નવલકથાપરિચયકોશ/માધવ ક્યાંય નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬૮

‘માધવ ક્યાંય નથી’ : હરીન્દ્ર દવે

– વેદાંત પુરોહિત

[[

માધવ ક્યાંય નથી.jpg

લેખક પરિચય : હરીન્દ્ર દવે જન્મ : ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૦ – અવસાન : ૨૯ માર્ચ, ૧૯૯૫ પિતાનું નામ : જયંતીલાલ; માતાનું નામ : સવિતાબહેન હરીન્દ્ર દવેનો જન્મ તેમના મોસાળ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખંભરા ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન ભાવનગર છે. હરીન્દ્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમનાં માતાનું અવસાન થયું અને ૧૧ વર્ષની વયે પિતાની છત્રછાયા પણ ગુમાવી. આમ કુટુંબના અન્ય વડીલો દ્વારા હરીન્દ્રનો ઉછેર થયો. તેથી બાળપણથી જ તે ધાર્મિક વૃત્તિના અને પુસ્તક પ્રેમી થયા. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગર જ કર્યો અને ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીથી તેમણે બી.એ. તથા એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. હરીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ તથા નવલકથાકાર છે. મુખ્યત્વે તે ગીતકાર અને ગઝલકાર તરીકે વધારે પ્રખ્યાત છે. ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) તેમના ગઝલસંગ્રહ છે. ‘મૌન’ (૧૯૬૬) તેમનો ગીતસંગ્રહ છે. ગીત-ગઝલ સાથે કથા સાહિત્યમાં પણ હરીન્દ્ર દવેનું નોંધપાત્ર પ્રદાન છે, જેમાં ૧૪ જેટલી નવલકથા અને એક વાર્તાસંગ્રહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની પાસેથી ચિંતનાત્મક તથા વિવેચનાત્મક ગ્રંથો પણ મળે છે. હરીન્દ્ર દવે જનશક્તિ દૈનિકના તંત્રી રહ્યા ત્યારબાદ સમર્પણના સંપાદક તરીકે પણ કામ કર્યું. હરીન્દ્ર દવેની આ સાહિત્ય યાત્રા દરમિયાન તેઓને ૧૯૭૯માં દિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૯૨નો કબીર પુરસ્કાર જેવાં સન્માન પ્રાપ્ત થયેલાં છે. અધિકરણ માટે પસંદ કરેલ નવલકથા : હરીન્દ્ર દવે કૃત ‘માધવ ક્યાંય નથી’ પ્રથમ આવૃત્તિ : ૧૯૭૦ (પ્રવીણ પ્રકાશન – રાજકોટ) હરીન્દ્ર દવેની જાણીતી કૃતિઓમાં આ નવલકથા ‘માધવ ક્યાંય નથી’નો સમાવેશ થાય છે. વાચકો તથા વિવેચકો દ્વારા વખણાયેલી આ કૃતિ પૌરાણિક કથા તથા પુરાકલ્પન પ્રયુક્તિનો ઉપયોગ કરીને લખાયેલી છે. ગુજરાતી સાહિત્યના પ્રારંભ(મધ્યકાળ)થી વાત કરીએ તો આપણા સાહિત્યમાં કૃષ્ણ કેન્દ્રસ્થાને રહ્યા છે. મધ્યકાલીન ભક્તિ પરંપરાના સાહિત્યમાં કૃષ્ણભક્તિ જોવા મળે છે તો અર્વાચીન સાહિત્યમાં પણ સર્જકો આ કૃષ્ણના મોહથી અંજાયા વિના રહી શક્યા નથી. ગુજરાતી સાહિત્યની આ કૃષ્ણ પ્રીતિને પરિણામે આપણને સમયાંતરે કૃષ્ણકથા વિવિધ કૃતિઓ દ્વારા મળતી રહે છે. પરંતુ અહીંયાં હરીન્દ્ર દવે એક નવા સંદર્ભે કૃષ્ણકથા આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. પુરાણની આ પ્રખ્યાત અને લોકપ્રિય કથા અર્વાચીન યુગની આ નવલને સુંદર રસાયણ પૂર્ણ પાડે છે. આ નવલકથામાં પૌરાણિક કથાનો ભાર વર્તાતો નથી છતાં પૌરાણિક કથાનું અકબંધ રહ્યું છે. હરીન્દ્ર દવે કૃત ‘માધવ ક્યાંય નથી’ એ એક મધ્યમ કદની નવલકથા છે. જેમાં કુલ ૨૦૭ જેટલાં પૃષ્ઠમાં ૨૯ પ્રકરણમાં કથા વિસ્તાર પામી છે. સૌપ્રથમ આ નવલકથા ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘ફૂલછાબ’ તથા ‘પ્રતાપ’ આ ત્રણ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના દૈનિકમાં એકસાથે હપ્તાવાર પ્રગટ થઈ હતી. નવલકથાની પ્રસ્તાવના ‘વિરહમાં મિલનની શોધ’ શીર્ષકથી મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા લખાયેલી છે. નવલકથાની શરૂઆત સુન્દરમના કાવ્ય ‘કાહે કો રતિયા બનાઈ’થી થાય છે. આટલી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે નવલકથાની કથાવસ્તુનો પરિચય મેળવીએ. ‘માધવ ક્યાંય નથી’ નવલકથાની મૂળ કથાવસ્તુ નારદની કૃષ્ણના દર્શન માટેની ઝંખના છે. નવલકથાના પ્રથમ પ્રકરણથી અંત સુધી નારદની કૃષ્ણ-મિલનની આ ઝંખના લેખકે ઝીણવટથી આલેખી છે. યમુના નદીમાં આવેલા પૂરથી કથા પ્રારંભ થાય છે. યમુના કિનારે કુટિરમાં રહેતા નારદને આ પૂર વચ્ચે કોઈ વ્યક્તિ દેખાય છે. એ વ્યક્તિ માથે ટોપલો ઉપાડી અને ચાલતો આવી રહ્યો છે. તેના નદીમાં પ્રવેશ કરતાંની સાથે જ બે કાંઠે વહેતી યમુનાનાં પાણીના બે ભાગ થઈ અને વચ્ચે રસ્તો થઈ જાય છે. તે ટોપલો ઉપાડેલો વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. પરંતુ રાત્રિના અંધકારમાં તે વ્યક્તિ કોણ છે એ નારદ ઓળખી શકતા નથી. અને નારદ મથુરા પહોંચે છે. જ્યારે સવાર થાય છે ત્યારે નારદને ખ્યાલ આવે છે કે તે રાતનું સ્વપ્ન નહીં પણ હકીકત હતી. તે અત્યારે મથુરાના કારાવાસમાં પહોંચી ગયા છે, જ્યાં દેવકીના આઠમા સંતાનનો જન્મ થયો છે. નારદ દેવકીના આ આઠમા સંતાનને મળવા આતુર હોય છે. પણ તેને કંસ દ્વારા જાણ થાય છે કે દેવકીનું આઠમું સંતાન તો હવાની ઢીંગલી હતી. નારદ કૃષ્ણને મળી શકતા નથી અને શરૂઆતની આ ઘટનાથી નારદની કૃષ્ણ મિલનની ઝંખનાનો પ્રારંભ થાય છે. જે અંત સુધી સંતોષાતી નથી. નવલકથાના બાકીના પ્રકરણમાં નારદ વિવિધ સ્થળોએ કૃષ્ણને મળવા જાય છે પરંતુ કોઈ ને કોઈ કારણથી તેને ત્યાં કૃષ્ણ મળી શકતા નથી. તેથી એક દૃષ્ટિએ આ નવલકથા કૃષ્ણમિલનની ઝંખના ધરાવતા ભક્તની કથા છે. તેવું લાગી શકે, પણ વાસ્તવમાં નવલકથાનું ચિંતન ભિન્ન છે. કૃષ્ણના જન્મથી કંસ ડરી ગયો હોય છે. પોતાના કાળને પરાજય આપવા તે ઘણી યુક્તિઓ કરે છે પણ તેનો કાળ નવજાત શિશુ રૂપે સુરક્ષિત વૃંદાવન પહોંચી ગયો છે તેની જાણ કંસને નથી. કૃષ્ણ મથુરાથી ચાલ્યા ગયા હોવાથી નારદ ફરી કૃષ્ણની શોધમાં લાગે છે. એવામાં નારદને જાણ થાય છે કે કૃષ્ણ વૃંદાવન છે. તો તે વૃંદાવન જવા નીકળે છે પણ વૃંદાવન પહોંચી તેમને કૃષ્ણ મિલનને બદલે નંદ-યશોદાના કૃષ્ણ-વિરહના દર્શન થાય છે. નારદ પૂર્વે કંસને જાણ થઈ જાય છે કે દેવકીનું આઠમું સંતાન વૃંદાવનમાં છે તેથી તે અક્રૂર દ્વારા કૃષ્ણ તથા બલરામને મથુરા બોલાવે છે. જ્યાં કૃષ્ણ કંસનો વધ કરે છે. કંસની પત્ની અને જરાસંઘની પુત્રી અસ્તિ અને પ્રાપ્તિ વિધવા બની છે. તેથી પુત્રીનો બદલો લેવા જરાસંઘ મથુરા પર હુમલો કરી, કૃષ્ણને મારવાની યોજના બનાવે છે. આ હુમલાની યોજનામાં થતી મોટી હિંસા રોકવા કૃષ્ણ અને બલરામ જરાસંઘના આવ્યા પહેલાં જ ગુપ્ત માર્ગે મથુરા છોડી પ્રવર્ષણ પર્વત તરફ ચાલ્યા જાય છે. નારદને ફરી એક વાર મથુરા આવીને કૃષ્ણ મળી શકતા નથી. મથુરા આવેલા નારદને ઉદ્ધવ ત્રિવક્રાના ઘરે લઈ જાય છે. ત્રિવક્રાની કૃષ્ણ ભક્તિ જોઈને નારદને તે ઘરમાં આખા મથુરાથી અલગ માહોલ લાગે છે. હવે નારદ કૃષ્ણની શોધમાં પ્રવર્ષણ પર્વત તરફ નીકળે છે. કૃષ્ણ મથુરામાં ના હોવાને લીધે જરાસંઘ પણ યુદ્ધ રોકીને કૃષ્ણની શોધમાં લાગે છે. નારદ પરિભ્રમણ કરતાં જરાસંઘની છાવણીમાં પહોંચી ત્યાં રોકાણ કરે છે. જ્યાં નારદને જાણ થાય છે કે જરાસંઘ આખા પર્વતને આગ લગાડી કૃષ્ણને મારવાની યોજના કરે છે. તેથી હવે જો નારદ કૃષ્ણને મળે તો જરાસંઘની યોજના કૃષ્ણને જણાવી દે, માટે જરાસંઘ વિવિધ યુક્તિ કરીને નારદને છાવણીમાં રોકી રાખવા પ્રયત્ન કરે છે. જ્યારે જરાસંઘ પર્વતને આગ લગાવે છે ત્યારે કૃષ્ણ અને બલરામ ત્યાંથી નીકળી ગયા હોય છે. આમ જરાસંઘની યોજના નિષ્ફળ જાય છે અને નારદની કૃષ્ણ દર્શનની ઝંખના અતૃપ્ત રહી જાય છે. કૃષ્ણ હવે મથુરામાં ગયા હશે એવું વિચારીને નારદ ફરી મથુરા પહોંચે છે. ત્યારે કૃષ્ણ યાદવો સાથે સિંધદેશ તરફ ચાલ્યા ગયા હોય છે. હવે પછી કથા આગળ વધે છે. પાંડવો લક્ષાગૃહમાંથી બચીને જંગલમાં રોકાયા છે. નારદ ત્યાં આવીને પાંડવોને દ્રૌપદી સ્વયંવરની સૂચના આપે છે. નારદની માફક પાંડવો પણ કૃષ્ણ-દર્શન ઝંખે છે તેની જાણ નારદને થાય છે. આ પછી સ્વયંવરમાં દ્રૌપદી કર્ણને વરવાની ના કહે છે. તેથી કર્ણ કૃષ્ણ તરફ રોષે ભરાય છે અને દ્રૌપદી અર્જુનને વરે છે. એ પછી પાંડવોના દ્યૂત રમવાનો પ્રસંગ આવે છે. દ્યૂત સભામાં દ્રૌપદીનું ચિરહરણ થાય છે. ત્યારે કૃષ્ણકૃપાથી દ્રૌપદીનો બચાવ થાય છે. પરંતુ નારદ ત્યાં પણ કૃષ્ણ-દર્શન પામી શકતા નથી. ત્યારબાદ કૃષ્ણ દ્વારિકામાં છે એવી માહિતી મળતાં નારદ દ્વારિકા પહોંચે છે. ત્યાં ગર્ગ ઋષિ દ્વારા સંદેશ પ્રાપ્ત થાય છે કે કૃષ્ણ તો વિરાટનગરમાં અભિમન્યુ-ઉત્તરાના લગ્નોત્સવમાં ગયા છે. અને નારદની જેમ કૃષ્ણને પણ નારદને મળવાની ઇચ્છા છે, તેવું સંદેશ દ્વારા જાણવા મળે છે. કૃષ્ણના આ સંદેશથી નારદની કૃષ્ણ-દર્શનની આશા વધુ તીવ્ર બને છે. હવે નારદ કૃષ્ણ વિનાની દ્વારિકા નગરીમાં માતા દેવકીને મળે છે. દેવકી આર્યાવર્ત ઉપર તોળાઈ રહેલા મહાયુદ્ધ વિશે વાત કરે છે. કૃષ્ણ હવે હસ્તિનાપુર યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જાય છે પણ દુર્યોધન આ પ્રસ્તાવ નકારે છે અને ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધમાં કૃષ્ણ અર્જુનના સારથિ બને છે. અધર્મી દુર્યોધનનો મોટી હિંસા સાથે પરાજય થાય છે. યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે માટે કૃષ્ણ પાંડવો સાથે હસ્તિનાપુર હશે એવું વિચારીને નારદ કૃષ્ણને મળવા ત્યાં આવી પહોંચે છે. પરંતુ ત્યારે કૃષ્ણ તો દ્વારિકા જવા નીકળી ગયા હોય છે અને નારદને કૃષ્ણ-દર્શન થતાં નથી. નારદ ફરી દ્વારિકા પહોંચે છે. નવલકથાને અંતે નારદને કૃષ્ણના દર્શન થાય છે પરંતુ તે માત્ર કૃષ્ણનું નિશ્ચેતન શરીર જ હોય છે. આમ, નારદ, તેમનું પરિભ્રમણ અને કૃષ્ણદર્શનનો તલસાટ આ નવલકથાનું મુખ્ય કથાનક છે. આટલી કથાનક સંદર્ભે વાત કર્યા પછી હવે નવલકથાના પાત્રાલેખન વિશે ચર્ચા કરીએ. ‘માધવ ક્યાંય નથી’ નવલકથાની પાત્ર-સૃષ્ટિ જોઈએ તો લેખક આપણાં પુરાણોમાં આવતાં પાત્રો જ લઈ આવે છે. પરંતુ અહીંયાં લેખક આ પાત્રોના ભાવજગતમાં પરિવર્તન કરે છે. જેથી નવલકથા આપણને પુરાણ જેવી લાગતી નથી. નારદ નવલકથાનું મુખ્ય પાત્ર છે. સામાન્ય રીતે નારદ વિવિધ લોકમાં પરિભ્રમણ કરતા હોય છે. અહીંયાં નારદના આ પરિભ્રમણ સાથે લેખક કૃષ્ણ-દર્શનની ઝંખના જોડે છે. આ રીતે નવલકથા દ્વારા નારદની એક નવી છબી ભાવક સામે આવે છે. દરેક કૃષ્ણભક્ત નવલકથા વાંચતી વખતે નારદમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે. આ સિવાય નવલકથાનું મહત્ત્વનું પાત્ર માધવ (કૃષ્ણ) સતત કેન્દ્ર સ્થાને રહે છે. કૃષ્ણનું પાત્ર વધુ સમય કથાનકના પટ પર આવતું નથી તેમ છતાં સમગ્રપણે કથામાં છવાયેલું રહે છે. અહીંયાં લેખક કૃષ્ણને ભગવાન તરીકે દર્શાવવાને બદલે સામાન્ય માનવી તરીકે પ્રસ્તુત કરે છે. કૃષ્ણનું બહુમુખી વ્યક્તિત્વ લેખક આપણી સમક્ષ રાખે છે. કૃષ્ણ સાથે જેનું નામ જોડાયેલું છે તે પાત્ર બલરામ છે. બલરામ કૃષ્ણનો મોટો ભાઈ એક વીર યોદ્ધા તરીકે અહીંયાં આવે છે. લેખક બલરામ તથા કૃષ્ણ વચ્ચે થતા વિચારભેદને પણ આલેખે છે. પરંતુ લેખક સાથે એ પણ કાળજી રાખે છે કે ભાવક આ વિચારભેદને મનભેદ ના સમજી બેસે. બલરામ કૃષ્ણની જેમ આદર્શ જીવનમાં માનતા નથી તેથી લેખક પણ તેને કન્યા સાથે મદિરાપાન કરતાં દર્શાવે છે. આ ઉપરાંત કંસ, જરાસંઘ, પાંડવો, દુર્યોધન, કર્ણ, શકુની, ઉદ્ધવ, દ્રૌપદી જેવાં પાત્રો પણ ધબકતાં રહીને કથાપ્રવાહને જીવંત રાખે છે. નંદ તથા યશોદાના પાત્રાલેખનમાં પણ લેખક પોતાની પ્રતિભાના દર્શન કરાવે છે. જ્યારે કૃષ્ણ વૃંદાવન છે અને કૃષ્ણ વૃંદાવન છોડી ચાલ્યા જાય છે તે બે પરિસ્થિતિ વચ્ચે નંદ-યશોદાનું પાત્રાલેખન અત્યંત ચોટદાર છે. તો લેખન દેવકીની વ્યથા પણ યોગ્ય રીતે નવલમાં વ્યક્ત કરે છે. પુત્રને જન્મ આપી તેનાથી અલગ થઈ જવાની પીડા દેવકીના મુખે જ જ્યારે નારદ દ્વારિકા ગયા હોય છે ત્યારે વ્યક્ત થાય છે. એક વખત બાલકૃષ્ણ વૃંદાવનમાં કોઈના લગ્ન જોઈ પરણવાની હઠ પકડે છે એ વખતે નંદ પૂછે છે કે ‘તું કોની સાથે પરણીશ?’ ત્યારે કૃષ્ણ ‘રાધા સાથે’ એવો જવાબ આપે છે. આ ક્ષણથી રાધા-કૃષ્ણનું નામ ‘સાથે’ જોડાઈ ગયું છે. આવું રાધાનું પાત્ર પણ લેખક હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. મથુરાની મુદ્રા યમુનામાં પડતું મૂકે છે અને વૃંદાવન આવી રાધાની ઓળખ મેળવે છે તે ઘટના લેખકની કુશળતા સૂચક છે. વૃંદાવન આવી સુખ સાથે કૃષ્ણને પામતી રાધાનો વિરહ સામાન્ય લોકોથી નોખો છે જે યથાર્થ રીતે લેખક પણ આલેખે છે. સમગ્ર નવલકથામાં એક પાત્ર પોતાની છાયામાં બીજાં પાત્રોને ઢાંકી દેતું નથી પરંતુ જુદાં જુદાં પ્રભાવશાળી પાત્રો નવલકથાને જીવંત રાખી ભાવકને કથા તરફ આકર્ષી રાખે છે. આ નવલકથાની વર્ણનરીતિ જાણીતી કૃષ્ણકથાને એક આગવી શૈલીથી ભાવક સમક્ષ પ્રસ્તુત કરે છે. નવલકથાના આકર્ષક વિષયને હરીન્દ્ર દવેની રોચક વર્ણન શૈલી દ્વારા યોગ્ય ન્યાય મળ્યો છે. કૃતિનું ભાવજગત અને પાત્રનાં સૂક્ષ્મ સંવેદનો લેખક ભિન્ન ભિન્ન ભાવચિત્રો દ્વારા આપણી સમક્ષ રાખી આપે છે. નવલકથામાં કૃષ્ણના મથુરા ગયા પછીની વૃંદાવનવાસીઓની વેદના, નંદ-યશોદા તથા રાધાના વિરહમાં આલેખાયેલી વર્ણનરીતિ અત્યંત આકર્ષક છે. લેખક અહીંયાં વ્યક્તિના ભાવજગતને વાતાવરણ સાથે એક કરી આપે છે. જ્યારે નારદ કૃષ્ણના મથુરાગમન પછી વૃંદાવન આવી એક સ્ત્રીને નંદનું ઘર પૂછે છે ત્યારે તે સ્ત્રી જવાબ આપે છે કે, “તમારે નંદનું ઘર શોધવું નહિ પડે. અહીંથી ચાલ્યા જાઓ અને આંસુની ખારી ભીનાશથી પોચી બનેલી આ કેડી જેના આંગણામાં અટકે, એ જ નંદનું ઘર.” લેખક અહીં પાત્રના સંવાદ દ્વારા જ ભાવકને તેની મનોસ્થિતિ સ્પષ્ટ થાય તેવી યોજના કરે છે. કૃષ્ણ વૃંદાવન છોડીને ગયા છે તેથી સૌથી વધુ દુઃખી યશોદા છે. યશોદાના દુઃખનું સામાન્ય વર્ણન કરવાને બદલે લેખક એક સંવાદ વડે જ આખી સ્થિતિ ભાવક સામે મૂકી આપે છે. જેમાં નારદ આવે ત્યારે યશોદાનો સંવાદ છે. : “નારદ, મથુરાથી આવ્યા તો પૂછતાં તો આવવું હતું કે રાણી દેવકીના અંતઃપુરમાં કોઈ દાસીનો ખપ છે કે નહિ?” ગોપકુળના નાયકની પત્ની કૃષ્ણ માટે સુખ-શાંતિ છોડી દાસી બનવા પણ તૈયાર છે આ પ્રસંગથી યશોદાની વેદના યોગ્ય રીતે રજૂ થાય છે. આ સિવાય નવલકથામાં રાધાની વ્યથા દર્શાવવા પણ લેખક આવા જ સંવાદનો ઉપયોગ કરે છે, જેમાં રાધા કહે છે કે ગોવર્ધન પર્વત અમારી માથે પડ્યો હોત તો સારું જેથી આ વિરહના પહાડની અસહ્ય પીડા તો સહન ન કરવી પડે. આ ભાવજગત ઉપરાંત કૃતિમાં યુદ્ધ વર્ણન પણ વાચકોનું ધ્યાન ખેંચે એવું ચોટદાર છે. યુદ્ધ દ્વારા કોઈ એક પક્ષનો વિજય થાય એ તો માત્ર ભ્રમ છે. યુદ્ધમાં ખરો વિજય તો હંમેશાં કાળનો જ થાય છે. આ સંદેશ લેખક કથામાં આવતાં યુદ્ધ વર્ણનથી સરળતાથી વાચકો સુધી પહોંચાડે છે. તો નવલકથાને અંતે વિલાસી અને નિરંકુશ બનેલા યાદવોનું વર્ણન પણ તે આખા પ્રસંગને યાદગાર બનાવે છે. ‘માધવ ક્યાંય નથી’ આ નવલકથાને શ્રેષ્ઠ બનાવવામાં લેખકના પ્રવાહી ગદ્યનું મહત્ત્વનું યોગદાન છે. કોઈપણ નવલકથામાં કથાવસ્તુ, પાત્રો, વર્ણન સાથે ગદ્યનો મેળ બેસવો અત્યંત જરૂરી છે. જો લેખકનું ગદ્ય યોગ્ય ના હોય તો નવલકથા ભાવકને પસંદ આવતી નથી. ‘માધવ ક્યાંય નથી’ નવલકથામાં ગદ્યકાર હરીન્દ્રને ‘કવિ હરીન્દ્ર’ ઘણા કામ આવ્યા છે. લેખકનું કાવ્યત્વ ગદ્યમાં નવો પ્રાણ વહેતો કરે છે. લેખક અહીંયાં ભારેખમ ભાષા પ્રયોગ કે વિવિધ અલંકારનો ઉપયોગ કરતા નથી પરંતુ પોતાને જે કહેવું છે તે લાઘવતાથી સરળ ભાષા વડે વ્યક્ત કરે છે. તો નવલકથાના સંવાદો પણ સ્થૂળ નથી. પણ સંવાદ કથાની સ્થિતિને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવામાં મદદરૂપ સાબિત થાય એવા જીવંત અને માર્મિક છે. લેખક જ્યારે પોતાની નવલકથામાં પૌરાણિક પાત્રો લઈ આવે છે ત્યારે ભાષા પ્રયોગમાં એક સંયમ જાળવવો પડે છે. જો આ પૌરાણિક પાત્રોની ભાષામાં જરૂરથી વધારે પ્રાદેશિકતા પ્રવેશી જાય તો તે પાત્ર કૃત્રિમ લાગે છે. પરંતુ અહીંયાં લેખક પાત્રોની ભાષા સંદર્ભે પૂર્ણ સભાનતાથી કામ કરે છે. તેથી આ નવલકથાની ભાષા વાચકો પર એક વિશિષ્ટ પ્રભાવ પાડે છે. નવલકથાનું શીર્ષક નવલકથાના ચિંતનને રજૂ કરે છે. ‘માધવ ક્યાંય નથી’ શીર્ષકનો સરળ અર્થ તો એવો થાય છે કે નારદ પરિભ્રમણ દરમિયાન માધવ (કૃષ્ણ)ને શોધતા રહે છે, પરંતુ કૃષ્ણ ક્યાંય મળતા નથી એટલે ‘માધવ ક્યાંય નથી’ એવું કહી શકાય. પણ જ્યારે ભાવક આ કથાના ચિંતનને પામે છે ત્યારે ‘માધવ ક્યાંય નથી’ આ શીર્ષકને યોગ્ય રીતે સમજી શકે છે. નવલકથામાં નારદ દરેક કૃષ્ણ-દર્શનની ઝંખના ધરાવતા ભક્તનું પ્રતિનિધિત્વ કરે છે. જે જે વ્યક્તિ સ્થૂળ સ્વરૂપે કૃષ્ણને પામવાની ઇચ્છા ધરાવે છે તેમને માટે તો ‘માધવ ક્યાંય નથી’ પણ જે ખરા અર્થમાં કૃષ્ણને પામવા ઇચ્છે છે તેને કોઈ સ્થૂળ રૂપની ઝંખના નથી, તેમને માટે તો દરેક જગ્યાએ માધવની હાજરી છે. આ વાત દર્શાવવા લેખક નવલકથામાં જ કહે છે, “કૃષ્ણ વ્રજની ગાયોના નેત્રમાં વસે છે, યમુનાના શ્યામ વહેણમાં વસે છે, દ્વારિકાના હૃદયમાં વસે છે, નારદની વીણાનાં કંપનોમાં વસે છે. જો ત્યાં કૃષ્ણ ન હોય તો એ ક્યાંય નથી! અને ત્યાં કૃષ્ણ હોય તો કૃષ્ણ ન હોય એવું સ્થાન કોઈ કાળેય કલ્પી શકાય ખરું?” ઈશ્વર ભક્તિ માટે સૌપ્રથમ તો શરીરરૂપી દુર્ગથી બહાર નીકળવું પડે/મુક્ત થવું પડે. જે આ શરીરરૂપી દુર્ગની બહાર નીકળી શકે છે, તેનું ચિત્ત પરિવર્તન પામે છે અને તે નવું રૂપ પ્રાપ્ત કરી હૃદયથી કૃષ્ણને પામી શકે છે. આ વાત લેખક નવલકથામાં નોકરની પત્ની મુદ્રાના પ્રસંગથી વ્યક્ત કરે છે. મુદ્રા મથુરાના દુર્ગની બહાર નીકળી જાતને પણ ભૂલી જાય છે અને યમુનામાં વહી જાય છે. તેથી તેની રાધાની નવી ઓળખ સાથે કૃષ્ણને પણ પામે છે. આ રીતે કૃષ્ણને પામવા માટેનો નારદનો તલસાટ તીવ્રતા અને ભક્તના હૃદયના નાદનો પડઘો પાડતી આ નવલકથા સર્જક હરીન્દ્ર દવેની યશસ્વી કૃતિ બની રહે છે. તો સાથોસાથ ભાવકોને એક જીવનદર્શન પણ આપે છે. મનુભાઈ પંચોલી ‘દર્શક’ આ કૃતિ વિષે કહે છે : “દરેક રસને તેને ઓપે એવી ભાષા હોય છે તે સર્વસ્વીકૃત વસ્તુ છે પણ તે સર્વસિદ્ધ વસ્તુ નથી. ભાઈ હરીન્દ્રએ ‘માધવ ક્યાંય નથી’માં કેટલાય ઠેકાણે વિરહમાં મિલનના ભાવને દૃઢ કરે તેવી ભાષા સિદ્ધ કરી છે.” ડૉ. રમણ જોશી હરીન્દ્ર દવેના ગદ્ય વિષે નોંધે છે : “હરીન્દ્રનું સાહિત્યિક ગદ્ય સતત સ્તર સાચવે છે. ‘માધવ ક્યાંય નથી’ એ કદાચ આ વરસ (૧૯૭૦)ની શ્રેષ્ઠ નવલકથા છે.”

વેદાંત પુરોહિત
એમ.એ. (અનુસ્નાતક), ગુજરાતી,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૭૯૯૯૫૪૬૩૦૨
Email: vedantpurohit૨૧૧૨@gmail.com