નવલકથાપરિચયકોશ/પ્રેમ એક પૂજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૯

‘પ્રેમ એક પૂજા’ : ભૂપત વડોદરિયા

– હીરેન્દ્ર પંડ્યા
Prem aek puja.jpg

(‘પ્રેમ એક પૂજા’, પ્ર. આ. ૧૯૭૮, બી. આ.૧૯૮૪, પુનર્મુદ્રણ : ૨૦૦૧) સર્જક પરિચય : નવલકથાકાર, નિબંધકાર, વાર્તાકાર અને પત્રકાર ભૂપત વડોદરિયાનો જન્મ પાળિયાદ, ધ્રાંગધ્રામાં (જન્મ : ૧૯-૦૨-૧૯૨૯ – મૃત્યુ : ૦૪-૧૦-૨૦૧૧) થયો હતો. ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન થતાં માતા ચતુરાબેને ઉછેર કર્યો. ૧૯૫૫થી ‘ફૂલછાબ’ના મુખ્ય તંત્રી. ‘સંદેશ’માં ન્યૂઝ એડિટર અને ‘ગુજરાત સમાચાર’માં સહાયક તંત્રી તરીકેની કામગીરી. ગુજરાત સરકારમાં (૧૯૮૨થી ૧૯૮૬) માહિતી નિયામક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ. ‘અંતરનાં રૂપ’, ‘નહીં સુખ, નહીં દુઃખ’, ‘અજાણી રેખાઓ’, ‘મનનાં મૃગજળ’ (વાર્તાસંગ્રહો); ‘પરખ’ (વિવેચન), ‘દર્પણ’, ‘લગ્નમંગલ’ (લગ્નવિષયક ગ્રંથ), ‘જાગરણ’, ‘પંચામૃત’, ‘વહાલી-વસમી જિંદગી’, ‘જિંદગી એક મિજાજ’, ‘જિંદગી એક સફર’ આદિ ચિંતનાત્મક નિબંધસંગ્રહો તેમની પાસેથી મળે છે. ‘અખંડ પ્રેમ’, ‘અંતરદેવતા’, ‘એક નઠારી છોકરી’, ‘સ્વપ્નપંખી’, ‘આંખમાં કંકુ, કપાળે કાજળ’, ‘ભીનાં એકાંત’, ‘તેં મારામાં શું જોયું?’, ‘સાગર શોધે સંગમ’, ‘કાંચનમૃગ’, ‘હિમશિખા’, ‘પ્રેમ પંખીડાં ઊડે ગગનમાં’, ‘અકબંધ સંબંધ’, ‘પ્રીત હસાવે, પ્રીત રડાવે’, ‘બીજું યૌવન’ જેવી ત્રીસેક નવલકથા તેમની પાસેથી મળે છે. કૃતિ પરિચય : ‘પ્રેમ એક પૂજા’ નવલકથા સૌપ્રથમ ‘ગુજરાત સમાચાર’માં હપ્તાવાર પ્રગટ થઈ. ત્યારબાદ ઈ. સ. ૧૯૭૮માં પુસ્તકરૂપે પ્રગટ થઈ. ઈ. સ. ૨૦૦૧માં નવભારત સાહિત્ય મંદિરે તેનું પુનઃમુદ્રણ કર્યું. ‘આચમન’ શીર્ષકથી જાણીતા સર્જક મોહમ્મદ માંકડે કૃતિની પ્રસ્તાવના લખી છે. સર્જકે નવલકથા ચંદ્રકાંત બક્ષીને અર્પણ કરી છે. નવલકથાનાં પૃષ્ઠ ૧૦૬ છે. પ્રથમ પુરુષનું કથનકેન્દ્ર ધરાવતી આ નવલકથામાં ૧૯ પ્રકરણ છે. મુનલાઈટ વાયર ફેક્ટરીના માલિક મનોહરલાલની પ્રથમ મૃત્યુતિથિના દિવસે તેમનો પુત્ર નાનુ પિતાના અવસાનની અંતિમ ક્ષણો યાદ કરતો બેઠો છે ત્યાંથી કૃતિનો આરંભ થાય છે. કથક નાનુ પિતાના, મીના અને પોતાની માતા મધુબેન સાથેના સંબંધો વિશે સ્વર્ગસ્થ પિતા અને મીનાના દૃષ્ટિકોણથી વિચારતો દર્શાવ્યો છે. તેથી અહીં ‘હું’નું કથનકેન્દ્ર હોવા છતાં કેન્દ્રમાં નાનુ નહીં, પરંતુ પિતાની પ્રેયસી મીના છે. સાથે જ મીનાના અપમાનની એક પણ તક જતી ન કરતી, મીના તરફ ઈર્ષા, ક્રોધ અને દ્વેષથી જ વિચારતી, વર્તતી નાનુની મા મધુબેન છે. ત્રીજું અગત્યનું સ્ત્રી પાત્ર તે નાનુની પત્ની સંધ્યા છે. એ રીતે અહીં નાનુના ચિત્તમાં ઝિલાયેલ પિતા અને મીનાના સંબંધો, મધુબેન અને મીનાની છબિ રજૂ થાય એ રીતે કથા કહેવાઈ છે. બાવીસ વર્ષનો નાનુ ૧૨ વર્ષનો કિશોર હતો ત્યારે પિતા તેને મીના પાસે લઈ ગયા હતા. ૨૮ વર્ષની મીના અને ૫૦ વર્ષના પિતા વચ્ચેનો સામાજિક રીતે અનૈતિક એવો પણ આત્મિક રીતે પ્રગાઢ અને અગાધ સ્નેહસંબંધ પુત્ર જુએ છે. મરતા પિતા એક જ માંગણી નાનુ સમક્ષ મૂકે છે કે, ‘ન કરે નારાયણ ને હું ના ઊઠું તો મીનાનું ધ્યાન રાખજે! તારી માતાને તું જે માન આપે છે, તે જ માન એને આપજે. તેના સન્માનમાં કશી કચાશ રાખીશ નહીં.’ મીનાએ પિતા પાસેથી ક્યારેય એક પૈસો લીધો નથી. પિતાના અવસાન પછી મીના તેમની એક મોટી છબી બેડરૂમમાં રાખી રોજ પૂજા કરે છે. ચા પીવાનું છોડી દે છે અને નાનુને સગી માથી વધારે સ્નેહ કરે છે. તેની સ્વભાવ સહજ ઉદાત્તતા મધુબેન સ્વીકારતાં નથી. તેમને મન તો મીના પિતા પર જાદુ કરનારી, તેમનો સંસાર ભાંગનારી, પિતાના પૈસે તાગડધિન્ના કરનારી કુલટા છે. નાનુનાં લગ્ન પછી સંધ્યા પણ નાનુ પરનો પોતાનો સંપૂર્ણ અધિકાર સ્થાપિત કરવા મધુબેનની જેમ મીના સામે મોરચો માંડી દે છે. સંધ્યાને કસુવાવડ થાય ત્યારે મધુબેન તરત નાનુના બીજા લગ્નની વાત કરવા માંડે છે અને મીના એ સમયે સંધ્યાની પડખે રહે છે તે પ્રસંગથી સંધ્યાનું માનસ પરિવર્તન થાય છે. ચંપાબેનની પુત્રી રમા સાથે નાનુના બીજા લગ્નની મા જીદ કરે અને બીજી તરફ મીના સંધ્યાને (નાનુને હવાફેરનું બહાનું કરીને) લંડન સારવાર માટે લઈ જાય. લંડનથી પરત ફરેલી મીના, સંધ્યા અને સ્ત્રી-રોગ નિષ્ણાત ડૉ. કિશનને જોઈ નાનુ ખુશ થાય. એ થોડો રમા બાજુ ઝૂકે છે પણ ખરો પરંતુ મીનાના પ્રભાવે અટકે. આ તરફ ફેક્ટરીમાં પૈસાનો પ્રશ્ન ઊભો થતાં મધુબેન પૈસા આપવાની ચોખ્ખી ના પાડે અને સંધ્યાના પિતા પાસે માંગવાનું સૂચન કરે. કિશનને મીના સાથે છૂટથી ભળતો જોઈ નાનુ મનોમન દાઝે બળે. રમા પણ મીનાની જોડે રહે. મીના, રમા કે સંધ્યા કશી વાત નાનુને ન કરે. મીના નાનુને ફેક્ટરી માટે રૂપિયા આપે, અંતે ખબર પડે કે સંધ્યાની સારવાર થઈ હોવાથી તે હવે માતા બની શકશે. કિશનના નિર્વ્યાજ સ્નેહના લીધે મીના તેની સાથે લગ્ન કરવા તૈયાર હોય તેવો નાનુને વહેમ જાય. મીના સોળ શણગાર સજી મનોહરલાલની છબી સામે જ પ્રાણત્યાગ કરે છે. મૃત્યુ પછીના મીનાના પત્ર વડે મીનાની લાગણીઓ સર્જકે આલેખી છે. તેમાં મનોહરલાલ માટેનો અગાધ સ્નેહ અને નાનુ-સંધ્યા, રમા અને કિશન તથા મધુબેન માટેનો પ્રેમ વાચકની આંખ ભીની કરે છે. મીનાની અંતિમ ઇચ્છા મધુબેન તેમના હાથે મીનાના મૃતદેહને સાડી પહેરાવે તેવી છે. કિશન રમા સાથે લગ્ન કરી લે તેમ તે પત્રમાં લખે છે. અંતિમ પ્રકરણમાં મધુબેન મીનાએ બનાવડાવેલી મનોહરલાલની પ્રતિમામાં સહેજ સુધારો કરીને (મીનાની પ્રતિમા પણ સાથે જ કોતરાવીને) ફેક્ટરીમાં મુકાવવાનો નિર્ણય લે છે. સગર્ભા સંધ્યા, નાનુ અને મધુબેનની યાદમાં મીના રહે છે ત્યાં કૃતિ પૂરી થાય છે. પાત્રોની વાત કરીએ તો, મીના અને મધુબેનનાં પાત્રો મહત્ત્વપૂર્ણ છે. મધુબેનની પોતાને જ કેન્દ્રમાં રાખીને વિચારવાની રીતિ, સતત અસંતોષ અને બધાં માટે ફરિયાદ – વિશેષ તો મીના અને સ્વર્ગીય પતિ માટેની – વિષભરી વાણીની સામે મીનાની હંમેશાં બીજાની લાગણી સમજીને વર્તવાની રીત, બધા માટે સ્નેહ અને લાગણીથી – વિશેષ નાનુ અને સંધ્યા માટે – છલકાતી વાણીનો વિરોધાભાસ બંનેનાં ભિન્ન વ્યક્તિત્વને સરસ રીતે ઉપસાવે છે. મોહમ્મદ માંકડ નોંધે છે કે, ‘મીનાનું સર્જન એવી સલુકાઈપૂર્વક અને લાઘવપૂર્વક થયું છે કે, તેમાં થોડી પણ ભદ્દી રેખાઓ ઉમેરાય તો એ કૃત્રિમ બની ગયા વિના ન રહે. મૃત પ્રેમી પાછળ એ જે રીતે વર્તે છે, એમાં વિચિત્રતા હોવા છતાં એ વિચિત્રતા નહિ રહેતાં એક વિશિષ્ટતા બની જાય છે... મીનાનું પાત્રાલેખન જેવું જોખમી છે, એવું જ જોખમી કામ છે મૃત પુરુષની પત્ની મધુબહેનના પાત્રાલેખનનું – અને વાર્તા કહેનાર મધુબહેનનો પુત્ર હોય ત્યારે તો ખાસ. મીના અને મધુબહેન તો પોતપોતાની રીતે વાચકના મનને પૂરેપૂરું જકડી લે છે અને દિલને વલોવી નાંખે છે.’ મીના વિશે બધું જાણવા છતાં નાનુ ક્યાંક અણછાજતું વર્તન કે વિચાર કરી બેસે ત્યાં સર્જકની મર્યાદા દેખાય છે. નાનુ જેવો સમજદાર અને સંવેદનશીલ યુવક સતત આવું વર્તન કરે ત્યાં તેના પાત્રની રેખાઓ ધૂંધળી બને છે. મીનાના વ્યક્તિત્વની ઉદાત્તતા ગાઢા રંગે દર્શાવવા જતા સર્જક નાનુને અન્યાય કરી બેસે છે. મધુબેન, સંધ્યાનં. માનસપરિવર્તન સહજ સ્વાભાવિક રીતિએ થયું છે. રમાની સમજદારી અને કિશનની ઉદારતા સ્પર્શી જાય છે. કૃતિમાં કેટલાક સંવાદોમાં સરળ શબ્દોમાં સહજ ઊંડાણ જોવા મળે છે. જેમ કે, ‘ગરીબ માણસોનાં નાતજાત પણ ઘસાઈ-ભૂંસાઈ જતાં હોય છે.’ ‘ઓલાદ માટે પશુઓના સોદા થાય છે, માણસોના નહિ.’ ‘સ્ત્રીઓ લાગણીથી માંદી પડે છે અને લાગણીથી સાજી થાય છે.’ ‘સૌભાગ્ય વહેંચવા બે સ્ત્રી ઝઘડે છે – વૈધવ્ય વહેંચવા બે સ્ત્રીઓ ઝઘડતી નથી હોતી.’ કૃતિમાં મનોહરલાલનો પત્ર અને મીનાના મનોહરલાલ તેમજ નાનુને સંબોધીને લખાયેલા પત્રોની ભાષા પણ ધ્યાન ખેંચે છે. આ પત્રોના લીધે સર્જક મીનાના અંતઃકરણને, તેની પીડાને, પ્રેમને મીનાની જ વાણીમાં ઉતારી શક્યા છે. કથક નાનુ મીનાના હૃદયના આ ઊંડાણમાં આટલો ઊંડો પ્રવેશતો દર્શાવત તો કૃતિ નબળી બની જાત. સાથે પત્રની પ્રયુક્તિથી કથનકેન્દ્ર બદલાવાથી કૃતિમાં એકવિધતા ટાળી શકાઈ છે. દ્વેષની પ્રતિમાસરીખી મધુબેનની સામે પ્રેમની મુરત સમાન મીનાના પાત્રનો વિરોધાભાસ તથા પ્રેમના નાજુક, મસૃણ સંવેદનની એવી જ નજાકતભરી અને તાજગીભરી રજૂઆત કરતી ભાષાને લીધે ‘પ્રેમ એક પૂજા’ પ્રેમનું સંવેદન પ્રગટાવતી નોંધપાત્ર નવલકથા બની રહે છે.

હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર
Email: hirendrapandya@gmail.com