નવલકથાપરિચયકોશ/આશકા માંડલ

Revision as of 02:55, 21 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮૦

‘આશકા માંડલ’ : અશ્વિની ભટ્ટ

– વિપુલ પુરોહિત

પ્રથમ પ્રકાશન વર્ષ ૧૯૭૯, પુનઃમુદ્રણ : ૧૯૮૫, ૧૯૮૭, ૧૯૯૭, ૨૦૦૧, ૨૦૦૭ સંવર્ધિત આવૃત્તિ :૨૦૧૧, પુનઃમુદ્રણ : ૨૦૧૩, ૨૦૧૬ પ્રકાશક : મહેન્દ્ર પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧ અર્પણ : હર્ષિદાને... ભૂમિકા : ‘અશ્વિની ભટ્ટ : લોખંડી વાચકોનો લેખક’ – શેખાદમ આબુવાલા

નવલકથાકારનો પરિચય : અશ્વિની ભટ્ટ (૨૨ જુલાઈ, ૧૯૩૬ – ૧૦ ડિસેમ્બર, ૨૦૧૨) ગુજરાતી ભાષાનાં જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર-અનુવાદક અને પત્રકાર હતાં. શિક્ષણશાસ્ત્રી હરપ્રસાદ ભટ્ટ અને શારદાબેન ભટ્ટને ત્યાં ૨૨ જુલાઈ, ૧૯૩૬ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તેઓ માનસશાસ્ત્રમાં સ્નાતક થયાં હતાં. રંગભૂમિ સાથે તેઓ સીધાં સંકળાયેલા હતાં. બાળકલાકાર તરીકે બંગાળી નાટક બિંદુર છેલ્લે (બિંદુનો કિકો)માં કામ પણ કરેલું. લેખક તરીકે સફળતા મેળવી તે પહેલાં તેમણે અનેક નોકરી-વ્યવસાયો કરી જોયાં હતાં. જેમાં મોટેભાગે તેઓ નિષ્ફળ રહ્યાં હતાં. અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં મૅનેજર તરીકે પણ ઘણાં વર્ષો કામ કર્યું. ધારાવાહિક નવલકથા લેખનમાં તેમને અકલ્પનીય સફળતા મળી અને તેઓ ગુજરાતી ભાષાનાં લોકપ્રિય નવલકથા લેખિક બન્યાં. વર્ષ ૨૦૦૨માં તેઓ અમેરિકા સ્થાયી થયાં અને ૧૦ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ડલ્લાસ, ટેક્સાસ, અમેરિકા ખાતે તેમનું મૃત્યુ થયું હતું. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. લેખક તરીકે તેમની પાસેથી ‘આશકા માંડલ’, ‘લજ્જા સન્યાલ’, ‘નીરજા ભાર્ગવ’, ‘શૈલજા સાગર’, ‘ઓથાર-૧-૨’, ‘ફાંસલો-૧-૨’, ‘આખેટ-૧-૨-૩-’, ‘અંગાર-૧-૨-૩’ અને ‘કટિબંધ-૧-૨-૩’ જેવી લોકપ્રિય કથાઓ મળી છે. તેઓએ ‘રમણભ્રમણ’ અને ‘પરફેક્ટ હસબન્ડ’ નામે બે નાટક લખ્યાં છે. ‘આક્રોશ અને આકાંક્ષા’ નામે નિબંધોનું પુસ્તક પણ તેમની પાસેથી મળ્યું છે. તેમની પાસેથી અનુવાદોનાં પુસ્તકો મોટી સંખ્યામાં મળ્યાં છે. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ‘Freedom at Midnight’ પુસ્તકનો ગુજરાતીમાં ‘અરધી રાતે આઝાદી’ નામે તેમણે કરેલો અનુવાદ ખૂબ જ પ્રસિદ્ધિ અને સ્વીકાર પામ્યો છે. તેમની ‘કટિબંધ’ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઈ હતી. નવલકથાનું કથાનક : ‘આશકા માંડલ’ રહસ્યરંગી સાહસકથા છે. ચારસોને આઠ પૃષ્ઠોના પ્રલંબપટમાં આ કથા નિરુપિત છે. ફ્રાન્સના માર્સેલ્સ નગરથી કથાનો આરંભ થયો છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ગ્રેટ બ્રિટનની સહાયમાં ભારતનાં વિવિધ પ્રાંતના રજવાડાઓમાંથી લશ્કરી ટુકડીઓ યુરોપની ભૂમિ પર લડવા ગઈ છે. ‘વિવાઁ લ હિન્દો’ના નારાથી માર્સેલ્સ નગરની શેરીઓ ગૂંજી રહી છે. યુદ્ધના બે મહિના પછી ઇજિપ્તના મોરચે લડાઈ દરમિયાન હમીરગઢના મહારાજા અને આ કથાના નાયક/કથક સિગાવલના પિતા ઠાકુર વીરભદ્રસિંહનું વીરતાભર્યું મૃત્યુ થાય છે. વીરભદ્રસિંહના મૃતદેહને હમીરગઢ લાવીને રજવાડાંની પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સમગ્ર રાજસ્થાનનાં જુદાં જુદાં રજવાડાંઓના રાજા-મહારાજાઓ કે તેમના પ્રતિનિધિઓ અને કેટલાંય અંગ્રેજ અમલદારો પણ વીરભદ્રસિંહની અંતિમયાત્રામાં આવે છે. એક મહિના સુધી હમીરગઢમાં સૌ શોક પાળે છે. સિગાવલના મોટાભાઈ અનુપસિંહને સાદી ઔપચારિક વિધિથી રાજગાદી સોંપવામાં આવે છે. હમીરગઢ રાજ્યમાં એક મહિના સુધી સતત રાજવહીવટ અને સામાજિક વ્યવહારને લગતી ગતિવિધિઓ ચાલતી રહે છે. પિતાના મૃત્યુના શોક અને સતત પ્રવૃત્ત રહેવાને કારણે સિગાવલ મનની શાંતિ અને એકાંત માટે પોતાની એક બેહદ પસંદ જગ્યા થોરાડની વીડી જવા નીકળે છે. થોરાડની વીડી હમીરગઢથી ત્રીસેક માઈલ દૂર આવેલ એક રણદ્વીપ છે. અંગરક્ષક પ્રીતમસિંહને પણ સાથે રાખ્યા વિના સિગાવલ એકલો જ ઊંટ લઈને નીકળે છે. અહીંથી કથાનું સૂત્ર એક રહસ્ય સાથે આગળ ધપે છે. વર્ષોથી પરિચિત એવી થોરાડની વીડીમાં અકસ્માતે સિગાવલ રણની રેતીમાં દટાયેલ માનવદેહ જૂએ છે. ઝીણવટથી જોતાં સિગાવલને એના શરીરમાં બૂલેટના કાણાં અને અન્ય ચીજવસ્તુઓ પણ જોવા મળે છે. ગળામાં ત્રિશૂળની ચકતીવાળું માદળિયું, ડાબે કાંડે સોનાના પટ્ટાવાળી ઘડિયાળ, જમણા કાંડામાં કડું, કેડે પહેરેલા પટ્ટાના બક્કલ પર ત્રિશૂલનું નિશાન, એક ચામડાની નાની કોથળી અને કટાયેલી એક રાઈફલ – આ બધું જોઈને સિગાવલ થોડો ડરી પણ જાય છે અને વિચારમાં પડી જાય છે કે આ મૃતક વ્યક્તિ કોણ હશે? કોણે એને ગોળીઓ મારી હશે? શું આ મરનાર કોઈ રાજવંશી પુરુષ હશે? બીજે દિવસે વહેલી સવારે સિગાવલ હમીરગઢ પાછો તો ફરે છે પરંતુ થોરાડની વીડીની એ અસાધારણ રાત પછી તો સિગાવલના જીવનમાં અનેક રહસ્યો લઈને વિસ્તરતી રહે છે અને તેની સાથે કથાનું સૂત્ર પણ વણાતું જાય છે. થોરાડની વીડી પરથી લઈ આવેલી વસ્તુઓ જોઇને સિગાવલની ભાભી શ્રીદેવી આશ્ચર્ય અને આઘાત પામે છે. ભાઈ અનુપસિંહ અને ભાભી શ્રીદેવી પાસેથી સિગાવલને જાણવા મળે છે કે આ વસ્તુઓ જે હાડપિંજર પરથી તેને મળી છે તે વ્યક્તિ શરનસિંહ માંડલ હોઈ શકે. શરનસિંહ માંડલ એક અનેરો નરબંકો હતો. શ્રીદેવીનો સગ્ગો મામો થાય. અંગ્રેજી સરકારે તેના માથા સાટે બે લાખ રૂપિયા અને દસ ગામની જાગીરનું ઇનામ જાહેર કરેલું. સિગાવલે જોયેલું હાડપિંજર શરનસિંહ માંડલનું જ છે અને આ વસ્તુઓ પણ બધી તેની જ છે તેવું કથાનું આ પહેલું રહસ્ય હજી તો ઉકેલાય ત્યાં તો હમીરગઢના રાજમહેલમાં આવેલા ગ્રંથાલયમાં ગ્રંથપાલ સખીરામને મારવા કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવે છે. એ સમયે અચાનક જ સિગાવલ ત્યાં આવી ચડે છે અને હુમલાખોર નાસી જાય છે. સખીરામને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં તેને ઝેર આપી મારી નાખનાર નર્સ રમોના જેકબનું પણ કરપીણ રીતે ખૂન થઈ જાય છે. આમ, શરનસિંહ માંડલના મૃત્યુનું રહસ્ય ઉઘડે એ પહેલાં તો કથામાં બીજાં બે ખૂનનાં રહસ્યો રચીને લેખકે કથાના પોતને મજબૂત વણાટ આપ્યો છે. હમીરગઢ સ્ટેટમાં બે બે ખૂન થાય અને આખા રેગિસ્તાનમાં બાહોશ પોલીસ અધિકારી તરીકે જાણીતો રત્નસિંહ પણ ખૂનીના કોઈ સગડ મેળવી ન શકે તે વાત સિગાવલને વિચિત્ર લાગે છે. મરતી વેળાએ સખીરામના મુખેથી નીકળેલા ‘આશકા... આશકા...’ એવા શબ્દો વળી એક નવું રહસ્ય રચે છે. સખીરામની પત્ની જમના પાસેથી સિગાવલ અને શ્રીદેવીને રહસ્યની કેટલીક કડીઓ મળે છે. શરનસિંહ માંડલ અને તેની દીકરી આશકા માંડલના સખીરામ સાથેના પરિચય ઉપરાંત શરનસિંહ ઠાકુરના જીવન અને આશકાના જન્મ વિશેની પણ વાતો જમના કહે છે. શરનસિંહ અને આશકા જમનાના ઘેર સખીરામને મળવા આવતાં એ જાણીને પણ સિગાવલ આશ્ચર્ય અનુભવે છે. સખીરામનું ખૂન કોઈ ગુપ્ત દસ્તાવેજ કે જાણકારી મેળવવા થયું હોવાનું સિગાવલ અનુમાન કરે છે. સખીરામના ઘરની તલાશી લઈ કંઈ વધુ વિગતો સિગાવલ મેળવે એ પહેલાં તો જમનાનું અપહરણ થઈ જાય છે. તેને છોડાવવા અપહરણકારોની પાછળ જતાં સિગાવલને પણ બેહોશ કરી પકડી લેવામાં આવે છે. આમ, કથામાં એક પછી એક નવાં નવાં રહસ્યો ઉમેરાતાં જાય છે. ઉત્તરાર્ધમાં કથા થોડા વધુ વેગમાં આગળ ધપે છે. શરનસિંહ માંડલની દીકરી આશકા માંડલના પ્રવેશ સાથે કથાની ધરી પણ બદલાય છે. નાનાસાહેબ પેશ્વાના કિમતી ખજાનાને શોધવા નીકળેલા ધનના લોભી અંગ્રેજ અફસરો, તેમનાં કુટિલ ષડ્યંત્રો, શરનસિંહના સાથીદારો, જશવંતસિંહ અને તેના સાથીઓ, સિગાવલ અને તેના શુભેચ્છકો સંઘારી તોડા સુધી કેવા સંઘર્ષ વેઠીને પહોંચે તો છે પરતું કેપ્ટન બેરિમૂરના પાગલપનને કારણે ભયંકર મુસીબતમાં સૌ કોઈ મુકાઈ જાય છે. ચંદર ઝાલોટના વેશમાં અનૂપસિંહનું પરાક્રમ અદ્ભુત છે. આશકા અને સિગાવલનું પરસ્પરનું ખેંચાણ અને પૂરણસિંહની આશકા માટેની ચાહત પણ આ કથાને એક રોમાંચક રંગ આપે છે. કથાને અંતે મોટાભાગનાં રહસ્યો તો ખૂલે છે પરંતુ છતાં ય ખજાના અને શરનસિંહ માંડલ વિશેનું રહસ્ય તો ભેદભરમ સાથે અકબંધ જ રહે છે. નવલકથાની લેખન પદ્ધતિ : ‘આશકા માંડલ’ નવલકથાની લેખન પદ્ધતિ પ્રથમ પુરુષ એકવચનની કથન રીતિ છે. સમગ્ર કથા સિગાવલ ઠાકુરના મુખેથી કહેવાઈ છે. કથાનો નાયક જ કથાનો કથક હોવાને કારણે લેખકને કથાને પ્રતીતિકર બનાવવામાં સહાય મળી છે. કથાનાં બધાં જ પ્રસંગો, પરિસ્થિતઓનું વર્ણન-આલેખન સિગાવલના દૃષ્ટિકોણથી થયું છે એટલે દીર્ઘસૂત્રી હોવા છતાં કથાના લગભગ દરેક તંતુ જોડાઈ રહ્યા છે. કથામાં રહસ્યો રચવા અને ઉકેલવામાં આ આત્મકથનાત્મક નિરૂપણ રીતિ ઠીક ઠીક સફળ રહી છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરતાં ઘટક તત્ત્વોની કાર્યસાધકતા : ‘આશકા માંડલ’ની લોકપ્રિયતા અને અશ્વિની ભટ્ટની સર્જકતાને સિદ્ધ કરતાં ઘટક તત્ત્વો એકાધિક છે. સડસડાટ નદીના પૂરની જેમ વણથંભ્યો વહ્યે જતો કથાપ્રવાહ આ નવલકથાની પહેલી મહત્ત્વની સિદ્ધિ છે. સતત આંચકાઓ અને આશ્ચર્યો રચીને લેખક આ નવલકથાને રસવાહી બનાવવામાં સફળ રહ્યાં છે. ‘આશકા માંડલ’ની બીજી વિશેષતા તેમાં નિરૂપિત પાત્રોના પ્રભાવક ચિત્રણનું છે. નાયિકા આશકા અને નાયક સિગાવલનાં ચરિત્રોની વિશિષ્ટતા તો ભાવકને સ્પર્શે જ છે પરંતુ સાથોસાથ અનૂપસિંહ/ચંદર ઝાલોટ, શ્રીદેવી, કર્નલ હન્ટ, કેપ્ટન બેરીમૂર, સાન્દ્રા, જશવંતસિંહ, પૃથ્વીસિંહ, પૂરણસિંહ જેવાં કથાનાં વાહક પાત્રો પણ લેખકની કલમે વિવિધ રંગ-રેખાઓ સાથે ઊઘડી આવ્યાં છે. મહારાજા વીરભદ્રસિંહ, ઠાકુર શરનસિંહ માંડલ, તેના પિતા શૂરજિતસિંહ, ગ્રંથપાલ સખીરામ, તેની પત્ની જમના, જેસો, પોલીસ અધિકારી રત્નસિંહ, સિગાવલનો વિશ્વાસુ પ્રીતમસિંહ જેવાં પાત્રો પણ આ કથામાં પોતાના ભાગની ભૂમિકા ભજવીને વાચકોના હૃદયમાં સ્થાન મેળવી લે છે. આ નવલકથાની ત્રીજી અગત્યની વિશેષતા તેનો પરિવેશ છે. રાજસ્થાનના દુર્ગમ રેગિસ્તાનની પશ્ચાદ્ભૂમાં આ કથા રસમય રીતે આલેખિત થઈ છે. થોરાડની વીડીથી શરૂ કરીને સંઘારી તોડાની ક્ષિતિજો સુધી વિસ્તરેલી આ કથા હમીરગઢ, કારોલી, સોને કા ગુર્જા પાસેનો ડાક બંગલો, ચંબલનાં બિહડો, ખત્રપ, બરાબલોચ વગેરે જુદાં જુદાં સ્થળ વિશેષોમાં અવનવાં રહસ્યો ગૂંથતી-ઉકેલતી વહેતી રહે છે. સ્થળ અને સમયનાં પરિમાણોમાં કથાનક અને ચરિત્રોની પ્રભાવતા સ-રસ અને સર્જનાત્મક રીતે આકારિત થઈ છે. પ્રસંગો, પરિસ્થિતિઓ, પાત્રો અને વિશેષ તો સ્થળોનાં – ખાસ કરીને રેગિસ્તાનના રણપ્રદેશના જીવંત અને તાદૃશ્ય વર્ણનો ‘આશકા માંડલ’ની વિશેષ સિદ્ધિ છે. વીર, અદ્ભુત અને શૃંગાર રસથી સભર આ કથા વાચકોને જકડી રાખવાના લગભગ બધા જ ગુણો ધરાવે છે. નવલકથાનો પ્રકાર : ‘આશકા માંડલ’ એક રહસ્યપ્રધાન સાહસકથા છે. રેગિસ્તાનના નિર્જન રણપ્રદેશમાં છુપાયેલા નાનાસાહેબ પેશ્વાના કરોડો રૂપિયાના કિંમતી ખજાનાને પ્રાપ્ત કરવા સિગાવલ, ધન લોભી અંગ્રેજ કર્નલ હન્ટ, પીટર બેરીમૂર, જશવંતસિંહ અને તેના સાથીદારો, શરનસિહના વિશ્વાસુ સાથીદારો – એમ સૌ મળીને ભયંકર રણની વચ્ચે આવેલી સંઘારી તોડા નામની જગાએ અનેક મુસીબતો વેઠીને પહોંચે તો છે પરંતુ તેમના હાથમાં ખજાનો આવવાને બદલે પાગલ પીટર બેરીમૂરને કારણે એ જગા જ નાશ પામે છે અને તેની સાથે ખજાનો પણ રણની રેતમાં વિલીન થઈ જાય છે. રહસ્ય સાથે શરૂ થયેલી કથા વધુ થોડાં રહસ્યો સાથે વિરમે છે. ‘આશકા માંડલ’ વિશે રઘુવીર ચૌધરી  : ‘શ્રી અશ્વિની ભટ્ટે આ નવલકથામાં જે નાની નાની અસંખ્ય વિગતોનો ઉપયોગ કર્યો છે, એમની ચકાસણી કરવા માટે તો બે-ત્રણ મહિના જોઈએ. પણ લડાઈની સામગ્રી અને દાવપેચની વિગતો, રાજસ્થાનની ભૂગોળ, ઊંટ અને ઘોડાની શક્તિઓ અને આદતો, રણની રેતી અને પવનની ભયંકર રમ્ય સૃષ્ટિ – આ બધું એમણે જાતતપાસથી લખ્યું લાગે છે... અશ્વિની ભટ્ટ મનોવિજ્ઞાનના અભ્યાસી લાગે છે. કેટલાક શબ્દપ્રયોગો પણ એની સાક્ષી પૂરે છે.’ (પૃ. ૪૮૭, ‘ગુજરાતી નવલકથા’ નવી સંશોધિત આવૃત્તિ, વર્ષ-૧૯૯૧) ‘આશકા માંડલ’ અશ્વિની ભટ્ટની કીર્તિદા નવલકથા છે. ગુજરાતી લોકપ્રિય નવલકથાઓના ઇતિહાસમાં અશ્વિની ભટ્ટનું નામ સુવર્ણ પ્રકરણ બનીને આજે ય ઝળહળે છે.

સંદર્ભ : ૧. ચંદારાણા, કિશોરી. ‘નવલકથાકારો :૨’, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ - ૮ (ખંડઃ ૨, પૃ. ૯૩-૯૬) ૨. ચૌધરી, રઘુવીર. ‘આશકા માંડલ અને ઓથાર’, ‘ગુજરાતી નવલકથા’ પૃ. ૪૮૬-૪૮૮, આવૃત્તિ ૧૯૯૧ ૩. ઉર્વિશ કોઠારીનાં લેખોનો સમૂહ (ઇન્ટરનેટ પરથી) ૪. અશ્વિની ભટ્ટની ચિરવિદાયઃ જીવંત રહેશે દિલમાં- બિરેન કોઠારી (ઇન્ટરનેટ પરથી) ૫. Ashwini Bhatt - YouTube

ડૉ. વિપુલ પુરોહિત
એસોસિયેટ પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
વિવેચક, સંપાદક, સંશોધક
મો. ૯૧૦૬૫૦૬૦૯૪
Email: v૧૩purohit@gmail.com