કાવ્યમંગલા/ઝંઝાનિલને

Revision as of 02:36, 23 November 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઝંઝાનિલને
(સ્ત્રધરા)

ઝંઝાના ઝુણ્ડઝોલે તરલ વિહરતો, વિશ્વનો સુપ્ત પ્રાણ
જાગ્યો શું વહ્ણિઝાળે, હૃદયમૂંઝવણે સિન્ધુની છોડી શય્યા,
દોડે પૃથ્વીનિકુંજે અગન શમવવા ગાભરો ઉચ્ચ વેગે,
વાતો વેગે મનસ્વી મરુતગણતણો રાજવી રુષ્ટ આ શું !

રે, વાતો વેગવંતો ભુવન ભુવન ડોલાવતો દિવ્ય જોમે,
છોડેલો ધ્યાન અંતે પ્રખર હરતણો રુદ્ર ઉચ્છ્‌વાસ શું કે !
ગાંભીર્યો સાગરોનાં, વનતરુગણનાં સોણલાં ભાંગતો આ
પૃથ્વી પે પાથરે શું જલ, જલધિ પરે અદ્રિમાળા ઉઠાડે.

પૃથ્વીએ પ્હેરિયો આ શત શત ગઉનો અંચળો વાયુદેહી,
એના સૂર્યપ્રયાણે ત્વરિતગતિ જવા સોડિયું વાળતી તે, ૧૦
દાબી અંગે લપેટે ઝપટભર, તહીં પલ્લવ પ્રાણવંતો
લ્હેરી ર્‌હે દિગ્દિગંતે અવિરત વહને અબ્ધિની કોરવાળો.

ઊંચેરો અદ્રિઓનાં હિમવત શિખરોથી ય ઊંચે ઉડંતો,
નીચેરો નાભિથી યે જલધિજલતણી ગહ્‌વરોમાં ફૂંકાતો,
આંતર્બાહ્ય પ્રવાહી સચર અચરમાં પ્રાણરૂપે વહંતો,
સર્વવ્યાપી પ્રભુ શો મરુત ઋતજ આ સૃષ્ટિનો સૃષ્ટ ધર્તા.

ધર્તા ! હર્તા સ્વરૂપે ધસમસ ધસતો ભાસતો, કાળ કોપ્યો;
પૃથ્વીને પાટલે આ પ્રકૃતિમનુજનાં કાર્ય નિર્મેલ જે કૈં :
કાન્તારો, વૃક્ષકુંજો, ગિરિગણ, નગરો, મ્હેલ ને મેડીઓને
તારી એકી થપાટે ક્ષણમહિં ચહતો સર્વ ઉત્પાટવા શું ! ૨૦

તારો એ દૂર ગાજ્યો પદરવ સુણતાં ત્રાસથી પાણ્ડુરંગી
વૃક્ષોના પ્રાણ સૂકે, પરણ ખરી જતાં મુણ્ડીના વાળ જેવાં,
ને પૃથ્વીનો સુકાતો પટ, કૃષિવલથી ભોમકા શું તજાતી !
ત્રાસેલું વિશ્વ માળે નિજ જઈ બચવા બાપડું થૈ લપાતું.

ને ત્યાં તું મેઘકેરાં ક્ષિતિજ ઉભરતાં સૈન્ય લૈ શું ચઢે ને
ઇચ્છે એ આભવ્યાપી નિબિડ ઘનતણા શામળા કામળાથી
આખેરું વિશ્વ રૂંધી સરજન સઘળું ભક્ષવા : શોકવાર્તા
એવી સર્વત્ર વ્યાપે, જગ થરથરતું હોશ ને કોશ ત્યાગે.

રે, તારી રુદ્ર વીણા ગહન વનતણાં વંશઝુણ્ડે ફુંકાતી,
આવાસે માનવીના સમસમ સરતી ઉંબરે ઉંબરે જૈ, ૩૦
બીધેલાં જન્તુઓનાં અવશ હૃદયને સોંસરી વીંધતી એ,
શોધે યોદ્ધો શું જંગે નિજ સહ લડવા તાહરી યુદ્ધલિપ્સા !

ને ત્યાં આ પામરાં સૌ તરુગણ તરણાં ઝૂકતાં શીશ ભોંયે,
પોતાને માની જીત્યો, મુખરિત રવથી આત્મની કીર્તિ ગાતો,
ભૂલે તું, એ ન ઝુક્યાં તવ ચરણ પરે, શીશ સૌનાં ઝુક્યાં જો
તારાથી વ્યસ્ત કક્ષે, અવર ચરણનો આશરો શોધતાં તે.

દીનોકેરા વિજેતા ! વિવશ પ્રકૃતિમાં સ્વસ્થતામૂર્તિ જેવો,
ઉભેલો દ્વાર ખોલી નિજ કુટિરતણું તાહરી સન્મુખે થૈ,
છોડી સૌ આશ્રયોને, અડગ ગિરિ સમો ઉચ્ચ આહ્‌વાન દેતો,
તારી સૌ શક્તિઓને, તુજ ચળ શમવે યુદ્ધની માનવી આ. ૪૦

‘શાને ઝંઝાનિલા હે, વ્યરથ યતન આ, વ્યર્થ આ યુદ્ધલિપ્સા?
યુદ્ધાભાસો જ આ તો સકળ, વિમળ હું રૂપ તારું પિછાનું,
ને તું જો યુદ્ધ માંગે, નિરખ અણુ સમાં નાસિકારંધ્ર દ્વારા
તારું વિશ્વે પ્રવાતું બળ મુજ ઉરનાં સ્પન્દનોથી દબાવું.’

ગાજે ત્યાં અટ્ટાહાસે દશ દિશ સુણતાં સાદ ચૈતન્યનો તે,
પ્રાણીનો પ્રાણ આ, ને જગત વિહરતો વાયુ તે, બેય ભેટે;
એ બેના ઐક્યયોગે વિવશ પ્રકૃતિના મૂર્છિત પ્રાણ જાગે,
શામે સૂરો બસૂરા, ત્રિભુવનભરણી બીન ગાજે સુરાગે.

ધર્તા ! હર્તાતણું આ ક્ષણ જ શમવ તું રૂપ, ત્રાસેલ આંખો
દેખે કલ્યાણમૂર્તિ તુજ, નહિ અથવા વા યથાપૂર્વ વેગે, ૫૦
અજ્ઞાની લોક કાજે પ્રકૃતિનિયમ ના થોભશો, કૃત્ય તારાં
અંતે માંગલ્યરૂપે ફલિત લહી તને પ્રીછશે સર્વ સાચો.

વર્ષે વર્ષે ધરાને નવલ પટ દઈ વસ્ત્ર જૂનું હરંતો ,
મોંઘાં મોતી ભરેલાં જલધિજ ઘનનાં વ્હાણ વિશ્વે વહાતો,
પુષ્પોકેરા પરાગો ઉપવનકુસુમોની પ્રિયામાં ધરંતો
ઘૂમે સંદેશવાહી વિમુદિત વિભુના ફુલ્લ ચૈતન્ય કેરો.

સ્રષ્ટા ! સૂકાં, સડેલાં, સુરભિરહિતમાં પ્રાણ સંચારનારી
તારી આવેગ-ધારા અવિરત પગલે ઘૂમતી ઘોર આંહી,
ઊંડા ઉદ્વેગઘેરાં હૃદયભવનનાં બારણાં ઠોકતી એ
તોડી નાંખો ચણેલા, દુરગમ ગઢના કોટ જો ના ખુલે તો. ૬૦

(૧૫ જૂન, ૧૯૩૨)