‘કામિની’ : મધુ રાય
‘કામિની’ લેખકઃ મધુ રાય, મૂળ નામ, મધુસૂદન વલ્લભદાસ ઠાકર. જન્મસાલ, ૧૯૪૨. જન્મસ્થળ, જામખંભાળિયા. ‘કામિની’ મૂળે નાટક તરીકે લખાઈ હતી જેનું નામ છે, ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ એનો પહેલો અંક લખીને મધુ રાય કોલકત્તાથી છવ્વીસમે વરસે આજીવિકાની શોધમાં અમદાવાદ આવેલા. એ વાંચીને અભિનેતા અને દિગ્દર્શક કૈલાશ પંડ્યાએ કહ્યું કે, તમે પૂરું કરો તો આપણે આ ભજવીશું. આ રીતે ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ (ઈ. સ. ૧૯૬૮) ચાર અંકનું નાટક લખાયું અને મૃણાલિની સારાભાઈના દિગ્દર્શનમાં ભજવાયું. ત્યારે કોઈ પ્રકાશક નાટક છાપવા રાજી નહીં. ‘સ્વાતિ’ પ્રકાશનના શિવજી આશર કહે, જો નવલકથા હોય તો છાપું. એટલે મધુ રાયે ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટકનું ‘કામિની’ નવલકથામાં રૂપાંતર કર્યું, (ઈ. સ. ૧૯૭૦). અહીં અરુણોદય પ્રકાશન, અમદાવાદ દ્વારા ઈ. સ. ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ ધ્યાને લીધી છે. કામિની, સર્વજ્ઞ કથક દ્વારા કહેવાયેલી, રહસ્યકથા સ્વરૂપે લખાયેલી આધુનિકતાવાદી નવલકથા છે. એમાં, ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટકના અંશો પણ છે. એ ઉપરાંત કથા કહેવામાં લેખકે આપેલો પાત્રોનો પરિચય, અદાલતમાં થતી પાત્રોની તપાસ, એકોક્તિઓ અને ડાયરીનો ઉપયોગ કર્યો છે. અહીં કુલ છ પાત્રો છે. બધાં ‘નાટ્યમંચ’ નામની મંડળીનાં સભ્ય છે. કામિની દેસાઈ, જગન્નાથ પાઠક જે અભિનેતા અને દિગ્દર્શક છે. પ્રીતમ સોની અને સ્વાતિ સોની, બંને પતિ-પત્ની છે. સુંદર દેસાઈ, કામિનીનો ભાઈ છે. કેશવ ઠાકર, લેખક છે, જેણે આ મંડળીની દોરવણીથી એક ફાર્સ લખ્યું છે. એમાં એ પણ એક નાનું પાત્ર ભજવે છે. કથામાં બધાં પાત્રોનું ચાલકબળ અજાણતાં જ શેખર ખોસલા બની બેસે છે પણ એ ક્યાંય પ્રત્યક્ષ થતો નથી. આ મર્ડર મિસ્ટ્રી કમ ફાર્સનું કથાવસ્તુ જોઈએ તો, પ્રમોદ અને કાંતા (જગન્નાથ અને કામિની) પતિ-પત્ની છે. કાંતાને નિરંજન (સુંદર) સાથે લગ્નેતર સંબંધ છે જેની પ્રમોદને ખબર છે. સંબંધની આ ગૂંચ ઉકેલવા પ્રમોદ અને કાંતા એમના પરિચિત દંપતી નંદલાલ અને જ્યોત્સ્ના(પ્રીતમ અને સ્વાતિ)ને બોલાવે છે. હજી આ ગૂંચનો ઉકેલ આવે એ પહેલાં નિરંજન રહસ્ય ખોલે છે કે ભૂતકાળમાં જ્યોત્સ્નાને દેશપાંડે (કેશવ ઠાકર) નામનો એક પ્રેમી હતો. એ વરસોથી આફ્રિકા હતો. હવે ભારત પાછો આવીને પોતાની પાસેના જ્યોત્સ્નાના યુવાવસ્થાના વાંધાજનક ફોટા પાછા આપવાના બદલામાં રૂપિયા માંગી રહ્યો છે. નિરંજને દેશપાંડેને સોદો પતાવવા પ્રમોદને ત્યાં બોલાવ્યો છે. ચર્ચા દરમ્યાન નક્કી થાય છે કે પ્રમોદ, કાંતા અને નિરંજન આવા અવૈધ સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરવા તૈયાર થયાં હતાં એ કરતાં દેશપાંડેનું ખૂન કરવું. દેશપાંડે આવે છે ત્યારે ખૂન કોણ કરે એની ચર્ચા ચાલતી હોય છે. ત્યાં નંદલાલ પ્રેક્ષકોની સન્મુખ થઈને પૂછે છે કે, ખૂન થવાનું છે એ નક્કી છે પણ કોણ ખૂન કરશે અને કોનું ખૂન થવાનું છે એ જો કોઈ કહી શકે તો પોતે એ પ્રેક્ષકની બુદ્ધિને સલામ કરશે. ત્યારે જ્યોત્સના અચાનક રિવૉલ્વર નંદલાલ તરફ તાકીને નંદલાલની ચાલાકીઓથી કંટાળી હોવાથી એનું ખૂન કરશે એવું જણાવે છે. નંદલાલ ચેતવે છે કે રિવૉલ્વર સાચી છે. ત્યાં કાંતા બનેલી કામિની જ્યોત્સ્નાના હાથમાંથી રિવૉલ્વર આંચકીને નાટકની સ્ક્રીપ્ટથી અલગ વર્તી પ્રેક્ષકોની પહેલી હરોળમાં બેઠેલા શેખર ખોસલા નામના પ્રખ્યાત ઉદ્યોગપતિનું ખૂન કરે છે. આ નવલકથા ચાર ભાગ અને આઠ પ્રકરણોમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં, પ્રથમ પ્રકરણ ‘માણસો’માં કામિની સિવાયનાં પાંચ પાત્રોનો લેખકના દૃષ્ટિકોણથી પરિચય થાય છે. બીજા પ્રકરણ, ‘નાયિકા’માં પાંચ ભાગમાં અન્ય પાત્રોની નજરે કામિનીનો પરિચય મળે છે. ત્રીજા પ્રકરણ, ‘પાત્રો’માં કેશવ ઠાકરનો વિશેષ પરિચય મળે છે. ચોથા પ્રકરણ, ‘નાટક’માં, ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’નો પહેલો અંક સામેલ છે અને છેલ્લે; ‘વિખ્યાત નટીએ ધનિક વેપારીનું કરેલું ખૂન!’ એવા શીર્ષકથી શેખર ખોસલાનું નાટક દરમ્યાન ખૂન થયાના છાપામાં આવેલા સમાચારનો ઉતારો છે. બીજા ભાગમાં, પ્રકરણ પાંચ, ‘સવાલ જવાબ’માં પાંચેય પાત્રોની અદાલતમાં જુબાની લેવાય છે, જેમાં દરેક વ્યક્તિ વાસ્તવિક રીતે જુબાની આપવાની સાથોસાથ કામિની સાથેના પોતાના ભૂતકાળના પ્રસંગો મનોમન યાદ કરીને કામિનીએ ખૂન કર્યું એમાં પોતાનો વાંક જુએ છે.અહીં પાત્રોની વાસ્તવિક સમયમાં ચાલતી જુબાનીની સાથોસાથ વિવિધ સમયોનું ફ્યુઝન થયું છે. સુંદરના સ્વાતિ સાથેના અવૈધ સંબંધની અને એની જાણ પ્રીતમને હોવાની જાણ વાચકને થાય છે. ભાગ ત્રણમાં પ્રકરણ છ, ‘એકરાર’માં કામિની, જગન્નાથ, સ્વાતિ, પ્રીતમ અને સુંદરને શેખર ખોસલાથી ડરે એવા પોતાના અને શેખર ખોસલાના કાલ્પનિક પ્રસંગો કહીને ડરામણી મિથ રચે છે. ભાગ ચાર, પ્રકરણ સાત ‘જગન્નાથ મહાશંકર પાઠક’માં પહેલી ઓકટોબરથી બીજી ડિસેમ્બર સુધીનાં પાઠકની ડાયરીનાં છૂટક પાનાંઓ રજૂ થયાં છે જેમાં કામિની અને કેશવ ઠાકર નજીક આવી રહ્યાં હોવાની ઈર્ષાથી રિવૉલ્વરમાં નકલીના સ્થાને સાચી ગોળી પોતે ભરેલી એવો પાઠકનો એકરાર છે. પ્રકરણ આઠ ‘કેશવ પુરુષોત્તમ ઠાકર’માં ત્રણ ભાગમાં ઠાકર, શેખર ખોસલાથી કેવી રીતે પીડિત હતો અને એથી એણે શેખર ખોસલાના અત્યાચારોની વાતો કરીને કામિનીએ શેખર ખોસલાની અત્યાચારી છબીનું પોતાની જાતને વ્યસન લગાડ્યાનું વર્ણન છે. મોટાભાગના વિવેચકોએ ખૂનની ઘટના પાછળ કેશવ ઠાકરનું ઠંડા દિમાગથી રચેલું કાવતરું જોયું છે. હકીકતે એ પોતે શેખર ખોસલાથી પીડિત હતો જેની વાતો ખોતરી ખોતરીને કામિનીએ રોગની જેમ કેશવ ઠાકર પાસેથી ઝીલી છે. છેલ્લે, જેલના સળિયા પાછળ કેદ કામિની પોતાના ‘મુક્તિદાતા’ શેખર ખોસલાને પોતાની સાથે વાતો કરવા અનુનય કરે છે ત્યાં નવલકથા પૂરી થાય છે. અહીં ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટકનું રૂપાંતર ‘કામિની’માં સફળતાથી થયું કે કેમ એવી કોઈ ચર્ચાને સ્થાન નથી. આ પરંપરાગત નવલકથા હોત તો પૂછવું યોગ્ય રહેત કે, કામિની શેખર ખોસલાને ઓળખતી ન હોવા છતાં એનું ખૂન શા માટે અને કોની પ્રેરણાથી કરે છે. જેમ વિચારતા જઈએ એમ આ પ્રશ્નો અસ્થાને લાગે છે. વિવેચકોએ આ કથાનું મોટીફ ઇટાલિયન નાટ્યકાર લુઈજી પિરાંદેલોના નાટક Six Characters in Search of an Authorમાં જોયું છે. નાટકના ત્રીજા અંકમાં કામિની કહે છે, ‘વાહ, છ પાત્રો અને એક લેખક! છ પાત્રો : લેખકની શોધમાં!’ પરંતુ આ નાટક પિરાંદેલોના નાટકની ગુજરાતી આવૃત્તિ નથી. પિરાંદેલો પોતાના નાટકમાં એવી સ્થાપના કરે છે કે કોઈ વ્યક્તિનું અનુભૂત સ્વરૂપ બધા માટે એક સરખું હોતું નથી. એને જોનાર-જાણનાર દીઠ અલગ અલગ હોય છે. વળી તે સમય સાથે પરિવર્તન પામતું રહે છે. મધુ રાયે પિરાંદેલોની આ સ્થાપનાનો આંશિક ઉપયોગ કર્યો હોવા છતાં ઉપરના બે પ્રશ્નોના જવાબ આ સ્થાપના આપી શકતી નથી. એટલે મધુ રાય પિરાંદેલોના નાટકની પ્રતિકૃતિ રચતા નથી. ટૂંકો જવાબ એ છે કે ઉપર્યુક્ત સવાલોના જવાબ કથામાંથી કે બહારથી મળે છે છતાં મળતા નથી. આ જવાબ મળવા ન મળવા એ આ કથાની સૌથી અગત્યની રસનિષ્પત્તિનું કારણ છે. ટોલ્સ્ટોય પોતાની નવલકથા ‘અન્ના કેરેનીના’માં અન્ના જે ચકચારી પગલાં ભરે છે એનો તાર્કિક ખુલાસો ૯૦૦ પાંનાની નવલકથામાં ક્યાંય આપતા નથી. કેમકે બે વત્તા બે બરાબર ચાર એવું ગાણિતિક સમીકરણ માનવીના વર્તનને લાગુ ન પડે. એનો ઉકેલ અદાલતી ચુકાદા દ્વારા પણ ન આપી શકાય. એટલે જ અદાલતમાં કામિનીની જુબાની રજૂ ન કરીને મધુ રાયે કથાની સંકુલતામાં વધારો કર્યો છે. કથાના ઉત્તરોત્તર વાચને કામિની ગુજરાતી સાહિત્યની નાયિકાઓની પરંપરામાં એક વિશિષ્ટ નાયિકા તરીકે પ્રત્યક્ષ થાય છે. તો, સંજોગોથી અથડાયા કરતાં વિવિધ પાત્રોની સૃષ્ટિનો પરિચય થાય છે. કામિનીમાં મધુ રાયે કથા કહેવાની વિવિધ પ્રયુક્તિઓ અજમાવી છે. કથાનું વિભાજન એવી રીતે થયું છે કે એમાંથી રહસ્યકથાનો આનંદ મળે અને પાત્રોની ગુહ્ય માનસિકતાનાં અતલ ઊંડાણોનો પરિચય પણ થાય. અને કથાનો વિકાસ ઉત્તરોત્તર થતો આવે. કથાની શૈલીની તાજગી આટલાં વરસે પણ અકબંધ છે. જુઓ, ‘જિંદગીનાં મૂળિયાં ચાવી ગયેલાં માણસોની વાતો હતી.’ (૭) ‘જાતને છેતરવું એટલે શું? કોણ બેઠું બેઠું આવા શબ્દો બનાવ્યે રાખે છે?’ (૬૫) ‘ભીંત પરથી ગરોળી પકડીને ચાવી જવી ઘૃણાની વસ્તુ સમજે એને માટે એ પાપ. ગરોળીને જોઈને જેના મોંમાં પાણી આવે એને માટે સ્વાભાવિક ખોરાક.’ (૭૬) ‘પ્રીતમના મગજમાં એક ગૂંચવણ, ખીજ, ધૂંધવાટ વધતો જતો હતો. એને એકાએક કામિની હલકી કોમની, ગાળો બોલતી, ભૂંડા ચાળા કરતી, હાથ લાંબા કરી લડતી, ઉજ્જડ વિસ્તારોમાં આજુબાજુનાં મકાનોના માણસોની પરવા કર્યા વિના કપડાં ઊંચાં કરી પેશાબ કરવા બેસી જતી બાઈ જેવી લાગવા માંડી.’ (૯૮) ‘ચોપડીઓ વાંચી પોતાના વિચારો કયા છે એ વીસરી ગયો છે.’ (૧૨૩) ‘કામિની’ આધુનિકતાવાદી ગુજરાતી નવલકથાઓમાં અદકેરું સ્થાન ધરાવે છે.
કિરીટ કનુભાઈ દૂધાત
જન્મતારીખ : ૧.૧.૧૯૬૧
નિવૃત્ત અધિક કલેક્ટર GAS સંવર્ગ
મુખ્યત્વે વાર્તા ક્યારેક વિવેચન પણ કરે છે.
મો. ૯૪૨૭૩૦૬૫૦૭, Email: kiritdoodhat@gmail.com