કાવ્યમંગલા/પોંક ખાવા

Revision as of 02:04, 25 November 2023 by Meghdhanu (talk | contribs) (Created page with " <center>પોંક ખાવા</center> <center>(અનુષ્ટુપ)</center> પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે, નીકળ્યાં બેસી ગાડામાં ખાવાને પોંક ખેતરે. ધનુ –માસ્તરની છોડી, પાડોશીની કમુ વળી, કાશી ને મણકી, ઇન્દુ, પ્રાણલો,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પોંક ખાવા
(અનુષ્ટુપ)

પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે, નીકળ્યાં બેસી ગાડામાં ખાવાને પોંક ખેતરે. ધનુ –માસ્તરની છોડી, પાડોશીની કમુ વળી, કાશી ને મણકી, ઇન્દુ, પ્રાણલો, રાતિયો અને કમુબેન તથા મંગુ, ધની વહુ વળી હતાં, છોકરાં પાર વિનાનાં ઘરનાં દોસ્તનાં લીધાં. બળદો લાલ ગાડાએ જોડીને છોકરાં ભરી, જગાભાઇ હાંકવા બેઠા, ભાગોળેથી અમે ચડ્યાં. સવારે મીઠડો સૂર્ય ચડ્યો’તો વાંસ આભમાં, ઊડતી ધૂળ રસ્તાની આકાશે સોનલા સમી. હતાં ત્યાં ખેતરો બંને બાજુએ માર્ગની ઢળ્યાં, લચતાં લીલુડા મોલે સોનલા ધાન્યનાં ભર્યાં. ક્પાસો અંગ પે પીત પુષ્પોને સજતા ખડા, તૂવરો લુમખા એના ભરચક ઢાળતી ઢળા. ભૂમિને વળગ્યા પૂરા હેતથી લાંગ લાડીલા, જુાવારો મસ્તકે ઊંચે છટાળી છડીઓ ખડી. એવી એ સીમની રૂડી શ્યામળી દેહ પે મહા રસો ને રંગની લીલા પેખતી અમ મંડળી, ગાડાના ધોરીઓ કેરા ઘૂઘરા ઘમકાવતી, ઉપડી ઓતરાદી, હા ઓરતા પોંકના ધરી. ત્યાં માળે સમડા માથે બેસીને રાહ દેખતા ખેડૂએ અમને ભાળ્યા, આમંત્રયા ટહુકાર દૈ. ને ધોરી પંથને મૂકી, વટીને વાડ, સાંકડા સેઢે થૈ રથ એ રૂડો અટક્યો ખેતરે જઈ. પોંકની મીઠડી આશે ત્વરાથી વધતા પગ, ટૂંકેરો માર્ગ તો યે હા ભાસતાં ટૂંકડાં ડગ. ગાડેથી ગોદડી પાણી સંગમાં લઈને બધું, પહોંચ્યાં જ્યાં પોંકની ધૂણી જલતી’તી હળુહળુ. લાંબી ત્યાં પાળ ઢાળી’તી ઠારેલી અગ્નિ-રાખની, ને તેમાં પોંકનાં ડૂંડાં શેકાતાં લસ હા બસ. પગની હેઠ દાબેલી વસ્ત્રની ખોઈ, હસ્તમાં રાડું જુવારનું, એમ પોંક ત્યાં પડતો હતો. સડાસડ સડાસડ સમકારા થતા અને મુખથી ખેડૂના મીઠી વાતો કૈં નીકળ્યે જતી. પાથરી ગોદડી ભોંયે બેઠી ત્યાં અમ મંડળી, ધૂણીથી ઊઠતી રાખ ધુમાડી નાકમાં ચડી. રાખની રખવાળી કૈં હાથથી કરતાં અમે, પ્રસાદ પ્રકૃતિ –માનો સત્કાર્યો મુખને પથે. એમ સૌ પોંકને ખાતા, ને જોતાં ચાર મેર સૌ, પોંકને પાડતા ખેડૂ, ઊડતાં પંખી આભમાં. વાયરો વહતો ધીમે કતારોમાં જુવારની, ગુજંતો સનનન શબ્દે કથા કૈં કામણો તણી.

	 	એમ એ સુણતાં ગાન, પેખતા વ્યોમ ગુંબજ,

દર્શને ભોજને મીઠે અમે મગર બની રહ્યાં. મીઠડી પોંક મીઠાશે મીઠાશ ખેડુની ભળી, કેટલું કેટલું ખાધું લગીરે ભાળ ના જડી. હસતાં હસતાં ખાઈ ખવાડી એમ મંડળી, રમતે રમવા લાગી ગંમતે ઘેનમાં ચડી. હું ઊઠ્યો, ચડિયો માળે, દશ્ય કો રમ્ય વિસ્તર્યું, પોંકથી અધિકા મિષ્ટ ભોજને મન જૈ ઠર્યું. દૂર દૂર અને દૂરે દ્રષ્ટિ જ્યાં જ્યાં જઈ શકે, લીલૂડી પ્રકૃતિ કેરી લીલા રમ્ય મહા હતી. મને માળા પરે દેખી બાળકાં બળકાં ધસ્યાં, ભરાયો ઠસ એ માળો, પંખીડે સમડો યથા. પછી ત્યાં તપવા લાગ્યા રવિ તીક્ષ્ણ જરા તરા, બાંધેલા વસ્ત્રને છાંયે મેં ઢાળ્યાં અંગને જરા. મીંચાતી આંખ તો યે કૈં દેખાતાં દશ્ય હા રહ્યાં, ભૂત ને ભાવિનાં ધામ, હળવે ઊઘડી રહ્યાં, અમે યે આમ દાદાની સંગે નાના હતા તદા, ખેતરે પોંક ખાવાને આવતા ધરીને મુદા.

પાડતા પોંક દાદા ને અમે ત્યાં જમતા સુખે, ને પાછી પોટલી બાંધી પોંકની પળતા ગૃહે. ખેતરે ખેતરે ધૂણી ત્યારે તો ધીખતી હતી, પોંકની સ્નેહની રેલો ત્યારે તો છલતી હતી. દાદાની આંગળી ત્યારે ઝાલીને દોડતા અમે, આજે એ નહિ રે દાદા, ને નહિ બાલ્ય રમ્ય એ. નથી દાદા, નથી બાપા, આજે એ કોઈ ના અહીં, એમનો વયનો ભાર અમે આજ રહ્યા વહી. હું આછો ઊંઘતો, આછી ઊંઘે સૌ બાળુડાં ઢળ્યાં, એકની પર બીજું ને, ત્રીજું બીજાની ઉપરે. એકમેક પરે સર્વે ઢળતાં, અંગ ઢાળતાં, આછા કલ્લોલમાં કાલી કથાઓને રમાડતાં. અને એ અંગના સ્પશે સ્મૃતિના સ્પર્શ જાગતા, જગની વણઝારોના ભણકાર જગાવતા. મને આ બાળુડાં આજે ગૂંદી સર્વ વિધે રહ્યાં, અમે યે આમ દાદાને પિતાને ગૂંદતા હતા. અહો એમ અમો સર્વે માનવો પશુ પ્રાણીઓ જનેતા ધરણી કેરી ગૂંદી આ ગોદને રહ્યાં. ઋતુએ ઋતુએ પૃથ્વી પાંગરે નવ પાકને, પેઢીએ પેઢીએ એની પાંગરે મનુજાતિ હા. પ્રજાઓ નવલી આવે જગમાંહિ યુગે યુગે, કાળનું પંખી શા ટેટા નવલા નવલા ચુગે. ભૂતની આંગળી ઝાલી વર્તમાન વધે અને, વર્તમાન તણી વાંસે ભાવિની પગલી ઢળે. અંકોડે એમ અંકોડા સાંધતી સૃષ્ટિ આ વધે, અંકોડો આજનો જો કે ક્ષણ રે અમને દમે.

(વંશેન્દ્ર)

ભૂલાય છે ભૂત, ન ભાવિ દ્રષ્ટિએ પડે, પડે અંતર એકલું અને થઈ અટૂલી જતી જિંદગી ઘડી, ને વ્યગ્ર મૂંઝાઈ ઢળી જતી મતિ.

(અનુષ્ટુપ)

કિંતુ ના ઉરને એમ અટૂલા બનવું ઘટે, આંકડે આંકડે માળા બલવત્ ટકવી ઘટે, હરેકે આંકડે શક્તિ વસી છે સાંકળી તણી, અરે શું અમ અંકોડે જશે એ નબળી બની?

(વંશેન્દ્ર)

નહીં નહીં, એ વડવા સમર્થની, દાદાતણાં એ બરછટ ભવાંતણી તાકાતને નિત્ય સજીવ રાખશું, ન ‘હાય’ ક્યારેય મુખેથી ભાખશું,

એમ કો શક્તિની તીખી લ્હેરખી ત્યાં વહી રહી, ‘ચાલો ઘેર હવે જૈશું.’ જગાભાઇ રહ્યા કહી. કલબલ કલબલ કરતાં બાળકો જાગી ઊતર્યા, ને મારા સ્વપ્ન મેં સર્વ જાગૃતિ – ઝોળીમાં ભર્યા. ભાઈના સુણતાં શબ્દ સજ્જ હું ભોંય ઉતર્યો, ને મારા ઉરમાં મીઠો રણકો એક ત્યાં થયો. આમ ઘેર જવા કાજે મને યે એકદા ખરે, મારશે હાંક તે બન્ધુ નિજના મધુર સ્વરે.

(૮ જાન્યુઆરી, ૧૯૩૩) (4 ઓગસ્ટ, ૧૯૫૩)