નવલકથાપરિચયકોશ/આંધળી ગલી

Revision as of 15:57, 21 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૯૨

‘આંધળી ગલી’ : ધીરુબેન પટેલ

– નીતા જોશી

ગુજરાતી સાહિત્યનાં અગ્રણી સર્જક ધીરુબેન પટેલની નામાંકિત લઘુનવલ ‘આંધળી ગલી’ નારી મનના ભાવ આલેખતી, યુવાવસ્થા પૂર્ણ કરેલી અવિવાહિતા સ્ત્રીનું માનસિક ચિત્રણ અંકિત કરતી કથા છે. ૪ + ૮૪ પૃષ્ઠ સંખ્યા ધરાવતી આ લઘુનવલની પ્રથમ આવૃત્તિ ૧૯૮૩ માં ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદથી પ્રકાશિત થયેલ છે. એ પછીનું પુનર્મુદ્રણ ૧૯૮૮, ૧૯૯૦, ૨૦૦૨માં થયેલું છે. પાકા પૂઠાનું આ પુસ્તક ૧૯૮૩માં જેની કિંમત રૂપિયા ૩૫-ની હતી. વર્તમાન કિંમત રૂપિયા ૧૧૫ - આસપાસ છે. પુસ્તકની અર્પણ પંક્તિમાં લખે છે : ધનસુખલાલ મહેતા મારા લખાણમાં સતત રસ લેનાર સાન્તાક્રુઝ્ના બે સ્નેહાળ સ્મૃતિશેષ વડીલોને ભૃગુરાય અંજારિયાને

જીવનના અંતિમ સમય સુધી કાર્યનિષ્ઠ રહેનાર ધીરુબેન એમનાં અંતિમ વર્ષોમાં અમદાવાદમાં સ્થાયી થયેલાં. લેખનસર્જન સાથે ગુજરાત વિશ્વકોશ ભવનમાં પોતાની પ્રવૃત્તિ અને સર્જનનું કેન્દ્રસ્થાન બનાવ્યું. બહેનો માટે ‘વિશ્વા’ સંસ્થાનું નિર્માણ કર્યુ. બહેનો ખુમારીથી જીવે અને સર્જનશીલ બને એવી ઇચ્છા ધરાવતાં ધીરુબેનની પ્રેરણાથી ‘વિશ્વા’ મહિલા સામયિકનો આરંભ કર્યો. ધીરુબેનનાં માતા ગંગાબેન સ્વાતંત્ર્યસંગ્રામી અને આપમેળે શિક્ષિત થયેલાં સન્નારી હતાં. પિતા ગોરધનભાઈ પત્રકાર હતા. વ્યક્તિસ્વાતંત્ર્યમાં માનનાર પિતાનો એક પ્રસંગ એક જગ્યાએ ઉલ્લેખે છે. બાળપણમાં ધીરુબેનનાં કાન વિંધાવવાની વાતનો પિતા દૃઢતાથી વિરોધ કરી કહે છે, ‘એ મોટી થાય અને એનો પોતાનો નિર્ણય કરે ત્યાં લગી આપણે રાહ જોવી જ જોઈએ. એના કાન એને પૂછ્યા સિવાય આપણે કેમ વિંધાવી શકીએ?’ આમ, જેનું સ્વતંત્ર વિચાર ઘડતર બાળપણથી જ થયું હોય એવાં લેખિકાએ વાર્તાઓ, લઘુનવલ, નવલકથા, બાળસાહિત્ય, વાર્તાલાપો લખ્યાં. ટેલિવિઝન માટે ગુજરાતી અને હિન્દી સિરિયલો તથા નાટકો લખ્યાં. ‘ઘેર ઘેર માટીના ચૂલા’, ‘વેરની વસૂલાત’ અને ‘ભવની ભવાઈ’ એ ત્રણે ચિત્રપટોના સંવાદો અને ગીતો લખ્યાં. ‘ઘેર ઘેર માટીના ચૂલા’નાં ગીતોને ગુજરાત સરકાર તરફથી એવૉર્ડ મળેલો. પ્રા. વર્ષા મોરીનાં સંશોધનમાં ધીરુબેન વિશેની અંગત અને બિનઅંગત વાતો જાણવા મળે છે. ધીરુબેનનાં માતા ગંગાબેન પણ લેખિકા હતાં. તેમનું ટૂંકી વાર્તાનું પુસ્તક ‘ગુજરાતણ ટાઈપીસ્ટ’ લોકપ્રિય હતું. ધીરુબેન એમનાં માતાનાં લેખનકાર્યમાં સહાયક બનતાં. આમ, લેખિકા થયાં તે પૂર્વે લખવાનો મહાવરો એમનો રહ્યો છે. એમના મામા અંબાલાલ પુરુષોત્તમદાસ પટેલ પણ કવિ અને ફિલસૂફ હતા. એ રીતે એમનાં મૂળમાં લેખનનું પોષણ પૂરતું મળેલું જોઈ શકાય છે. ‘સર્જકની આંતરકથા’ (સં. ઉમાશંકર જોશી)માં ધીરુબેન લખે છે – “પહેલેથી અજાણ્યે બે સ્તર પર જીવતી આવી છું. એક તો બહારનું જીવન, જેને સૌ જુએ, જાણે, મૂલવે... બીજું એક ભીતરનું, જે મારી એકલીનું જ છે, જેને ફક્ત હું જ જાણું છું. મારા સર્જનનાં મૂળ એ જીવનમાં છે.” ‘આંધળી ગલી’ની નાયિકાનું સ્ત્રી સંવેદન એટલે જ વાસ્તવની નજીક અનુભવાય છે. એમના જીવન ઘડતરમાં પ્રાધ્યાપક રામપ્રસાદ બક્ષી પણ ઉત્તમ માર્ગદર્શક રહ્યા છે. આવાં ધીરુબેન સાહિત્યનાં અનેક એવોર્ડથી વિભૂષિત થયાં છે. એમનું સાહિત્ય અનેક યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં રહ્યું એટલે વિશાળ યુવા વર્ગ સુધી પહોંચી શક્યું છે. લઘુનવલના સ્વરૂપમાં ધીરુબેનનું કામ નોંધપાત્ર ગણવામાં આવ્યું છે. ‘આંધળી ગલી’ લઘુનવલ માનવ સંબંધો અને સંવેદનોને ઉઘાડ આપતી કથા છે. આ કૃતિની મૂલવણી અનેક વિદ્વાનોએ કરી છે. ‘ગુજરાતી કથા વિશ્વ’ લઘુનવલનું સંપાદન બાબુ દાવલપુરા અને નરેશ વેદ કરે છે. જે પુસ્તક અંતર્ગત ‘આંધળી ગલી”ની સમીક્ષા રઘુવીર ચૌધરી દ્વારા લખાયેલી મળે છે. યુવાવસ્થા પૂર્ણ કરેલી અવિવાહિતા નાયિકા કુંદનની અંદર ચાલતી માનવીય સંબંધોની ગડમથલ, વૈવાહિક જીવન વિશેની ઉત્સુકતા અને અંતમાં પોતાના લીધેલા નિર્ણયની દૃઢતા વિશે ખૂબ ઓછા શબ્દોમાં કથાનું નિરૂપણ મળે છે. લઘુનવલના કેન્દ્રમાં એક નારી પાત્ર છે. એના ચરિત્ર અને મનોવેગને ગતિ આપવા બે સહાયક પાત્રો છે. કૃતિના આરંભમાં પરેશ નામનો વયસ્ક યુવક મુંબઈમાં ભાડે મકાન શોધે છે. આરંભનું વર્ણન કાળઝાળ મે મહિનાની ગરમીનું છે. અનુભવાય કે લેખિકા મહાનગરની ત્રાસદી તરફ લઈ જાય છે પરંતુ કથા તો વિસ્તરે છે એક એકલતા વેઠતી સ્ત્રીના મનોજગતમાં. ધીરે ધીરે ભાડૂઆત પરેશ અને કુંદનના સંવાદોથી કુંદનના મનની બંધ બારીઓ ખૂલે છે. કુંદનને રસ પડે છે પરેશની પત્ની શુભાંગી અને એના સુખી દામ્પત્યજીવન વિશે જાણવામાં. કુંદનનો ઉછેર એના વિધૂર પિતાએ દીકરીને દીકરા સમાન ગણી કરેલ છે. બન્નેના સંબંધમાં મિત્રતા બતાવવા પિતા પુત્રીને કુંદન ન કહેતા ‘કુંદનલાલ’ કહે છે અને પુત્રી પિતાજીને પિતાજી ન કહેતાં ‘રતિભાઈ’ કહે છે. પરિણામે કુંદનમાં સ્ત્રી સહજ કુશળતાનો અને વ્યવહારોનો અભાવ વર્તાય છે. એ સામાન્ય સ્ત્રીની જેમ ઘરરખ્ખુ નથી પરંતુ સ્ત્રીસહજ કુતૂહલતા અને લાગણીઓથી મુક્ત નથી એટલે જ પરેશ અને શુભાંગીના પ્રસન્ન દામ્પત્યજીવનની ઈર્ષા અનુભવે છે અને નિખાલસ રીતે એ લાગણી વ્યક્ત પણ કરે છે. પોતાની એકલતાની અકળામણ એટલી અનુભવે છે કે અહીં લગ્નજીવનનો સૌથી જટિલ પ્રશ્ન ચર્ચવા યોગ્ય બને છે. ‘લગ્ન જીવનનું બંધન હિતકારી કે સ્વતંત્રતામાં છુપાયેલી એકલતા આવકાર્ય?’ અહીં કુંદનને સાહચર્યની ઇચ્છા જાગે છે. એણે પણ પરણવું જોઈએ એ વિચાર ઘૂંટાવા લાગે છે એ સાથે એનામાં જે પરિવર્તન આવે છે જેમ કે ઘરનું સાફસૂફ કરવું, રંગીન વસ્ત્રો પહેરવાં, સમાજના નીતિનિયમોથી લાપરવાહ થવું. જીવન જ્યારે સમયચક્રની બહાર જતું રહે ત્યારે થોડું વિચિત્ર અને હાસ્યાસ્પદ પણ બની જાય એટલે જ પરેશ આવા કૃત્રિમ બદલાવથી એના પિતાનો વાંક જોઈ કહે છે ‘એણે આને કુંદનલાલ કુંદનલાલ કહીને ચડાવી મારવા કરતાં વેળાસર પરણાવી દેવી જોઈતી હતી ને!’ પરેશ પૂરી સહાનુભૂતિ સાથે એક પ્રૌઢ વ્યક્તિ સાથે બેઠક કરાવે છે પરંતુ વાત વધારે આગળ વધતી નથી. કુંદન સ્પષ્ટ કરે છે કે ‘મને કંઈ એવું નથી લાગતું કે એમના વગર ન જ જીવી શકાય. એમના મોં સામે જોયા જ કરું કે એમની વાતો પણ સાંભળ્યા જ કરું એવુંયે નથી થતું.’ આ વિધાન સ્પષ્ટ કરે છે કે કુંદનને ગમે તે ભોગે કોઈનો સહવાસ સ્વીકાર્ય નથી. એ એક સંવેદન જરૂર ઇચ્છે છે પણ ગોઠવાયેલું કે કૃત્રિમ સંવેદન જીવી શકે એવો એનો ઉછેર થયો નથી. એ પોતાની એકલવાયી જિંંદગીને સ્વીકૃત કરે છે જેને વધુ દૃઢ કરવા એક ઘટના સહાયક પણ બને છે. ઘટના એવી ઘટે છે કે જે પિતાને એ અહોભાવથી જોતી હતી, આભારવશ હતી કે એને ખાતર પિતાએ બીજાં લગ્ન ન કર્યાં અને અંતે બર્નાડીન જોન્સ નામની મહિલા એમના નામે કેટલીક મિલક્ત મૂકી મૃત્યુ પામે છે ત્યારે એ વાત આનંદ આપવા કરતાં એના માટે દુઃખદાયક બની રહે છે. પિતાએ આ સંબંધ એનાંથી છૂપાવ્યો? ભલે એ પોતે એકલી ન પડી જાય એટલે ન પરણ્યા પરંતુ એક સ્ત્રી સાથે સંબંધ તો રાખ્યો જ. અને અંતમાં કુંદનને પિતાને પણ ન ઓળખી શક્યાનો આઘાત લાગે છે અને એ પોતાના એકલવાયાપણાનો સહર્ષ સ્વીકાર કરે છે. મિલ્કતમાં મળેલો વરલીનો ફ્લેટ પરેશ - શુભાંગીને ભાડે આપવા વ્યવસ્થા કરે છે. કહે છે ‘તમારું સુખ મારાથી નહીં જીરવાય. હું તમારાથી અળગીયે નહીં રહી શકું... તમે વરલી જ જાઓ!’ ‘પણ પારેખ..’ કુંદન સહેજ હસી. આવું ફિક્કું હસવા કરતાં રડી હોત તો સારું થાત. ‘ના, ના. મને નહીં ફાવે! જુઓને રતિભાઈનીયે મને ખબર ન પડી. આખી જિંંદગી સાથે રહી તો યે! હું કોઈને નહીં ઓળખી શકું, કોઈની સાથે નહીં રહી શકું... બસ જીવ્યા કરીશ આમ ને આમ. કોક દિવસ તો આ આંધળી ગલીનો અંત આવશે ને!’ અહીં કથા ભલે પૂર્ણ થતી હોય પરંતુ નાયિકાને આંધળી ગલી અને એનાં રહસ્યો માનવીય વ્યવહારોથી જરૂર સમજાય છે. પરેશ-શુભાંગી નિમિત્તે કે રતિભાઈ અને બર્નાડીન જોન્સ નિમિત્તે. આમ માનવ સંબંધોની જટિલતા વ્યક્ત કરતી લઘુનવલ ‘આંધળી ગલી’ લેખિકાની સફળ અને સાર્થક કૃતિ બની રહે છે.

નીતા જોશી
ગૃહિણી અને વાર્તાકાર, વડોદરા
એમ.એ., એમ.ફિલ. હિન્દી વિષય સાથે. વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’
મો. ૯૪૨૮૧૭૩૪૨૬
Email: neeta.singer@gmail.com