પૂર્વાલાપ/૫૮. સખીને આમંત્રણ

Revision as of 14:24, 3 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૫૮. સખીને આમંત્રણ


ચાલો ને, સહિયર! ઉન્નત જીવનજલ ઝીલવાને જઈએ રે!
પુણ્ય સલિલ અવગાહનથી, સખી! અંતર પાવન થઈ રે!
ચાલો ને, સહિયર

પ્રભુના ગિરિથી અવતરે શાંત સદાશિવ નીર :
શમવે મનુકુલતાપને છાયા તરુવર તીર!

શીતલ સૌમ્ય સુધારસ, સુંદરી! રેલી રહ્યો જઈ લઈએ રે!
ચાલો ને, સહિયર

સ્ફટિક વિશદ વરસી રહ્યા સુરસરિતાના ધોધ :
લલિત કરી ક્લાંતાત્મને પ્રેરે પ્રાણ પ્રબોધ!

સાડી સજો, સખી! સ્નેહસુરંગી : વારિ પરસ્પર દઈએ રે!
ચાલો ને, સહિયર! ઉન્નત જીવનજલ ઝીલવાને જઈએ રે!