નવલકથાપરિચયકોશ/સુરા, સુરા, સુરા

Revision as of 17:07, 22 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩૯

‘સુરા, સુરા, સુરા’ : મધુ રાય
લેબિરિન્થ જેવી રચનારીતિવાળી નવલકથા : ‘સુરા, સુરા, સુરા’

– બિપિન આશર

‘સુરા, સુરા, સુરા’, લેઃ મધુ રાય, અરુણોદય પ્રકાશન, અમદાવાદ, આવૃત્તિ : ૨૦૦૯, કિં. રૂા. ૧૩૦, પૃ. ૮ + ૧૯૨ = ૨૦૦)

‘સુરા, સુરા, સુરા’ મધુ રાયના નાટક ‘સુરા અને શત્રુજિત’નું નવલકથામાં થયેલું રૂપાન્તર છે. મધુ રાયની ઘણીબધી સર્જક લાક્ષણિકતાઓનું પ્રતિબિંબ ઝીલતી આ નવલકથા વિષયનાવીન્ય, અનોખી વસ્તુસંકલ્પના, મનોવૈજ્ઞાનિક અભિગમ અને ભાષાશૈલીની દૃષ્ટિએ ધ્યાનાર્હ બની રહે છે. નવલકથાના કેન્દ્રમાં તો સ્ત્રી-પુરુષના અટપટા સંબંધોનું કથાનક જ છે; પરંતુ સર્જકે આ સંબંધકથાના વ્યાકરણને જે મનોવૈજ્ઞાનિક અભિગમથી ઉકેલ્યું છે તે આ નવલકથાનો વિશેષ છે. નવલકથામાં ચિરાયુ અને કેથરિન વચ્ચેના સંબંધની કથા ધરી રૂપ છે. ચિરાયુ અમેરિકન માતા-પિતાની પુત્રી કેથરિનના પરિચયમાં આવે છે. આ પરિચય પ્રેમમાં પરિણમે છે અને લગ્ન પૂર્વે જ કેથરિન પ્રેગ્નન્ટ બને છે. ડૉક્ટરી તપાસ દરમ્યાન ચિરાયુ અને કેથરિનને ‘થેલેસેમિયા માઈનોર’ છે, એવું જાહેર થાય છે. કેથરિનની બ્લડ લાઇન્સ તપાસ કરાવાઈ છે. ડીએનએ ટેસ્ટ પરથી ખબર પડે છે કે કેથરિન તો ચિરાયુના પિતા પન્નાલાલની જ પુત્રી હતી. આ નિદાનથી ધર્મનિષ્ઠ અને સંવેદનશીલ ચિરાયુને આઘાત લાગે છે. અને તે અપરાધભાવ અનુભવવા માંડે છે. પિતા પ્રત્યે ધિક્કારભાવ જન્મે છે. આવી મનોસ્થિતિમાં તે અમેરિકા છોડી ભારત આવી જાય છે. કેથરિન આત્મહત્યા કરી લે છે. ચિરાયુને ભારતમાં સુમિત્રા નામની અમેરિકા રહેલી યુવતીનો પરિચય થાય છે. સુમિત્રા જોડે લગ્ન કરે છે અને ફરી બોસ્ટનમાં માતા-પિતાથી અલગ રહેવાનો નિર્ણય કરે છે. સર્જકે કેથરિન સંદર્ભે બનેલી ઘટનાનું રહસ્ય અંત સુધી સંગોપી રાખીને નવલકથાને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પન્નાલાલ અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા. અભ્યાસનો ખર્ચ કાઢવા માટે વીર્યદાન કરતા હતા. આ દરમ્યાન નિઃસંતાન અમેરિકન દંપતીએ આ વીર્ય સ્પર્મબૅન્કમાંથી લીધું અને તેના પરિણામે કેથરિનનો જન્મ થયો! કેથરિનના જન્મ રહસ્યને આધુનિક જીવનરીતિ સાથે જોડીને સર્જકે નાવીન્ય સર્જ્યું છે. આ સંબંધકથા સાથે ડૉ. શત્રુજિત દલાલ અને કેથરિનના અવૈધ સંબંધની કથાનો તંતુ પણ જોડાયેલો છે. ચિરાયુ સાથેનો સંબંધ તૂટતાં કેથરિન હતાશાની ગર્તામાં ડૂબી જાય છે. નાછૂટકે તે ગર્ભપાત કરાવે છે. આ સમય દરમ્યાન ડૉ. શત્રુજિત દલાલના પરિચયમાં આવે છે, એમની સાથે દેહસંબંધ બંધાય છે અને પુનઃ પ્રેગ્નન્ટ બને છે. આ સ્થિતિથી કેથરિન જીવનથી હારી બેસે છે. એ આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા પૂર્વે તે ડૉ. સુરાલિ ઉર્ફે સુરાને ઇ-મેલ દ્વારા પોતાના જીવનમાં બનેલી ઘટના જણાવી દે છે. કેથરિનનો ઇ-મેલ ડૉ. શત્રુજિત અને ડૉ. સુરાલિના દામ્પત્યજીવનમાં ધરતીકંપ સર્જે છે. સર્જકે અહીં ઇ-મેલની આધુનિક પ્રયુક્તિનો વિનિયોગ કર્યો છે. ઇ-મેલ ડૉ. સુરાલિના આંતરબાહ્ય જીવનમાં કેવું પરિવર્તન લાવી દે છે તેનું મનોચિકિત્સકની દૃષ્ટિએ આલેખન કરવામાં આવ્યું છે. નવલકથાનું શીર્ષક જેના નામનું સૂચન કરે છે તે સુરા ઉર્ફે સુરાલિ ન્યૂર્યોકમાં ગાયનેકોલોજિસ્ટ છે. તેનો પતિ શત્રુજિત દલાલ સાઇકોએનેલિસ્ટ છે. બંને પરસ્પર ચાહે છે, પરંતુ બે દાયકાના લગ્નજીવન પછી પણ નિઃસંતાન છે તેથી ક્યારેક વિસંવાદ પણ સર્જાય છે. કેથરિનના ઇ-મેલથી દામ્પત્યજીવનમાં કડવાશ પ્રસરે છે. ‘ડૉ. પન્નાલાલે પોતાના પર બળાત્કાર કર્યો હતો’ એવું કહીને સુરા શત્રુજિતને માનસિક રીતે પીડે છે. પ્રતિશોધની આ પ્રકારની વૃત્તિને કારણે સુરા અડધી રાતે ઘર છોડે છે અને વકીલ દ્વારા ડિવોર્સની નોટિસ અપાવે છે. એટલું જ નહીં, પતિને ગૃહવટો આપીને તેની બધી મિલકત પર કબજો જમાવીને મુક્તિનો અહેસાસ કરતાં સેક્સ સંબંધે ફેન્ટસીનો આનંદ માણે છે. સર્જકે સુરાના અચેતન મનમાં દબાયેલી અતૃપ્ત ઇચ્છાઓને તેના આ સંવાદ દ્વારા મૂર્ત કરી છે : ‘હવે હું એકલી ને હવે હું આઝાદ! હવે મારે એક લવર શોધવો જોઈએ, ઓહ હેલ! એક શા માટે રોજ એક કેમ નહીં? ઇન્ટરનેટ ઉપર સિંગલ્સ વેબસાઈટોમાં નામ લખાવી ફોટા મોકલાવું. યંગ સેક્સી ઇન્ડિયન ડૉક્ટર લુકિંગ ફેર ડિસ્ક્રીટ ફન? રોજના સો લવર ધસમસતા આવશે.’ (પૃ. ૧૫૭) જોકે થોડા સમય પછી તે પતિ શત્રુના અભાવની લાગણી અનુભવે છે. પોતાને ઘેર પાર્ટી યોજીને શત્રુને આમંત્રે છે. શત્રુજિત કેથરિન સાથેના સંબંધની વાત કરીને અપરાધભાવને હળવો કરે છે. સુરા તેને તેની માલમિલકત પાછી આપી દે છે. પરંતુ આ સાથે કહે છે : ‘આઈ લવ યૂ, શત્રુજિત, નથિંગ વિલ ચેન્જ ધેર. પણ હવે મને તારું મોેં જોતાં ઊબકા આવે છે.’ સુરા શત્રુ પ્રત્યે ધિક્કારભાવ પ્રગટ કરીને વેર લે છે. આ સાથે કેથરિનના પ્રેતાત્મા પર વેરતૃપ્તિનો ભાવ અનુભવે છે. આમ, ‘સુરા, સુરા, સુરા‘માં પ્રતિશોધનું કથાઘટક સરસ રીતે વિનિયોગ પામ્યું છે. આ પ્રતિશોધના કથાઘટકની ગતિ રહસ્યકથાની દિશા તરફ જ નહીં, પરંતુ મનોવિજ્ઞાનની દિશા તરફ વિશેષ જોવા મળતી હોવાથી આ નવલકથા ધ્યાનાર્હ બની રહે છે. નવલકથામાં જોવા મળતી સંબંધકથાઓમાં ડૉ. પન્નાલાલ સોનાવાલા અને ડૉ. રસીલાના દામ્પત્યજીવનને જુદા સંદર્ભે તપાસી શકાય છે. પન્નાલાલ સાઇકિયેટ્રિસ્ટ છે. નવલકથામાં એમનો લગ્નપૂર્વેના અને પછીના તબક્કાનું આલેખન થયું છે. લગ્નપૂર્વે પન્નાલાલને જુલિયા નામની યુવતી સાથે સંબંધ હતો, પરંતુ લગ્ન પછી એમના દામ્પત્યજીવનના ચાર દાયકાઓ પત્ની રસીલા સાથે સુખમય રીતે પસાર થાય છે. તે સ્વભાવે રસિક-રોમેન્ટિક છે. પત્ની રસીલા કાર્ડિયોલોજિસ્ટ છે. રોમેન્ટિક પતિ હોવાનું એમને ગૌરવ છે. પુત્ર ચિરાયુના ધિક્કારભર્યા વર્તનથી પન્નાલાલ ડિપ્રેશનમાં ડૂબી જઈ આત્મહત્યા કરવા તૈયાર થાય છે ત્યારે રસીલા એમને આશ્વાસન આપે છે, જીવનબળ આપે છે અને સુરાલિને પોતાના પતિ પર આરોપ મૂકવા બદલ થપ્પડ પણ મારી આવે છે. સર્જકે આ દંપતીના દામ્પત્યજીવનની મધુર ક્ષણોને નિરૂપી છે. અહીં પન્નાલાલના વિદ્યાર્થીકાળની સંબંધકથામાં તેમના જુલિયા સાથેના સંબંધનો પણ નિર્દેશ થયો છે. પન્નાલાલ ચાર દાયકા પૂર્વેના એ સંબંધને ભૂલી શક્યા નથી, એટલું જ નહીં, તેઓ સતત અપરાધભાવ અનુભવે છે. ડૉ. શત્રુજિત સમક્ષ પન્નાલાલ પોતાના અપરાધભાવને પ્રગટ કરતાં અતીતકથા કહે છે. જુલિયા સમૃદ્ધ માતાપિતાની પુત્રી હતી. ડ્રગ્સ-સેક્સના રવાડે ચડી ગઈ હતી. એ સમયે પન્નાલાલના પરિચયમાં આવે છે. દેહસંબંધ બંધાતા પ્રેગ્નન્ટ બને છે. પન્નાલાલ તેને એબોર્શન માટે ન્યૂર્યોકની મોટી હૉસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં જ તેને એકલી અટૂલી મૂકી ભાગી જાય છે. એક નિર્દોષ છોકરીને છેતર્યાનો અપરાધભાવ અનુભવતા પન્નાલાલ પુત્ર ચિરાયુના ધિક્કારભાવને ‘કુદરતનો ન્યાય’ ગણી પસ્તાવો કરે છે. નવલકથાના કથાવણાટમાં કેશવ ઠાકર, કેથરિનનો પ્રેતાત્મા અને લતાબહેન જેવાં પાત્રો જુદા જુદા આશયોથી નિરૂપાયાં હોય એમ લાગે છે. ‘સુરા અને શત્રુજિત’ નાટકમાં જેમનોે નામોલ્લેખ જ આવે છે તે મૃત કેથરિનનો પ્રેતાત્મા નવલકથામાં સાદ્યંત ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. નવલકથાની વાર્તા આ પ્રેતાત્મા, તેમજ પ્રવક્તા જ કહે છે. આ દૃષ્ટિએ કેથરિનનો પ્રેતાત્મા કથાવસ્તુને રજૂ કરવાની એક નિરૂપણરીતિ (Mode of Presentaion) રૂપે પસંદ કરાયેલ છે. આરંભથી જ તે આકાશમાંથી સૃષ્ટિ તરફ ડોકિયાં કરે છે અને પછી તરત જ ગંતવ્ય સ્થાને (સર્જકે નિશ્ચિત કરેલા સ્થળે) પહોંચી જઈને ત્યાંની ગતિવિધિને જોયા કરે છે, વર્ણવ્યા કરે છે. આ દરમ્યાન સર્જક કથન-વર્ણન-સંવાદ કે ફ્રીઝ-ફ્રેઇમ અને એક્શન જેવી નાટ્યયુક્તિ (Device) દ્વારા પણ વાર્તાને વર્તમાનમાં વહેતી રાખે છે. ક્યારેક પાત્રો વર્તમાનમાંથી અતીતમાં સ્મૃતિના સથવારે ચાલ્યાં જતાં હોય તેમ પણ નિરૂપાયાં છે. આ બધી પ્રયુક્તિઓમાં કેથરિનના પ્રેતાત્માને અત્ર-તત્ર-સર્વત્ર, સ્થળકાળના બંધન વિના વિહરતો દર્શાવીને સર્જકે વાર્તાને થોડા જુદા સ્વરૂપે જ રજૂ કરી છે. કેથરિનના પ્રેતાત્માની મુક્તિ ડૉ. શત્રુજિત પરની વેરતૃપ્તિથી થાય છે. નવલકથામાં સાદ્યન્ત કેથરિનના પ્રેતાત્માની અતૃપ્ત પ્રેમલાલસા નિમિત્તે તેમના ચિરાયુ સાથેના સંબંધો, તેમણે કરેલા સહપ્રવાસો, જલક્રીડા વગેરેનું કટકે કટકે વર્ણન આવે છે. એ રીતે કેથરિનના પાત્રનો જીવનસંદર્ભ પણ ખૂલે છે અને પ્રેતાત્માનો વાર્તાતંતુ પણ વણાતો રહે છે. આ પ્રકારની નાવીન્યસભર નિરૂપણરીતિ નવલકથાને આસ્વાદ્ય બનાવે છે. નવલકથાની સંરચનામાં ડોકિયું કરીએ તો કેશવ ઠાકરનું પાત્ર તેના અંગત જીવનસંદર્ભ સાથે અને નિરૂપણ રીતિની અવનવી છટાથી નિરૂપાયેલું જોઈ શકાશે. કેશવ ઠાકરનું પાત્ર નાટકમાં નથી, અહીં આવ્યું છે તેનું કારણ એ છે કે, તેના પાત્ર અવતરણથી નવલકથાની વાર્તાસૃષ્ટિ માયાવી લાગે છે. નવલકથાની ઘટના અને પાત્રો ક્યારેક વાસ્તવિક (નવલકથા સૃષ્ટિ સંદર્ભે) લાગે છે અને ભાવક આ વાસ્તવિકતા સાથે પોતાની લાગણી જોડે છે. ત્યાં જ એ બધું ‘કેશવ ઠાકોરની કેવળ રુગ્ણ કલ્પના છે’ તેવો વિચાર-કથાપ્રપંચ સમજાતા ભાવકનું મન વળી જુદી જ દિશા તરફ વિચારવા માંડે છે. સર્જકે કેશવ ઠાકરને બાયપોલાર નામના મનોરોગથી પીડાતો અને તેને મનોચિકિત્સક પાસે તેના રોગની સારવાર માટે જતો બતાવ્યો છે. આ રીતે સર્જકે મલ્ટિપલ પર્સનાલિટી જેવા મનોરોગનો સર્જનપ્રક્રિયામાં કલાત્મક વિનિયોગ કર્યો છે. નવલકથાનાં પાત્રો જો કેશવ ઠાકરની રુગ્ણ કલ્પના હોય તો કેશવ ઠાકર મધુ રાયની કલ્પનાનું ફરજંદ છે! ક્યારેક સર્જક પાત્રની આડશે પોતાના વાસ્તવિક જીવનના અનુભવોને પણ આલેખે છે. નવલકથામાં લતાબહેનનું પાત્ર કોમિક રિલીફ જેવું છે. સર્જકે પોતાના ભાષાવિશેષ-બોલીવિશેષને, ભાષા-બોલીની સંકર પ્રક્રિયાને ઉપસાવવા માટે જ આ પાત્ર સર્જ્યું હોય તેવું લાગે છે. લતાબહેન ‘મૃચ્છકટિકમ્’ના શકારના પાત્રની જેમ દંત્યસંઘર્ષી ‘સ’ને બદલે તાલવ્યસંઘર્ષી ‘શ’ ઉચ્ચારે છે. કેશવ ઠાકર લતાબહેનને ત્યાં પેઇંગગેસ્ટ તરીકે રહે છે. સર્જકે લતાબહેનના કેશવ સાથેના સંવાદમાં જે બોલીવિશેષનો પ્રયોગ કર્યો છે તે હળવાશનો અનુભવ કરાવે છે : ‘આપણે ગોમડામાં ગાય હોય ઑંય હરણ ખરું?’

*

‘દક્ષિણા ન આલીયે તો ફર ના મલય, શિનેમા જોઈ લેજો ને બિયરનો બાટલો પીજો, ને આશીરવાદ આલજો.’ અન્ય અમેરિકનવાસી ગુજરાતીની ભાષા પણ સંકરભાષાના પ્રયોગ તરીકે જોવા જોવી છે : ‘ભૂજના રિલીફ કેમ્પમાં અમે મીટ કરિયું પછી સાથે ઇન્ડિયા ટૂર કરિયો.’ ‘ચૂલા પર કૂક કીધેલી ખીચડી ખાધી.’ મધુ રાયના ક્યાંક ભાષા-શબ્દરમત પણ કરે છે : “ ‘લવર’ પરથી ‘વર’ વર્ડ બન્યા હશે કે?” “ ‘લવર’ તો ‘વર’નો ઓપોઝિટ વર્ડ ન કહેવાય?” નવલકથાનાં પ્રકરણોનાં શીર્ષકો અરૂઢપણાનો અનુભવ કરાવે છે. જેમ કે, ‘સીએ., ટીકેટ’, ‘નિતંબાનગર’, ‘નખ્ખોદ નખ્ખોદ નખ્ખોદ’, ‘રેઇપ? વોટ રેઇપ’, ‘નૂદાન વારાસા બી નંનન’ વગેરે. ‘સુરા, સુરા, સુરા’ નવલકથાનો કથાપ્રપંચ જોતાં વિચાર આવે છે કે ઈશ્વર જ નહીં, સર્જક જ નહીં; પરંતુ કથાસર્જનનું પાત્ર પણ ‘એકોદમ્ બહુસ્યામ’ની ભૂમિકા ભજવી શકે છે. નવલકથાના અંતે સર્જકે કેશવ ઠાકરની આ ભૂમિકા સંદર્ભે નોંધ્યું છે : ‘કેશવ ઠાકર પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર સુરા-શત્રુજિત, ચિન્કુ-કેથરિન, રસીલા-સોનાવાલા, વગેરેના જીવનવીડિયો ગેમની જેમ ભજવાતાં જુએ છે. પોતાના શ્રમિત મગજને પૂછે છે : આ ગેઇમ હું રમું છું? આપોઆપ સિનેમાની જેમ રમાય છે? આ હકીકત છે? અફસાનો છે?’ (પૃ. ૧૯૨) કેશવ ઠાકરની પ્રશ્નાકુલ અને ભ્રમિત દશા જેવી જ વાચક-ભાવકની દશા થાય છે!! લેબિરિન્થ જેવા રચનાપ્રપંચવાળી આ નવલકથા ચીલાચાતરુ સર્જકના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. અહીં સર્જનને સર્જકચેતનાનો સ્પર્શ પામેલ અને મનોવૈજ્ઞાનિક અભિગમથી જોવાયેલા નવલકથાની વિષયસામગ્રી (content), રચનારીતિ (Technique) કે નિરૂપણરીતિ (Mode of Presentation) અને વિભિન્ન સ્તરની ભાષાના સમગ્ર પિંડે જે પ્રકારનો આકાર ધારણ કર્યો છે તે, શીરાની જેમ ગળી જવા જેવી કૃતિઓના વાચકને દુર્બોધ લાગે તો નવાઈ નહીં.

બિપિન આશર
M-૧/૧૩, રુરલ હાઉસિંગ બોર્ડ, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫
વતન : કાલાવાડ, (જિ. જામનગર)
જન્મતારીખ : ૧૫ જૂન ૧૯૫૮
અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. (૧૯૮૯)
વ્યવસાય : નિવૃત્ત અધ્યાપક, ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
શૈક્ષણિક અનુભવ : ૧૯૮૨થી ૨૦૨૦ : ૩૮ વર્ષ
સંશોધન પ્રોજેક્ટ : ૦૯
પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ : ૨૮
એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ : ૯૧
પ્રકાશિત પુસ્તક : ૫૭ (સંશોધન-વિવેચન-અનુવાદ-સંપાદન)
સેમિનાર/અધિવેશન : ૧૭૫
રિફ્રેશર/ઓરિએન્ટેશન કોર્ષમાં વ્યાખ્યાનો : ૭૦
વિવિધ કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વક્તવ્ય : ૧૦૦
આકાશવાણી/દૂરદર્શનના કાર્યક્રમો : ૩૦
ઍવૉર્ડ : ‘લોકસાહિત્ય ભણી’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
નેટ/સ્લેટ/યુ.પી.એસ.સી.ની કામગીરી ૧૫ વર્ષથી.