દિવ્યચક્ષુ/૧૩. પ્રવાહોનાં પ્રથમ ઘર્ષણ

Revision as of 12:12, 9 December 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩. પ્રવાહોનાં પ્રથમ ઘર્ષણ

સંધ્યાસમે અવનીનાં પટ ફોડી ફોડી,
જેવી ફુટે તિમિરની વિભુ મોજમાલા;
તેવા સરોવર તણા તટ તોડી તોડી,
તોફાની મસ્ત જલના ઊછળે ઉછાળા !

−ન્હાનાલાલ

રંજન સુશીલાની પાસે ગઈ ત્યારે સુશીલા રડતી હતી. પુષ્પા તેની પાસે બેઠી હતી. રંજનને આવતી જોઈ સુશીલાએ આંખો લૂછવા માંડી. આંખો લૂછતે લૂછતે સુશીલાના કપાળે લાગેલું ગોપીચંદન પણ ભૂંસાઈ જવા લાગ્યું. બાજઠ ઉપર કાશ્મીરી ભરતવાળા ઊનના આસનને પાથરી તેના ઉપર સુશીલા બેઠી હતી. તેની પાસે બે-ત્રણ પુસ્તકો પડયાં હતાં અને થોડો પૂજાનો સામન પડયો હતો.

તેની સામે એક પાટલા ઉપર પુષ્પા બેઠી હતી. તેની જોડમાં એ જ પાટલા ઉપર રંજન લપાઈને બેસી ગઈ. સોડમાં સમાતાં સ્રીઓને જ આવડે. પુષ્પા અને રંજન લગભગ સરખી ઉપરનાં હતાં અને બંને વચ્ચે ભારે સહીપણાં હતાં. રંજને પુષ્પાનો પગ દબાવ્યો, અને સુશીલા કેમ રડે છે તેનું કારણ વગરબોલ્યે પૂછયું.

‘પેલા ધના ભગતને અને કિસનને લોકોએ માર્યો તે જોઈને મોટીબહેન ક્યારની રડયા કરે છે.’ પુષ્પાએ કહ્યું. સામી બારીએથી રસ્તામાં બનતા સઘળા બનાવો જોઈ શકાતા હતા. પુષ્પાનું વાક્ય સાંભળી સુશીલાની આંખમાં ફરી આંસુ ઊભરાયાં. રડતે ઘાંટે સુશીલાએ કહ્યું :

‘લોકોય મૂઆ રાક્ષસો છે ને ! ભગતની આંખે દેખાતું નથી તોય એને માર્યો, અને પેલો ફૂલ જેવો કિસન !…’ સુશીલાથી આગળ બોલાયું નહિ.

‘તું ક્યાંથી એ ટોળામાં ભરાઈ ગઈ ? તુંય જબરી છે, બહેન !’ પુષ્પાએ રંજનને કહ્યું.

‘હું અહીં ન આવી હોત તો ઝઘડો અટકત શાનો ?’ રંજને કહ્યું.

‘તું ક્યાંથી બધાને લઈ આવી ? એક તો પેલા પોલીસ અમલદાર હતા; કોઈ કોઈ વખત આપણે ઘેર આવેલા મેં જોયા છે. પણ પેલું બીજું કોણ હતું ? કોઈ કૉલેજિયન છે? એ ન હોત તો કિસનને તો બધા મારી જ નાખત.’ સુશીલાએ વધારે સ્થિર બનીને વાત કરી.

‘એ જ અરુણભાઈ. મેં બેત્રણ વખત તને વાત નહોતી કરી ?’ પુષ્પાએ બહુ ઉત્સાહથિ અરુણનું ઓળખાણ આપ્યું. તે ઉત્સાહ સુશીલાને ગમ્યો નહિ. અજાણ્યા યુવકોના પરિચયમાં યુવતીઓ વારંવાર આવે એ બિલકુલ ઈચ્છવા યોગ્ય ન ગણાય એવી સુશીલાની દૃઢ માન્યતા થઈ ગઈ હતી. મધ્યમ અને ઉચ્ચ વર્ગની કન્યાઓને શાળામાં મોકલવી પડે છે. શાળાને અંગેની છૂટ મને-કમને સહી લેવી પડે છે. અને ભણતરના દોષ કાઢયા કરીને ભણતર ભણાવવું પડે છે. ‘છોકરી વંઠી જાય છે; ઘરકામની રહેતી નથી; ચાપચીપીથી કપડાં પહેરતાં શીખે છે મોટાની મર્યાદા રાખતી નથી.’ એવા એવા આક્ષેપો કરીને પણ માવતરો હવે દીકરીઓને ભણવા મોકલે છે; અને ભણતરને વખોડતાં છતાં પોતાની દીકરી અંગ્રેજી વાંચતી થાય, સારું ચિત્ર ચીતરી, ઊંચું ભરત ભરે અગર સારો ગરબો ગાય, તો માતાને આનંદ થયા વગર રહેતો નથી જ.

સુશીલાએ પોતાની નાની ઓરમાન બહેન પુષ્પાને એવા જ દ્વિમાર્ગી વિચારોના ખેંચાણ વચ્ચે ભણાવી હતી. રંજન અને પુષ્પાને શાળાનાં બહેનપણાં હતાં. રંજનના પિતા અને સુશીલા તથા પુષ્પાના પિતા શહેરમાં ધનાઢય તરીકે પ્રખ્યાત હોઈ બંને વચ્ચે સારો પરિચય હતો; પરંતુ સુશીલાના પિતા ચુસ્ત ધાર્મિક વૃત્તિવાળા હતા અને રંજનના પિતા તદ્દન સુધારક વિચારના હતા, એટલે બંને વચ્ચે રહેણીકરણીની ભારે જુદાઈ હતી. પુષ્પા મોટી થતી ગઈ તેમ તેમ તેને શાળામાંથી ઉઠાવી લેવાની રોજ યોજના ઘડયા છતાં સુશીલાએ તેનું ભણતર આગળ વધવા દીધું. રંજન અને પુષ્પા વચ્ચેની મૈત્રી પણ વધી ગઈ હતી. અને જોકે રંજન જેટલી હરવાફરવાની છૂટ પુષ્પાને નહોતી, છતાં રંજનની સંગતનો ઓછોવધતો અંશ પુષ્પાને લાગ્યા વગર રહ્યો નહિ. પુષ્પાથી બધી સભાઓ કે મેળાવડામાં જવાતું નહિ; પરંતુ પોતાની મોટી બહેનને સમજાવીને, વીનવીને, તેનાથી જરા રિસાવાનો ડોળ કરીને કોઈ કોઈ વખત મેળાવડાઓમાં જવાની રજા પુષ્પા મેળવી શકતી. રંજનની સાથે બધે ફરવાની પુષ્પાને છૂટ નહોતી; પરંતુ રંજનને ઘેર જવાની અને રંજનને પોતાને ઘેર બોલાવવાની સુશીલાએ તેને પૂર્ણ છૂટ આપી હતી.

સુશીલાને પણ રંજન માટે સદ્ભાવ હતો. એ બહુ બોલકણી, હસમુખી અને વાતોડી છોકરી સ્વતંત્ર વાતાવરણમાં ઊછરેલી હતી છતાં તે વાતાવરણના ભારે દોષથી મુક્ત હતી એમ સુશીલાને તેના નિખાલસ સ્વાભાવ ઉપરથી લાગતું; અને કોઈ કોઈ વખતે તે પોતે જ રંજનને બોલાવવા પુષ્પાને જણાવતી. રંજનમાં અભિમાન નહોતું એ તેનું ભારેમાં ભારે આકર્ષણ હતું. તે બધાની સાથે છૂટથી હળવી, મળતી, હાસ્યવિનોદ કરતી અને પોતાના રંગબેરંગી પોશાક અને રમૂજી સ્વભાવથી સર્વને પ્રિય થઈ પડતી. યુવકોની સાથે ભળવામાં પણ તેને સંકોચનો અનુભવ ન થતો. સુશીલા એ જાણતી હતી; અને તેના ભાવિ ગેરફાયદા સારી રીતે સમજતી હતી, તેથી પુષ્પાને શિખામણથી અને આછી ધમકીથી યુવકોના બહુ સંસર્ગમાં આવતી તેણે રોકી હતી. સુશીલાની કડક અને સ્વચ્છ કેળવણીને લીધે પુષ્પા થોડાબોલી, ગંભીર, માની અને અસ્પૃશ્ય બની ગઈ હતી; માત્ર રંજનને મળતાં તેનું હૃદય બંધનોથી મુક્ત થઈ જતું.

પુષ્પાને ચિત્રકળાનો ઘણો શોખ હતો. એ શીખવાનું તેને નિશાળમાં સાધન મળ્યું હતું. સંગીતની સાથે સ્વચ્છંદ આવે છે એવી જૂની માન્યતા હજી નષ્ટ થઈ નથી. સિતાર કે દિલરુબા લઈ બેસતી યુવતી સહુને ગમે છે; પરંતુ એ આવડત પોતાની પત્ની કે પૌત્રીમાં જોવાની સહુની ઈચ્છા જરા સંકુચિત રહે છે. પુષ્પાને પણ સંગીતના છંદમાં સુશીલાએ બહુ પડવા દીધી નહિ. પરંતુ કલાભોગી હૃદય સંગીતને બદલે ચિત્ર તરફ વળ્યું. લાગણીની મીઠાશભરી કેળવની જેમ સંગીતમાં શક્ય હોય છે તેમ ચિત્રકળામાં પણ શક્ય હોય છે. પરંતુ સંગીતની મનોહર અસ્પષ્ટતા ચિત્રકળામાં ચાલતી નથી. ચિત્રકળા સ્પષ્ટ સ્વરૂપો માગે છે અને ઉપજાવે છે. પુષ્પાનું હૃદય મૂર્તિઓ ઘડતું, જ્યારે રંજનનું હૃદય સંગીતની રૂપેરી ચાંદનીમાં તર્યા કરતું. એટલે પુષ્પાને યહુવકોની અલગ રાખ્યા છતાં તેના હૃદયે યુવકોની કલ્પનાનાં રંગબેરંગી ચિત્રો ઓછાં નહોતાં ચીતર્યાં.

કૃષ્ણકાંતને ત્યાં જનાર્દનનો ઓછો અવરજવર હતો. મિલમજૂરોની ચળવળને અંગે તથા બીજાં સામાજિક કાર્યોને અંગે એ પરિચય વધી ગયો હતો. કૃષ્ણકાંત તદ્દન સાહેબલોક બની ગયા હતા. છતાં તેમના સ્વભાવનું સાલસપણું જનાર્દનને ગમી ગયું હતું. જનાર્દનના આશ્રમને તેમના તરફથી ક્વચિત્ સહાય થતી હશે એમ પણ લોકોની માન્યતા હતી. સાહેબશાહી કૃષ્ણકાંત અને જનાર્દનનો ઓછો પરિચય હજી લોકોમાં અને ખાસ કરીને તેના યુરોપીય મિત્રોમાં જાણીતો નહોતો થયો. અને જે કાંઈ સંબંધ દેખાતો તે માત્ર એક મજૂરોને ફટવનાર ચળવળિયા તથા મલિમાલિક વચ્ચેનો જ હતો એમ બધા સમજતા.

પરંતુ એ પરિચયમાંથી જનાર્દનને રંજનનો અને પુષ્પાનો સંબંધ થયો. રંજન અને પુષ્પાની ચિત્રકામની આવડતનો લાભ જનાર્દન પોતાના કાર્યને અંગે લેતા હતા. કોણ જાણે કેમ, પણ આશ્રમ સાથેના પુષ્પાના પરિચય વિરુદ્ધ સુશીલાને બહુ કહેવાપણું નહોતું. કદાચ એ સંસ્થા સુશીલાને ધાર્મિક સંસ્થા લાગી હશે !

ત્યાં પણ પુષ્પાથી ઘડી ઘડી જઈ શકાતું નહિ. માત્ર બીજી સંસ્થાઓ કે મેળાવડાઓમાં જવાનો વિરોધ જેટલી સખ્તાઈથી સુશીલા કરતી તેટલી સખ્તાઈથી આશ્રમમાં જવાનો વિરોધ તે નહોતી કરતી. એટલે પુષ્પાને પણ અરુણનો સહજ પરિચય થયો હતો. એ પરિચયની વાત એક-બે વખત પુષ્પાએ સુશીલા આગળ કરી ત્યારે સુશીલાએ તેને બિલકુલ ઉત્તેજન આપ્યું નહિ; અને એક વખત અરુણને પોતાને ત્યાં બોલાવવાની પુષ્પાએ બહેન પાસે આજ્ઞા માગી ત્યારે સુશીલાએ ઘસીને તેની ના પાડી.

આજે એ જ અરુણને સુશીલાએ ઓળખ્યો. તેને ઓળખાવતાં પુષ્પાએ વધારે પડતો ઉત્સાહ બતાવ્યો છે એમ પણ સુશીલાને લાગ્યું. છોકરીઓની આ ટેવ તેને બિલકુલ ગમતી નહોતી; એમાંથી જ અનર્થકારક પરિણામો આવે છે એમ તેની ધારણા હતી; પરંતુ જોકે પુષ્પાનો અરુણ પ્રત્યેનો ઉત્સાહ ગમ્યો નહિ. છતાં તેને પોતાને જ અરુણ પ્રત્યે કોઈ અકથ્ય ઉત્સાહ સ્ફુરી આવતો ભાસ્યો. તેણે ધના ભગતને અને કિસનને છોડાવ્યા હતા; છોકરો સારો તો ખરો જ.

‘તે તારે અરુણને અહીં બોલાવવા તો હતો ?’ સુશીલાએ ઠપકો આપ્યો.

પુષ્પાએ કહ્યુૅં નહિ કે તેની એવી એક માગણીનો સશીલાએ પ્રથમ અસ્વીકાર કર્યો હતો ! માત્ર તેણે લાગ સાધિ ભવિષ્યને માટે સંમતિ મેળવી લીધી.

‘તને ગમશે તો અરુણભાઈને એક દિવસ બોલાવીશું. કેમ રંજન ?’ પુષ્પાએ રંજનની અનુમતિ માગી.

‘એ ચાલ્યા ગયા હોત તો ન આવી શકત. પણ હવે તો એક વર્ષ સુધી અહીં રહેવાના છે એટલે આવી શકશે – ગમે ત્યારે.’ રંજને કહ્યુૅં.

સુશીલાએ પોતાનો પાઠ શરૂ કર્યો. પુષ્પા અને રંજન થોડીવાર ત્યાં બેસી રહ્યાં.