નવલકથાપરિચયકોશ/બત્રીસ પૂતળીની વેદના

Revision as of 15:42, 21 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮૮

‘બત્રીસ પૂતળીની વેદના’ : ઇલા આરબ મહેતા

– આશિષ ચૌહાણ

પ્રથમ આવૃત્તિ : મે ૧૯૮૨, બીજી આવૃત્તિ : ઓગસ્ટ ૧૯૮૬ સંવર્ધિત ત્રીજી આવૃત્તિ : ૨૦૨૦, નકલ : ૧૨૫૦ પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ પ્રસ્તાવના : ‘મુઠ્ઠીમાં અજવાળાં અપાર’ - વર્ષા અડાલજા સર્જક પરિચય : ગુજરાતી સાહિત્યમાં ઇલા આરબ મહેતાનું નામ માનથી લેવામાં આવે છે. પિતા ગુણવંતરાય આચાર્ય અને માતા લલિતાબહેન. જામનગર મૂળ વતન. જન્મ, મુંબઈના માટુંગામાં ઈ. સ. ૧૬/૦૩/૧૯૩૮માં. ઇલાબહેનનું શિક્ષણ અને ઉછેર, પિતાના નોકરી અર્થે સ્થળાંતરના લીધે મુંબઈથી રાણપુર, રાજકોટ અમદાવાદ. ફરી પાછા મુંબઈ. એ રીતે જુદીજુદી જગ્યાએ ગામ અને શહેર બંને પરિવેશમાં થયો. સ્વાભાવિક છે કે, મુંબઈમાં વધુ રહેવાનું થતાં, ત્યાંની જીવનશૈલીનો પ્રભાવ વધુ જોઈ શકાય છે. પિતાશ્રી સર્જક એટલે ઇલાબહેનને બાળપણથી જ સાહિત્યિક વાતાવરણ મળ્યું. ઘાટકોપરમાં આવેલી રત્નચિંતામણી શાળામાંથી એસ.એસ.સી. પાસ કર્યું. તેમજ મુંબઈની રુઈયા કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે સંસ્કૃતમાં બી.એ. નો અભ્યાસ કર્યો. એ સાથે ‘માસ્ટર ઑફ આટ્ર્સનો’ અભ્યાસ પણ પૂર્ણ કર્યો. રુઈયા કૉલેજ અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપિકા તરીકે સેવા આપી. ઈ. સ. ૧૯૬૪ માં ડૉ. આરબ મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ‘સલિલ’ અને ‘સોનલ’ બે સંતાનો. તેમની જવાબદારી હોવાથી થોડો સમય અધ્યાપનકાર્યમાં વિરામ લઈ, ફરી પાછાં જોડાયાં. ઇલાબહેનની સર્જન પ્રતિભા, પિતા ‘ગુણવંતરાય આચાર્ય’ને આભારી છે. ઘરનું વાતાવરણ પુસ્તકોના સંસર્ગ સાથેનું એટલે વાચન-સર્જનમાં રુચિ કેળવાઈ. તેમણે ગુજરાતી સાહિત્યમાં વિશેષ રીતે કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, ર. વ. દેસાઈ, જ્યોતીન્દ્ર દવે વગેરેનાં પુસ્તકોનું વાચન કર્યું. લેખિકા કુંદનિકા કાપડિયાના આગ્રહથી વાર્તા લેખન કરે છે. ‘એક સાંજ’ નામની પ્રથમ વાર્તા ‘નવનીત’ સામયિકમાં પ્રગટ થાય છે. અનુવાદની પ્રવૃત્તિ પણ કૉલેજકાળના અભ્યાસ દરમિયાન મરાઠી, અંગ્રેજી, હિન્દી જેવી ભાષાના સંપર્કના લીધે સારી રીતે કરે છે. ધીરુબહેન પટેલના પ્રેમભાવથી ‘સુધા’ નામના સામયિક માટે નવલકથા લખે છે. તેમાં તેઓ સફળ થાય છે. પ્રથમ છાપ વાર્તાકાર તરીકેની રહી. બંને સ્વરૂપોને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી અકાદમી અને અન્ય સાહિત્યિક સંસ્થા દ્વારા તેમને પુરસ્કારવામાં આવ્યાં છે. તેમનું સાહિત્ય સર્જન બહોળા પ્રમાણમાં છે. નવલકથા : ‘ત્રિકોણની ત્રણ રેખા’ (૧૯૬૬), ‘થીજેલો આકાર’ (૧૯૭૦), ‘રાધા’ (૧૯૭૨) પુરસ્કૃત, ‘એક હતા દીવાન બહાદુર’ (૧૯૭૬), ‘બત્રીસ લક્ષણો’ (૧૯૭૬), ‘આવતી કાલનો સૂરજ’ (૧૯૭૭), ‘વારસદાર’ (૧૯૭૮), ‘અને મૃત્યુ’ (૧૯૭૯) પુરસ્કૃત, ‘શબને નામ હોતું નથી’ (૧૯૮૧), ‘બત્રીસ પૂતળીની વેદના’ (૧૯૮૨), ‘દરિયાનો માણસ’ (૧૯૮૫), ‘વસંત છલકે’ (૧૯૮૭), ‘પરપોટાની આંખ’ (૧૯૮૮) પુરસ્કૃત વગેરે. નવલિકા : ‘એક સિગારેટ એક ધુપસળી’ (૧૯૮૧) પુરસ્કૃત, ‘વિએના-વૂડ્સ’ (૧૯૮૯), ‘ભાગ્યરેખા’ (૧૯૯૧), ‘બળવો, બળવી, બળવું’ (૧૯૯૮), ‘યોમ કિપૂર’ (૨૦૦૬) પુરસ્કૃત, ‘કાળી પરજ’ (૨૦૧૪) સંપાદન : ‘વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૨) પરિચય પુસ્તિકા : ‘આના કેરેનિના’ (૧૯૯૭), ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડીસ’ (૧૯૯૯) માનવ મનની ગાથાઓને ઇલા આરબ મહેતાએ કથામાં રૂપ આપ્યું. માનવીનું મન સંઘર્ષમાં કેવી રીતે ઘેરાયેલું રહે છે એ, લેખન પદ્ધતિમાં વિવિધ ભાષા પ્રયુક્તિ દ્વારા ઉપસાવી આપ્યું. વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા બંને બહેનોને ગુજરાતી સાહિત્યમાં પિતા ગુણવંતરાય આચાર્ય જેવું જ માન, સ્થાન મળ્યું છે. ‘બત્રીસ પૂતળીની વેદના’ નવલકથા નારી જગતની વ્યથાને ઉજાગર કરે છે. સ્ત્રીની મનઃ સ્થિતિને કથા રૂપે ઘાટ આપવાની મથામણમાં લેખિકા સફળ થયાં છે. એક નહીં પણ ‘બત્રીસ પૂતળી’ની વેદના! ખરેખર આ ‘બત્રીસ પૂતળી’ પૂરતી જ સીમિત છે?! જવાબમાં ના જ આવશે. કારણ કે અંકોનો ગુણાકાર જીવન સાથે કરવો મુશ્કેલ છે. અહીં એક જીવનને કેન્દ્રમાં ન રાખતાં, સમગ્ર સ્ત્રી જીવનનું પ્રતિનિધિત્વ કરનારું કથાનક છે. મધ્યકાળના સમયમાં ‘બત્રીસ પૂતળીની વારતા’ એ કથાનકના અનુસંધાનમાં ‘બત્રીસ પૂતળીની વેદના’ છે. રાજાને શ્રેષ્ઠતા આપવા માટે એક એક પૂતળી કથા કહી, પાછી પોતાનું સ્થાન લઈ લે છે તેમ સૂચક કરી તે આ નવલકથામાં સ્ત્રીની સ્થિતિ દર્શાવે છે પરંતુ, સાંપ્રત સમયના માનાંકો બદલાયા છે. અહીં રજૂ થતી બત્રીસ પૂતળીઓ (સ્ત્રી) પોતાનું સ્થાન, માન, અસ્તિત્વ, ગણના સ્ત્રીકેન્દ્રી બનાવવા માગે છે, મથે છે. એ વાજબી પણ છે, જે આ નવલકથાના અંતમાં સાબિત થાય છે. આ નવલકથા ‘ઉંબરને પાર’ નામના શીર્ષકથી ડી.ડી. ગીરનાર ચેનલ પરથી ધારાવાહિક રૂપે ૨૦૨૦માં પ્રસારિત કરવામાં આવી. આ કાર્ય વર્ષા અડાલજાને સોંપવામાં આવ્યું. તેમણે પટકથા અને સંવાદ લખી આપ્યા. સિરિયલ બનાવવા માટે અમદાવાદ દુરદર્શન કેન્દ્રના નિયામક રૂપાબેન મેહતાએ ‘બત્રીસ પૂતળીની વેદના’ નવલકથા પસંદ કરી. ‘અનુઆધુનિક’ કૃતિ ગણાવી શકાય એવી આ નવલકથા ‘નારીચેતના’ની આખી વાત લઈને આવે છે. સ્ત્રીનાં સંવેદનો પૂર્ણ રીતે અહીં ઝિલાયાં છે. “ગુજરાતી સાહિત્યમાં નવમા દાયકાની શરૂઆતમાં આધુનિકતાના પૂર વચ્ચે પ્રકાશિત થયેલી ‘ઇલા આરબ મેહતા’ની ‘બત્રીસ પૂતળીની વેદના’ (૧૯૮૨) નવલકથા આજના તબક્કે પશ્ચાદ્વર્તી નજરે જોતાં અનુઆધુનિકતા વાદનું સ્પષ્ટ લક્ષણ ધારણ કરતી હોય એમ જોઈ શકાય છે” – ચંદ્રકાંત ટોપીવાળા સ્ત્રીના જીવનને સમજવામાં પુરુષ કેવા વ્યર્થ યત્નો કરે છે, એ લેખિકાએ કથન પ્રયુક્તિના માધ્યમથી સમજાવ્યું છે. ‘અનુરાધા’ એક સ્ત્રીસર્જક તરીકે આખીયે કથામાં કેન્દ્રસ્થ છે. શરૂઆતથી અંત સુધી આ કથા, જુદીજુદી કથાઓ, ઘટનાઓને વણે છે. એક પછી એક સ્ત્રીના જીવનસંઘર્ષને ઉજાગર કરે છે. વાસ્તવમાં ખુશ દેખાતી સ્ત્રી આંતરિક રીતે પુરુષથી મળેલા આદરને યોગ્ય ગણે છે? આ પ્રશ્ન પોતાની જાતને પૂછ્યા પછી રજૂ થાય છે ‘બત્રીસ પૂતળીની વેદના’. નવલકથાનું મુખ્ય પાત્ર ‘અનુરાધા’ છે. તે નવલકથાકાર છે. અનુરાધાનો પતિ ‘રસેશ શાહ’ અનુરાધાની નવલકથાના એક-બે પેઇજ વાંચી, વિધવા સ્ત્રી વિશેના લખાણને અવગણે છે. કંઈક સારું લખવા તરફ અંગુલીનિર્દેશ કરી રસેશ, સ્ત્રીની આદર્શતાને મુખર કરવા પ્રતિક્રિયા આપે છે. એ જવાબમાં અનુરાધા શાહ- અનુરાધા ગુપ્તાના નામે લેખન કાર્ય શરૂ રાખે છે. અનુરાધાની મુલાકાત ‘આર્યનારી હિતવર્ધક મંડળ’ના શાસ્ત્રીજી સાથે થાય છે. તેઓ ચુસ્ત છે. સ્ત્રીના હિત માટે કામ કરે છે. પરંતુ, પુરુષનું સ્થાન સારી રીતે જાણે છે. મધ્ય મુંબઈમાં આવેલી સો એક વર્ષ જૂની ઇમારત ‘સદ્ગુણા સદન’માં અનુરાધા પહોંચે છે. આ ઇમારતનું વર્ણન લેખિકા રૂઢિ, પરંપરા, રીતરિવાજો, ચુસ્તતા, આદર્શતા વગેરે સાથે સૂચક રીતે જોડીને કરે છે. રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો કે ધર્મગ્રંથોમાં સ્ત્રીને આપવામાં આવેલા સન્માન વિશે અનુરાધા સ્પષ્ટપણે બોલે છે. નાટકના રિહર્સલ સમયે ‘સદ્ગુણા સદન’માં ઉપસ્થિત રહેતી સ્ત્રીઓ પોતાની સાથે થતા નાટકની વાત કરે છે. રેખા, વિનોદિની, છાયા અને વિભાવરી પોતાના જીવન વ્યવહારમાં બનતી ઘટનાઓ કોઈ ને કોઈ રીતે વ્યક્ત કરે છે. તેનાથી વ્યક્ત થઈ જાય છે. ‘રેખા’ ઉદ્યોગપતિ વિપુલની પત્ની છે. મિત્ર સાથેની શરતમાં જીતીને રેખાને શિકાર બનાવનારો વિપુલ પુરુષ પ્રધાનતા સાબિત કરે છે. રેખાને માતા અને ભાઈને મળવા ન દેવા, ઘરમાં મિત્રોની પાર્ટી ગોઠવી, રેખા એક ગૃહિણી બની, સારી સારી રસોઈ બનાવે અને મહેમાનને સાચવે, તેમજ રેખા શણગાર એવી રીતે સજે કે આવનારા મિત્રોમાં વિપુલનો વટ પડે, એ માનસિકતા ધરાવે છે. ‘વિનોદિની’ વ્યંધત્વનો ભોગ બની છે ત્યારે, કોઈ બાળકને જોયા પછીની તેની વેદના ઉદરના ખાલીપાને વ્યક્ત કરે છે. જીવનમાં દસ વર્ષથી ખાલીપણાનો અહેસાસ ડંખે છે. લોકો સતત તેને ડૉક્ટર, જ્યોતિષ કે તાંત્રિક પાસે જવાની સલાહ આપે છે. “સ્ત્રી એ સંતાન પેદા કરવાનું એક મશીન છે. એ ખોટકાઈ પડે તો રીપેર કરવું જ પડે. નહિ તો સ્ત્રીની સંતાન ઘેલછા એને પાગલ બનાવી દેશે. બીજાનાં બાળકો પર નજર નાખશે.” (પૃ. ૮૫) સમાજ દરેક જગ્યાએ પુરુષ પ્રધાનતાનું પ્રતિનિધિત્વ કરે છે. એ વાત વિનોદિનીનાં ઉદાહરણ દ્વારા જોવા મળે છે. એક બાજુ ‘છાયા’ પતિની શંકામાં ઘેરાયા કરે છે. પરાશર ઓછું કમાય છે, જ્યારે છાયા વ્યવહારકુશળ છે. વધુ કમાય છે. સેલ્સ ઑફિસમાં સારું કામ કરી છાયા, મૅનેજર બને છે. બહારથી માલ ખરીદવા આવનારા લોકો સાથે ડીલ કરવી, સાચવવા, કાપડની ગુણવત્તા, કલર, વગેરે વિશે સમજાવી, કેવી રીતે સુશોભિત થવું જોઈએ એ શીખ સેલ્સ ઑફિસના માલિક તરફથી મળે છે અને નવાં સારાં કપડાં લેવા માટે પૈસા પણ મળે છે. તે જોઈને છાયાનો પતિ પરાશર શંકા કરે છે અને તે બાબત જીવનના મહત્ત્વના પડાવમાં વિક્ષેપ ઊભો કરે છે. સ્ત્રી ઉપર વિશ્વાસ રાખવાની વાત ઉદાહરણ બને છે. ‘વિભાવરી’ અભિનેત્રી તરીકે કામ કરે છે. પતિ મયંક પણ એક અભિનેતા છે. મયંકને અન્ય ગીતા નામની નટીથી પ્રેમ સંબંધ બંધાય છે અને તેની સાથે લગ્ન કરી, વિભાવરીને તરછોડીને ચાલ્યો જાય છે. આવી રીતે ચારેય સ્ત્રીઓની સ્થિતિ ‘બત્રીસ પૂતળીની વેદના’ દર્શાવે છે. લેખિકાએ ખૂબ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું છે. એટલું જ નહીં, સ્ત્રીના આ મનોઃસંઘર્ષને બારીકાઈથી ઝીલ્યો છે. સાંપ્રત સમયમાં સ્ત્રીની અવદશા આધુનિક રીતે બતાવવામાં લેખિકા સફળ થયાં છે. આ નવલકથા સ્ત્રીના અસ્તિત્વને આંબવા મથતા સ્ત્રી સંઘર્ષને પકડી રાખે છે. ધર્મ કે શાસ્ત્ર, શાસ્ત્રીજીનું માધ્યમ બની સ્ત્રીના આદર્શોને વ્યક્ત કરે છે. ઊડવા મથતી એક સ્ત્રી હવાની પાંખો પહેરીને ઊડે છે. મુક્તતા મેળવનારી સ્ત્રી બરફનું માન, મહત્ત્વ ઓઢે છે. અસ્તિત્વને ઝંખનારી સ્ત્રી પુરુષના અહોભાવને અસ્તિત્વ આપે છે. આદર્શોના અજવાળામાં અંધકાર પહેરીને ફરનારી સ્ત્રીને ચીતરવામાં લેખિકાએ પાત્રની મહત્તા કરી છે. આ ચાર સ્ત્રી સિવાયનાં અન્ય પાત્રો ગંગાબાઈ, ભગવતીબહેન, મધુબહેન, ચંદ્રાબહેન, બડી અમ્મા તેમજ અનુરાધાએ લખેલ નાટક જોવા, રિહર્સલ કરવા રેખા, વિનોદિની, છાયા અને વિભાવરી પણ જોડાય છે. નવલકથાના અંતમાં નાટક ભજવાય છે. જેમાં કૈકેયી, કૌશલ્યા, સીતા અને મંથરા રામાયણનાં પાત્રો સાંપ્રત સમયને ઉજાગર કરે છે. અહીં લેખિકા MYTHનો સહારો લઈ સ્ત્રીના અસ્તિત્વને નિરૂપે છે. નાટકના આખરી ભાગમાં શાસ્ત્રીજી અને સમાજની ઇચ્છા મુજબ રામાયણનાં – સાંપ્રત સમયનાં પાત્રો વર્તન કરતાં નથી ત્યારે અનુરાધા નાટકકાર તરીકે ઉદ્બોધન, ઉદ્દેશ, સંદેશ સમાજ સુધી પહોંચાડે છે અને સ્ત્રીની મહત્તા સાબિત કરે છે. ભાષાની દૃષ્ટિએ કાવ્યાત્મકતા ધરાવતાં વાક્યો આખીયે નવલકથાને પ્રવાહિત કરે છે. વિચાર સાથે જોડે છે. કથાનું વાતાવરણ આઠમા દાયકાનું છે અને આધુનિકતાનો જોક બરાબર ઓસરવામાં હોય એવો સમય પસંદ કરવામાં આવ્યો છે. તત્કાલીન સમય, મધ્યકાલીન કે સાંપ્રત સમયમાં સ્ત્રી સંદર્ભે કશું નવું નથી થયું! તે લેખિકા બતાવે છે જેની જાણ, નવલકથાના અંતમાં ભજવાતું અંત સમયના નાટક દ્વારા થાય છે. સંવાદો સચોટ અને વિચારનો વિસ્તાર કરી આપનારા છે. સાદી, સરળ તેમજ મર્મી ભાષામાં લખાયેલા છે. તે સંવાદોમાંથી સ્ત્રીના આંતર જગતને જાણી શકાય છે. સમાજનું દર્શન અહીં ખૂબ જ મહત્ત્વનું છે. દરેક જગ્યાએ સ્ત્રીને આદર્શ કે આધુનિક બનાવવામાં તેમજ તેના મહત્ત્વને આંકવામાં સમાજ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. રૂઢિઓ, રીતરિવાજો, સંસ્કૃતિ વગેરેનું જતન કરવામાં સૌથી પહેલો સમાજ હોય છે અને આરોપ સ્ત્રી ઉપર મૂકે છે. સ્ત્રી માત્ર ગૃહિણી જ બની શકે એવી માન્યતા ધરાવતો સમાજ જાહેર ભાષણોમાં સ્ત્રીને આદર્શ રીતે નમન કરતો હોય છે. આમ ‘બત્રીસ પૂતળીની વેદના’ નવલકથા ખરા અર્થમાં શીર્ષકને અનુરૂપ છે. ઇલા આરબ મહેતા આ નવલકથાને સાંપ્રત સમયમાં પણ એટલી જ પ્રસ્તુત બતાવી શક્યાં છે. આ નવલકથા સ્ત્રીના અસ્તિત્વ, મહત્ત્વ, માન કે સન્માન તેમજ મુક્તતા માટેનો નિદાન - ઉપચાર છે. સમાજમાં સંવેદનાત્મક રીતે આ કથાની કથા થાય તો એ ઉદ્દેશ્ય અવશ્ય સિદ્ધ થઈ શકે. એ માટે જવાબદારી પણ સમાજે, વ્યક્તિએ, એક એક સ્ત્રીએ ઉપાડવી પડશે. આદર્શોની મૂર્તિને મૂર્તિમંત કરવા સૌએ સમસંવેદન- ભાવ, લાગણી, પ્રેમ અને સહજતા કેળવવાં પડશે.

સંદર્ભ : (૧) ‘બત્રીસ પૂતળીની વેદના’ પ્રથમ આવૃત્તિ : ૧૯૮૨ સંવર્ધિત ત્રીજી આવૃતિ : ૨૦૨૦, પૃષ્ઠ : ૧૪ + ૧૩૮, કિં રૂ. ૧૭૦/- (૨) ‘ગુજરાતી કથાવિશ્વ’ સંપા. બાબુ દાવલપુરા, નરેશ વેદ : ૧૯૮૫ (૩) ટોપીવાળા, ચંદ્રકાંત. ‘ગુજરાતી નવલકથા માનકનો વિસ્તાર’ ‘પ્રત્યક્ષ’ ઑક્ટો- ડિસે. ૨૦૦૫

ડૉ. આશિષ ચૌહાણ
આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇ. આચાર્ય
(એમ. એમ. આર. મોણપરા આટ્ર્સ કૉલેજ) કાળિયાબીડ,
ભાવનગર
મો. ૯૯૨૪૪૩૯૬૩૮
Email: ashishchauhan૨૧@gmail.com