કાવ્યમંગલા/વાદળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાદળી

સોનેરી વાદળી,
રૂપેરી વાદળી,
ઉતરી રે કહાન મારે તળાવ

સન્ધ્યાપ્રભાતના રંગ ભરી પાંખે,
સૂરજનાં આંજણાં આંજીને આંખે,
સાગરને હૈયે આળોટી એ વાદળી,
અમ્રતના ગર્ભ ધરી
ઉતરી રે કહાન મારે તળાવ.

સૂકાં તળાવ, મારાં સૂકાં સરોવરો,
સૂકાં કમળદળ, સૂકો આ વાયરો, ૧૦
સૂનાં આકાશ મૂકી નાઠી’તી વાદળી,
ધરતીનો ફેર ફરી
ઉતરી રે કહાન મારે તળાવ.

નાનું તળાવ મારું પાણીડાં છલકે,
ભીનો પવન, કમળ આછેરાં મલકે,
દુનિયાનાં આંસુડાં લોતી એ વાદળી
મલકંતી પ્રેમભરી
ઉતરી રે કહાન મારે તળાવ.

(૧૦ મે, ૧૯૩૧)