‘ભાવ અને અભાવ’ : ચિનુ મોદી
લેખકનો પરિચય નામ : ચિનુ ચંદુલાલ મોદી જન્મ : ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯ – મૃત્યુ : ૧૯ માર્ચ ૨૦૧૭ વતન : કડી અભ્યાસ : ગુજરાતી અને હિન્દી વિષય સાથે અનુસ્નાતક, એલ.એલ.બી. અને પીએચ.ડી. વ્યવસાય : અધ્યાપક, સ્ક્રીપ્ટરાઈટર અને સાહિત્યસર્જક સાહિત્યિક પ્રદાન : ૧૧ જેટલા કાવ્યસંગ્રહો, ૫ નાટ્યસંગ્રહો, ૧૩ જેટલી નવલકથાઓ અને ૧૦ જેટલા અન્ય પ્રકીર્ણ પુસ્તકો. ઇનામ : ઉશનસ્ પુરસ્કાર, નરસિંહ મહેતા એવૉર્ડ અને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ચિનુ મોદીકૃત ‘ભાવ અને અભાવ’ નવલકથા પ્રથમ આવૃત્તિ : ૧૯૬૯, સંવર્ધિત આવૃત્તિ : ૨૦૧૨, નકલની સંખ્યા : ૫૦૦ અર્પણ : રાવજી પટેલ અને રામપ્રસાદ શુકલને પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ ગૌતમની મનઃસ્થિતિનું સ્વપ્નજગત અને વાસ્તવિક જગત આલેખતી કૃતિ ‘ભાવ અને અભાવ’ ‘ભાવ અભાવ’ પુસ્તકાકારે પ્રકાશિત થતાં પહેલાં કૃતિમાં સાદ્યંત પ્રગટ થયેલી છે. ‘ભાવ અભાવ’ પ્રચલિત અર્થમાં નવલકથા નથી... નવલકથા ન કહીએ તો યે એક વ્યક્તિના અનુભવોની કથા તો છે જ. શ્રી કૃષ્ણવીર દીક્ષિતનાં આ વિધાનો વિશે કહી શકાય કે, “ ‘ભાવ-અભાવ’ પ્રચલિત અર્થમાં ભલે આ નવલકથા નથી, પરંતુ લઘુનવલકથા તો છે જ!” અને એક વ્યક્તિ એટલે કે ગૌતમના અનુભવો-અનુભૂતિની અભિવ્યક્તિ અર્થાત્ કથા કથની છે. ‘ગુજરાતી કથાવિશ્વ’માં બાબુ દાવલપુરા, લઘુનવલ ‘વિમર્શ’માં નરેશ વેદ, ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’માં ધીરુભાઈ ઠાકર જેવા સાહિત્યવિદ્વાનો દ્વારા ‘ભાવ અભાવ’ લઘુનવલની લઘુનવલ તરીકે નોંધ લેવાયેલી છે. મનોવૈજ્ઞાનિક ધરાતલે અંકિત આ કથામાં બહુધાપણે નાયક ગૌતમની કશ્મકશ આલેખાયેલી છે. કલ્પના અને હકીકત, તરંગ અને વાસ્તવના સંયોગ-વિનિયોગ, આ લઘુનવલની ટેક્નિકના અંશ લાગે છે. મનોગત વિભિન્ન સંદિગ્ધ-સંકુલાદિ ભાવ-વિભાવ-અભાવ, વિવિધ ક્રિયાકલાપોને કારણે કથા સ્વાભાવિક રીતે જ મનોવિશ્લેષણાત્મક સ્વરૂપની લાગે છે. ચિનુ મોદી રચિત ‘ભાવ અભાવ’ લઘુનવલ કુંડાળાની કથા છે. સિદ્ધહસ્ત સર્જક દ્વારા જ મનઃસંઘર્ષ નિરૂપિત થઈ શકે! નવસર્જક ચિનુ મોદી ‘ભાવ અભાવ’માં સ્થૂળ-સૂક્ષ્મ, સંઘર્ષનું નિરૂપણ કરી જાણે છે. શ્રી મોદી અસ્તિત્વવાદને સ્પર્શતાકને નીતિવાદને માર્ગે ફંટાયા છે. નિયતિ-અનિયતિ એ તત્ત્વજ્ઞાનનો આદિ પ્રશ્ન છે. “નૂતન માનસશાસ્ત્રના પ્રણેતા ફ્રોઇડ કહે છે તેમ કશુંયે અકારણ હોતું નથી. પહેલી ટેવોની પાર્શ્વભૂમિકામાં પ્રબળ આવેગો ગંઠાઈ ગયેલા હોય છે. તેમાંથી છૂટવું શક્ય નથી એટલે માણસ અવશ અને નિઃસહાય છે. આધુનિક અસ્તિત્વવાદે માનવીની પરવશતા અને એકલતા પર ઘણો ભાર મૂક્યો છે. કથાનાયક ગૌતમને તેમના મનમાં ઊઠેલા કોઈપણ પ્રશ્નોના જવાબ મળતા નથી. આથી પ્રારંભમાં અને વચમાં વિધેયાત્મક રીતે જે કહેવાયું છે તે કશું આકસ્મિક નથી. બધું પૂર્વયોજિત છે પણ પ્રશ્નાત્મક બની જાય છે. વિશ્વની ક્રિયાપ્રક્રિયાઓમાં ‘હું’ કેન્દ્રમાં નથી એ જ્ઞાન બુદ્ધિમાનને સહજ રીતે થાય છે. પરંતુ જે કાંઈ છે તે શું છે તે શબ્દ વડે કેમ પામી શકાય? લેખકની ભાષા વાપરીએ તો કદાચ ફિલ કરી શકાય. પૂર્વયોજના વિશેનો ગૌતમનો નિર્ધાર એ આ રચનાનું કેન્દ્ર છે, કહો કે ધ્રુવપંક્તિ છે. મુખ્યતઃ ‘કથાનાયકના મનોવ્યાપારનો સંઘર્ષ’ આ કથાનો ‘પ્રાણ’ છે. વ્યક્તિ, સ્થળ, ઘટનાદિનાં વર્ણનો કે ક્રિયાઓ દ્વારા નિરૂપિત થઈ પ્રત્યક્ષ, પરોક્ષ કે સંકેતરૂપે ઘનતા ધરીને આવે છે. સર્જક નોંધે છે : ભાવ અભાવમાં નાયકની સમસ્યા સાથે મારે સંબંધ હતો, એ સમસ્યાથી ઊભી થતી પરિસ્થિતિ વિશે હું લગભગ તટસ્થ હતો..? આ કેફિયતાનુસાર લેખકે કથાનાયકને ગજબની કશ્મકશમાંથી પસાર થતો નિર્દિષ્ટ કરીને, તેની દ્વિસ્તરીય સંઘર્ષસ્થિતિને આબેહૂબ કરી છે. સાદ્યંત કથામાં નાયકના અનુભવો, અનુભૂતિ, અભિવ્યક્તિ વગેરે તથા એ ક્ષણોમાં વિક્ષિપ્ત થતી તેની આંતરચેતનાદિને ‘ભાવ’ તથા ‘અભાવ’ની કેન્દ્રિયતાએ કેન્દ્રસ્થ કરેલ છે. ભાવ અને અભાવની શૃંખલાઓ સર્જીને તેને વિવિધ વળાંકોએ લઘુપટમાં વિસ્તારીને, જીવન-મરણ જેવા ગંભીર પ્રશ્નો પરત્વે પ્રકાશ પાડીને નવલસર્જક ગંભીર ચિંતન મનન દર્શન વ્યક્ત કરતા જાય છે. પ્રાચીનોએ નાદ અને બિંદુ બે શબ્દો ખપમાં લીધા છે. તે સમગ્રપણેની ચકાસણીએ પણ રામપ્રસાદ શુક્લનાં આ વિધાનો પર્યાપ્ત છે. તેમનું કહેવું છે, વાવમાં કૂંડાળાં રચવાની ક્રિયા નીરખ્યા કરવી અને ચૈતસિક કૂંડાળાઓ રચવાં એ પોતે પણ એક લીલા નથી? એ લીલાને આનંદ કહો કે ભાવ અભાવની વચમાં સ્પંદતી ઉપસ્થિતિઓનાં કૂંડાળાં કહો – બધુંય સરખું છે. આ નોંધમાં ‘લીલા’ શબ્દપ્રયોગે જ ઘણું ઘણું સૂચિતાર્થ થઈ જાય છે. અસ્તિત્વવાદના પ્રમણથી એ ઘેરાય છે. કારણ કે, રોજ ‘કાંકરી’ ફેંકી કૂંડાળાં કરી અને એના ઘેરાતા ઘેરાવામાં લુપ્ત-વિલુપ્ત બની અસલિયતની ઓળખ સ્થાપવા મથવું - આ નિર્દિષ્ટતા કથાગતિ પ્રવાહે અપૂર્વ યોગ સ્થાપે છે.’ ખપમાં લેવાયેલ આ ઘટનાત્મક ક્રિયા તે ચીલાચાલુ, સામાન્ય, નજીવી અને નિરર્થક લાગે છે. છતાં રામપ્રાસદ શુકલ આ ઘટના સબબ કથાને ‘કૂંડાળાંકળા’ તરીકે ઓળખાવે છે. તે ‘કૂંડાળાં’ ઘટના લેખે રોજિંદી ક્રિયા-પ્રક્રિયાને વાસ્તવિક લેખાય, કપોળકલ્પિત તત્ત્વાદિથી આચ્છાદિત લેખાય! કેમ કે, આ આચ્છાદનમાંથી જ જાણે એક નવા વાસ્તવનું નિર્માણ થતું જોવા મળે છે તે ધ્યાનપાત્ર બાબત છે. હવડ વાવથી નાયકને લગાવ છે અને ત્યાં જઈને, ‘એણે નીચા નમી એક કાંકરો લીધો અને વાવમાં ફંગોળ્યો. ડબ અવાજ આવ્યો, કાંકરો છેક પાતાળમાં પહોંચી જશે’- રોજની આ ક્રિયા-પ્રક્રિયાને પુનરાવર્તિત કરી લેખક અવનવી પ્રયુક્તિ પ્રયોજી જુદી જુદી રીતે વર્ણવે છે, કથાન્તમાં ફેંકેલા કાંકરાની પ્રતિક્રિયાએ, એણે જોયું કે વાવમાં નાખેલા એકેએક કાંકરાથી થયેલાં વર્તુળોના નાગ ફેણ ચઢાવી બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય રહે કે, સગાં-સ્નેહી-મિત્રોને પણ તે સ્વપ્નમાં નાગશરીરે જુએ છે. તે પોતાનો જન્મ નિયતિનિર્મિત, પ્રયોજિત કે આકસ્મિક માને છે. પ્રશ્નોમાં ડૂબકીઓ લગાવતો, એ કેટકેટલા પ્રશ્નો પાસે આચર્યચિહ્નની જેમ હાથ ફેલાવી ઠોયાની જેમ ઊભો રહી જાય છે? કથામાં નિરૂપિત આ મનઃસંઘર્ષસ્થિતિ વર્ણનાદિની કૃષ્ણવીર દીક્ષિત, રામપ્રસાદ શુકલ, નરેશ વેદ જેવા વિદ્વાનો દ્વારા નોંધ લેવાયેલી છે. રાધેશ્યામ શર્મા ખરુંં કહે છે, ‘મૃત્યુભીતિથી પ્રબુદ્ધ બની જવાને બદલે તે વિક્ષુબ્ધ ઑબ્જેક્ટ’ બને છે. જેમ કે, કથાનો અંત. કૂંડાળાં રચ્યે રાખતો, નીરખ્યા કરતો અને આ નિરર્થક ક્રિયા-પ્રક્રિયામાં અટવાતો -ગૂંચવાતો ગૌતમ રણમાં ભટકતા માણસની માફક અજંપો, અકળામણ, સંતાપ અનુભવે છે અને આ બોજ તળે જીવ્યે રાખે છે. છતાં કૃષ્ણવીર દીક્ષિત નોંધે છે તેમ, જગત પ્રત્યે કે વજનો અને તન્મય પ્રત્યે એને સંપૂર્ણ અભાવ નથી.... નથી એના હૃદયમાં ક્યારેય ભાવની ભરતી આવતી કે નથી સંપૂર્ણ અભાવની ઓટ આવતી. ભાવ અને અભાવ બંનેનાં વર્તુળો રચાયે જાય છે; અને બંને એકબીજામાં વિલીન થઈ જાય છે. કથાપ્રવાહે રચાતી આવતી ભાવ-અભાવની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિ પરત્વે જગતના અતીત-સાંપ્રત-ભવિષ્યની સાથે ખુદની ઓળખ પ્રસ્થાપિત કરવા મથતો નાયક પોતાનાં વિચારમંથનોમાં, મનઃસ્થિતિ, મનઃગતિ, મનઃવમળાદિ દ્વારા જે રીતે જાતને વ્યક્ત કરી માનવ અસ્તિત્વના ગોપિત અંશોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, તે તો આસ્વાદ્ય છે જ! સાથે ઉમેરવું પડે કે, કથાનાં ઘટકતત્ત્વો પૈકી ઉત્કૃષ્ટતા આપતું જો કોઈ અંગ હોય તો તે ગૌતમનું પાત્ર તથા તેનું ચારિત્ર્યનિર્માણ છે, તેની ભાવ-અભાવની સૃષ્ટિ છે. લેખકે લોકબોલીની લાક્ષણિકતા, મુહાવરા, અલંકારાદિ દ્વારા અર્થસભર માર્મિક ગહનતાયુક્ત સ-ચોટ છતાં સરળ સંવાદ-ભાષાશૈલીનું નિરૂપણ કર્યું છે. દંતકથા, જનશ્રુતિ-વાયકા-માન્યતા, પૃથ્વી-પાતાળ-નાગલોક, ખ્યાત-અખ્યાત, કલ્પનાદિનો સુયોજિત - વિનિયોગ- ઉપયોગ-પ્રયોગ કરે છે. ફ્લેશબૅક યોજે છે અને પત્રપ્રયુકિત ૫ણ પ્રયોજે છે. અને એ રીતે ભિન્નભિન્ન તરીકા અજમાવીને હવડ વાવનાં કૂંડાળાંઓમાં વ્યુત્પન્ન વમળો વલયો તરંગો પડછે કથાનાયકની સંકુલાદિ કે સંદિગ્ધ કહેવાય તેવી ક્રિયા-પ્રક્રિયા-પ્રતિક્રિયા બહુધાપણે ભાવ તથા અભાવ – આ બંનેમાં નિર્દિષ્ટ કરે છે. ‘ભાવ અભાવ’ શીર્ષકથી રજૂ થયેલી આ કથા વિશે નરેશ વેદનાં વિધાનો ઉચિત જાય છે, ‘માણસના ભાવ અભાવ વિશેની એક સંકલ્પનાને એક ચરિત્રની ચૈતસિક ભૂમિકાઓ મૂકીને તેમાંથી કથા સર્જવાનો લેખકે પ્રયત્ન કર્યો છે. ખુદ સર્જકે પણ આ કથા માટે ‘ફાંફાં મારવા’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. અલબત્ત, ‘ભાવ અભાવ’માં ક્ષતિ-મર્યાદા અને વિશેષતાઓ જોવા મળે છે. સુમન શાહ કહે છે તે મુજબ ગૌતમના મન-અંતરના માનસને ઝકઝોરનાર વિચારમંથન-સંક્રમણ, ભાવ અને અભાવ પેદા કરતી સ્થિતિ-પરિસ્થિતિ-સંજોગાદિ તથા અન્ય સંવેદન-સમસ્યા પ્રશ્નાદિને ઘૂંટીને એ દ્વારા લેખક અભિપ્રેત પ્રશ્નો મૂકે છે, આધુનિકતાનું બિંબ-પ્રતિબિંબ ઉપસાવે છે. છતાં આ સર્જકનિર્મિત ‘કૂંડાળું’ છે અને ‘કૂંડાળા’ કથામાંથી બહાર નીકળવા માટે રામપ્રસાદ શુક્લનાં વિધાનો ટાંકીએ : “શ્રી મોદીએ અમુક ઉપસ્થિતિઓનાં બિંદુઓ તથા પ્રતિબિંદુઓ કલ્પીને તેનાં કૂંડાળાં રચ્યાં છે તેને ઠીક અનુકૂળ શબ્દનો સધિયારો મળ્યો છે. એટલું કહીને કૂંડાળામાંથી છટકીએ?’ આપણે આ કૂંડાળામાંથી છટકીએ તે પહેલાં આ કૃતિની સમીક્ષામાં કહી શકાય કે, આ પ્રારંભિકકાળની કૃતિ હોવાથી સર્જકમર્યાદા સાથે સર્જકઉત્સાહ પણ દૃષ્ટિગત થાય છે. કેવળ પ્રશ્નો વર્ણવવાથી કે નિરૂપવાથી કાંઈ નવલકૃતિ ન લખાય-લેખાય, એમ તો નવલસર્જક પોતે પણ સમજે તો છે જ ને!
આરતી સોલંકી
શોધછાત્ર
ગુજરાતી ભાષાસાહિત્ય ભવન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
મો. ૯૬૩૮૧૮૦૯૯૮
Email: solankiarati9@gmail.com