ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ફૂટપાથ અને શેઢો

Revision as of 02:34, 11 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફૂટપાથ અને શેઢો
રઘુવીર ચૌધરી

ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક
ખેતરમાં કામ કરીને ઉતારું છું.
આ શેઢે છાંયો શ્વાસને ભરી દેતો,
સામે ઝમતો મોરિયો આંખને ઠારતો,
નીકની માટી–હથેલી માની.
અહીં ધૂણીના ધખારે
ફૂટપાથે ઓગળતા બરફ પાસે ઊભો છું.
સમયપત્રક મુજબની આગલી બસ
પસાર થઈ જાય છે ભરચક....
કોઈ મોડી પડેલી બસ પોરો ખાવા ઊભી રહે છે.
લોકલ તો લોકલ
ચઢી જાઉં છું છેલ્લી ઘડીએ
આવકારવા રાજી નથી લાગતી કોઈ જગ્યા
બેસી જાઉં છું અડસટ્ટે
કે ઊભો રહું છું પીઠ ફેરવીને વારાફરતી.
કોઈકને જરૂર લાગે છે
મુસાફરમાંથી માણસ થઈ વાત કરવાની.
કોઈક ઓળખી કાઢે છે પીઠ પરથી.
પડોશીને કહી સંતોષ લે છે.
ત્યાં આગળ દોડતી રીક્ષા
કેરોસીનની ધૂણી ઓંકતી
બીજાં બધાં પ્રદૂષણો પર વિજય મેળવતી
વળી જાય છે ઢોળાવ બાજુ.
શહે૨ છૂટતું નથી જલદી.
એમાંથી બહાર છટકી આવેલાં
સરહદી વૃક્ષો ડાળપાંખડીએ ઘવાયેલાં છે.
કુંપળ મારા મનમાંય ફૂટતી નથી,
શેઢે વાવેલા ગોટલાને ફૂટી હોય તો હોય...