મિત્ર નૉંધ લખશે.

સર્વસામાન્યપણે જણાવું કે આ અંકનાં કાવ્યોમાં તેમજ વાર્તાઓમાં વસ્તુ અને રૂપને વિશેનું ઘણું વૈવિધ્ય છે. મેં દરેક નૉંધમાં વિશેષ ભાવે વાત કરી છે, એ જોવા વિનન્તી, એ સુવાચ્ય છે.

ઘડીભર થાય કે આ કલાકક્ષા અને આ સર્જકનિષ્ઠા જળવાય અને વિકસે તો નિરાશ થવા માટેનું ખાસ કારણ નહીં હશે. સોશ્યલ મીડિયા પર જ લખતા લેખકો અને એ જ વાંચતા વાચકો આ અંકમાં છે એવા ગમ્ભીર સાહિત્યપદાર્થના સમ્પર્કમાં મુકાશે તો કુણ્ઠાઓ અને અવરોધો ખસવા માંડશે અને નવ્ય ઉઘાડ જરૂર થશે.

આ સંદર્ભમાં મારે ત્રણ ટિપ્સ આપવી છે :

૧: અમુકની ‘કવિતા’, તમુકની ‘કવિતા’ એમ લગભગ બધાં આજકાલ લગભગ બધી જ વખતે ‘કવિતા’ ‘કવિતા’ બોલતાં સંભળાય છે. એ બંધ કરીએ. ગુજરાતીમાં, બે શબ્દ છે, ‘કાવ્ય’ અને ‘કવિતા”. અંગ્રેજીમાં, બે શબ્દો છે, ‘પોએમ’ અને ‘પોએટ્રી’. ડૅફોડિલ્સ નામક ‘કાવ્ય’-માં વર્ડ્ઝવર્થ આ પ્રકારના શબ્દો પ્રયોજે છે, એમ કહીએ તો બરાબર ગણાય. વર્ડ્ઝવર્થની ‘કવિતા’ અંગ્રેજી કાવ્યસાહિત્યમાં અનોખી છે, એમ કહીએ તો બરાબર કહેવાય. ઉમાશંકરના ‘જઠરાગ્નિ’-ને ‘કવિતા’ ન કહીએ, ‘કાવ્ય’ કહીએ, તો બરાબર કહેવાય. ગાંધીયુગમાં ઉમાશંકરની ‘કવિતા’ ધ્યાનાકર્ષક રહી છે એમ કહીએ, તો બરાબર કહેવાય. ‘કાવ્ય’ સંજ્ઞા વિશિષ્ટ રચના દર્શાવે છે, ‘કવિતા’ સંજ્ઞા સર્વસામાન્ય સૃષ્ટિ દર્શાવે છે.

જેનો ઉલ્લેખ અંકમાં છે, એ બીજી બે ટિપ નીચે મુજબ છે :

૨ : નૉંધોમાં મેં ‘કાવ્યકથક કહે છે’ એવો પ્રયોગ કર્યો છે, કેમકે ‘કવિ કહે છે’ કહેવાથી તે વ્યક્તિની કવિ તરીકેની પૂરી ગુણવત્તાનો (કે મર્યાદાનો) નિર્દેશ થઈ જાય છે; હાથ પરના કાવ્યની વિશિષ્ટતા ગૌણ રહી જાય છે અને કવિની સર્વસામાન્યતા પ્રધાન બની જાય છે. અહીં કાવ્યકથક એટલે કાવ્યમાં છે તે વ્યક્તિ એમ સમજવાનું છે. કર્તાને સ્થાને કૃતિ નું નિદાન કરનારી કૃતિલક્ષી વિવેચનાએ આ પરિ વર્તન સ્વીકારવું જોઈશે, સર્જનાત્મક કૃતિઓમાં તો ખાસ, કેમકે, એમાં કર્તા નહીં, પણ એણે સરજેલો પ્રોટેગનિસ્ટ હાજર હોય છે, એ જ કર્તાહર્તા હોય છે. વિચારો કે સંવેદનો, સુખ કે દુ:ખ એનાં હોય છે, સર્જક વ્યક્તિનાં નહીં.

૩ : હું સુજોસાફોના વાર્તાશિબિરોમાં ટૂંકીવાર્તાની કલાત્મકતા માટે નિ ર્ણાયક બાબતોની ચર્ચા કરતો હોઉં છું. એમાં એક છે, કથનકેન્દ્ર વિશેની. મેં એક સુધારો સૂચવ્યો છે કે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’-ને બદલે આપણે ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહીએ તે વધાારે યોગ્ય કહેવાશે. કેમકે, મૂળમાં જે અંગ્રેજી પ્રયોગ છે તે, ‘ફર્સ્ટ પર્સન નૅરેશન’ છે.

‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ પ્રયોગ બરાબર છે, પણ સાથોસાથ, ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’ પણ બરાબર છે.

કથનકેન્દ્ર વાર્તાના ચાલક-સંચાલકનું કામ કરે છે.

બને છે એવું કે કેટલીયે વાર્તાઓ ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-થી કહેવાતી હોય છે, ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી ઓછી. વાત એમ છે કે આ બે-માંથી કયા કથનકેન્દ્રની પસંદગી કરાય તો વિષયવસ્તુને અનુકૂળ પડે અને વાર્તા અમુક કક્ષાની સફળતાને વરે, વાર્તાકારો એ ઔચિત્યનો વિચાર બહુ કરતા હોય એમ લાગતું નથી.

અસ્તુ. — સુમન શાહ
તન્ત્રી : ‘સાહિત્યિક સંરસન’
(નવેમ્બર ૧, ૨૦૨૩ : યુઍસએ)



સામાન્ય તન્ત્રીનૉંધ

તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે. અહીં, મેં ‘કાવ્યકથક કહે છે’ એવો પ્રયોગ કર્યો છે, કેમકે ‘કવિ કહે છે’ કહેવાથી તે વ્યક્તિની કવિ તરીકેની પૂરી ગુણવત્તાનો (કે મર્યાદાનો) નિર્દેશ થઈ જાય છે; હાથ પરના કાવ્યની વિશિષ્ટતા ગૌણ રહી જાય છે અને કવિની સર્વસામાન્યતા પ્રધાન બની જાય છે. અહીં કાવ્યકથક એટલે કાવ્યમાં છે તે વ્યક્તિ એમ સમજવાનું છે.

કર્તાને સ્થાને કૃતિ નું નિદાન કરનારી કૃતિલક્ષી વિવેચનાએ આ પરિ વર્તન સ્વીકારવું જોઈશે, સર્જનાત્મક કૃતિઓમાં તો ખાસ, કેમકે, એમાં કર્તા નહીં પણ એણે સરજેલો પ્રોટેગનિસ્ટ હાજર હોય છે, એ જ કર્તાહર્તા હોય છે. વિચારો કે સંવેદનો, સુખ કે દુ:ખ એનાં હોય છે, સર્જક વ્યક્તિનાં નહીં.


હું સુજોસાફોના વાર્તાશિબિરોમાં ટૂંકીવાર્તાની કલાત્મકતા માટે નિ ર્ણાયક બાબતોની ચર્ચા કરતો હોઉં છું. એમાં એક છે, કથનકેન્દ્ર વિશેની. મેં એક સુધારો સૂચવ્યો છે કે ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’-ને બદલે આપણે ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’ કહીએ તે વધાારે યોગ્ય કહેવાશે. કેમકે, મૂળમાં જે અંગ્રેજી પ્રયોગ છે તે, ‘ફર્સ્ટ પર્સન નૅરેશન’ છે.

‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’ પ્રયોગ બરાબર છે, પણ સાથોસાથ, ‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’ પણ બરાબર છે.

કથનકેન્દ્ર વાર્તાના ચાલક-સંચાલકનું કામ કરે છે.

બને છે એવું કે કેટલીયે વાર્તાઓ ‘સર્વજ્ઞ કથનકેન્દ્ર’-થી કહેવાતી હોય છે, ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-થી ઓછી. વાત એમ છે કે આ બે-માંથી કયા કથનકેન્દ્રની પસંદગી કરાય તો વિષયવસ્તુને અનુકૂળ પડે અને વાર્તા અમુક કક્ષાની સફળતાને વરે, વાર્તાકારો એ ઔચિત્યનો વિચાર બહુ કરતા હોય એમ લાગતું નથી. અહીં રજૂ થયેલી વાર્તાઓમાં પણ એ અસંગતતા જોવા મળશે.

વાર્તાના દૃષ્ટાન્તથી મુદ્દો સ્પષ્ટ કરવાની મારી રીત છે, તદનુસાર, જે તે નૉંધમાં કહીશ કે આને બદલે આ કથનકેન્દ્ર પ્રયોજ્યું હોત તો વાર્તા કેવી થઇ હોત, વિચારો…