નવલકથાપરિચયકોશ/માટીનો મહેકતો સાદ

Revision as of 15:29, 21 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮૬

‘માટીનો મહેકતો સાદ’ (હળધર બળરામની કથા) : મકરન્દ દવે

– નીતા જોશી

માટીનો મહેકતો સાદ (પૌરાણિક ચરિત્ર અને કથાનો આધાર લઈ લખાયેલ નવલકથા) લેખક : મકરન્દ દવે નામ : મકરન્દ વજેશંકર દવે, (સ્વામી આનંદે આપેલ ઉપનામ) સાંઈ મકરંદ દવે, (હુલામણું નામ) બાબુભાઈ જન્મ : ૧૩ નવેમ્બર ૧૯૨૨, ગોંડલ અવસાન : ૩૧ જાન્યુઆરી, ૨૦૦૫, નંદીગ્રામ પિતાનું નામ : વજેશંકર દવે માતાનું નામ : વ્રજ કુંવરબા કુટુંબ : (પત્ની) કુંદનિકા કાપડીઆ (ઉપનામ, ઈશા કુંદનિકા) અભ્યાસ : ઇન્ટર આર્ટસ, રાજકોટ (૧૯૪૨ની લડતમાં ભાગ લેવા માટે અભ્યાસ છૂટ્યો) વ્યવસાય : પત્રકાર, લેખન આધ્યાત્મિક પ્રભાવ : નાથાલાલ જોશી કૃતિઓ : કવિતા સંગ્રહ : ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮) ‘અમલપિયાલી, હવાબારી, મકરંદ મુદ્રા’ (સમગ્ર કવિતા), ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’ (સમગ્ર કવિતા), ‘અમેરિકાનો ચિરંતન ચહેરો, છીપનો ચહેરો’ (અમૃત ઘાયલ સાથે મળીને) નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (૧૯૮૧) અધ્યાત્મચિંતન : ‘યોગપથ’ (૧૯૭૮), ‘ભાગવતી સાધના’ (૧૯૮૨), ‘સહજને કિનારે’ (૧૦૮૦), ‘ગરુડ પુરાણ’ (તાત્ત્વિક અર્થઘટન), ‘એક પગલું આગળ’, ‘રામનામ તારક મંત્ર’, ‘સૂર્યની આમંત્રણ પત્રિકા’, ‘ગર્ભદીપ’ (૧૯૮૩), ‘ચિરંતના’, ‘ચિદાનંદા’, ‘તપોવનની વાટે’ બાળસાહિત્ય : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (૧૯૫૫), ‘બે ભાઈ’ (૧૯૫૮), ‘તાઈકો’ (૧૯૬૮) ગીત નાટિકા-શેણી વિજાણંદ (૧૯૫૬), ‘પ્રેમળજ્યોત’ ચરિત્ર : યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઈ, સંપાદન-સત કેરી વાણી, ભજન રસ અનુવાદ : ઘટને મારગે અને ટારઝન : જંગલોનો રાજા સન્માન : ૧૯૭૯-રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવૉર્ડ, મેઘાણી એવૉર્ડ, શ્રી અરવિંદ એવૉર્ડ, ગુજરાત ગૌરવ એવૉર્ડ વિશેષતા : એમના લેખનમાં તળપદી શબ્દોની સુંદરતા છે. શબ્દોમાં અર્થ ગાંભીર્ય અને સાધક ભાવની મસ્તી છે. ઈ. સ. ૧૯૮૭માં પત્ની સાથે વલસાડ નજીક ધરમપુરમાં રહેવાનું પસંદ કરે છે ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરે છે. ‘માટીનો મહેકતો સાદ’ મુખ્ય પ્રાપ્તિ સ્થાન નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધીરોડ, અમદાવાદઃ ૩૮૦ ૦૦૧

૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯

૧૩૪, પ્રિન્સેસ સ્ટ્ર્રીટ, મુંબઈઃ ૪૦૦ ૦૦૨

બુક શેલ્ફ ૧, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડનવરંગપુરા અમદાવાદઃ ૩૮૦૦૦૯ E mail info@navbharatonline.com Web www.navbharatonline.com કોપીરાઇટ : કુન્દનિકા કાપડીઆ પ્રથમ આવૃત્તિ : ૧૯૮૧ પુનર્મુદ્રણ : ૧૯૯૮, ૨૦૦૯ કિંમત : ૧૨૫ રૂપિયા પ્રકાશક : મહેન્દ્ર પી. શાહ નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધીરોડ, અમદાવાદઃ ૩૮૦૦૦૧ ટેલિઃ (૦૭૯)૨૨૧૩૨૯૨૧, ૨૨૧૩૯૨૩ લે આઉટ : ટાઈપસેટીંગ ઇમેજ સિસ્ટમ્સ - અમદાવાદ મુદ્રક : યશ પ્રિન્ટર્સ ૨૨૩ પૃષ્ઠ સંખ્યા ધરાવતું પાક્કા પૂંઠાનું મધ્યમ કદનું પુસ્તક(નવલકથા)ની અર્પણ પંક્તિ લેખકે મોટાભાઈ મનુભાઈને લખી છે. “અભયનું તેજ, સચ્ચાઈની ડણક, ઔદાર્ય કેરું અમી, ભાઈ, તારી પ્રભા આંખમાં રોજ ઊગી રહી, આંખ સામે ભલે આથમી.” ૧૯૮૧ માં લખાયેલી બળરામના ચરિત્રને આલેખતી પૌરાણિક વિષય અંતર્ગત આધુનિક મર્મ આલેખતી નવલકથા છે. ભૌતિક અને પારલૌકિક આ બન્ને અનુભૂતિને માનવીય રીતે અનુભવી લેખકે વિશ્વવ્યાપી સંદેશ આપ્યો છે. બળરામનું માટી સાથેનું જોડાણ એને પૃથ્વી ઉપરના સામાન્ય મનુષ્ય સાથે જોડી આપે છે. રાજનીતિ અને પ્રપંચોથી બળરામના ચરિત્રને દૂર રાખી લેખક કહેવા માંગે છે કે ‘માનવ જીવનની પ્રાથમિકતા યુદ્ધ નહીં સર્જકતા હોવી જોઈએ.’ ‘ધરતીનો નાતો’ શીર્ષક હેઠળ લેખક ભૂમિકામાં લખે છે “પુરાણોમાં તો બળરામ હળ મુશળને માત્ર આયુધો તરીકે ધારણ કરે છે. ધરતીના ખેડાણ સાથેનો વીસરાઈ ગયેલો સંબંધ થાઈલૅન્ડમાં રાજ્ય તરફ્થી ઊજવાતા કૃષિઉત્સવે જોડી આપ્યો. ‘ધર્મયુગ’ (૧૦ જુલાઈ, ૧૯૭૭)માં શ્રી જગદીશચન્દ્ર માથુરે લખેલો લેખ : ‘થાઈલૅન્ડ મેં વર્ષા મંગલ’ મારા વાંચવામાં આવ્યો. તેમાં થાઈલૅન્ડમાં રાજ્ય તરફથી ઊજવાતા કૃષિ મહોત્સવનું નજરે નિહાળેલું વર્ણન છે. આજે પણ આ ઉત્સવમાં મુખ્ય હળચાલકને ‘બલદેવ’ કહેવામાં આવે છે. રાજ્યના કૃષિ સચિવ બલદેવનો ભાગ ભજવે છે. ભારતમાં આ પ્રથા ક્યારે લુપ્ત થઈ તેની માહિતી મળતી નથી, પણ આ અહેવાલથી જાણવા મળે છે કે થાઈ લોકો અચ્છી રીતે ધરતી સાથે બળદેવનો નાતો જીવંત રાખી રહ્યા છે.” બળરામનું વ્યક્તિત્વ ધરતીના ઊંડાણ સાથે જોડાયેલું છે. કૃષ્ણ અને બળરામ રૈવતક પર્વતમાં (ગિરનાર) કેટલોક સમય રહે છે. એ રીતે ગુજરાત સાથે બળરામનો સંબંધ બંધાય છે. મહારાજા રૈવતની પુત્રી રેવતી નામની કન્યા સાથે લગ્ન થાય છે. નવલકથામાં રેવતી અને બળરામનાં પ્રેમ અને એકત્વની વાત સુંદર રીતે આલેખાયેલી છે. અહીં કથાનો કેન્દ્ર વિચાર તો ખેતી અને માટી જ છે. નવલકથામાં આલેખાયેલું જીમૂતનું પાત્ર આધુનિક ખેતી અને ઉત્પાદન તરફ ઇશારો જ નહીં વ્યંગ્ય પણ છે. લેખકની તમામ ચિંતાઓ ધરતી સાથેની છે. આ નવલકથાનું મહત્ત્વનું પાત્ર કૃષ્ણ જેટલું રેવતીનું પણ છે. રેવતી ખરા અર્થમાં બળરામની સહધર્મચારિણી છે. રેવતીનું મૃત્યુ બળરામને વ્યથિત કરનારું છે. એકલા પડી ગયેલા બળરામ આંતર જીવન તરફ વધુ ખેંચાય છે. કૃષ્ણ માટે બળરામને અદમ્ય પ્રેમ છે એટલે જ કહે છે કે “નાનકા મારી સૌથી નબળી કડી તો તું જ છો.” બળરામને કેન્દ્રમાં રાખી નવા સંદર્ભો સાથે લખાયેલ આ કથા છે. ‘વારસાને વર્તમાન કરવા વિશે’ શીર્ષકથી રઘુવીર ચૌધરી લખે છે. ‘ચક્ર આપદવેળાનું સાથી. પણ હળ તો રોજબરોજના જીવનનો આધાર.’ સાથે લખે છે કે ‘મકરન્દભાઈના માનસમાં કૃષ્ણ હવાના હિલોળા જેવા છે. જે દિશા પકડે એને પોતાની કરી દે. જ્યારે બળરામનું હાડ ભંડીર વડ જેવું છે, એ એક જગાએ ખોડાઈ દિશાઓને ભરી દે.’ રેવતીનાં સ્થૂળ અને સૂક્ષ્મ અસ્તિત્વને લેખકે સુંદર રીતે અંત સુધી બળરામનો સાથ નિભાવતું ઉપસાવ્યું છે. રઘુવીરભાઈ લખે છે ‘આ કથાને કુન્દનિકાબહેને લખી હોત તો આપણને રેવતી ન મળત.’ પ્રાચીન કાળની મહાકથાના ચરિત્રને ધરતી સાથે જોડી કથાને વધુ માનવીય અને સહજ બનાવી છે. કથાની અંદરનો સાર સર્વકાલીન છે. કૃષ્ણના પ્રતાપે અને યાદવોના પરાક્રમને લીધે દોમ દોમ સાહ્યબી વચ્ચે એક એક ખેતરને લીલુંછમ કરવામાં મસ્ત રહેતો વ્યક્તિ બળરામ. સત્ય, ન્યાયને પોતાને ત્રાજવે તોળતો આ વ્યક્તિ યુદ્ધનાં સરંજામો સામે પોતાનું હળ અને મૂષળનું હથિયાર મૂકી માનવ જીવનને ઉચિત સંદેશ આપે છે. કૃષ્ણ રાજ મુગુટોનું નીંદણ અને વાવેતર કરે, બળરામ ધરતીનું. બળરામનું સ્વતંત્ર ચરિત્ર યુધિષ્ઠિરના દોષ તટસ્થ રીતે જોઈ શકે છે. હસ્તિનાપુરની રાજસભામાં દૂત તરીકે ગયેલા કૃષ્ણ પાછા આવી રહ્યા છે. મહાભારતના મહાવિનાશની સમાંતર બળરામે નવસર્જનનું આહવાન આપી દેશવાસીઓને એકત્ર કર્યા છે અને પોતાને સાધારણ ધરતી પુત્રનો પરિચય આપી માણસાઈ બચાવી લેવાની વિનંતી કરે છે. બળરામ યાત્રામાં નીકળવાની તૈયારી કરે છે ત્યારે અર્ધી દ્વારિકાનાં નગરજનો સાથે જોડાય છે. અને નવલકથાના અંતમાં બળરામ અને કૃષ્ણની વૃદ્ધાવસ્થા છે. પૌત્રવધૂ ઉષાનું થનગનાટભર્યું ચરિત્ર પણ સુંદર આલેખાયું છે. પ્રભાસ તીર્થમાં રમખાણ મચી ગયું છે. પ્રદ્યુમન અનિરુદ્ધ ઢળી પડ્યાં છે. બળરામ કૃષિકુળનો વેલો સાચવી લેવા મથે છે. ભીલ કુટુંબને જવાબદારી સોંપે છે. અને કૃષ્ણના બંસીના સૂર સાથે બળરામનો બુઝાતો પ્રાણ અને કૃષ્ણને વાગેલું તીર. આમ જાજ્વલ્યમાન બે પ્રતિભા અગાધ નીલ સિંધુમાં સમાઈ જાય છે. આરંભમાં ‘પ્રતિમાલક્ષણમ્’માંથી પંક્તિ લખેલી છે. “બલસ્તુ સુભુજઃ શ્રીમાન તાલકે તુર્મહાદ્યુતિઃ । વનમાલા કુલોરસ્કો નિશાકર સમપ્રભઃ ।। ગ્રુહીત સીર મુસલઃ કાર્યોદિવ્યમદોત્કરઃ । ચતુર્ભુજઃ સૌમ્યવકત્રો નીલામ્બર સમાવૃતઃ ।। કૂટાલંકૃત શિરારોહો... રાગ વિભૂષિતઃ । રેવતી સહિતઃ કાર્યો બલદેવઃ પ્રતાવાન” (બળરામના મૂર્તિઅંકનના પુસ્તક આઈકોનોગ્રાફી ઓફ બળરામમાંથી, લેખક : એન. પી. જોશી, પાનું : ૧૦૦) લેખકે કુનેહપૂર્વક બળરામના પાત્રને ચમત્કારોથી દૂર રાખી દૈવીય પુરુષ બનાવ્યા નથી અને માનવસહજ પ્રેમ, ક્રોધ, કર્મઠતા અને જીવન-મૃત્યુથી આલેખ્યા છે. નવલકથામાં બળરામ મોટા માણસો સાથે વ્યવહારમાં રુક્ષ ભલે દેખાય પરંતુ પ્રકૃતિ અને માટીના સાન્નિધ્યમાં એકદમ કોમળ અને ઋજુ જણાય છે. આ નવલકથા ‘જનશક્તિ’માં ધારાવાહી રૂપે પ્રગટ થયેલી છે.

નીતા જોશી
ગૃહિણી અને વાર્તાકાર, વડોદરા
એમ.એ., એમ.ફિલ. હિન્દી વિષય સાથે. વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’
મો. ૯૪૨૮૧૭૩૪૨૬
Email: neeta.singer@gmail.com