નવલકથાપરિચયકોશ/જળ મને વાગ્યા કરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૧

‘જળ મને વાગ્યા કરે’ : પરેશ નાયક

– અજય રાવલ
Jal mane vagya kare.jpg

પરેશ નાયકનો જન્મ ૨૯ જાન્યુઆરી ૧૯૫૯ સુરત ખાતે થયો. પરેશ નાયકનું સાહિત્યક્ષેત્રે નવલકથા, ટૂંકી વાર્તા, નાટક અને સંપાદનમાં યોગદાન છે. તેમનું માધ્યમિક શિક્ષણ ૧૯૭૪માં અમદાવાદની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં, કૉલેજ શિક્ષણ અમદાવાદની એચ. કે. આટ્ર્સ કૉલેજમાંથી. ૧૯૭૭માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ત્યારબાદ ૧૯૮૧માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા. આરંભે અધ્યાપન સંશોધન કરીને નાટક અને ફિલ્મ દિગ્દર્શન માટે શિક્ષણક્ષેત્ર છોડી દૂરદર્શન માટે નાટ્યશ્રેણીઓ લખી. પછી દિગ્દર્શક કેતન મહેતા સાથે ‘હોલી’, ‘ભવની ભવાઈ’, ‘મિર્ચ મસાલા’ વગેરે ફિલ્મમાં આસિસ્ટન્ટ, જયંત ખત્રીની વાર્તા પરથી ‘ધાડ’ નામની સ્વતંત્ર ફિલ્મનું દિગ્દર્શન કર્યું, જે ૨૦૧૮માં પ્રદર્શિત થઈ. પરેશ નાયકે ‘કોઈ કોઈને ઓળખતું નથી’ (૧૯૭૪), ‘ગુલમહોર’ (૧૯૭૮), ‘જળ મને વાગ્યા કરે’ (૧૯૮૩), ‘પોસ્ટમોર્ટમ’ (૧૯૮૫), ‘પારદર્શક નગર’ (૧૯૮૭) – એમ પાંચ નવલકથાઓ લખી છે. આ ઉપરાંત ‘પાંચ સારાં જણ’ (૧૯૯૯), એ વાર્તાસંગ્રહ અને ‘ઈ. સ. ૨૦૨૨’ (૨૦૧૦), ‘ચક્રવાત’ (૨૦૧૩) નાટ્યસંગ્રહો આપ્યા છે. ‘જળ મને વાગ્યા કરે’ની પ્રથમ આવૃત્તિ ૧૯૮૩માં પ્રકાશિત થઈ હતી, એના પ્રકાશક હતા લોકપ્રિય પ્રકાશન, મુંબઈ. આ નવલકથા સાનિયાને અર્પણ કરવામાં આવી છે. ક્રાઉન સાઇઝની આ નવલકથામાં ૧૯૬ પાનાં છે. આ નવલકથામાં આદિત્ય, આભા, ચિરંતન અને કમલાના સંકુલ સંબંધો ને એમાંથી સર્જાતી પરિસ્થિતિનું નિરૂપણ છે. કથાવસ્તુ : આદિત્ય, આભા ચિરંતન અને કમલા ફાઇન આટ્ર્સના વિદ્યાર્થીઓ છે. એમની વચ્ચે મિત્રતા છે. કૉલેજ પછી આદિત્ય ને આભા ચિત્ર સર્જન તરફ ચિરંતન અને કમલા નાટ્યક્ષેત્રે આગળ વધે છે. ૧૯૬ પાનાંની આ નવલકથા ૨૨ પ્રકરણમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણ આદિત્ય ટૉમસ હૉસ્પિટલ અને પ્રકરણ ૨૨ લોથલ નામનું છે. કથાનો આરંભ યુવા ચિત્રકાર આદિત્ય પેરેલાઇઝ્ડ થવાથી ટૉમસ હૉસ્પિટલમાં પથારીવશ છે ત્યાંથી થાય છે. આદિત્યને એવો અસાધ્ય રોગ થયો છે, જેમાં એનું શરીર ધીમે ધીમે અચેતન થઈ રહ્યું છે એ વાત એકોકિત દ્વારા થઈ છે. આદિત્ય હૉસ્પિટલના રૂમ નંબર ૨૨માં નવ મહિનાથી દાખલ છે, સારવાર લઈ રહ્યો છે. એની સારવાર નર્સ લિન્ડા કરે છે. આદિત્ય લિન્ડા તરફ આકર્ષણ અનુભવે છે ને ઇચ્છે છે કે, જીવનનું છેલ્લું ચિત્ર નર્સ લિન્ડાનું બનાવે. આદિત્ય-આભા-ચિરંતન અને કમલા મિત્રો હતા. એમાંથી આદિત્યનાં લગ્ન આભા સાથે થયાં. બધાને હતું કે હવે ચિરંતન કમલા સાથે લગ્ન કરી લેશે પરંતુ કમલાને ચિરંતને તરછોડી દીધી હતી. આદિત્યની ઇચ્છા છે કે આભા ચિરંતન સાથે રહે. આભા એક વાર બેભાન થઈ જાય છે. ડૉક્ટરની સલાહ મુજબ આભાને હવાફેરની જરૂર હતી એટલે આભા અને ચિરંતન દેવકાના દરિયે જાય એવી યોજના આદિત્યએ કરી છે. એ બન્ને છ દિવસ દેવકાના દરિયે સાથે રહ્યાં, પછી આભા મુંબઈ અને ચિરંતન અમદાવાદ પરત ફરે છે. આભા સમયને ડાયરીમાં સાચવે છે : ‘આ પ્રવાસ ખેડવા જેવો છે, ભલે ને ઝાંઝવાને ભેટવાનું હોય. સુખ તો તરસનું જ છે, જળનું નહીં. આજના જેટલી તીવ્રતાથી તરસનું ભાન મને આ પહેલાં ક્યારેય થયું ન હતું અને જળની અશક્યતાની ભાન પણ આજ જેટલી પ્રબળતાથી ક્યારેય થયું નહોતું. ચિંતન તને હું હંમેશાં સંભાળીશ, મારા જીવનના દરેક નિર્ણાયક પ્રસંગે તરસના પ્રવાસમાંના મારા સૌથી નિકટના સાથી તરીકે આપણે આપણી તરસ લઈને પહેલા આભાસી જળની પાછળ દોડ્યા કરીએ છીએ. (પૃ. ૩૯) નવલકથાકારે પ્રયુક્તિ તરીકે પત્રો અને ડાયરીનો વિનિયોગ કથાવસ્તુને આગળ ધપાવવા કર્યો છે. આદિત્યના વધતા રોગની સાથે સાથે આભા અને ચિંતનના સંબંધોની વાત પણ સમાન્તરે ચાલ્યા કરે છે. વાસ્તવ કરતાં અહીં ચૈત્રિક વાસ્તવનો આલેખન વધારે થાય છે. એ રીતે આ મનોવૈજ્ઞાનિક ઢબની આલેખન રીતિ છે. આદિત્યની બીમારીની સાંપ્રત પરિસ્થિતિમાં નવલકથાકારે આભા અને ચિરંતનને; કમલા અને ચિરંતનના ભૂતકાળને પીઠ ઝબકારની પ્રયુક્તિથી આલેખ્યો છે. આદિત્યની બીમારી એના પિતાજીને લકવો થયો હતો, એ વંશપરંપરાગત હોવાની શક્યતાનો તંતુ નવલકથામાં મુકાયો છે. તો પહેલા થારોટોસિકકમાયોપોથી, ન્યુરોપેથી, પેરેલિસિસ એમ ક્રમશઃ આગળ વધતો રોગ છેવટે આદિત્યની આત્મહત્યામાં પરિણામે છે. એ પહેલાં આદિત્ય છેલ્લું ચિત્ર નર્સ લિન્ડાનું કરે છે. લિન્ડાના યુનિફોર્મના ગજવામાં એ વીંટી મૂકી દે છે. વીંટી હાથમાં લઈ લિન્ડા બોલી ઊઠે છે, ‘આ શું કરો છો મિસ્ટર મહેતા!’ આદિત્ય ફિક્કું માંદલું સ્મિત ફરકાવતા કહે છે, ‘આંગળીઓ સુકાઈ ગઈ છે ને મોટી પડે છે... પછી ક્યાંય સુધી સતત બુદ્ધિ ઊભી રહે છે, નવ મહિનામાં પહેલી વાર દર્દીની આંખમાં બાઝેલું જળ સમુદ્રના મોજાની માફક એની દૃષ્ટિ સામે અફડાય છે.’ (પૃ. ૧૦૬) એ કથાતંતુ સંકુલ સંબંધનો એક વળ છે. સારવાર કરતાં ડૉક્ટર નાથ આદિત્યને હૉસ્પિટલના સ્થાપક એવા ડૉક્ટર ટૉમસને બતાવવા માટે બધી તૈયારીઓ કરે છે, પરંતુ એ પહેલાં જ આદિત્ય આત્મહત્યા કરે છે. આથી ડૉક્ટર નાથ અને નર્સ લિન્ડા આઘાત અનુભવે છે. તો આભા, ચિંતન અને કમલા અપરાધભાવ અનુભવે છે. નવલકથા જાણે બે ભાગમાં વહેંચાઈ જાય છે. આદિત્યના મૃત્યુ સુધીનો એક ભાગ ૧થી ૧૫ પ્રકરણ સુધી અને આદિત્યના મૃત્યુ પછી ૧૬થી ૨૨ પ્રકરણ સુધીનો બીજો ભાગ. જેમાં આદિત્ય વગરના આભા, ચિરંતન કમલાના સંબંધોને સાચવવાની મથામણનું નિરૂપણ થયેલું છે. આદિત્યના અવસાન પછી આભાના જીવનમાં શૂન્ય અવકાશ સર્જાય છે કમલા અને આભા લાંબા સમયે મળે છે, સાથે રહે છે અને એ વીતેલા કાળને યાદ કરે છે. કમલા અને ચિરંતનના સંબંધોથી કથા આગળ વધે છે. પહેલાં ચિરંતન અને કમલાના સંબંધને ના કહી હતી. હવે કમલા ચિરંતનને નકારે છે. આમ, આદિત્યના મૃત્યુ પછી માનવસંબંધ કહો કે સ્ત્રી-પુરુષના સંબંધોની સંકુલતાને ચૈતસિક સ્તરે અહીંયાં આલેખાયા છે. લોથલ પ્રકરણમાં ચિંતન નવા નાટકના લોકસંગીત માટે એક વૃદ્ધ કલાકારને મળવા નિમિત્તે લોથલ જાય છે, ત્યારે પ્રતિસાહચર્યમાં એણે કરેલા પાવાગઢની પિકનિક યાદ આવે છે. આ પિકનિકમાં આદિત્ય પણ હતો, આજે આદિત્ય નથી, ૫ વર્ષ પહેલાં હતો. તેને થાય છે કે, ૫૦૦૦ વર્ષ પહેલાંની ક્ષણ ૫ વર્ષ પહેલાંની ક્ષણ બે માસૂમ. (પૃ. ૧૨૭) ચિરંતનને એ થાય છે કે, ‘અમે બધાં પંખીઓ છીએ. આભા આદિત્ય કમલા ચાચમાં જળ ભરીને અમે ઊડી જઈએ છીએ. હું આંખો મીંચી દઉં છું ને મારા ચિદાકાશમાં કેટલાંયે પંખી ફડફડ ઊડે છે. ને કોણ હસે છે? આમ તું છે આભા? આભા તારા ચહેરા પર છવાયેલી પ્રસન્નતાનો એક અંશ મારી અંદર કેમ હસે છે આમ? કોણ છે? (પૃ. ૧૯૬) ચિરંતનની આ સ્વગોક્તિથી નવલકથા વિરામ પામે છે. શ્રી રઘુવીર ચૌધરીએ આ નવલકથા વિશે સમીક્ષા કરતાં કરેલું આ નિરીક્ષણ – “કલાકારનું અંતરવિશ્વ એની સર્જનપ્રક્રિયા મિલન-વિરહની એની સૂક્ષ્મ સમજણ પરેશ લીલયા વ્યક્ત કરી શકે છે. પૃ. ૯૪થી ૯૭ વચ્ચે ચિરંતનને આભાએ લખેલા પત્રમાં આ સંબંધોનું હાર્દ વ્યક્ત થયું છે, આદિત્યમાં એક પુરુષની સાથોસાથ સુકુમાર શિશુ પણ વસે છે. તારી પાસેથી મને કશું પામ્યાનો સંતોષ છે, તો આદિત્યને મેં કશુંક આપ્યાનો સંતોષ છે. ટ્રેજેડી જીવનની સમજ કેળવે છે. મરણેચ્છા એટલે વિસર્જિત થવાની તૈયારી, ‘જળ મને વાગ્યા કરે’ આવી કોઈ ગંભીર સંવેદના જગવી જાય છે. કૂતુહલપ્રેરક વસ્તુસંકલના વિના જ.’ (પૃ. ૪૫૯, ગુજરાતી નવલકથા) હૉસ્પિટલ પરિવેશ, દરિયાનાં વર્ણનો, નવલકથામાં આવતા કવિતાના સંદર્ભો, સર્જનપ્રક્રિયાની વાત અને સંવેદનસભર પાત્રાલેખન તેમજ સંવાદોથી આ નવલકથા નોંધપાત્ર બની છે.

સંદર્ભનોંધ : ‘ગુજરાતી નવલકથા’, રઘુવીર ચૌધરી, પૃ. ૪૫૯, ત્રીજી આવૃત્તિ ૧૯૯૧, પ્રકાશક : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.

પ્રો. ડૉ. અજય રાવલ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ઉમિયા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
મો. ૯૮૨૫૫૦૬૯૪૨
Email: ajayraval૨૨@gmail.com