ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/દુકાળ

Revision as of 02:17, 16 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દુકાળ
રામચંદ્ર પટેલ

સામે
સુમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ,
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ!
નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું.
આંખો ફાડીને
ઊભી દિશાઓ;
વેળુ લઈને વાયરો ઊડે...
આભ,
છાબ ભરીભરીને નાખે અંગારા,
બળે પર્ણપીછાં,
વીંઝાય જટાયુ શો સીમવગડો.
અહીં કોઈ!
અગ્નિમુખો
અડખેપડખે ફરે...?
પ્હેરો ભરે...
સૂર્યના હાથમાં આપીને ધારિયું!!