કાવ્યમંગલા/સ્વ. શંકર દત્તાત્રેય પાઠકને

Revision as of 01:36, 23 November 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
સ્વ. શંકર દત્તાત્રેય પાઠકને
(ઉપજાતિ–વસંતતિલકા)

-૧-


તે આજ મૂંગી,
રવહીન મૂંગી,
વિરક્ત વાયોલિન આજ તારી,
પડી અહા પાઠક ! આ સતારી,
ને સાજ સૂનો સઘળો પડ્યો આ,
સંગીતના મધુર એ પડછંદ થંભ્યા

રે, આજ મૂંગી,
સ્વરહીન મૂંગી,
વિરક્ત સંગીતસભા પડી, હા !
છાયા અહીં મૃત્યુતણી ખડી, હા ! ૧૦
જે પ્રેરનારો કર આંગળીને,
ને અગ્નિને કર પડ્યો જ બળી બળીને.

રે આજ મૂંગી,
સ્વરહીન મૂંગી,
તે ધૂન સંગીતતણી ઉઠે, હા !
તે રાગ સૂણ્યા પ્રજળી ઉઠે, હા !
ભાર્યો ઉરે મેં તવ જે હુતાશ,
તે મૃત્યુફૂંક જગવે કરતી પ્રાકશ.

-૨-


એ ગીતધારા,
સંગીતધારા,
પ્રચણ્ડ વ્હેતી તવ કણ્ઠથી જે, ૨૦
ને આંગળી રાગ ઉરે ગુંથી જે,
એ મિષ્ટ ને ભદ્ર પ્રસન્ન ગાણાં,
ઊગ્યાં સુણંત પ્રિય પાઠક ! કૈંક વ્હાણાં.

એ ગીતધારા,
તારા ફુવારા.
સંગીતના તે તપના પ્રવાહો,
એ રાગિણીકણ્ઠતણા વિવાહો,
આ શુષ્ક લોકે ભજવી ગયો તું,
સૂકું ધરાતલ રસાર્દ્ર કરી ગયો તું. ૩૦

એ ગીતધારા,
રસપૂર્ણ ધારા,
સરસ્વતી તંબુરથી ગ્રહી તેં,
ને કષ્ટદેહે પણ સંગ્રહી તેં,
ગુંજ્યો ઘણું જીવનતંબુરો એ,
ને બાકી રાગ શિખવા જ ગયો પુરો એ.

-૩-


સંગીત થંભ્યા,
તવ વાદ્ય જંપ્યાં,
ઝંખ્યાં હશે ધામ મળ્યાં તને તો,
ડંખ્યાં મટે ગીત ક્યમે મને તો ? ૪૦
સંગીતનાં ચાતક આ રડે હ્યાં,
પ્રેમીઉરે મરણઘા વસમો પડે હા !

રે, ગીત થમ્ભે,
પણ કોણ જમ્પે?
ઝંકાર વીણા કરતી ભલે ના,
હવે ન ઊઠે સ્વર તો ભલે ના,
અમૂર્તનું મૂર્ત થયેલ ગાણું.
છો ને અમૂર્ત મહીં લીન થયું જ ગાણું.

પ્હેલાં હતું ના,
હમણાં થતું ના,
એ ગીત ક્યાંથી પ્રગટ્યું ન જાણું,
એ પ્રેરણા જીવનની શું માનું?
અનંતનું ગીત અગમ્ય ન્યારું
ગાઈ ગયું ઘડિક પાઠક ! બીન તારું.

(૨૩ જુલાઈ, ૧૯૩૧)