દિવ્યચક્ષુ/૩૨. આશાની મીટ

Revision as of 13:15, 9 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૨. આશાની મીટ

નયણાં મહારાં નીતરે
કોઈ લ્યો નયણાની ધાર;
સાગર મહારાં છીછરે,
કોઈ લ્યો સાગરનો સાર.

−ન્હાનાલાલ

રુદન ન હોત તો માનવજીવન રૂંધાઈ જાત. રીસ, ક્રોધ અને દુઃખ પણ ઘણી વખત રુદન પ્રેરે છે. પુષ્પા ખૂબ રડી. પોતાની જ બહેનપણી પોતાના સ્નેહ વચ્ચે? તેની રીસનો પાર ન રહ્યો. હવે શું બની શકે ? રંજનની જાળ વચ્ચેથી અરુણને ઊંચકી લેવાનો કયો રસ્તો ?

પુષ્પા રડતી જાય અને આવા વિચાર કરતી જાય. તે રડી રહી; રુદન સાથે દુઃખની વેળ હલકી પડી. તેને લાગ્યું કે તેના માથા ઉપર કોઈનો સુંવાળોસુંવાળો હાથ ફરે છે. તેણે ઊંચે જોયું. રંજને તેને માથે હાથ ફેરવવો ચાલુ રાખ્યો. પુષ્પા ઊઠીને બેઠી.

‘કેમ, રડી રહી ?’ રંજને પૂછયું. તેની આંખમાં કીકી રમતી હતી.

‘હું રડું કે હસું તેમાં તારે શું ?’ પુષ્પાએ કહ્યું.

‘એમ શું? મારી બહેન નહિ ? તને દુઃખ થાય તે મને ગમે?’

‘તારે જવું નથી ? તું બધા સાથે કચેરીમાં નથી ગઈ એ નવાઈ છે !’

‘મારે નથી જવું.’

‘કેમ ?’

‘મારે તને મોકલવી છે માટે.’

‘ત્યાં તો તારું કામ ! મારે કાંઈ જવું નથી.’

‘એમ ન ચાલે. ઘણું કરીને બધાને સજા થશે. જનાર્દન ઘડાયેલ છે. કંદર્પને એના પિતા છે; પરંતુ અરુણકાંતનું તો કોઈ જ નથી.’

‘અરુણકાંતનું નામ દઈ તું મને બાળવા આવી છે, ખરું ને ?’

‘એવું હોત તો હું આવત શા માટે ? હું તો તને ટાઢી પાડવા આવી છું.’

‘તે હું ટાઢી જ પડી ગઈ છું.’

‘તેમાંથી વળી તને જરા ઉષ્મા મળે એટલા માટે તારી અને અરુણકાંતની વચ્ચેથી હું ખસી જાઉં છું.’

‘એટલે ?’ ચમકીને પુષ્પાએ પૂછયું.

‘તારી રજા નહિ મળે ત્યાં સુધી અરુણકાંત સાથે બોલીશ નહિ, અને બનશે ત્યાં લગી મળીશ પણ નહિ. થયું ?’

‘પણ હું તને એમ કરવાનું ક્યાં કહું છું ?’

‘તું નથી કહેતી તોય મારે એમ જ કરવું છે, પષણ જરા ઓછી સંકોચાજે. તું પણ નહિ જાય તો અરુણકાંત તદ્દન એકલા પડી જશે.’

‘તારા વગર મારાથી નહિ જવાય.’

‘એમાં ને એમાં જ રહી જવાની છે ! હું હવે ઘેર જઈશ. પણ તું એટલું સંભાળજે કે એ તારા અને મારા બંનેના હાથમાંથી જતા ન રહે !’ એટલું કહી પુષ્પાના ગાલ ઉપર એક હળવી ટપલી મારી રંજન ઊઠી અણે બારણા તરફ જવા લાગી.

‘રંજન, રંજન !…’ પુષ્પાએ બૂમ પાડી.

‘બૂમો ન પાડીશ. મોટીબહેન દોડી આવશે.’ એમ કહી રંજને આગળ પગલાં ભર્યાં.

‘રંજન ! મારાથી નહિ જવાય અને…’

‘મારાથીયે નહિ જવાય. અરુણકાંતને માટે આટલી ઘેલછા છે તો જરા કચેરીમાં જઈ પાસે બેસી હિંમત આપજે. મારી રાહ ન જોઈશ.’ કહી રંજન ઓરડાની બહાર ચાલી નીકળી. જાણે કશી સમજણ ન પડી હોય તેમ પુષ્પા બારણા તરફ એકીટશે જોતી બેસી રહી.

રંજને શું કહ્યું ? શું કર્યું ? એ જ પ્રશ્ન પુષ્પાના મનમાં રમી રહ્યો. થોડી વારે તેને એ પ્રશ્નનો જવાબ જડયો. તે હસી અને મનમાં જ બોલી :

‘રંજને મને અરુણકાંત આપી દીધા !’

પોતે ફાડી નાખેલા ચિત્રને તેણે ફરી જોયું; બંને કટકા પાસે મૂકીને તેણે જોયું.

‘કાગળ ભલે ફાડયો. મારું ચિત્રતો આખું રહ્યું !’ તેના મનમાં વિચાર આવ્યો.

તે વિચાર કરતી બેસી રહી; લગભગ બે કલાક સુધી બેસી રહી. માનવીની આંખ કેટલે સુધી જોઈ શકે ? દૃષ્ટિ ન રોધાય ત્યાં સુધી. પરંતુ એ દૃષ્ટિને સીમા છે પુષ્પા તો ઉઘાડી આંખ છતાં પાસે પડેલું કાંઈ જ દેખી શકતી નહોતી. તેની દૃષ્ટિ ભવિષ્યના પડદા ઉઘાડી રહી હતી. ઘડીમાં તેના ગૌર મુખ ઉપર ગુલાબની આછી રતાશ આવી જતી હતી; ઘડીમાં તેની સ્થિર પાંપણો મીંચકારા કરતી હતી; ઘડીમાં તેના મુખ ઉપર આહ્લાદ ઊભરાઈ આવતો હતો; ઘડીમાં તેની મુખરેખા આછી રીસને ઉપસાવતી હતી.

કલ્પના એ માનવીનું મોટામાં મોટું સુખ. સુખના સ્વપ્ન સેવતી પુષ્પાને એકાએક વિચાર આવ્યો.

‘જેની આસપાસ મારાં ચિત્ર કાઢું છું તે તો કેદખાનાને રસ્તે છે અહીં બેઠી બેઠી શું કર્યા કરું છું ?’

તેણે આંખ અને મોં ઉપર હાથ ફેરવ્યો, અને પોતાનાં સ્વપ્નને સમેટી લીધાં. એટલામાં જ એક માણસે કહ્યું :

‘મોટીબહેન જમી લેવાનું કહે છે.’

‘ચાલ, આવું છું. ભાઈ આવી ગયા કે નહિ ?’ ધનસુખલાલને તેમની પુત્રીઓ ભાઈ કહેતી હતી.

‘ના જી, એ તો અત્યારે આવવાના નથી. કચેરીમાં ગયા છે. ત્યાંથી કામ પૂરું થયે આવશે.’

પુષ્પા ઉતાવળી સુશીલા પાસે ગઈ.

‘તું અને રંજન બંને જમી લો.’ સુશીલાએ કહ્યું.

‘રંજન તો નથી.’

‘ક્યાં ગઈ ? એનેન બેસવાનું કહ્યું હતું ને ? એનાથી શાંત બેસી રહેવાય શાનું ? ગઈ હશે કચેરીમાં.’

‘ના; એ તો ઘેર ચાલી ગઈ.’

‘તરંગી છોકરી છે. તારે જવું છે કે નહિ ?’

‘હા.’

‘ત્યારે તૈયાર થા; હુંયે આવીશ.’ સુશીલાએ કહ્યું.

મંદિર સિવાય બીજા કોઈ સ્થળે ન જનાર સુશીલા અદાલતમાં જવા કેમ તૈયાર થઈ તેની પુષ્પાને સમજ પડી નહિ. એકલાં જતાં જરા પણ ફાવતું નહોતું; બહેનનો સાથે મળશે જાણી તેનું મન સ્થિર થયું.

કચેરી આવળ હજારો માણસો ભેગાં થયાં હતાં. બધાંય ઉશ્કેરાયેલી હાલતમાં હતાં. ઉશ્કેરાવું એ સામાન્ય કોટિના માનવીનું લક્ષણ છે એમ માની હસતો ચહેરો રાખી સહુને શાંત રહેવા શિખામણ દેતા અસામાન્ય દેશસેવકો પણ ટોળામાં અને ઘોંઘાટમાં બને તેટલી વૃદ્ધિ કરતા હતા. પોલીસ-સિપાઈ ટોળાનાં માણસોને મિસલસર રાખવા થોડી થોડી વારે મથન કરતા હતા.

ટોળાં અશાંત હશે; પરંતુ તે સભ્ય અને અવિકારી રહી શકે છે, બે યુવતીઓને આવતિ જોઈ સહુને માર્ગ કરી આપ્યો, સરળતાથી પુષ્પા અને સુશીલા અદાલતના વિશાળ ઓરડામાં દાખલ થયાં. ઓરડો પણ માણસોથિ ભરપૂર હતો; જરાય જગા દેખાતી નહોતી. પુષ્પા અને સુશીલા બારણા પાસે ઊભાં રહ્યાં.

અરુણની નજર વખતોવખત આમતેમ ફરતી હતી, જાણે કોઈને ખોળતી હોય નહિ ! ત્રણે આરોપીઓને ખુરશી આપવામાં આવી હતી; ધનસુખલાલ, કૃષ્ણકાંત, સુરભિ એ ત્રણે જણ તેમની પાસે બેઠાં હતાં. ગામના બીજા ગૃહસ્થો અને આગળ પડતાં સન્નારીઓ પણ બેઠેલાં હતાં. અદાલતમાં વકીલો તો હોય જ. ઘણાં માણસોને બેસવાનું સાધન ન હોવાથી ઊભાં હતાં. મૅજિસ્ટ્રેટ અણે જનાર્દનની વચ્ચે કાંઈ વાતચીત થતી હતી તે બારણા સુધી સંભળાતી નહોતી. અરુણે સુશીલા અને પુષ્પાને દૂર ઊભેલાં જોયાં. તેણે સુરભિને કહ્યું. સુરભિએ કૃષ્ણકાંતને કહ્યું. કૃષ્ણકાંતે પાછળ જોયું અને ધીમેથી તે ઊભો થયો, આસ્તે માર્ગ કરી તે પુષ્પા અણે સુશીલાને પોતાની ખુરશી પાસે લઈ આવ્યો. પોતાની ખાલી ખુરશી ઉપર સુશીલાને બેસાડી; પાસે જ એક ગૃહસ્થ બેઠા હતા તેમણે પુષ્પાને પોતાની ખુરશી ઉપર બેસાડી પોતે ઊભા રહ્યા. નજીક બીજા એક ગૃહસ્થે ઊભા થઈ કૃષ્ણકાંતને બહુ જ ધીમેથી કહ્યું :

‘આપ બેસો.’

‘Thank you so much. આપણે બંને જણ બેસીશું.’ – કહી ઊભા થયેલા ગૃહસ્થને કૃષ્ણકાંતે પોતાની જોડે જ બેસાડી દીધા.

ધનસુખલાલ જનાર્દનને કાંઈ સમજાવવા લાગ્યા. એક-બે વકીલો પણ અરુણ અને કંદર્પની સાથે વાત કરવા લાગ્યા. ન્યાયાધીશ બંને હાથને મુખ નીચે રાખી મેજ ઉપર કોણી ટેકવી બેઠા હતા.

જરા વાર થઈ એટલે તેમણે પૂછયું :

‘હવે તમે ત્રણે જણે શો નિશ્ચય કર્યો ?’

આખો ઓરડો શાંત થઈ ગયો. સહુ કોઈ હવે બોલતા શબ્દો સાંભળવા એકપગે થઈ રહ્યા.

‘મારો નિશ્ચય તો મેં આપ નામદારને પ્રથમથી જ જણાવી દીધો છે. ન્યાયાસનનું અપમાન કરવાની અમારી લેશ પણ ઇચ્છા નથી. માત્ર ન્યાયાસન જે રાજ્યસત્તાનું પ્રતિનિધિ છે તે સત્તાના અમે વિરોધી છીએ એટલે ન્યાયના કામમાં અમારાથી કશો જ ભાગ લઈ શકાય નહિ.’ જનાર્દને ઊભા થઈ કહ્યું.

‘અરે પણ જામીન આપવામાં શી હરકત છે?’ ધનસુખલાલને વચ્ચે બોલવાનો હક નહોતો છતાં તે વચ્ચે બોલી ઊઠયા.

‘હું તો જામીન માગવાનું પણ જતું કરું છું. તમે બીજી મુદતે હાજર રહેવાની અંગત જવાબદારી સ્વીકારતી કબૂલાત લખી આપો, તોપણ હું તમને છૂટા કરી દઈશ.’ મૅજિસ્ટ્રેટે આગ્રહપૂર્વક કહ્યું.

‘અમારાથી કશી જ એવી કબૂલાત અપાય નહિ.’ અરુણે ઊભા થઈને કહ્યું.

‘અમારાથી પણ એવી કબૂલાત નહિ અપાય.’ કંદર્પે કહ્યું.

નૃસિંહલાલે કપાળે હાથ મૂક્યો.

‘તમે જામીન ન આપો, અણે આ જાતની કબૂલાત પણ ન આપો, પછી હું તમને છૂટા કરી શકીશ ?’ મૅજિસ્ટ્રેટે વધારે કંટાળીને પોતાની લાચારી બતાવી. કોઈ પણ રસ્તે આરોપીઓને છોડી મૂકવાની તેમની વૃત્તિ તો હતી; પરંતુ આરોપીઓ જાતે જ મુશ્કેલીઓ ઊભી કરતા હતા.

આપને યોગ્ય લાગે તે હુકમ ફરમાવો.’ જનાર્દને કહ્યું.

મૅજિસ્ટ્રેટે છેવટે કલમ હાથમાં લીધી અને જરા વાર કાંઈ વિચારી નીચે પ્રમાણે વાંચી સંભળાવ્યું :

આરોપીઓ સરખા બુદ્ધિમાન લોકનેતાઓ ન્યાયના કાર્યમાં મને સહાયતા આપવા જરા પણ તત્પર થતા નથી એટલે તેમને જામીન ઉપર અગર જામીન સિવાય છૂટા કરવાનો પ્રશ્ન જ ઊભો થાતો નથિ, કામ રીતસર ચાલે ત્યાં સુધી જેલદેખરેખમાં તેમને રાખવાનો હુકમ હું દિલગીરી સાથે કરું છું.

‘વંદે માતરમ્ !’ લોકોએ પોકાર કર્યો. મૅજિસ્ટ્રેટ કોઈના સામું જોયા વગર એકદમ પાછલે બારણેથી પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા. જેને જેને મળવું હતું તેને મળવા દીધા.

તેમને લઈ જતી વખતે અરુણે પુષ્પાની પાસે જઈ પૂછયું :

‘પુષ્પાવતી ! રંજનગૌરી નથી આવ્યાં ?’

‘ના.’

‘કેમ ?’

‘કોણ જાણે !’

‘એ તો ખાલી ઉપરથી આવી દેખાય છે; એનું હૃદય એવું છે કે તમને જતા એ જોઈ શકત નહિ.’ કૃષ્ણકાંતે કારણ દર્શાવ્યું.

સહુના જયનાદ વચ્ચેથી સ્નેહીઓનાં આંસુ વચ્ચેથી આરોપીઓને પોલીસ પોતાની મોટરબસમાં ઉપાડી ગઈ.

આંખમાં આવેલાં આંસુ લૂછતી પુષ્પા વિચાર કરતી હતી :

‘છેવટે રંજનને સંભારી !’