નવલકથાપરિચયકોશ/આવૃત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૭

‘આવૃત’ - જયંત ગાડીત

– વિપુલ કાળિયાણિયા
Aavrut.jpg

‘આવૃત’, પ્રથમ આવૃત્તિ - ઓગસ્ટ, ૧૯૬૯ અરુણોદય પ્રકાશનની પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૨૦૧૦ બીજી આવૃત્તિ : જૂન, ૨૦૧૬ ત્રીજી આવૃત્તિ : જૂન, ૨૦૨૧ પ્રકાશક  : ચંદ્રમૌલિ એમ. શાહ, અરુણોદય પ્રકાશન, અમદાવાદ. આમુખ : જયંત કોઠારી, અર્પણ : પ્રિય જયંતભાઈ કોઠારીને.... અંતર આ ભીનું ભીનું તમ સૌજન્યે. નવલકથાકારનો પરિચય : ગુજરાતી સાહિત્ય જગતમાં નવલકથા અને વિવેચન ક્ષેત્રે સત્ત્વશીલ ખેડાણ કરનાર જયંત ગોકળદાસ ગાડીતનો જન્મ ૨૬મી નવેમ્બર ૧૯૩૮ના રોજ મહાનગર મુંબઈ મુકામે થયો હતો. ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૬૧માં બી. એ. અને એ જ વિષય સાથે એમ. એ.નો અભ્યાસ ૧૯૬૪માં પૂર્ણ કર્યો હતો. જયંત ગાડીતે ૧૯૭૪માં ન્હાનાલાલની વિલક્ષણ કાવ્યરીતિ ડોલનશૈલી વિશે શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૬૫થી ૧૯૭૭ દરમિયાન મહુધા અને પેટલાદની કૉલેજમાં અધ્યાપક તરીકે સેવા આપી. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રમાં ૧૯૭૭ થી ૧૯૮૬ સુધી અધ્યાપનકાર્ય કરેલું. ૧૯૮૬થી ગુજરાત સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરમાં રીડર તરીકેની ફરજ બજાવેલી. ગાંધીજીને કેન્દ્રમાં રાખીને ‘સત્ય’ નામની ચાર ભાગમાં નવલકથા લખી છે. ચોથા ભાગનું અંતિમ પ્રકરણ માંડ માંડ બોલીને લખાવ્યું ને બીજે દિવસે એટલે કે ૨૯મી મે ૨૦૦૯ના રોજ દેહત્યાગ કર્યો. જયંત ગાડીતે ગુજરાતી સાહિત્યને પોતાની કલમ દ્વારા રળિયાત કર્યું છે, જે નીચે મુજબ છે : જયંત ગાડીતનું સાહિત્યસર્જન : નવલકથા/ લઘુનવલ : ‘આવૃત’ (૧૯૬૯), ‘ચાસપક્ષી’ (૧૯૭૯), ‘કર્ણ’ (૧૯૭૯), ‘ક્યાં છે ઘર’ (૧૯૮૨), ‘બદલાતી ક્ષિતિજ’ (૧૯૮૬), ‘શિખંડી’ (૧૯), ‘પ્રશામું’, ‘એક અસ્વપ્ન સુખી જીવન’, ‘સત્ય’ (ભાગ- ૧ થી ૪) નવલિકા  : ‘એક ને એક અગિયાર’ (મંજુલા ગાડીત સાથે) વિવેચન : ‘ન્હાનાલાલનું અપદ્યાગદ્ય’ (૧૯૭૬), ‘ન્હાનાલાલ’ (૧૯૭૭), ‘નવલકથા : વાસ્તવ અને વાસ્તવવાદ’ (૧૯૮૫), ‘પ્રેમાનંદ’, ‘આ આપણી કથા’ સંપાદન : ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧’ (મુખ્ય સંપાદક અન્ય સાથે) ‘અનુ આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’ (મુખ્ય સંપાદક) અનુવાદ  :‘ભારતીય અમૂલ ગાથા’ (Amul India Story) પ્રમાણમાં ઓછું પણ સત્ત્વશીલ સર્જન કરનાર જયંત ગાડીત નવલકથાકાર તરીકે સહૃદયી ભાવકોમાં પોતાનું ચોક્કસ સ્થાન જમાવીને બેઠા છે. ‘આવૃત’નું કથાનક : પોતાના ચોક્કસ આદર્શો અને જીવનમૂલ્યો સાથે જીવતો કથાનાયક આવૃત તળ ગુજરાતના એક ટાઉનની ‘ક’ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા બજાવે છે. કૉલેજમાં હજી એક વર્ષ પૂરું ન થયું હોવાથી ‘ક’ તેવીસનું કાયમી સ્થાન તેને મળ્યું નહોતું. આવૃતને વર્તમાન શિક્ષણ પદ્ધતિ, કૉલેજમાં ચાલતી નિરર્થક નાનાવિધ પ્રવૃત્તિ, વ્યક્તિત્વહીન બની ગયેલા અધ્યાપકો, વર્તમાન પરીક્ષા પદ્ધતિ વગેરે તરફ રોષ છે. તેને પોતાના આદર્શો છે પરંતુ આ નિર્દોષ શિક્ષકને સત્તાધીશો સમજતા નથી. નથી એને વિભાગાધ્યક્ષ સમજતા કે નથી સમજતા આચાર્ય કે ટ્રસ્ટીમંડળ. અને એક દિવસ આવૃતને કૉલેજ તરફથી પાણીચું આપવામાં આવે છે. આવૃતનાં લગ્ન થઈ ગયાં છે. મુંબઈમાં ઊછરેલી સમજદાર, સ્વરૂપવાન પત્ની છે અને એક દીકરો પણ છે. પોતાની પત્ની પ્રીતિ અને દીકરા સ્વપ્ન સાથે સુખી જીવન જીવવાનાં કેટકેટલાં સપનાં સજાવ્યાં હતાં પરંતુ પરિસ્થતિ સાવ વિપરીત આવે છે. નોકરી વિહોણા આવૃતને સાદું જીવન જીવવાના પણ ફાંફાં પડવા લાગે છે. પ્રીતિ પિયર મુંબઈ જતી રહી, આવૃત ઘણી કૉલેજના ઇન્ટરવ્યુ આપે છે પણ સફળ થતો નથી. છેવટે હારેલા થાકેલા આવૃતને દૂર છેવાડાના વિસ્તારમાં ચાલતી ‘ન’ નામની કૉલેજમાં નોકરી મળે છે. પરંતુ અંદરથી આવૃત જરા પણ રાજી જણાતો નથી. ‘ક’ તેવીસનું સ્થાન મેળવવા અસમર્થ નીવડેલો આવૃત હવે ‘ન’ સોળ તરીકેનું કાયમી સ્થાન મેળવે છે. અહીં નવલકથા પૂરી થાય છે. આવૃત આવૃત મટીને ‘ન’ સોળ બનવા સુધીની આવૃતની યાત્રા સત્તર પ્રકરણમાં સર્જકે બખૂબીથી ગૂંથી છે. નવલકથાની લેખન પદ્ધતિ : ‘આવૃત’ની નાવીન્યપૂર્ણ લેખન પદ્ધતિ ઊડીને આંખે વળગે તેવી છે. પ્રયોગશીલતા કથા પ્રારંભથી જ જોઈએ તો કૉલેજ માટે ‘ક’, અધ્યાપકો પણ ‘ક’ એકથી ‘ક’ બાવીસ સુધી કાયમી અધ્યાપકો ને ‘ક’ તેવીસ એ આવૃતનો નાયક જે હજી કૉલેજમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરી શક્યો નથી. આ પ્રકારની વિલક્ષણ નિરૂપણરીતિથી સર્જક જે તરફ ઇશારો કરે છે એ તરત સહૃદયી ભાવક સમજી શકે છે. અહીં કોઈ ચોક્કસ કૉલેજ કે ચોક્કસ અધ્યાપક નહિ પરંતુ કોઈ પણ કૉલેજ કે કોઈ પણ અધ્યાપક લઈ શકો. આવૃતનો પોતાનો અલાયદો દૃષ્ટિકોણ છે પણ કોઈ એને સમજી શકતું નથી. વર્તમાન શિક્ષણ જગત તરફની આવૃતની જે પ્રકારની નફરત છે એ સુપેરે વ્યક્ત થઈ છે. આવૃતની આસપાસ ગૂંથાતું કથાનક આવૃતનાં મનોસંચલનોને સારી રીતે ઉદ્‌ઘાટિત કરી શકે છે. લઘુનવલના કેન્દ્રસ્થ પાત્રનો ઉઘાડ એના સ્વરૂપને અનુરૂપ થવા પામ્યો છે. સર્જક ભાવક સુધી જેવા આવૃતને પહોંચાડવા માગે છે એવો આવૃત પહોંચે છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટકતત્ત્વો : ‘આવૃત’ જયંત ગાડીતની પ્રથમ નવલકથા છે. પરંપરાના કોચલામાંથી બહાર નીકળી પ્રયોગશીલતાને વરેલી આ નવલકથા એક પ્રયોગ ન બની રહેતાં કલાકૃતિ તરીકે ઊભરી આવે છે. નાવીન્યપૂર્ણ નિરૂપણ રીતિ, કૉલેજ અને અધ્યાપકોના નામકરણ, મુખ્ય પાત્રની મનોદશા, એની વર્તમાન સમાજને જોવાની-જાણવાની દૃષ્ટિ, પત્ની પ્રીતિ, પ્રીતિનો ભાઈ, શારદી, મસ્તી વગેરે પાત્રોનો આવૃતના વિચારો સાથેનો વિરોધાભાસ વગેરે લઘુનવલના મુખ્ય પાત્રને વિકસાવવા ગૌણ પાત્રોની ભૂમિકા યોગ્ય રીતે નિભાવે છે. સર્જકની પાત્રનિર્માણશક્તિ દૃષ્ટિગોચર થાય છે. આવૃતની મનોદશા દર્શાવવામાં મુકાયેલી કેટલીક ઘટનાઓમાં લઘુનવલના નાયક આવૃતનાં માનસિક સંચલનો અભિવ્યક્ત થયાં છે જે સર્જકની સફળતા છે. માત્ર શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરતી કૃતિ તરીકે નહિ પરંતુ એક કલાત્મક કૃતિ તરીકે પણ આસ્વાદ્ય કૃતિ છે. આવૃતના ઘરનો હીંચકો પણ આખી કથામાં સતત દૃશ્યમાન થાય છે જે કથામાં બરાબર ઓગળી જાય છે અને આવૃત અને પ્રીતિના લગ્નજીવનનો ઉલ્લાસ પણ દર્શાવે છે તો સમયાંતરે બન્નેની મનોદશાનો સાક્ષી પણ બની રહે છે. વિવિધ પ્રતીકો અને પ્રયુક્તિઓ પણ કથામાં એકરસ થઈને પ્રગટે છે. આવૃત પોતાની પત્ની સાથે નિદ્રાધીન હોય છે ત્યારે રાની બિલાડો આવી ચકલીના માળાને ફેંદી નાખે છે – આ ઘટનાને આવૃતના લગ્નજીવનમાં શારદીથી આવતા ભંગાણ સાથે સરખાવી શકીએ. માત્ર પ્રીતિના મનમાં શંકાનો કીડો પ્રવેશી ગયો છે એ પૈકીનું વાસ્તવમાં કશું છે નહિ. આવૃત અને પ્રીતિના લગ્નજીવન, પોતાની પ્રિય પત્ની અને પુત્રને સુખ સગવડભર્યું જીવન આપવાના આવૃતના સઘન પ્રયત્નો ને એ માટેની કેટલીય મથામણો વગેરેમાં સામાન્ય બનવા મથતો આવૃત નજરે પડે છે.આવૃતના મનમાં ચાલતી ગતિવિધિને વ્યક્ત કરવા સ્વપ્નની પ્રયુક્તિનો વિનિયોગ પણ સર્જકે સરસ રીતે કર્યો છે. ક્યારેક દિવાસ્વપ્ન જે આવૃત અને પ્રીતિ બન્ને જુએ છે જે બન્નેના અર્ધજાગ્રત મનની નીપજ રૂપે આવે છે પરંતુ સ્વપ્નની સૃષ્ટિ સાવ નિરાળી બનીને આવે છે. આવૃતને આવતાં ત્રણ સ્વપ્ન અહીં પ્રતીકાત્મક રીતે ઘણું સૂચવી જાય છે. ડરામણા ટોળામાં ભળવા નથી માંગતો એવા આવૃતને પોતાની આગવી મુદ્રા સાચવી રાખવી છે એનો જ આ તરફડાટ છે. પરંતુ અંતમાં એ જે નથી બનવા માગતો એ જ બનીને રહે છે. નિર્દોષ શિક્ષક સતત હીજરાતો, માનસિક સંઘર્ષ અનુભવતો અંતમાં બાહ્ય સમાધાન કરી લે છે. ‘ન’ સોળ એનું પરિણામ છે. ભાવ અને ભાષાને એકરૂપ થઈને પ્રગટાવનાર કૃતિનું ગદ્ય પણ ‘આવૃત’ની એક વિશેષતા બની રહે છે. નાનાં નાનાં વાક્યોથી બંધાતો લય, આવૃત અને પ્રીતિની આંતરએકોક્તિઓ, સ્વપ્નને રજૂ કરવા વપરાતું ભાષાપોત આ કૃતિની વિશેષ ઉપલબ્ધિ ગણી શકાય. નવલકથાનો પ્રકાર : ગાંધીયુગીન નવલકથા તરફ આધુનિક યુગના સર્જકોની જોવાની દૃષ્ટિ જરા અણગમાવાળી જોવા મળે છે. વિશ્વ સાહિત્યના સંસર્ગને લીધે ગુજરાતી નવલકથામાં નૂતન પરિધાન સાથે પ્રગટે છે. જેની ઘણી મર્યાદાઓ પણ હતી. આ બધી બાબતોથી સજાગ વિવેચક જયંત ગાડીત ‘આવૃત’ નામની પ્રથમ નવલકથા આપે છે. પરંપરા અને પ્રયોગશીલતા એમ બન્ને છેડાના જાણતલ પાસેથી યોગ્ય કલાસૂઝ વાળી કથા મળે છે. પોતે શું છે? કોના માટે છે? પોતાને બીબાઢાળ જિંદગી મંજુર છે ખરી? – આવા મનોમંથન અનુભવતો આવૃત સતત સ્વની ખોજમાં છે – અસ્તિત્વની ખોજમાં છે. એ રીતે જોઈએ તો આ લઘુનવલને અસ્તિત્વવાદી કૃતિ કહી શકીએ. વર્તમાન દૂષિત શિક્ષણ પ્રણાલી સામે બંડ પોકારતા શિક્ષકની વ્યથાની કથા છે જેમાં શિક્ષક સ્વની ઓળખ કરવા નીકળે છે. અહીં સમાજના વરવા વાસ્તવનું ચિત્ર જોવા મળે છે. તો એ રીતે સામાજિક વાસ્તવમૂલક વસ્તુવાળી કૃતિ પણ કહી શકીએ. નવલકથા વિશે વિવેચક : “એક નાનકડા માણસના જીવનમાં ઊગતી-કરમાતી આદર્શમયતાની આ કથા છે. આવૃતની આદર્શમયતા આપણામાં કોઈ વિસ્મયયુક્ત આદર જન્માવતી નથી કે એની આદર્શગ્રંથિઓ છૂટવા લાગે છે એથી કોઈ આઘાત કે આંચકો લાગતો નથી. સઘળું પાત્ર આપણી સહાનુભૂતિને પાત્ર બની રહે છે. હા, આપણે સહુ અનુભવ કરીએ છીએ. જાણે આપણે આપણું જ કોઈક માનવજીવન જીવીએ છીએ. જેની ચેતનાનો સળવળાટ સામાજિક પરિસ્થિતિની ભીંસમાં શમી જાય છે. એ આવૃત તમે પણ હોઈ શકો છો, હું પણ હોઈ શકું છું.” – જયંત કોઠારી (‘પ્રતિબિંબ નહીં, પ્રતિક્રિયા’ ગ્રંથ : ‘નવલ-લોકમાં’)

સંદર્ભ ગ્રંથ : ૧. ગાડીત, જયંત. ‘આવૃત’ નવલકથા, અરુણોદય પ્રકાશન, ત્રીજી આવૃત્તિ-૨૦૨૧ ૨. એજન, ‘વૈયક્તિક – સામાજિક દ્વંદ્વનો પૂર્વાલાપ’, ડૉ. ભરત મહેતા ૩. કોઠારી, જયંત. ‘નવલ-લોકમાં’ શબ્દમંગલ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨૫-૧૨૬ ૪. પટેલ, મણિલાલ. ‘સત્ત્વશીલ નવલકથાઓના ઉપેક્ષિત સર્જક : જયંત ગાડીત’ કોલમ-‘શબ્દના મલકમાં’ દિવ્ય ભાસ્કર, દૈનિક સમાચારપત્ર ૫. પ્રજાપતિ, મેહુલકુમાર સોમાભાઈ. “ ‘આવૃત’નું વિષયવસ્તુ અને વસ્તુસંકલના”, Sahityasetuઃ Year-૧૧, issue ૪, continuous issue ૬૪, July-August ૨૦૨૧

ડૉ. વિપુલ કાળિયાણિયા
ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ,
શ્રી વી. એમ. સાકરિયા મહિલા આટ્‌ર્સ કૉલેજ, બોટાદ
મો. ૯૯૨૪૨૪૨૭૫૨
Email: vipul.kaliyaniya@gmail.com