‘જાતકકથા’ : ચન્દ્રકાન્ત બક્ષી
‘જાતકકથા’ : બીબાંઢાળ જીવનક્રમમાંથી છટકવા પ્રયત્નો કરતા માણસની કથા
‘જાતકકથા’, લે. ચન્દ્રકાન્ત બક્ષી, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ૧૯૬૯, પૃષ્ઠ : ૨૭૮ ગુજરાતી સાહિત્યમાં ‘ઘટનાના બેતાજ બાદશાહ’ તરીકે સુપ્રસિદ્ધ થયેલા ચન્દ્રકાન્ત બક્ષીની સાતમી નવલકથા તદ્દન નવો વિષય લઈને લખાયેલી છે. આ કૃતિના સંદર્ભમાં ચન્દ્રકાન્ત બક્ષીએ નોંધ્યું છે : ‘સાતમી નવલકથા તદ્દન નવો વિષય – બૌદ્ધવાદ. એટલે કે ધાર્મિક નવલકથા, પાત્રોનાં નામ ગૌતમ, યશોધરા, રાહુલ, આનન્દ વગેરે. કૃતિનું નામ ‘જાતકકથા’. એનેલોજી લખતાં ન આવડે તો હાસ્યાસ્પદ બની જવાય એવું કામ હતું. લખતાં સારી તકલીફ પડી. નેપાલ સુધીનો પ્રવાસ કર્યો – લખવાના આશયથી. બનારસને ધર્મની આંખે જોયું, ગોરખપુરને અધર્મની આંખે. પછી હિમાલય-પ્રકૃતિ, ૨૮૦૦૦ ફૂટ ઊંચા પહાડોની સામે, ધર્મ-અધર્મ બધું ભૂલીને... પુરુષની આંખે. અઠવાડિયા દસ દિવસ, ગૌતમ ઘરનાની શોધમાં જાય છે, અનુભવે છે અને જાતકકથા સર્જાય છે.’ (‘આભંગ’, પૃ. ૨૫૮) સમગ્ર કૃતિમાં આધુનિક બુદ્ધિશાળી માનવીના પ્રતિનિધિ તરીકે ગૌતમ શાહ કેન્દ્રમાં છે. સિદ્ધાર્થની જેમ તેની પાસે સરસ બંગલો છે, સુંદર અને સાલસ પ્રકૃતિની પત્ની યશોધરા છે, ચાર-પાંચ વર્ષનોે પુત્ર રાહુલ છે. આમ છતાં, તે તેની યંત્રવત્ જિન્દગીથી ત્રાસી ગયાનો અનુભવ કરે છે. આ યાંત્રિક જીવનક્રમમાંથી છૂટવા માટે તે પોતાની પત્ની અને પુત્રને એમના પિયર-મુંબઈ મોકલી દે છે. એ રીતે તે રોજિંદા જીવનથી છૂટી, એકલો રહેવાનો, ઉદાસીનતા અનુભવવાનો, અવળા-સવળા વિચારો કરવાનો આનંદ અનુભવે છે. ઘટનાશૂન્ય બની ગયેલ જિંદગીની એકવિધતા ટાળવા માટે ગૌતમ નવી નવી પરિસ્થિતિમાં મુકાવવાની ઇચ્છા સેવે છે, પોતાના એકવિધ બની ગયેલા કંટાળાજનક જીવનક્રમને તોડી બિન્દાસપણે રખડવાની ઇચ્છા સેવે છે. આ ઇચ્છાને સાકાર કરવા માટે તે કલકત્તાથી કાશી, કાશીથી ગોરખપુર, નેપાળ અને પુનઃ કલકત્તા આવે છે. આ રીતે જોઈએ તો ‘જાતકકથા’ ગૌતમ શાહની ભ્રમણકથા અને અનુભવકથા છે. પરંતુ આ ભ્રમણકથા સામ્પ્રત માનવજીવનની એકવિધતા અને યાંત્રિકતાને કારણે ઉદ્ભવતા કંટાળાના ભાવને તથા નિરર્થકતાના ભાવને ધ્વનિત કરતી હોવાથી આધુનિકતાવાદી વલણોને દર્શાવે છે. અહીં નિરૂપાયેલાં પાત્રો અને સ્થળો ભગવાન બુદ્ધના સંસારી અને સંન્યાસી જીવનાનુભવોનો આભાસ ઊભો કરે છે, આમ છતાં, આ કથા ગૌતમ બુદ્ધની નથી તેમ ગૌતમ શાહની પણ નથી; પરંતુ આધુનિક બુદ્ધિજીવી મનુષ્યની છે. આ સંદર્ભમાં બક્ષીએ પણ નોંધ્યું છે : ‘જાતકકથામાં બુદ્ધના પાંચસો પચાસ પૂર્વજન્મોની વાત હતી. જાતકકથાઓને જન્મજીવનની વાર્તા અને દરેક પૂર્વજન્મને એના બોધિસત્ત્વનું નામ આપેલું છે. ભગવાન બુદ્ધ પાંચસો પચાસમા બોધિસત્ત્વ હતા. એમના પછી જન્મો અટકી જતા હતા. જાતકકથાનું પૂર્ણવિરામ હતા પ્રભુ. દરેક મનુષ્ય, દરેક બુદ્ધિજીવી પાંચસો એકાવનમો બોધિસત્ત્વ છે અને જાતકકથા આગળ વધતી રહે છે, અસ્તિત્વબોધની જ દિશામાં.’ (પૃ. ૧૯૮-૧૯૯) ‘જાતકકથા’ મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચાયેલી છે : ‘નદી અને ધર્મ’, ‘અધર્મ’ અને ‘ધર્મ અને પર્વત’. વસ્તુસંકલના અને રચનારીતિની દૃષ્ટિએ આ કૃતિમાં કોઈ નાવીન્ય નથી. ઘટનાઓ બનતી જાય છે અને નિરૂપાતી જાય છે, ગૌતમ બુદ્ધના જીવનમાં બનેલી ‘મહાભિનિષ્ક્રમણ’ની ઘટના અહીં થોડા જુદા સ્વરૂપે ગૌતમ શાહ સંદર્ભે બનતી નિરૂપાઈ છે. ગૌમત શાહ પત્ની અને પુત્રને મુંબઈ મોકલીને કલકત્તાથી કાશી પહોંચે છે. યશોધરા અને રાહુલને સ્ટેશન પરથી મૂકીને પાછો વળતો ગૌતમ રસ્તા પરનાં દૃશ્યો નિહાળતાં જુદા જ પ્રકારની અનુભૂતિ કરે છે, ઘટનાશૂન્ય જીવન વિશે વિચારે છે : ‘બોધ થવો જોઈએ, સમજદાર મનુષ્યને. જીવનબોધ, અસ્તિત્વબોધ, અતીતબોધ, ભવિષ્યબોધ.’ આવું વિચારતાં વિચારતાં જ ‘મહાભિનિષ્ક્રમણ’ કરે છે બનારસની દિશામાં. ટ્રેનમાં એમની વિચારપ્રક્રિયા ચાલુ છે અને બીજી બાજુ સર્જક બનારસનો ઐતિહાસિક સંદર્ભ આપીને તેનું મહત્ત્વ સમજાવે છે. આ ઐતિહાસિક સંદર્ભમાં રાજારામ, બુદ્ધ, મલગણ રાજ્ય, નાલંદા વિદ્યાપીઠ, કપિલવસ્તુ, પાટલીપુત્ર, સમ્રાટ અશોક, કબીરની સમાધિ વગેરેને સાંકળી લઈને આખાય ઇતિહાસને જીવંત કરી દે છે. ‘નદી અને ધર્મ’ શીર્ષક હેઠળના પ્રથમ વિભાગમાં ગૌતમ બનારસ પહોંચે છે. બનારસની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે સર્વિસ કરતી સ્ત્રીમિત્ર આમ્રપાલીને ઘેર જાય છે. સર્જકે આમ્રપાલીના વ્યક્તિત્વની રેખાઓ કે એમના વિશે કંઈ જ માહિતી આપ્યા વિના ગૌતમને તેમની સાથે હરતો-ફરતો-ગપ્પાં મારતો નિરૂપ્યો છે. ગૌતમ અને આમ્રપાલીના ભ્રમણ નિમિત્તે સર્જકે બનારસનાં બજારો, મંદિરો, હોટેલો, ઉપરાંત ગૌમતઘાટ, રાણાઘાટ, તુલસીઘાટ, આનંદમયીઘાટ, હનુમાનઘાટ, ગંગાઘાટ, ઘાટ પરનાં સ્મશાનો વગેરેની ઐતિહાસિક સંદર્ભ સાથે માહિતી આપી છે. આ સાથે જ ઘરનાની શોધમાં નીકળેલો ગૌતમ આમ્રપાલી સાથે ગંગાતટે જાય છે, નૌકાવિહાર કરે છે, ધાર્મિક વિધિઓ જુએ છે, મૃત્યુ પામેલાં બાળકોને અપાતા અગ્નિદાહની ઘટનાને સભાનતાથી જુએ છે. આમ્રપાલી સાથે ગંગાસ્નાન કરે છે અને તેના દ્વારા થતી દેવપૂજાને નિહાળે છે. આમ, ગૌતમ સ્ત્રીમિત્ર સાથે હરી-ફરી-મોજમઝા માણી-ઈધરઉધરની વાતો કરી તેના રોજિંદાજીવનની એકવિધતા અને કંટાળાના ભાવને દૂર કરે છે. ‘અધર્મ’ નામના બીજા વિભાગમાં ગૌતમના ગોરખપુરના અનુભવો નિરૂપાયા છે. ગૌતમ ગોરખપુરમાં તેના મિત્ર આનંદને મળે છે. બક્ષીએ એમના વચ્ચેના વાર્તાલાપમાં ગુજરાતી પ્રજાની પ્રકૃતિદત્ત મર્યાદાઓની હાંસી ઉડાવી છે. આનંદના વખાણમાં ગુજરાતી પ્રજાના દુર્ગુણો પ્રતિ સંકેત કરાયેલ છે. આ આખોય પ્રસંગ ઉભડક લાગે છે. બન્ને મિત્રો હોટેલમાં જાય છે. એ નિમિત્તે ત્યાંની ભોજન સામગ્રીનું વર્ણન પણ કરાય્ું છે. ગૌતમ સમયના એક એક છિદ્રને નિહાળી બેસી રહેવામાં માનતો નથી. સમયને ખાલી પડ્યો રહેવા દેવામાં માનતો નથી. એ તો જીવનને ભરપૂર રીતે જીવી લેવામાં માને છે. તેથી તે સારા-નરસાનો, નૈતિક-અનૈતિકપણાનો વિચાર કર્યા વિના સભાનપણે ઘટનાઓમાંથી પસાર થતો જાય છે. ગોરખપુરમાં પણ તે આનંદ સાથે હરે-ફરે છે, વાતો કરે છે, દાણચોરને પકડવા આમતેમ દોડાદોડી કરે છે, કેદીને અપાતી ફાંસીનું દૃશ્ય જુએ છે, આશ્ના નામની વિધવા સ્ત્રી સાથે પરિચય કેળવે છે. આ રીતે તે યંત્રવત્ જીવનમાંથી છટકવાનો પ્રયાસ કરે છે. નવલકથાનો તૃતીય વિભાગ છે : ‘ધર્મ અને પર્વત’. આ આખોય વિભાગ બૌદ્ધધર્મ, હિન્દુધર્મ, બુદ્ધિઝમ, તાઓઈઝમ, નાગાર્જુનનો શૂન્યવાદ – વગેરેની ચર્ચામાં જ પૂરો થતો હોય તેવું લાગે છે. ગોરખપુરથી ગૌતમ આનંદ અને આશ્ના સાથે કુશીનગર પહોંચે છે અને ત્યાં આશ્ના દ્વારા બુદ્ધ ભગવાનનો ઇતિહાસ કહેવાય એ રીતે આલેખન કરવામાં આવ્યું છે. આ સાથે સર્જકે ભારતીય સાંપ્રત માનવની અવદશાને ધ્વનિત કરે એ પ્રકારની ચર્ચા પણ કરી છે. આ ચર્ચાનું આલેખન સર્જકની આગવી ગદ્યશૈલીનોય પરિચય કરાવી જાય છે. એક અંગ જોઈએ : ‘ભારતની એકતા હતી ફૂલેલાં પેટવાળાં નગ્ન બચ્ચાઓમાં, જાતજાતના દોરાઓ અને જુઠ્ઠા નગીનાઓ અને પથ્થરોમાં, અંધશ્રદ્ધા ટકાવી રાખતી માતાઓમાં, મૂછોમાં, પુરુષત્વના છેલ્લા અંશ સાચવીને વાગોળતા, છોકરા પેદા કરવામાં શૂરા મર્દોમાં, ગંદકીમાં, ભૂખમાં, સદીઓથી સાથે સાથે રહેલી સિતમની લોહીલુહાણ પરંપરામાં અને પરાજયમાં, સામૂહિક ગુલામીમાં, તફાવત વિનાનાં ગામડાંઓમાં, કારમી ગરીબીમાં દિલ્હીથી દૂર દૂર કોહવાઈ રહ્યાં હતાં.’ (પૃ. ૨૧૪) કુશીનગરની સફરમાં આનંદ, આશ્ના અને ગૌતમ ચર્ચા કરતાં જ નિરૂપાયાં છે. ભ્રમણની ફલશ્રુતિ રૂપે જાણે આનંદ અને આશ્નાનાં લગ્ન થાય છે. આ લગ્નનો નિમિત્ત બને છે ગૌતમ. જાણે પોતાનું ધ્યેય પૂરું થયું હોય તેમ ગૌતમ પુનઃ કલકત્તા આવવા માટે ટ્રેનમાં બેસે છે અને બેઠાં બેઠાં આઠ-દસ દિવસો દરમ્યાન બનેલી ઘટનાઓને યાદ કરે છે, અંતે તે જીવનધ્યેય વિશે કહે છે : ‘માણસે વિશેષણરહિત બનવું જોઈએ. વિશેષણરહિતતા એક અ-માનવીય ઊંચાઈ હતી. માણસ સારાં-ખોટાં વિશેષણોના સ્તર પર જ જીવી શકતો હતો. શરીરનો નાશ થાય ત્યાં સુધી વિશેષણનો લગાવ છૂટતો ન હતો – વિશેષણરહિત જીવન, માત્ર સુખ અથવા માત્ર દુઃખથી પર અનુકૂલિત મૃત્યુ જેવું – એ સાચું ધ્યેય હતું.’ (પૃ. ૨૭૮) પરંતુ વિશેષણરહિતતા વિશે વિચારતા ગૌતમને એક વિચાર ઝબૂકી ઊઠે છે : રાહુલ ‘પપ્પા’ કહીને બોલાવશે ત્યારે ‘પપ્પા’ શબ્દ વિશેષણ જ છે ને!!! આવા દ્વિધાત્મક વિચારોથી નવલકથા પૂરી થાય છે. રોજ-બ-રોજની એકધારી બીબાંઢાળ પ્રવૃત્તિથી કંટાળી ગયેલ માણસ પોતાના આ જીવનક્રમમાંથી છટકી જવાના પ્રયાસો કરે છે. સુવિધાઓથી સમૃદ્ધ એવા માણસને પણ ક્યારેક ગૂંગળામણનો અનુભવ થાય છે. નર્યું સુખ પણ સદતું નથી! તેથી ભગવાન બુદ્ધની જેમ કંઈક – નવું જોવા-જાણવા-અનુભવવા નીકળી પડે છે. પરંતુ તેનામાં બુદ્ધ જેવી દૃઢ નિર્ણયશક્તિ નથી, મનોબળ નથી. આ કારણે થોડો સમય નવું નવું જોયા-જાણ્યાનો-અનુભવ્યાનો આનંદ માણીને પુનઃ પોતાના બીબાંઢાળ જીવનક્રમમાં ગોઠવાઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને વ્યંજિત કરતી આ નવલકથા વાચનક્ષમ છે.
<poem> બિપિન આશર M-૧/૧૩, રુરલ હાઉસિંગ બોર્ડ, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫ વતન : કાલાવાડ, (જિ. જામનગર) જન્મતારીખ : ૧૫ જૂન ૧૯૫૮ અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. (૧૯૮૯) વ્યવસાય : નિવૃત્ત અધ્યાપક, ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ શૈક્ષણિક અનુભવ : ૧૯૮૨થી ૨૦૨૦ : ૩૮ વર્ષ સંશોધન પ્રોજેક્ટ : ૦૯ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ : ૨૮ એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ : ૯૧ પ્રકાશિત પુસ્તક : ૫૭ (સંશોધન-વિવેચન-અનુવાદ-સંપાદન) સેમિનાર/અધિવેશન : ૧૭૫ રિફ્રેશર/ઓરિએન્ટેશન કોર્ષમાં વ્યાખ્યાનો : ૭૦ વિવિધ કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વક્તવ્ય : ૧૦૦ આકાશવાણી/દૂરદર્શનના કાર્યક્રમો : ૩૦ ઍવૉર્ડ : ‘લોકસાહિત્ય ભણી’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક નેટ/સ્લેટ/યુ.પી.એસ.સી.ની કામગીરી ૧૫ વર્ષથી.