નવલકથાપરિચયકોશ/ચિહ્ન

Revision as of 03:00, 21 December 2023 by Meghdhanu (talk | contribs)
૮૨

‘ચિહ્ન’ : ધીરેન્દ્ર મહેતા

– દર્શના ધોળકિયા

આઠમા દાયકામાં જે કેટલીક નવલકથાઓ સહૃદય ભાવકોએ પ્રમાણી છે, તેને જે રીતનો પ્રતિસાદ મળ્યો છે એવી કેટલીક નોંધપાત્ર કૃતિઓમાં ડૉ. ધીરેન્દ્ર મહેતાકૃત ‘ચિહ્ન’નો પણ સમાવેશ થાય છે. ‘વલય’થી નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રવેશેલા ધીરેન્દ્ર મહેતાનું ગુજરાતીના સમર્થ સર્જક તરીકે સંસ્થાપન તો થયું ‘ચિહ્ન’થી. એ કૃતિમાં લેખકને પણ ‘કથન’માં નહીં, ‘સર્જન’માં રસ હતો. આ સભાનતાને કા૨ણે કૃતિના અપંગ નાયક ઉદયનો અનુભવ લેખકનો સ્વાનુભવ હોવા છતાં આ કૃતિ આત્મકથા બનતાં અટકી. પ્રકૃતિએ અત્યંત સંવેદનપટુ ઉદયની વાત કૃતિના આરંભે પ્રવેશક દ્વારા કરીને લેખકે નાયક સાથેના સંબંધનો તંતુ તોડી નાખ્યો છે. આ કૃતિ ત્રણ ખંડમાં વહેંચાઈ છે : પ્રથમ ખંડમાં ઉદયનો બાલ્યકાળ, દ્વિતીય ખંડમાં સારવાર દરમ્યાન ઉદયની હૉસ્પિટલ રહેણાક ને ત્રીજા ખંડમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અધ્યાપક બનતો અને અમલા, ઋતુ જેવી તરુણીઓ સાથે સંબંધાતો ઉદય. “વિકલ્પ હોય તોપણ હું કંઈ મારું અપંગપણું દૂર કરવાનું માગું નહીં’ કહેતો ટટ્ટાર ઊભેલો ઉદય ભાવકના ચિત્તમાં વિષાદ વાવે છે તે ક્રમશઃ ઉછેરે છે. અપંગત્વે આપેલા કારમા અનુભવોને વેઠતો રહેતો ઉદય અ-ગતિથી ગતિની યાત્રા કરતો રહ્યો છે. ‘કૃતિનો વર્ણ્યવિષય તેની તાજગીભરી કથનશૈલીને લઈને પ્રભાવક બને છે.’ એવાં પ્રમોદકુમાર પટેલનાં નિરીક્ષણનાં અનેક દૃષ્ટાંતો સાક્ષી પૂરે છે. આ કૃતિને નવલકથાના સંદર્ભે કથા, પાત્રો કે રસ, ભાવસ્થિતિ-વગેરેની દૃષ્ટિએ જોવા જતાં એવું બને કે આમાંનું કશું આપણને ન સાંપડે, કારણ કે ઉદયની વાત ‘કથા’ નથી, અનુભવ છે. આખી કૃતિમાં ઉદય ભાગ્યે જ બોલ્યો છે. ઉદય પાસે એક જ ઇન્દ્રિય છે- અનુભવના સંવેદનને ઝીલતી છઠ્ઠી ઇન્દ્રિય. આથી જ એ માત્ર સંવેદે છે. એનું સંવેદન એટલું તો તીવ્ર છે કે દરેક પૃષ્ઠની પંક્તિઓમાં વિષાદનો ઝીણો લાગતો રવ કૃતિને અંતે વાચકની રગેરગમાં ઊતરીને વવાઈ જાય છે ને કૃતિ જાણે કે વિષાદનું વાવેતર કરનારી બની રહે છે - ભાવક માટે ઉદયની સંવેદના વિષાદસિક્ત છે ને ઉદય માટે વેદનાસિક્ત. આથી નાયક ઊંચકાઈ જાય છે. વેદનાને ઉદયે ગાઢ રીતે પોતામાંથી પસાર થવા દીધી છે. તેનું તાટસ્થ્ય એને પંગુ બનાવવાને બદલે જીવનાભિમુખ બનાવે છે. ઉદયના પાત્રનું આ ચરિત્રીકરણ છે. એ એટલું તો સહજ રીતે નીવડી આવ્યું છે કે એમાં આદર્શીકરણની સહેજ પણ છાંટ ન વરતાય. અપંગાવસ્થાના પ્રથમ તબક્કામાંથી પસાર થતો ઉદય આરંભે થોડો વિદ્રોહી જણાય ખરો. હૉસ્પિટલમાં ખોરાક લેવાની ના પાડતો ઉદય, આન્ટીની હાજરીમાં હૉસ્પિટલનું પાણી ન પીને આન્ટીની વોટરબેગનું જ પાણી પીતો ઉદય, ઘોડાગાડીમાં જાતને અસાધારણ રીતે ઊંચકવાનો શ્રમ કરીને આગળ બેસવાનો આગ્રહ સેવતો ઉદય, મિત્રો પાસેથી એણે મેળવેલું ‘જિદ્દી’નું વિશેષણ સાચું ઠેરવતો લાગે. પણ આ આગ્રહીપણું સામેની વ્યક્તિઓની સહાનુભૂતિને કારણે જન્મ્યું છે. ઉદયની અપંગ સ્થિતિ દેખાઈ આવે એવી અણિયાળી ન હોવા છતાં કોઈ એને શા માટે અપંગ તરીકે જુએ છે એ જ વાત ઉદયને સમજાતી નથી. આ પ્રશ્ન એને મૂંઝવે છે ને છંછેડે પણ છે. એનો અભિનિવેશ લોકો સામેની આવી તીવ્ર પ્રતિક્રિયામાંથી જન્મેલો હોઈ, માત્ર અભિનિવેશ જ રહે છે, જોકે લોકોએ કદાચ એને ઘમંડ માન્યો છે. એની વેદના વિદ્રોહમાંથી નહીં, વિષાદમાંથી જન્મી છે. ઉદય જાતે વાચાળ નથી પણ એનો અનુભવ ક્રમશઃ મુખર બનતો રહીને ભાવકના ચિત્તમાં વિષાદ વાવે છે ને ઉછેરે છે. કૃતિના આરંભે, અપંગ થવાની ક્ષણ આ રીતે ઝિલાઈ છે : ‘તાવમાંથી ઊઠ્યા પછી એ મા સામું જોઈને ઊભો થવા ગયો. કૃશ થઈ ગયેલા પગ એનો ભાર ઝીલી શક્યા નહીં ને એ સીધો માના ખભા પર તૂટી પડ્યો. માને પોતા પર ઇમારત તૂટી પડ્યાનો અનુભવ થયો.’ કૃતિના પ્રથમ ખંડ ‘પ્રથમ ચિહ્ન’નું આ પહેલું વિષાદ ચિહ્ન. ગતિના અભાવની તીવ્રતા ઉદયના શાળાના અનુભવમાં વ્યક્ત થઈ છે. શાળાના મિત્રોના નાચતા પગ એને સતત દેખાય છે. એ પગ જાણે આકાશ વીંધીને ધરતીમાં ઊતરે છે. છોકરાઓએ ઉડાડેલી ધૂળથી લીંપાઈને આનંદિત થતો ઉદય ભાવકને વ્યથિત કરવામાં પૂરી સફળતા મેળવે છે. પિતાએ લાવી આપેલી ગાડીથી પોતે પણ ગતિશીલ રહી શકે છે ને બીજાને પણ ગતિશીલ રાખી શકે છે એવા નક્કર આત્મવિશ્વાસ સાથે ઉદયને મળેલો ચરણનો આભાસ એના માટે તો ચરણનો પર્યાય બને છે ને વ્હીલ ચેર ઉદયનું પ્રથમ ચિહ્ન બને છે. દ્વિતીય ખંડના આરંભે આન્ટી સાથે હૉસ્પિટલમાં પ્રવેશતાં આન્ટીએ જોયેલું દૃશ્ય આન્ટીના જ શબ્દોમાં આ રીતે વ્યક્ત થયું છે જે કદાચ ઉદયનું ભવિષ્ય સૂચવે છે : ‘એક કિશોરની ઘોડી ઢાળ ઊતરી રહી હતી. લાગતું હતું જાણે ધરતી નીચે નમીને એને ઢાળ ઉતારી રહી છે.” બાળપણની એકલતા કરતાં પણ ચડે એવી એકલતા હૉસ્પિટલના ખંડમાં ઉદયને ઘેરી વળે છે. પહેલાં તો લાગતું હતું કે સૃષ્ટિને ઓળંગી શકાશે. તેને બદલે તો સૃષ્ટિ સાંકડી થતી થતી પલંગ સુધી આવી ગઈ! વેદનાનો, કસકનો ગાઢ અનુભવ કરતો ઉદય, નર્સને પોતામાં વેદના વાવવા કહે છે. બબ્બે ઓપરેશન પછી વ્હીલચેરમાંથી ‘ઘોડી’નું ચિહ્ન લઈને ‘ચાલવું ક્રિયાપદને પોતા સાથે જોડાયેલું અનુભવતો ઉદય પહેલાં કરતાં પણ વધુ ટટ્ટાર બનીને હૉસ્પિટલની બહારના વિશ્વમાં પ્રગટ થાય છે. ઘોડી તેના આત્મવિશ્વાસનું બીજું નામ છે. તેનું આ વિશિષ્ટ ચલન ચાલતા પગને પણ થંભાવી દે એવું ગતિસભર છે. ત્રીજા ખંડમાં જુવાન ઉદયનું સંવેદનશીલ ચિત્ત વધુ સ્પષ્ટ થઈને ખૂલે છે. ઋતુ તેના જીવનમાં પ્રવેશેલી પ્રથમ યુવતી ને અમલા બીજી. બંને સાથેનાં સ્મરણો ઉદયને વાગોળવાં ગમે છે. એ તેના બરડ જીવનમાં ઉષ્મા પ્રેરે છે. ઉદય ચાહી પણ શકે છે એ વાતની આ ઘટના સાક્ષી પૂરે છે. પણ ઋતુની માતા ઋતુ માટે જોઈતા યુવાનની ઊંચાઈ કે જાડાઈ અંગે પણ ચીકાશ કરે, ત્યારે ઉદય તો..! આ વાતને ઋતુનો પણ જાણે ટેકો છે. એક વાર તો ઋતુ ઉદયને પૂછે પણ છે, ‘મેં તને ક્યારે કહ્યું કે આપણે લગ્ન કરીશું?’ ને ઉદયને કશાકથી છૂટા પડ્યાનો ભાવ બેવડાય છે. તેના શરીરે આપેલો વિષાદ ફરી તેને ઘેરી વળે છે. એવું જ અમલા અંગે પણ બને છે. આ અનુભવથી વિક્ષુબ્ધ થયેલો ઉદય ક્યાંક મુખર બની જાય છે પણ અમલાને તેણે કહેલા આ ઉત્તરમાં તેની જાગૃત જીવનદૃષ્ટિ પ્રગટે છે : ‘આપણને પૂછ્યા વિના આ ઓરડામાં આપણો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તો પછી હવે એ ઓરડાનાં બારણાં ઉઘાડાં હોવા છતાં આપણે જતાં નહીં રહીએ. અહીં ઊભા રહેવું આપણને પસંદ નથી, છતાં આપણો પ્રવેશ જો વાસ્તવિક છે તો આપણે ઊભાં રહીશું.’ ઉદય પોતાની સમગ્ર વેદના સાથે દુનિયામાંથી જવા માગે છે. એ જશે ત્યારે ખાલી હાથે નહીં જાય તેની એને ખાતરી છે. ઉદયનું જીવન પ્રત્યેનું તાટસ્થ્ય પગથી પ્રેમપર્યંત સ્થિર રહ્યું છે. આ સ્થૈર્ય ઉદયનું અંતિમ ચિહ્ન બની રહે છે. એ સ્પષ્ટ દેખાય છે કે આ વિષાદ એકલા ઉદયનો નથી. એમાં એનાં પરિવારજનો, ખાસ કરીને એનાં માતાપિતા એમાં સરખેસરખાં હિસ્સેદાર છે. ઉદયના ઝૂલતા પગને, ગોવર્ધનને આંગળીએ તોળતા કૃષ્ણની મજબૂત આંગળી જેવો ટેકો મળ્યો છે. આ આંગળીઓએ ઉદયને સંવાર્યો છે, ઝીલ્યો છે, એને અવકાશમુક્ત રાખવા યત્ન કર્યો છે. કૃતિમાં પથરાયેલો કરુણ, કૃતિ પૂરી કરતાં કરતાં ભાવકને થકવીને વિક્ષુબ્ધ કરવામાં સક્ષમ બને છે એમાં રહેલી નાયકની તટસ્થ વૃત્તિને લીધે. ભાવુકતામાં સર્યા વિનાનાં ભાવચિત્રો અહીં જે રીતે મુકાયાં છે તે નાયકને વિષાદજયી ઠેરવે છે. કરુણનું આ રીતનું આલેખન એ રસની અદબને જાળવી શક્યું છે આથી જ સહૃદય ભાવક સ્થૈર્યથી ટટ્ટાર ઊભેલા, વેદનાને પડકારતા ને પોતામાં ઓગળતા ઉદયને વિસ્મયથી જોતાં સરી પડતાં અશ્રુને આંખમાં જ રોકી રાખવામાં સફળ થાય છે. ધીરેન્દ્ર મહેતા આઠમા દાયકાના સત્ત્વશીલ સર્જકોમાં ધીરેન્દ્ર મહેતાનું નામ અને સ્થાન અગ્ર હરોળમાં છે. તેમની પ્રમુખ ઓળખ નવલકથાકારની છે. આ ઉપરાંત તેમણે વાર્તાસંગ્રહો, વિવેચનગ્રંથો, સંપાદનો, કાવ્યસંગ્રહો, નિબંધો, આત્મકથા જેવાં વિભિન્ન સ્વરૂપો ખેડીને ગુજરાતી સાહિત્યને માતબર પ્રદાન કર્યું છે. ધીરેન્દ્ર મહેતાનો જન્મ તા. ૨૯-૮-૧૯૪૪ના રોજ અમદાવાદ મુકામે; પિતા પ્રીતમલાલ, માતા રમીલાબહેન. પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક કક્ષાનું શિક્ષણ વતન ભુજમાં જ મેળવ્યું. તેમાંય ચોથા ધોરણ સુધીનું શિક્ષણ તો ઘરમાં જ, માતા પાસે. પછીથી શાળામાં સાંપડેલા વત્સલ શિક્ષકોના હાથે તેમનો વિદ્યાકીય ઉછેર થયો. ભુજની રામજી રવજી લાલન કૉલેજમાં ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ.ના અભ્યાસ દરમિયાન ડૉ. રમેશ શુક્લ અને ડૉ. રસિક મહેતા જેવા વિદ્યાવ્યાસંગી અધ્યાપકોએ તેમનું હીર પારખી તેમના વિકાસમાં રસ લીધો. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. રમણલાલ જોશી જેવા સારસ્વતોની નિશ્રામાં અભ્યાસ કરીને ધીરેન્દ્રભાઈએ ૧૯૬૮માં એમ.એ. અને ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’ વિષય પર આચાર્ય યશવન્ત શુક્લના માર્ગદર્શનમાં શોધનિબંધ લખીને ૧૯૭૬માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તેમના વ્યવસાયનો આરંભ આકાશવાણી, ભુજથી થયો. પછીથી રિસર્ચ ફેલોશિપ સાથે એચ. કે. આટ્ર્સ કૉલેજ, અમદાવાદમાં તેમણે અધ્યાપન આરંભ્યું. ૧૯૭૦માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યયનની વિધિવત્ કારકિર્દી આરંભી. ત્યાંથી બદલીને ૧૯૭૬માં ભુજની રામજી રવજી લાલન કૉલેજમાં ૨૦૦૬ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. પછીથી કચ્છ યુનિવર્સિટીમાં એમ. ફિલ.ના ગુજરાતી વિષયના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. બાળપણથી જ ધીરેન્દ્રભાઈને સાહિત્યમાં ઊંડો રસ. શાળાકીય વિદ્યાભ્યાસ દરમિયાન સિસૃક્ષાથી પ્રેરાઈને તેઓ કાવ્યલેખન કરતા થયા, જેને સંસ્કારમંડળોની પ્રવૃત્તિથી વેગ મળ્યો. શિક્ષણની જેમ તેમના સાહિત્ય-ઘડતરમાંય તેમનાં માતાનો સિંહફાળો રહ્યો. ધીરેન્દ્ર મહેતાની ટૂંકી વાર્તાઓ એ સમયનાં મહત્ત્વનાં સામયિકોમાં પ્રગટ થવા લાગી હતી. આ ગાળામાં તેમણે આધુનિક હિન્દી કથાકારોનો પરિચય પણ કેળવ્યો. ‘નદી કે દ્વીપ’ના વાચનથી ધીરેન્દ્ર મહેતાને સાહિત્યકાર અજ્ઞેયજીનો પરિચય થયો અને એ તેમના પ્રિય લેખક બની રહ્યા. એ જ સમયગાળામાં ગુજરાતીના સમર્થ નવલકથાકાર રઘુવીર ચૌધરીનો ગાઢ સંપર્ક થયો. રઘુવીરભાઈએ તેમના લેખનમાં ઊંડો રસ લીધો. રાજેન્દ્ર શુક્લ, અનિલ જોશી સાથે યુનિવર્સિટીના છાત્રાલયમાં બંધાયેલી મૈત્રી પણ તેમના કાવ્યસર્જનને પોષક બની રહી. ધીરેન્દ્રભાઈની વિદ્યાનિષ્ઠા તપઃપૂત બની રહી એના મૂળમાં ભાષાભવનના વિદ્વાન અધ્યાપકોનો મોટો ફાળો રહ્યો. ઘ૨આંગણે વીનેશ અંતાણી સાથે તરુણકાળે બંધાયેલી મૈત્રીએ તેમની સાહિત્યયાત્રાને સુખદ બનાવી. ‘Man is not made for defeat... A man can be destroyed but not defeated. Know... how to suffer like a man. ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’નું આ વિધાન ધીરેન્દ્રભાઈનું પ્રિય અવતરણ છે. બાલ્યાવસ્થામાં જ પોલિયોની બીમારીને લઈને ચરણોની ગતિ અવરુદ્ધ થવાથી જીવનની વિવિધ વિષમતાઓનો એમને સતત સામનો કરવાનો આવ્યો છે ત્યારે પણ ધ ઑલ્ડ મૅનની સાહસવૃત્તિને ચાહતાં, આવકારતાં, આરાધતાં ને આચરતાં એમણે જીવતરની સમસ્યાઓનું સહજ ઢંગથી અતિક્રમણ કરી જાણ્યું છે. ધીરેન્દ્રભાઈને નિકટથી જાણનારને ખબર છે કે તેમની જીવનનિષ્ઠાનાં મૂળ તેમના જીવનમાં જ સ્થાયી થયેલાં છે. બાળપણથી જ શારીરિક મર્યાદા અને તદ્જન્ય એકલતા તથા અવસાદની તીવ્ર લાગણીઓએ ધીરેન્દ્ર મહેતાની મૂલગત એકાન્તપ્રિય, વેદનશીલ પ્રકૃતિને વિશેષ એકાકી બનાવી. ધીરેન્દ્રભાઈએ આ આગવા અનુભવનો સાહિત્યસર્જનમાં વિનિયોગ કરીને એને વિધાયક અર્થ અર્પ્યો. ધીરેન્દ્ર મહેતાની સર્જકપ્રતિભા વિવિધ સાહિત્યસ્વરૂપોને લગતાં, સાહિત્યમાં પ્રદાનને લગતાં અને સમગ્ર સાહિત્યને લગતાં સમ્માનોથી વધાવાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પ્રથમ પારિતોષિક, ક્રિટિક્સ એવૉર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, જયંત ખત્રી, બકુલેશ એવૉર્ડ, ૨. વ. દેસાઈ એવૉર્ડ, હરેન્દ્રલાલ ધોળકિયા સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો દર્શક એવૉર્ડ, નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, આદિનો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમીએ ધીરેન્દ્ર મહેતાની સાહિત્યિક પ્રતિભાનો સ્વીકાર કરીને એમની પાસે સાહિત્ય પરિષદનાં મુંબઈ-વડોદરા અધિવેશનોના સર્જન વિભાગની બેઠકોમાં નવલકથાકાર તરીકે કેફિયત રજૂ કરાવી અને માંડવી (કચ્છ) મુકામે ર૦૦૬માં યોજાયેલા જ્ઞાનસત્રમાં દર્શકની પુનર્મૂલ્યાંકન બેઠકનું અધ્યક્ષપદ સોંપ્યું. તેમનું લેખનકાર્ય અદ્યાપિ અનવરત સાતત્યપૂર્ણ રીતે ચાલતું રહ્યું છે.

ડૉ. દર્શના ધોળકિયા
રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક
મો. ૯૦૯૯૦૧૭૫૫૯, Email: dr_dholakia@rediffmail.com