નવલકથાપરિચયકોશ/ભેખડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮૯

‘ભેખડ’ : મોહન પરમાર

– વિજયરાજસિંહ જાડેજા
Bhekhad.jpg

પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯૮૨ પ્રકાશક : આર. જે. શેઠ, લોકપ્રિય પ્રકાશન, ૧૧૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. પ્રસ્તાવના : ‘કંકુ પગલાની ઠેસ’ – રઘુવીર ચૌધરી. નવલકથા સર્જકનો પરિચય : ગુજરાતી કથા સાહિત્ય અને દલિત સર્જકોમાં અગ્રગણ્ય નામ એટલે મોહન પરમાર. મોહન પરમારનો જન્મ ૧૫ માર્ચ ૧૯૪૮ના રોજ મહેસાણા જિલ્લાના ભાસરિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ મંછીબહેન હતું. ભજન પરંપરા વારસામાં મળી, પિતાજીના મુખેથી સાંભળેલ ભજનની છાપ તેમના માનસપટ પર વિશેષ પડી હતી. તેઓએ પ્રાથમિક શિક્ષણ વતન ગામ ભાસરિયામાં લીધું, ત્યાં આગળ ભણતરની વ્યવસ્થા ન હોવાથી પાસેના ગામની શાળાઓમાં વધુ અભ્યાસ અર્થે જવું પડેલું. જ્યાં તેમણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું. મોહન પરમારે સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ મહેસાણા અને વિધવિધ સ્થળોએ કર્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવી. ૧૯૮૯માં જી.એસ.એલ. કૉલેજમાં અધ્યાપક તરીકે પસંદગી કરવામાં આવી, છતાં તેમણે સ્વીકારી ન હતી. વયમર્યાદાને કારણે વહીવટી અધિકારી તરીકે જ નિવૃત્ત થયા. હાલ તેઓ ચાંદખેડામાં પુત્ર સાથે રહી સર્જન-લેખન સાથે નિવૃત્તિનો સમય પસાર કરી રહ્યા છે. અભ્યાસ અને નોકરીની સાથે મોહન પરમાર સાહિત્ય સર્જન કરતા રહ્યા છે. અનુઆધુનિક ગુજરાતી ગદ્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર સર્જક તરીકે મોહન પરમાર જાણીતા છે. તેમના સર્જનને વિવિધ સાહિત્યિક સંસ્થાઓએ પારિતોષિક વડે નવાજ્યું પણ છે. ‘સાંજ’ વાર્તા માટે નવચેતન ચંદ્રક, ‘ગુજરાતી દલિત વાર્તા’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, ‘નકલંક’ વાર્તા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ પાઠક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, ‘પ્રિયતમા’ નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘કુંભી’ વાર્તાસંગ્રહને પ્રથમ પુરસ્કાર, ઉમાશંકર એવૉર્ડ, ઘનશ્યામ સરાફ પારિતોષિક, ઘૂમકેતુ પારિતોષિક, ‘આસ્થાફળ’ નવલકથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘પોઠ’ વાર્તાસંગ્રહને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ‘બહિષ્કાર’ એકાંકીસંગ્રહ માટે બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક, ‘ડાયા પશાની વાડી’ નવલકથા માટે ગોવર્ધનરામ એવૉર્ડ, સમગ્ર દલિત સાહિત્યસર્જન માટે સંત કબીર દલિત સાહિત્ય એવૉર્ડ, ‘અંચળો’ વાર્તાસંગ્રહ માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમી-દિલ્હીનો એવૉર્ડ, સમગ્ર સર્જન માટે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, સચ્ચિદાનંદ સન્માન, જોસેફ મેકવાન પુરસ્કાર, સમગ્ર ટૂંકી વાર્તાસર્જન માટે મલયાનિલ એવૉર્ડ, ‘સંકટ’ નવલકથા માટે નંદશંકર ચંદ્રક, પ્રિયકાન્ત પરીખ પારિતોષિક. આમ, સાહિત્યિક સંસ્થાઓ દ્વારા મોહન પરમારની સર્જકતાને જુદા જુદા એવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવી છે. વાર્તાસંગ્રહો : ‘કોલાહલ’ (૧૯૮૦), ‘નકલંક’ (૧૯૯૧), ‘કુંભી’ (૧૯૯૬), ‘પોઠ’ (૨૦૦૧), ‘અંચળો’ (૨૦૦૮), ‘હણહણાટી’ (૨૦૧૬), ‘અચરજ’ (૨૦૨૦) નવલકથા : ‘ભેખડ’ (૧૯૮૨), ‘વિક્રિયા’ (૧૯૯૦), ‘પ્રાપ્તિ’ (૧૯૯૦), ‘કાલગ્રસ્ત’ (૧૯૯૦), ‘નેળિયું’ (૧૯૯૨), ‘પ્રિયતમા’ (૧૯૯૫), ‘આસ્થાફળ’ (૨૦૦૦), ‘ડાયા પશાની વાડી’ (૨૦૦૩), ‘લુપ્તવેધ’ (૨૦૦૬), ‘સંકેત’ (૨૦૧૦), ‘સંકટ’ (૨૦૧૨), ‘નજરકેદ’ (૨૦૧૬), ‘ભ્રમણદશા’ (૨૦૧૬), ‘કાલપાશ’ (૨૦૨૦) નાટક-એકાંકી : ‘બહિષ્કાર’ (૨૦૦૨) વિવેચન : ‘સંવિત્તિ’ (હરીશ મંગલમ્ સાથે. ૧૯૮૪), ‘અણસાર’ (૧૯૮૯), ‘સુરેશ જોષી પછીની વાર્તાનાં વિશેષ પરિમાણો’ (૨૦૦૧), ‘વાર્તારોહણ’ (૨૦૦૩), ‘પ્રવર્તન’ (૨૦૧૦), ‘અનુમાન’ (૨૦૧૬), ‘સંયત’ (૨૦૨૦) સંપાદન : ‘ગુજરાતી દલિત વાર્તા’ (હરીશ મંગલમ્ સાથે ૧૯૮૯), ‘૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૫), ‘૧૯૯૫ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૯૬), ‘વિશ્વકક્ષાની શ્રેષ્ઠ વાર્તા’ (મણિલાલ હ. પટેલ સાથે ૧૯૯૯), ‘દલિત વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫), ‘અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫), ‘કિશોર જાદવની પ્રતિનિધિ વાર્તાઓ’ (૨૦૦૯), ‘જ્યોતિષ જાનીની વાર્તાસૃષ્ટિ’ (૨૦૧૩), ‘મધુ રાયની વાર્તાસૃષ્ટિ’ (૨૦૧૪), ‘નવલિકાચયન’-૨૦૦૫ (૨૦૦૭), ‘આધુનિક વાર્તાસૃષ્ટિ’ (૨૦૧૪), ‘નિસબત’ (યશવંત વાઘેલા સાથે ૨૦૧૦), ‘સ્વકીય’ (દલપત ચૌહાણ, હરીશ મંગલમ્ અને પ્રવીણ ગઢવી સાથે ૨૦૧૨) વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક એ રીતે ગદ્ય ક્ષેત્રે મોહન પરમારે કામ કર્યું છે. વાર્તાકાર અને નવલકથાકાર તરીકે તેમને ખૂબ જ નામના મળેલી છે. અનુઆધુનિક યુગના સંપાદક તરીકે પણ તેઓ સતત પ્રવૃત્ત રહ્યા છે. અનુઆધુનિક યુગના દલિત સાહિત્યમાં અગત્યનું પ્રદાન કરનાર સર્જકોમાં મોહન પરમારનું નામ લેવું ઘટે. નવલકથાનું કથાનક : ‘ભેખડ’ મોહન પરમારની પ્રથમ લઘુનવલ છે. પ્રસ્તુત લઘુનવલમાં ઘટનાની રીતે બહુ કંઈ બનતું નથી. વાર્તાનાયક ‘હું’ વડે આખી કથા રચાતી આવે છે. ‘હું’ નાયક છે, તેના દ્વારા મિત્ર ગણેશની પત્ની હંસા સાથે અવૈધ પ્રેમસંબંધ છે. હંસાને પુત્ર જન્મે છે. જેનું નામ કથાનાયક તપ રાખે છે. ગણેશ નપુંસક હોવાથી હંસા પુરુષનું સુખ નાયક પાસેથી મેળવે છે. જેના પરિણામ સ્વરૂપે તપનો જન્મ થાય છે. ગામડામાં મોટો થયેલો અને શહેરમાં નોકરી કરતો નાયક ‘હું’ છે. ‘હું’ની પત્ની ગીતા છે, જેને બે વર્ષ બાદ પુત્ર જન્મ થાય છે. જેનું નામ પણ કથાનાયક તપની જેમ જ જપ રાખે છે. કથાનાયક સતત હંસાને અને તપને ઝંખે છે. પુત્ર જપમાં સતત તપને નિહાળે છે. ગણેશમાં જ્યારે તપને પિતાનાં દર્શન નહીં થતાં હોય ત્યારે તેનું શું થતું હશે? ગણેશ પણ જાણે છે કે તપ તેનો પુત્ર નથી, તેથી તે હંસા સાથે કેવી રીતે વર્તતો હશે? ગામનાં લોકોને પોતે કરેલ કૃત્યની જાણ થશે તો? પત્ની ગીતા અને તેના પરિવારને હંસા અને તપ વિશે ખબર પડી જશે તો? આવા અનેક પ્રશ્નો નાયક ‘હું’ના મનમાં ઘુમરાય છે. અંતે તે પોતાને ગામ જવાનું વિચારે છે. કથાનો અંત કરુણ છે. લીમડાની ડાળ કાપવા ચડેલ તપ નીચે પડે છે, મૃત્યુ પામે છે. ત્યારે જ કથાનાયક ગામમાં પહોંચે છે. તપને ન રમાડી શક્યાનો રંજ નાયકના મનમાં હતો ને હવે તો રહેશે જ. ગણેશ નાયકના ખભે માથું મૂકી રડી પડે છે. તે જાણે છે હવે પોતે કશું કરી શકવાનો નથી. હંસા કહે છે, ગમે તેમ કરી મને બીજો તપ લાવી આપો. આમ, પાત્રોના પરસ્પર સંબંધોને આધારે કથા બનતી જાય છે. નાયક ‘હું’ના મનમાં ચાલતા વિચારોને સર્જકે કાલ્પનિક અને પ્રતીકાત્મક રીતે રજૂ કર્યા છે. સ્વ-હંસા-તપની વાસ્તવિકતા સૌની સામે આવવાના ભયની ‘ભેખડ’ નીચે કથાનાયક જીવે છે. જે-તે સમયે બની ગયેલ ઘટના હવે નથી બનવાની, તેથી દરેક પાત્રની પોતાની વ્યથા સાથે કથા પૂર્ણ થાય છે. નવલકથાની લેખનપદ્ધતિ : ‘ભેખડ’ પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્ર વડે ચાલતી કથા છે. કથાનાયકનું નામ ક્યાંય મોહન પરમાર આપતા નથી. ‘હું’ના મનોજગતનને આધારે કથા વણાય છે. જે-તે ઘટના બનવાની હતી તે પૂર્વે બની ચૂકી છે. તે ભયના ઓથાર નીચે કથાનાયક જીવે છે. તેની વ્યથા, દ્વિધા, વિચારો, કલ્પનાઓની ક્રમશઃ રજૂઆત મોહન પરમાર કરે છે. કથાનાયકના સંદર્ભે પાત્રોની ઓળખ મળતી રહે છે. કથાનાયકનો હંસા-તપ-ગણેશ સાથે સીધો વાર્તાલાપ ઓછો જોવા મળે છે. કારણ કે તે બધું ભૂતકાળમાં બન્યું છે. પત્ની ગીતા પુત્ર જપ સાથે નાયક વર્તમાનમાં જીવે છે. વર્તમાન અને ભૂતકાળમાં આવનજાવન કરતો નાયક દર્શાવાયો છે. વર્તમાનમાં જીવતો નાયક અતીતને સતત વાગોળે છે. માટે ત્યાં Flash back Technicનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું કથાનક છે. છતાં કથા સમાંતરે એકસાથે આગળ વધી છે. કથાનાયકને હંસા-તપની યાદ આવતાં કાવ્યાત્મક ગદ્ય ધ્યાન ખેંચે તેવું છે. ભ્રમણાઓમાં જીવતા નાયકનું સંવેદન કાલ્પનિક, પ્રતીકાત્મક દૃષ્ટિકોણ વડે અભિવ્યક્ત થયું છે. નવલકથાની સર્જકતા સિદ્ધ કરનારાં ઘટકતત્ત્વો : ‘ભેખડ’ મોહન પરમાર લિખિત આધુનિકયુગનાં લક્ષણો ધરાવતી લઘુનવલ છે. સૌ પ્રથમ જોઈએ તો કથાશીર્ષક ‘ભેખડ’ પ્રતીકાત્મક છે. કથાનાયકના ભયની ભેખડ કથાનું કેન્દ્ર છે. ૧થી ૩૦ નાના ખંડમાં કથા કહેવાય છે. આમ જોવા જઈએ તો કથામાં સંવાદોનું પ્રમાણ ઓછું છે. હંસા ઉત્તર ગુજરાતની બોલી બોલે છે. સર્જક અહીં બોલી વડે પ્રદેશને વ્યકત કરી શક્યા છે. ગીતા અને પુત્ર જપનું પાત્ર જરૂરિયાત મુજબ ઊઘડતાં આવે છે. સ્થૂળ ઘટનાઓનું પ્રમાણ ઓછું હોવા છતાં નાયકના મનમાં ચાલતી સૂક્ષ્મ ઘટનાઓથી કથા બની છે. બની ગયેલી ઘટના ભાવક સમક્ષ એક પછી એક વિકસે-ઊઘડે છે. બંનેમાં સમાંતર રીતે ચાલતી કથાની સુંદર ગૂંથણી છે. નાયકનો અપરાધભાવ કાલ્પનિક ઘટનાઓ વડે રજૂ થયો છે. ખરેખર કથામાં એવું બનતું નથી, છતાં નાયક ભયની ‘ભેખડ’ નીચે દબાતો જાય છે. અતીત સાથે વર્તમાનમાં જીવતા નાયકની મનોવ્યથા કથાનું ચાલકબળ છે. અંતે તપના મૃત્યુ વડે તેનો દુઃખદ અંત આવે છે. નવલકથાનો પ્રકાર : ‘ભેખડ’ કથાનાયક ‘હું’ની આસપાસ રચાતી પાત્રગત નવલકથા છે. નાયક દ્વારા અતીતમાં થયેલી ભૂલની જાણ કોઈને ન થાય, જો થાય તો શું શું બને? એવાં કલ્પનો કથામાં છે. મુખ્ય પાત્ર ‘હું’ જ દરેક વાતને વારાફરતી રજૂ કરતો જાય છે. ઓછાં પાત્રો ઓછી ઘટનાઓ થકી નાયકના મનોસંચલનો રજૂ થયાં છે. બીજી રીતે તપાસતાં ‘ભેખડ’ મનોવૈજ્ઞાનિક કથા છે. જે કંઈ બને તે નાયકના મનમાં-વિચારોમાં બને છે. તે ગામના અતીતને (હંસા-તપને) નગરમાં (પત્ની ગીતા-જપ સાથે) રહી વાગોળે છે. બંનેની સહોપસ્થિતિ લઘુનવલનું સબળું પાસું છે. અવૈધ-વૈધ સંબંધોની વચ્ચે પીસાતા ‘હું’ની કથા એટલે ‘ભેખડ’. નવલકથા વિશે વિવેચક : “...એક અકસ્માતમાં તપનું મૃત્યુ થતાં એ પીડા નાયક પર ઝળુંબતી ભેખડ બની જાય છે. એ પીડાનું કાવ્ય છે ભેખડ. નાયક અતિ સંવેદનપટુ હોઈને કંકુપગલાંની ઠેસને વીસરી શકતો નથી. એના રોજબરોજના જીવનમાં ધીરે ધીરે પ્રવેશતી જતી abnormality વિગતો રસપ્રદ બની છે.” – ભરત મહેતા. “ ‘ભેખડ’માં ઘટનાનું પણ સંવેદન જેટલું જ મહત્ત્વ અને ગૌરવ થયું છે. પરિણામે કૃતિમાં નરી કાવિતિકતા કે વાયવીપણું આવવાને બદલે સ્પર્શ ક્ષમતાનું પરિણામ પણ ઊપસવા પામ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસ્તવિક માનવસંદર્ભ અને વૈયક્તિક ભાવસંદર્ભમાં બંને સમાન્તરે ગૂંથાતાં આવે છે.” – વિજય શાસ્ત્રી.

સંદર્ભગ્રંથો : ૧. મોહન પરમાર, પટેલ બિપિન, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથઃ ૮ (ખંડ : ૨), પૃ. ૧૬૪-૧૭૨, વર્ષ : ૨૦૧૮. ૨. ‘ભેખડ : કથાનાયકના આંતરકેન્દ્રનું સૂક્ષ્મ નિરૂપણ’, નવલકથાકાર મોહન પરમાર, રાવત રાકેશ, પૃ. ૩૩-૪૩, વર્ષઃ ૨૦૧૩. ૪. ‘ભેખડ’ પ્રસ્તાવના, કંકુપગલાની ઠેસ, ચૌધરી રઘુવીર, પૃ. ૫-૯, વર્ષ : ૧૯૮૨. ૫. ‘ભેખડ’, અવલોકનીય, શાસ્ત્રી વિજય, પરબ, સંપા. પટેલ ભોળાભાઈ, પૃ. ૪૪-૪૫, વર્ષ : ૧૯૮૪. ૬. ‘ભેખડ’ વિશે, પ્રજાપતિ રામ, શબ્દસૃષ્ટિ, શાહ સુમન, વર્ષ : ૧૯૮૪. ૭. ‘ભેખડ’, મહેતા ભરત, અક્ષય, વર્ષ : ૧૯૮૬.


વિજયરાજસિંહ જાડેજા
શોધછાત્ર : ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
મો. ૯૯૧૩૮૦૦૭૫૨, ૭૩૮૩૯૪૮૬૪૬
Email: jadejavijayrajsinh૯૭૦૭@gmail.com