કાવ્યમંગલા/બળતાં બચાવજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બળતાં બચાવજે
(મિશ્રોપજાતિ)


આ છૂટશે બંધવ આજ હ્યાંથી,
તુરંગ શા તંત્રની કેદમાંથી
છૂટી જશે બહાર તુરંગમાંથી.

તુરંગથી આ જન છૂટનારા,
અને અહીં જેહ હજી રહેલા,
છૂટંત ને બન્ધનગ્રસ્ત બેના
મેળા મળે મીઢડી છૂટવાની
પળે, છુટ્યા સંગ હજી ન છૂટ્યા
ખુશીતણી કૈં ખબરો કહાવે,
વ્હાલાં જનોની ખબરો પુછાવે, ૧૦
ભરી ભરી પેટ હળી મળી લે;
અને તહીં બન્ધનમુકત કેદી
હસે, નિહાળે નિજ બદ્ધ ભાંડુ,
ઊભા તહીં જે સળિયા પુંઠે રહ્યા.

તે યે હસે, સૌ હસતા જ કેદી,
છૂટંત ને આ હજી બદ્ધ કેદી.
પ્રયાણનો કાળ ભરાય પૂરો,
તુરંગનું આંગણ કેદી છોડે,
ને બદ્ધ કેદી કરને પ્રસારે.
છૂટી અને બંધનબદ્ધ આંખો ૨૦
ખેંચાઈ ખેંચાઈ રહે નિહાળી,
આંખો તણા મૂક વિદાયસ્પન્દે
ને ‘આવજો’ ના ઉઠતા સ્વરોમાં
છૂટેલ કેદી કદમ ઉપાડે.

તુરંગનો ત્યાગ કરી જતા આ
તે તે જનોને જન મુક્તિવાંછુ
    ક્ષણેક જે બન્ધનમુકત થાતા
જોઈ વધાવે શુભ ભાગ્ય એમનું,
ને હર્ષની ઉપર વાદળી શી
છવાય છાયા ક્ષણ શોક મોહની : ૩૦
‘એ છૂટતા, બંધનમાં અમે તો.’

ત્યાં ભાવિનું ભીતર ભેદતો હું
આ મુક્ત થાતા જન ઉપરે કૈં
મહા મહા બંધનપુંજ કેરી
છવાતી છાયા નિરખું અને કો
હૈયે ઢળે શ્યામળ શોકછાયા.

રે, માનવી બંધન એક છોડી
હસે ઘડી, સન્મુખ ત્યાં જ ઊભી
પરંપરા બન્ધનની વિશાળી :
તુરંગ આ કોટતણી વટાવી ૪૦
તુરંગ બીજીમહીં પાય દેવો,
ચણી દિવાલો અહીં પથ્થરોની,
એથી દિવાલો પણ ત્યાંહિ ભૂંડી,
ફૂંફાડતી સર્પ મહાન જેવી,
પડી પરાઈ કંઈ કાળથી ત્યાં.

તુરંગની ઉપર આ તુરંગો-
વટાવું આ, ત્યાં જ ઉભેલ પેલી;
તુરંગ આ ઈંટ તણી ચણેલી
તુરંગ તે દાસ્ય તણી ચણેલી.
તુરંગ આ ઈંટ તણી વટાવે ૫૦
આ કૈં જનો આજ કિંવા જ કાલે,
દુર્ભેદ્ય વા દાસ્યતણી તુરંગો
તે યે વટાવી પણ છે ઘણાએ,
અમે ય તે આજકાલે બધા સૌ
તુરંગ આ દાસ્યતણી વટાવશું.

ક્ષણેકના પ્રશ્ન જ આ ક્ષણોમાં
જશે ઉકેલાઈ, તુરંગ બીજી
હશે ખડી ત્યાં વધુ કૂટ ઘેરતી.
જને પરાયા અહિંયાં ચણેલી
દીવાલ આ દાસ્યની ભાંગવી તે ૬૦
સ્હેલી, ચણેલી પણ આપણે જે
તુરંગ આ માનવચિત્તમાંહે
ઉઠંત શંકા, ઉરદાઝ, મોહો,
ક્રોધોર્મિઓ, ક્રૂર વિનાશભાવો
થકી ઉઠે દુર્ગમ દુર્ગ આજે :
ભાઈ અને ભાઈતણી જ વચ્ચે
આ સ્વત્વની, દુષ્ટ પરત્વની આ,
આ દ્રવ્યની, માનતણી, પ્રતિષ્ઠા-
તણી મહા સૃષ્ટ દીવાલમાળા :
એ ભેદવાની વસમી અરે કશી ! ૭૦

ને ભેદી એને ય, તુરંગ સૌથી
દુર્ભેદ્ય આ માનવના અહંની ,
જેથી જ આ અન્ય તુરંગ ઊઠે
અનેક, તે પથ્થર કાળમીંઢની
તુરંગ કેરા સુવિશાળ પાયા
પ્રચંડ કો શક્તિતણા ખનિત્રે
છે ખોદી ખોદી જ ઉખેડવાના;
અભેદ્ય એ ભેદી તુરંગ આખી
આ મુક્ત ભૂમિ કરવી રહી હા.

તુરંગની માળ તરંગ જેવી ૮૦
આ ઊઠતી દૃષ્ટિપથે જ જોવી,
જોવી અને આંખડી માત્ર લોવી;
પ્રભો, કરી આમ જ જિન્દગી કાં?
તુરંગના તંગ જ તોડવામાં
શું જિન્દગાની જ જવાની તૂટી?

તેં યે પ્રભુ, જન્મ તુરંગમાંહે
લીધો અને એ મનુજે ચણેલી
તુરંગના ભેદનમાં જ છેલ્લો
તેં શ્વાસ લીધો.

પ્રભુ તું, હું માનવી, ૯૦
મારે તને અંજલિ આર્દ્ર જોડવી :
‘આ દીર્ધ પંથો પર પાય તારા
કહીં કહીં તું ધરજે પ્રભો, આ
તપેલ કાયા પર તારી શીળી
છાયા ધરીને બળતાં બચાવજે !’

રે, છૂટતા આ સ્વજનો નિહાળી,
રે, આંખ પે પાંપણ આજ ઢાળી,
અનંત મારો પથ ક્લિષ્ટ ભાળી,
થંભી ઘડી જાઉં જ શોકછાયા
બઢે, ઘડી કંપ શરીર વ્યાપે :

તુરંગના તંગ ક્દા જ તૂટશે?
ક્દા ખરે મુક્તિ-પ્રભાત ઊગશે?

(૨ સપ્ટેમ્બર, ૧૯૩૨)
(૨૩ જુલાઈ, ૧૯૫૩)