નવલકથાપરિચયકોશ/બાજબાજી

Revision as of 15:29, 29 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧૩

‘બાજબાજી’ : સુમન શાહ

– મોહન પરમાર
Bajbaji.jpg

(‘બાજબાજી’, લે. સુમન શાહ, પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ૧૯૮૯, પૃ. ૩૮૧, મૂલ્ય : રૂા. ૩૪૦)

સુમન શાહનો જન્મ પહેલી નવેમ્બર, ૧૯૩૯ના રોજ વડોદરા પાસેના ડભોઈમાં થયો હતો. પૂરું નામ સુમનચન્દ્ર ગોવિન્દલાલ શાહ. ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ એમનો શોધનિબંધ છે. છ વાર્તાસંગ્રહો, બે નવલકથાઓ અને બીજા વિવેચન-સંપાદન-અનુવાદનાં પુસ્તકો મળીને ૭૫ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. ૨૦૦૮માં એમના વાર્તાસંગ્રહ ‘ફટફટિયું’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. ૫૦થી વધુ વર્ષથી વાર્તાસર્જન કરતા આ લેખકને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયા છે. વિશ્વ સાહિત્યના કાયમ અભ્યાસી રહેલાં સુમન શાહ ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલ છે. ૨૨ વર્ષ સુધી એમણે ‘ખેવના’ નામનું સામયિક ચલાવ્યું. ‘સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમ’ દ્વારા અનેક વાર્તાશિબિરો કરી વાર્તાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. સુમન શાહની આ બીજી નવલકથા છે. સુમન શાહ વાર્તાકાર તરીકે પ્રશસ્તિ પામી ચૂક્યા હતા તે ગાળામાં આ બે નવલકથાઓ લખવા જેટલો એમનો પુરુષાર્થ સાવ અવગણવા જેવો નથી. તે વખતે સુમન શાહ નામના કાઢી ચૂક્યાં હતાં. વિદેશી સાહિત્યના અભ્યાસી તરીકેની એમની છાપ બળવત્તર બનતી જતી હતી ત્યારે જ એમણે ‘ખડકી’ આપીને નવલકથાકાર તરીકે પ્રવેશ કર્યો. ‘ખડકી’માં લેખકે જે પ્રયોગ કરેલો તેવો જ પ્રયોગ એમણે ‘બાજબાજી’માં કર્યો છે. હું ‘બાજબાજી’ અક્ષરશઃ વાંચી ગયો છું. પ્રારંભમાં લાગેલું કે આ નવલકથા હું વાંચી શકીશ કે કેમ? એક તો ઝીણા ઝીણા ફોન્ટ અને સુમન શાહનું પ્રયોગશીલ વલણ મને વાચક તરીકે ફાવવા નહિ દે તેવી આશંકા હતી. છતાં હિમ્મત કરીને હું ‘બાજબાજી’ પાસે ગયો છું. મારી બધી ધારણા ખોટી પડી. ચીલાચાલુ વિષયવસ્તુની ગોઠવણી કે સુમન શાહની મારા મનમાં રૂઢ થયેલી પ્રયોગશીલ ગૂંચવણોથી ‘બાજબાજી’ પર છે. કથાનાયક સંજય બાપાલાલ શાહ અને તેના મિત્ર જગો (જગદીશ) વચ્ચે મારામારીવાળો પ્રસંગ બન્યા પછી આ નવલકથામાં મને ચાર કારણોથી રસ પડ્યો છે. ૧. સંજયની પત્ની સોમીના અપમૃત્યુનું રહસ્ય લેખક કઈ રીતે ખોલે છે... ૨. જગા-મંજુ સાથે નાયકના બગડેલા સંબંધો હવે કથામાં કઈ રીતે નવો રંગ લાવશે... ૩. પોતાની મૂંગી સાળી લીલીને હરદ્વાર અને અમદાવાદમાં સાથે રાખવાના કથાનાયકના નિર્ણય પછી એનો લીલી સાથે વર્તન-વ્યવહાર કેવો હશે... ૪. મંગળકાકાનો દીકરો રણછોડ ઘરેથી ભાગીને અંધારી આલમ સાથે સંકળાયો છે. તેની સાથે અને મંગળકાકા સાથે નાયક કેવી રીતે સંબંધ જોડે છે.... લેખકે આ નવલકથાને બે કથન-પદ્ધતિઓ દ્વારા વિકસાવી છે. નાયકનું આત્મકથન ભૂતકાલીન સ્થિતિઓ ખોલવામાં ખપ લાગ્યું છે. સર્વજ્ઞકથન સંજયની વર્તમાન ક્ષણોને સ્થાપિત કરવા ખપ લાગ્યું છે. નવલકથાનો પ્રારંભ કથાનાયક સંજયની પત્ની સોમીના અવસાનથી થાય છે. સંજય અમદાવાદની હાઈકોર્ટની લાયબ્રેરીમાં આસિસ્ટન્ટ લાયબ્રેરીયન છે. એ માત્ર મેટ્રીક પાસ થઈને નોકરીએ લાગ્યો છે. પણ કથાના પ્રત્યેક તંતુઓમાં એનાં નિરીક્ષણો બૌદ્ધિક છે. આમ એ સામાન્ય લાગે પણ એની હરકતો અસામાન્ય છે. અહીં એની અર્ધદગ્ધ અવસ્થાને લેખક તાદૃશ કરી રહ્યા છે. નાયક ક્યારેક સજ્જન લાગે છે તો ક્યારેક રુક્ષ પણ લાગે છે. લેખકે અપનાવેલી ગદ્યશૈલી એની અર્ધદગ્ધ અવસ્થા ચિત્રિત કરવામાં ખપ લાગી છે. અઠવાડિયા માટે સોમીને લઈને એ ગામ આવ્યો છે. સાથે જગો અને એની બહેન મંજુ પણ છે. ગામડે આવ્યા પછી સંજયની સોમી સાથેના દામ્પત્યજીવનની અભાવગ્રસ્ત સ્થિતિ એના આત્મકથન દ્વારા ખૂલે છે. એનું મકાન ચાર માળનું છે. એ જ્યારે દાદાએ બનાવ્યું ત્યારે બંગલો ગણાતું. આ મકાનના ત્રીજા માળે ચારેય જણ રહ્યાં છે. ‘બાજબાજી’ સળંગ નવલકથા છે અને ૬૧ પ્રકરણોમાં વિભાજિત છે. લેખકે એને ભાગોમાં વિભાજિત કરી નથી, પણ આ નવલકથાના ત્રણ ભાગ પાડી શકાય. પ્રથમ ભાગમાં અઠવાડિયા માટે વતનમાં આવ્યા પછી નાયકની સ્થિતિનાં ચિત્રણો છે. આ ભાગમાં સોમીનું અપમૃત્યુ, બારમાની વિધિ, જગા અને મંજુ સાથેનો સંજયનો વ્યવહાર અને સંજયની અર્ધદગ્ધ અવસ્થા – આ બધા વખતે નાયકની સોમી પ્રત્યેની અભાવગ્રસ્ત સ્થિતિનું આલેખન સર્જનાત્મક સ્તરે થયું છે. નાયક પીડાગ્રસ્ત છે. એના દામ્પત્યજીવનમાં એવા બનાવો બન્યા છે કે જે એને સતત પીડી રહ્યા છે. બારમામાં બેઠો હોય કે ત્રીજા માળે એકલો બેઠો હોય તેની મનોયંત્રણા સોમીના ચારિત્ર્યને સંદર્ભે સતત ચાલુ રહે છે. ક્યારેક સોમી એને વહાલીહેમ લાગે છે તો ક્યારેક એનું શંકાપ્રેરિત માનસ નફરત પણ વેરે છે, એનું માનસ શંકાશીલ થવાના મૂળમાં એનો મિત્ર જગો છે. ચાર પ્રસંગો એને જંપવા દેતા નથી. ગમે તેવી સહજસ્થિતિમાં પણ આ ચાર પ્રસંગો એને અસહજ સ્થિતિમાં મૂકી દે છે. આ પ્રસંગો વારંવાર એના આનંદનું હનન કરતા રહે છે. ૧. એક દિવસે જગો અને એ ગામડે આવેલા ત્યારે સંજયે સોમીને જોયેલી. ખૂબ ગમી ગયેલી. બંને વચ્ચે નયનમેળ થતાં નાયક એને મળવા માટે ત્રીજે માળે બોલાવે છે. ને વખતે જગાએ તો એને કહી દીધેલું કે આવો મોકો જતો ન કરાય. પણ લગ્ન પહેલાં કશું જ ન થાય તેવી સભાનતા સાથે સંજય સોમી સાથે અજુગતો વ્યવહાર કરતો નથી. અચાનક નીચે જવાનું થતાં, એકાંતમાં જગાએ સોમી સાથે સંભોગ કર્યો હશે તેવો એને પાકો વહેમ છે. ૨. એક દિવસે અમદાવાદમાં વરસાદી વાતાવરણમાં જગો ઘેર આવી ચડે છે. તે દિવસે ભજિયાં માટે બટેટા લેવા નીકળેલો કથાનાયક વરસાદને કારણે ઘેર મોડો આવે છે. તે વખતે જુએ છે તો જગો અને સોમી પલંગમાં સાથે સૂતેલાં છે. ૩. નાયકના મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે કુંવારી સ્ત્રીનો પરદો લગ્ન પછી તૂટે. હનીમૂનની રાતે નાયકને સોમી પર વહેમ જાય છે. કેમ કે બધું સરળતાથી પતી ગયું હતું. એને કાંઈ કષ્ટ પડ્યું નહોતું. એ વખતે એને થયેલું કે સોમીનો પરદો તૂટેલો છે. ૪. સોમી સાથે ઘણા વખતથી સંભોગ કર્યો ન હોવા છતાં સોમીને ગર્ભ કેમ રહ્યો તેની એ ગડમથલમાં છે. આ ચાર પ્રસંગોને નાયક ખાળી શકતો નથી. ઊલટાનું એની પીડા બળવત્તર થતાં દારૂ પીધેલી હાલતમાં સોમીનું ખૂન કરવા પ્રેરાય છે. લેખકે સોમીના મરણની કેટલીક કડીઓ અધ્યાહાર રાખી છે. હરદ્વાર જતી વખતે સતત ચાલી રહેલી મનોયંત્રણામાં સોમીના અપમૃત્યુની વિગતો સ્પષ્ટ થાય છે. ગોખલામાં પડેલી માંકડ મારવાની દવા ટિક્ટ્વેન્ટીની બે શીશીઓ પૈકી એક ખાલી છે બીજી ભરેલી છે. નાયક સોમીના હાથમાં ખાલી શીશી પકડાવે છે. પછી નીચે ચાલ્યો જાય છે. આ બધી ધમાલ કર્યા પછી પણ સોમીનું શું થયું હશે તેની એને ચિંતા છે. ઉપર આવીને જુએ છે તો સોમી ત્રીજા માળે નથી. શોધખોળ કરતાં સોમીની લાશ જિન પાસેથી મળી આવે છે. એના હાથમાં ટિક્ટ્વેન્ટીની ખાલી શીશીને બદલે ભરેલી શીશી છે. એના મોઢામાંથી પ્રવાહી દદડી રહ્યું છે. જગો રૂમાલ વડે ભરેલી શીશી લઈને મોંઢામાંથી નીકળેલું પ્રવાહી લૂછી નાખે છે. જિન પાસે સોમી કઈ રીતે આવી તે વિગતોમાં લેખક ગયા નથી. સોમીના મૃત્યુની આ ક્ષણો હૃદયદ્રાવક ખરી પણ એને મારવા માટે નાયક દ્વારા લેખકે ઊભું કરેલું વાતાવરણ બિનઅસરકારક વધારે લાગે છે. સોમીના મૃત્યુનું રહસ્ય અકબંધ રાખવા લેખકે બીજી પ્રયુક્તિઓનો સહારો લેવાની જરૂર હતી. બારમું પતી ગયા પછી નાયકનું હરદ્વાર જવું, ગાડીમાં પડેલી વિપત, એક જ રૂમમાં હોવા છતાં લીલી સાથેનો સાહજિક વ્યવહાર અને અસ્થિવિસર્જનની વિધિ વગેરે પ્રસંગોમાં શૈલી પ્રવાહી છે. અમદાવાદ આવ્યા પછી બે પ્રસંગો બને છે. સોમીની બીજી માસિક પુણ્યતિથિ વખતે મંજુ દ્વારા રાખેલો સંગીતનો કાર્યક્રમ અને રણછોડમાં રાજાબાબુ બનેલા મંગળકાકાના દીકરાની મુલાકાત – આ બે પ્રસંગો વચ્ચે લીલી પ્રત્યે જાગેલો વિકાર અને પછી તરત જ સાહજિક સ્થિતિ અને મંજુ સાથે જીવનમાં પહેલી વાર થઈ હોય તેવી સંજયની સંભોગક્રિયામાં લેખકે દાખવેલું કૌશલ્ય ધ્યાનપાત્ર છે. પણ રાજાબાબુની મુલાકાત વખતે રાજાબાબુનું ચરિત્રચિત્રણ અને સંજયનું જરાય અવરોધ વગર રાજાબાબુના ગોરખધંધામાં જોડાવું ફિલ્મઢબે ચિત્રિત થયું છે. આ બધા પ્રસંગોની વચ્ચે ભલી, સવિતા કે બચી જેવી સ્ત્રીઓના સંસર્ગમાં આવેલા નાયકની સ્થિતિ અદલબદલ થયા કરે છે. લીલી અને મંજુના પાત્રાલેખનમાં લેખકની સ્વયંસ્ફૂરિત ગદ્યશૈલીના અણસાર વરતાય છે. મંજુને ભોગવ્યા પછી નાયકને એમ થાય છે કે મંજુ મારી પોતાની છે. પણ મંજુનો વર્તનવ્યવહાર રાજાબાબુ સાથે પણ એવો જ છે. મંજુ ગાયિકા છે. સારું ગાય છે. સતત એના ભાઈ જગા સાથે મિત્રની જેમ હરતીફરતી રહે છે. એનું આ બિંદાસ્તરૂપ એની ઓળખ છે. લીલી મૂંગી છે. નાયકની અર્ધદગ્ધ સ્થિતિ વખતેે એની મૂંગી વેદના લેખકે કરકસરયુક્ત ગદ્ય દ્વારા પ્રત્યક્ષ કરી છે. સંગીત પાર્ટી પછી રાજાબાબુ તો મંજુને લઈને એને બંગલે ચાલ્યા જાય છે પણ સંજયના ઘેર રોકાયેલો જગો રાત્રે ઊઠીને લીલી પર બળાત્કાર કરવા પ્રેરાય છે તે વખતે સંજય એને ત્રીજા માળેથી બાલ્કનીમાંથી નીચે ફેંકી દે છે. જગાનું ખૂન કરીને ભાગેલા કથાનાયકની સાથે લીલી છે. તે વખતે લીલીની મૂંગી વેદનાને લેખકે કુશળતાપૂર્વક પ્રત્યક્ષ કરી છે. લીલીને સાસરીમાં મૂકીને વતનમાં પોતાના ઘરમાં રહેલા નાયકને ખબર છે કે રાજાબાબુ અને મંજુ પોલીસને લઈને આવી પહોંચશે. કોઈ નથી આવતું ત્યારે છેવટે એ જ થાણાના રસ્તે ચાલવા માંડે છે. એનું આ રીતે તાબે થવામાં બે ખૂનનો એકરાર છે. તે જગાનું ખૂન તો પ્રત્યક્ષ કરી ચૂક્યો છે. પણ સોમીના મૃત્યુમાં એ પરોક્ષપણે સામેલ છે. એની આત્મપ્રતારણા એને એમ કરવા પ્રેરે છે. હવે એના જીવનમાં શું બચ્યું? કશું જ નહીં. અપરાધભાવ અને ઝનૂન વચ્ચે રહેંસાતા નાયકની નવલકથાને અંતે થાણે જવાની ચેષ્ટા એની હતાશા પ્રગટ કરે છે. એના બગલથેલામાં હરિદાદાનો વાર્તાનો ચોપડો છે. એમાં લખાયેલી વાર્તાઓમાં કદાચ અદૃષ્ટરૂપે સંજય-સોમીની વાર્તા લખાઈ ગઈ હશે, સંજયની જાણ બહાર...

મોહન પરમાર
નિવૃત્ત વહીવટી અધિકારી, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ,
વાર્તાકાર, નવલકથાકાર, એકાંકીકાર, વિવેચક અને સંપાદક
સંપર્ક : એ-૨૫, ન્યૂ પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થ પાછળ, ચાંદખેડા, અમદાવાદ ૩૮૨૪૨૪