નવલકથાપરિચયકોશ/યાત્રાકરી


‘યાત્રાકરી’ : જેમ્સ બનિયન (અનુ. રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવર)
ગુજરાતીની પહેલી અનુવાદિત નવલકથા : ‘યાત્રાકરી’

– દીપક મહેતા

અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રકારો એવા છે કે જેનું પગેરું શોધતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કે સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય સુધી પહોંચી શકાય. પણ નવલકથાની બાબતમાં આમ કરવું શક્ય નથી. અંગ્રેજી સાહિત્યના પરિચય પછી જ અને એ જમાનાના અગ્રણી અંગ્રેજ નવલકથાકારોની કૃતિઓને આદર્શ તરીકે નજર સામે રાખીને જ નવલકથાનો પ્રકાર આપણે ત્યાં ખેડાયો. આપણને અંગ્રેજી સાહિત્યનો પરિચય થયો ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં શરૂ થયેલ બ્રિટિશ પદ્ધતિના શિક્ષણને પ્રતાપે. નવલકથાના આવિર્ભાવને અનુકૂળ બીજું પરિબળ તે મુદ્રણની સગવડ. કેવળ કંઠ પરંપરા કે હસ્તપ્રતોને આધારે જીવવાનું નવલકથાને સદે નહિ. ૧૮મી સદીના છેલ્લા દસકા દરમ્યાન ગુજરાતી મુદ્રણની શરૂઆત તો થઈ ગઈ હતી. અને બ્રિટિશ પદ્ધતિના શાલેય શિક્ષણની શરૂઆત ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં થઈ ચૂકી હતી. છતાં આપણી પહેલી નવલકથા ‘કરણ ઘેલો’ પ્રગટ થઈ છેક ૧૮૬૬માં. એમ કેમ? અર્વાચીન ગુજરાતી પદ્ય અને ગદ્યના વિકાસક્રમ વચ્ચે રહેલો તફાવત આ માટે જવાબદાર છે. અર્વાચીન પદ્યની બાબતમાં પહેલાં મૌલિક રચનાઓ અને પછી અંગ્રેજી તથા બીજી ભાષાઓમાંથી અનુવાદ, એવો ક્રમ જોવા મળે છે. જ્યારે ગદ્યની બાબતમાં પહેલાં અનુવાદ અને પછી મૌલિક લેખન એવો ક્રમ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ કે સાહિત્યિક ગદ્યનું માધ્યમ આપણે માટે નવું હતું. પદ્યની જેવી લાંબી અને સમૃદ્ધ પરંપરા હતી, એવી પરંપરા ગદ્યની આપણી પાસે નહિ. પણ નવલકથાની બાબતમાં તો ૧૮૬૬ પહેલાં પ્રગટ થયેલા અનુવાદ પણ ભાગ્યે જ જોવા મળે. અને જે પ્રગટ થયેલા તેના તરફ આપણે ધ્યાન જ નથી આપ્યું. છેક ૧૮૪૪માં એક અંગ્રેજી નવલકથાનો ગુજરાતી અનુવાદ સુરતથી પ્રગટ થયેલો. એનું નામ ‘યાત્રાકરી.’ જેમ્સ બનિયન (૧૬૨૮-૧૬૮૮)ની પ્રખ્યાત કૃતિ ‘ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’(૧૬૭૮)નો એ અનુવાદ રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવરે કરેલો. ખ્રિસ્તી સમાજમાં બાઇબલ પછી સૌથી વધુ જાણીતું ને વંચાતું પુસ્તક જો કોઈ હોય તો તે આ ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’. આજના ગુજરાત રાજ્યમાં પહેલવહેલું મૂવેબલ ટાઇપ વાપરતું છાપખાનું લંડનમિશનરી સોસાયટીના બે પાદરીઓ રેવરંડ જેમ્સ સ્કિનર અને રેવરંડ વિલિયમ ફાઈવીએ ૧૮૨૦માં શરૂ કર્યું, જે પછીથી લંડન મિશનરી પ્રેસ તરીકે ઓળખાયું. બાઇબલના ન્યૂ ટેસ્ટામેન્ટનો ગુજરાતી અનુવાદ કરીને એ બંનેએ આ પ્રેસમાં છાપીને ૧૮૨૧ના જુલાઈમાં પ્રગટ કર્યો. ૧૮૩૯માં આ જ સોસાયટીના રેવરંડ વિલિયમ ફ્લાવર સુરતમાં સ્થાયી થઈ ચૂક્યા હતા. અને તેમણે કરેલો અનુવાદ ‘યાત્રાકરી’ એ જ સુરત મિશન પ્રેસમાં છપાઈને ૧૮૪૪માં પ્રગટ થયેલો. તેની બીજી આવૃત્તિ એ જ પ્રેસમાં છપાઈને ૧૮૭૭માં પ્રગટ થઈ હતી. પિલગ્રિમ્સ પ્રોગ્રેસ ખ્રિસ્તીધર્મનો પુરસ્કાર કરતી દૃષ્ટાંત કથા છે, અને સ્વપ્ન-માળારૂપે કહેવાઈ છે. કથાનાયકના વ્યક્તિત્વમાં કે જીવનમાં વિશિષ્ટ કહી શકાય એવું કશું જ નથી, એ તો છે એક આમઆદમી. રહે છે નાશ-નગર (સિટી ઑફ ડિસટ્રક્શન) અને જવા નીકળ્યો છે સ્વર્ગ-ભૂમિ, જે આવેલી છે માઉન્ટઝીઓનના શિખર પર. આ મુસાફરની પીઠ પર મણ મણનો બોજ છે, પોતે કરેલાં પાપોનો. આ ભારને કારણે તે નરકમાં ખૂંપી જાય એમ છે. પણ તેને એક ‘ઉદ્ધારક’ મળે છે જે તેને સરગાપુરી જવાના મારગનો નાનકડો દરવાજો બતાવે છે. એ યાત્રા દરમ્યાન પડતી અનેક મુશ્કેલીઓ, આવતાં વિઘ્નો, વગેરેનાં વિગતવાર વર્ણનો કથામાં છે. અલબત્ત, અંતે કથાનાયક સરગાપુરીને કે મોક્ષને પામે છે. ‘યાત્રાકરી’નું ગદ્ય નર્મદ અને દલપતરામના ગદ્ય પહેલાંનું છે. જેની માતૃભાષા ગુજરાતી નથી તેવા એક અંગ્રેજનું છે. છતાં પ્રમાણમાં સારું એવું સફાઈદાર છે. કથાની શરૂઆતનો પહેલો ફકરો જોઈએ. (હવે પછી બધાં અવતરણોમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે) હુંઆ જંગલરૂપ દુનિયામાં ફરતે ફરતે એક જગ્યાએ જઈ પહોંચ્યો. ત્યાં એક ગુફા હતી, તેમાં હું સૂઈ ગયો. હુંઉંઘતો હતો અન્નલામાં મને સમણું આવ્યું.તે સમણામાં ફાટાંતુટાં લૂગડાં પહેરેલો માણસ એક જગ્યામાં ઉભેલો જોયો. તેનું મ્હોંપોતાના ઘરની ગમથી અવળું હતું, તેના હાથમાં પુસ્તક હતું,ને તેની પીઠ પર એક મોટો બોજ હતો. મેં તેને પુસ્તક ઉઘાડીને વાંચતાં જોયો.વાંચતાં વાંચતાંતે રડતો ને ધ્રુજતો હતો, પછી દુઃખ ન દાબી શકાયાથી તેણે મોટે ઘાંટે વિલાપ કરી કહ્યું, કે ‘હું શુ કરું?’ અહી નોંધવા જેવી પહેલી વાત એ કે ભાષા ક્યાંય તરજુમિયા કે અંગ્રેજીગંધી નથી લાગતી. બીજી વાત તે ભાષાની પ્રવાહિતા અને સરળતા. ત્રીજી વાત તે સમણું, લૂગડાં(કપડાંને બદલે), ગમથી, ઘાંટે, જેવા સુરત બાજુ બોલચાલમાં વપરાતા શબ્દોનો ઉપયોગ. ચોથી, એ વખતે પણ ‘દુઃખ’માં વિસર્ગનો ઉપયોગ. એટલે કે અનુવાદકને સંસ્કૃત વ્યાકરણથી પ્રભાવિત ‘શુદ્ધ’ ગુજરાતીનો પણ પરિચય હશે. આથી જ કથાના ખંડો માટેના મૂળમાંના ‘સ્ટેજ’ માટે તેમણે ‘અધ્યાય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. મૂળ કૃતિનો સારો એવો ભાગ સંવાદાત્મક છે, એટલે જોઈએ એક સંવાદનો ભાગ, પંદરમા ‘અધ્યાય’માંના આશાવાદ અને ખ્રિસ્તી વચ્ચેના સંવાદમાંથી.

ખ્રીસ્તી : આપણે ભૂલા પડીશું એવું પહેલાંથી કોને સૂઝત?
આશા : પહેલાં હું એ રસ્તે આવતાં બીધો, માટે મેં તમને થોડા ચેતાવ્યા. તમે મારા કરતાં વત્તી ઉમરના છો, નહિ તો હું ખુલ્લું કહેત.
ખ્રીસ્તી : ભલા ભાઈ, તમે નાખૂશ ન થાઓ. મારા કહેવાથી તમે આ રસ્તે આવ્યા ને એવા ભયમાં પડ્યા, માટે હું દિલગીર છુ. મારા ભાઈ, મને માફ કરો. મેં જાણી જોઈને એવું કીધું નથી.
આશા : મારા ભાઈ, ધીરજ રાખો. હું તમને માફ કરું છુ. મને ભરોસો છે કે એમાંથી આપણે ફાયદો થશે.
ખ્રીસ્તી : મારી સાથે દયાળુ ભાઈ છે, એથી હું ખૂશી છું, પણ હ્યાં આપણે ઊભા તો ન રહેવું. આપણે પાછા જવાનું યત્ન કરીયે.

નોંધવા જેવી વાતો : સંવાદમાં બોલચાલની વાક્છટા. ‘મોટી ઉંમર’ને બદલે ‘વત્તી ઉમર.’ ‘કર્યું’ ને બદલે ‘કીધું’. યાતના અને વિઘ્ન જેવા સંસ્કૃત શબ્દોનો પણ ઉપયોગ. ‘યત્ન’નો નાન્યતર જાતિમાં પ્રયોગ પણ ધ્યાન ખેંચે. મૂળના પદ્યોનો અનુવાદકે અહીં પદ્યાત્મક અનુવાદ કર્યો છે. છઠ્ઠા અધ્યાયમાંથી એક નમૂનો :

પાતક પીડાએ લાદેલો, હું આવ્યો આ ઠામ,
તાં લગ કોપણ રીત થકી તો, નો’તું સુખનું નામ.
ધન ધન આ તો ઠાંમ ગણું છું, સુખનો અહિં આરંભ.
મજ શિર પરથી બોજ ગયો છે, તરત, - વિના જ વિલંબ.
જે બંધનથી હું બાંધેલો, તે અહિં છૂટી જાય,
મજ બેડીનાં ભારે દુઃખો, દૂર બધાં તો થાય.

અહીં નોંધપાત્ર છે લયની પ્રવાહિતા અને અંત્યાનુપ્રાસ મેળવવાનો સભાન પ્રયત્ન. ૧૮૪૫માં લખાયેલા દલપતરામના કાવ્ય ‘બાપાની પીપર’ પહેલાનું આ પદ્ય છે. અને તેમાં મધ્યકાલીન ગુજરાતી કવિતાની છાંટ ભાગ્યે જ જોવા મળે છે. એટલે યાત્રાકરીનું ગદ્ય તેમ જ પદ્ય, ભલે મૌલિક ન હોય, પણ નર્મદ અને દલપતરામનું પુરોગામી ઠરે તેમ છે. આ લખનારને ‘યાત્રાકરી’ની ૧૮૭૭ની બીજી આવૃત્તિની નકલ જોવા મળેલી, અને આખા પુસ્તકની ઝેરોક્સ નકલ પણ મેળવી શકાઈ. તેમાં પહેલી આવૃત્તિ ક્યારે પ્રગટ થયેલી તે છાપ્યું નથી. તો પછી ૧૮૪૪ની સાલ ક્યાંથી આવી? ૧૯મી સદીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકો અંગેની ખાતરીભરી માહિતી મેળવવાનું એક સાધન છે જે. એમ. બ્લમહાર્ટની લંડનથી પ્રગટ થયેલી પુસ્તક-સૂચિઓ. તેઓ લંડનની યુનિવર્સિટી કૉલેજમાં હિન્દુસ્તાની (ઉર્દૂ), હિન્દી અને બંગાળીના અધ્યાપક હતા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે બંગાળી શીખવતા હતા. અગાઉ પ્રગટ થયેલી સૂચિઓ ઉપરાંત ૧૯૦૮માં તેમની એક સૂચિ Catalogue of the Library of the India Office પ્રગટ થઈ. તેના ખંડ ૨, ભાગ ૫માં મરાઠી અને ગુજરાતી પુસ્તકો નોંધાયાં છે. આ સૂચિના ૨૫૨મા પાને ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના આ અનુવાદની ૧૮૪૪ અને ૧૮૭૭ની, એમ બંને આવૃત્તિ નોંધાઈ છે. ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરીના સંગ્રહમાંનાં પુસ્તકો જોઈને આ સૂચિ બનાવાઈ છે, દ્વૈતિયીક સાધનોને આધારે નહિ. એટલે તેના પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય તેમ છે. એટલે ૧૮૬૬માં આપણી ભાષાની પહેલી નવલકથા ‘કરણઘેલો’ પ્રગટ થઈ તે પહેલાં બાર વરસે આ અનુવાદિત નવલકથા પ્રગટ થઈ હતી. ઘણાં વરસ સુધી સોરાબશા દાદાભાઈ મુનસફના અનુવાદિત ‘હિન્દુસ્તાન મધ્યેનું એક ઝુંપડું’ આપણી ભાષાની પહેલી અનુવાદિત નવલકથા હોવાનું મનાતું હતું. પણ હકીકતમાં ‘યાત્રાકરી’ તેના કરતાં લગભગ ૧૮ વરસ પહેલાં પ્રગટ થઈ હતી. પાદરીઓ, પરદેશીઓ, અને પારસીઓએ અર્વાચીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તેની આપણા સાહિત્યનાં વિવેચન અને ઇતિહાસ લખનારાઓએ લગભગ અવગણના કરી છે. એટલે આપણી ભાષાની આ પહેલી અનુદિત નવલકથા તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે.

દીપક મહેતા
સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.
૧૯મી સદીનું ગુજરાતી સાહિત્ય એમના રસનો વિષય.
કુલ ૫૫ પુસ્તક પ્રગટ થયાં.
જીવન ગૌરવ પુરસ્કાર, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ૨૦૧૪.
Email: deepakmehta@gmail.com
મુંબઈ