નવલકથાપરિચયકોશ/રિક્તરાગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૨

‘રિક્તરાગ’ : કિશોર જાદવ

– અજય રાવલ
રિક્તરાગ.jpg

કિશોર જાદવ : જન્મ ૧૯૩૮ – અવસાન ૨૦૧૮ વાર્તાકાર નવલકથાકાર વિવેચક સંપાદક એવા કિશોર જાદવનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલીયાળા ગામે થયો હતો. તેઓ ૧૯૫૫માં મેટ્રિક, ૧૯૬૦માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.કૉમ. થયા, ૧૯૭૨માં ગુવાહાટી યુનિવર્સિટીમાંથી એમ.કૉમ. થયા. ૧૯૬૫થી ૧૯૮૨ સુધી નાગાલેન્ડમાં વિવિધ સરકારી કચેરીઓમાં અંગત સચિવની કામગીરી બજાવ્યા પછી, ૧૯૮૨થી નાગાલેન્ડ સરકારના મુખ્ય સચિવના અંગત સચિવ તરીકે કાર્ય કર્યું. ૧૯૯૫માં નિવૃત્ત થયા. ત્યાં સુધી નાગાલેન્ડના કોહીમા અને ત્યારબાદ નાગાલેન્ડના દિમાપુર ખાતે નિવાસ કર્યો. ગુજરાતના બીજા છેડે નાગાલેન્ડમાં રહીને કિશોર જાદવે કરેલું સર્જન અને વિવેચન નોંધપાત્ર છે. ગુજરાત બહાર વસતા હોવા છતાં ગુજરાતી સાહિત્ય સાથે જીવંત સંપર્ક અને એના સાહિત્ય સર્જનને સમભાવથી જોતા રહેલા આ સંવેદનશીલ સર્જકે કરેલું અર્પણ સાહિત્યના ઇતિહાસમાં કાયમ છે. એમની પાસેથી ‘પ્રાગૈતિહાસિક અને શોક સભા’ (૧૯૬૯), ‘સૂર્યારોહણ’ (૧૯૭૨), ‘છદ્મવેશ’ (૧૯૮૨), ‘યુગ સભા’ (૧૯૯૫) તથા ‘એક ઇતરજનનું દુઃસ્વપ્ન’ (૨૦૧૭) જેવા પ્રયોગશીલ વાર્તાસંગ્રહો અને “નિશાચક્ર’ (૧૯૭૯) ‘રિક્તરાગ’ (૧૯૮૯), ‘આતશ’ (૧૯૯૩) જેવી અરૂઢ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. તેમજ ‘નવી ટૂંકી વાર્તાની કલામીમાંસા’ (૧૯૮૬); વિવેચનસંગ્રહ તેમજ ‘કિમર્થમ” (૧૯૯૫) વિવેચનાત્મક અભિપ્રાયોનો મુલાકાત સંગ્રહ (વિવેચન લેખો સહિત) આપણને મળ્યા છે. આ ઉપરાંત અંગ્રેજીમાં ચાર ગ્રંથ ‘કન્ટેમ્પરારી ગુજરાતી શોર્ટ સ્ટોરી’ નામનું સંપાદન ઉપરાંત નોર્થ ઇસ્ટને લગતાં ત્રણ મહત્ત્વનાં સંપાદનો ‘ઓકલેર ઍન્ડ લિટરેચર’, ‘ડાન્સ ઑફ નોર્થ ઇસ્ટ ઑફ ઇન્ડિયા’, ‘સોશિયલ કલ્ચરલ પ્રોફાઈલ’ નામના ત્રણ ગ્રંથો એમની પાસેથી મળ્યા છે. એમનાં પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં વિવિધ ઇનામ પ્રાપ્ત થયાં છે. આધુનિક કળા વિભાવના સ્થિર કરવામાં કિશોર જાદવનું મહત્ત્વનું યોગદાન છે. ‘રિક્તરાગ’ કિશોર જાદવની બીજી નવલકથા છે. નવ પ્રકરણની આ નવલકથાનો નાયક પથ્થરની ખાણના કાર્યની દેખરેખ રાખનાર અમલદાર તરીકે કાર્ય કરે છે. ખાણ એનું વિશ્વ છે. એ ભલે આકસ્મિક હોય, આ બાણ થકી જ એની ઓળખ છે. કથાનાયકના ત્રણ સ્ત્રીઓ સાથેના સંબંધો અને ક્રિયા-પ્રતિક્રિયા અહીં મુખ્યત્વે આલેખાયા છે. આ ત્રણ સ્ત્રીઓ છે : અનુ૨ન્લા, લોયન્લા અને અકોલા. પ્રકરણ એક ‘ખાણનું રૂપેરી પંખી’ – શીર્ષકથી નાયક હુંના સ્વપ્નના વર્ણનથી નવલકથા આરંભાઈ છે : ઓરડામાં તેજ ઝબકારો થયો. પછી પાછલી બારીની તખ્તી પર ચાંચ ઠોકાતી હોય એવો અવાજ ઊઠ્યો. એક ઝપટ સાથે તોડાઈને નજર સામે વિશાળ પાંખો ફેલાતી જતી લાગી. તેના પરની અસંખ્ય રંગબેરંગી ટપકીઓની ભાત હવે આછી આછી ચળકી રહી. બારીક પીંછાઓના કલાપમાં બધે નીલવરણી ઝાંય વળેલી હતી. ભરાવદાર રતુંબડી ડોક તળે સોનેરી ઝબકારા મારતા હતા. (પૃ. ૧૦૩) આ જ પંખી સમગ્ર ઓરડામા છવાઈ જાય છે, અજાણ્યા મોહપાશમાં હાથ પગ જકડાઈ જાય, આખું શરીર ભીંસી નાંખે એવા પંજાઓ અને હોઠને ખોતરી ઊંડે અને ઊંડે ઊતરતો જતો તીક્ષ્ણ ચાંચનો આંકડો, એની દાહકતા ગળામાં શોષ અને આંચકા સાથે બેસી જતો નાયક... અંગેઅંગ ઝંકૃત થઈ ઊઠ્યાં હતાં ને ઊંડાણમાં વ્યાપી વળેલી જલદતાને શમાવવા મથતો જઈને વળી પથારીમાં પડ્યો. (પૃ. ૧૦૩) આ પ્રતીકાત્મક વર્ણનમાં સ્ત્રી પુરુષના મૈથુનને દર્શાવે છે. તો, નટવરસિંહ પરમારે કરેલાં નિરીક્ષણ મુજબ ‘સ્વપ્નમાં પ્રયોજાયેલું પ્રતીકોનું સમગ્ર તંત્ર વિધાન કથા નાયક હું ના મનઃકોષમાં દૃઢ વળગણ રૂપે ગાંઠ બની ગયેલા સ્ત્રીના શરીરની ઉત્કૃષ્ટ રાગ-તૃષ્ણાને આલોકિત કરી દે છે. સ્ત્રી શરીરની ઉત્કૃષ્ટ તૃષ્ણા કથા નાયક ‘હું’ના ‘સ્વ-self’નો ખાસ્સો મોટો પ્રબળ અંશ છે.’ ‘હું’નો એ અસ્તિત્વગત પ્રમેય –exitential problem છે. અગર બીજી રીતે કહીએ તો એ એનો અસ્તિત્વગત કોડ -existential code છે. પછીનાં પ્રકરણોમાં જાણે કે આ સ્વપ્ન વિસ્તરે છે. કથાનાયક અને અકોલાના સંબંધોની ભૂમિકા પર કથા રચાયેલી છે. નાયકની સામે ત્રણ સ્ત્રીઓ સમયાન્તરે આવે છે. એક, લોયન્લા બે, અનુરન્લા અને ત્રણ, અકોલા. નાયકની ઝંખના છે પ્રેમ પામવાની પણ આ ઝંખના રિક્ત રહે છે એનો અંજપો અહીં અભિવ્યક્ત થાય છે. રિક્તરાગ શીર્ષક એનું જ એક સૂચન છે. નાયક પહેલાં આકર્ષાય છે નૃત્યરત લોયન્લાથી. એનું કાવ્યમય વર્ણન જુઓ, ‘કેન્દ્રમાં એક નમણી કન્યા ફરતી હતી. કપાળ પર ચકચકતી પાંદડીઓની જ ઝૂલ અને કૅશકલાપમાં ખોસેલા પીંછાની કલગી, વચ્ચોવચ રહીને નૃત્ય કરતી વેળા તેનું સૌંદર્ય તેની અંગભંગિઓમાં અને લયાન્વિત દેહયષ્ટિમાં જાણે ખીલી ઊઠે. આ સૌન્દર્ય એને ખેંચે છે – ભરચક દેહ-થી આકર્ષણ અનુભવે છે પણ અનુંગ્બા સાથે એના સંબંધની જાણ થતાં જ એની નજરથી દૂર થઈ જાય છે. બીજી સ્ત્રીનો પ્રવેશ થાય છે એ છે અકોલા. અકસ્માતે ત્યાં જઈ પહોંચેલો નાયક જુએ છે તો એ તો છે દારૂનો અડ્ડો, સાથે માંસની અને દેહ વ્યાપાર. અકોલા ભોગી છે. સૂબેદાર, બબરચી, બાઘડ સાથે એણે શૈયાસુખ માણ્યું છે. ‘હું’ પણ અકોલા સાથે સંબંધથી બંધાય છે, ‘પણ એ બાઈથી જરા પણ આકર્ષાયો નહોતો.’ એમ કહેતો કોઈ દેખી ન જાય એમ ઘરે જતો રહે છે! પણ પછી બીજી વાર પણ ત્યાં જાય છે. અકોલા સાથે શરીર સંબંધ હોવા છતાં હું માને છે કે હું અંદર પેઠો’તો જ ક્યારે? ડુક્કરની ખસીના પ્રતીક વડે નાયકની વાત અહીં પ્રભાવક રીતે જોડાય છે. અકોલાથી ઉડાડતો નાયક અનુરન્લા તરફ તીવ્રતાથી ખેંચાણ અનુભવે છે. એના દેહસૌન્દર્યને જોઈ એ એને આલિંગનમાં લેવા ઉન્મત્ત બને છે. અનુરન્લા પથ્થર બનતા પ્રેમીની વાત કરીને પૂછે છે, તમે મારા સારુ એમ પથ્થર બની શકશો ખરા? અકોલા સાથે સંભોગ કરતી વખતે એ ભ્રમ સેવે છે અનુરન્લા સાથે સંભોગનો! ફરી એક વાર એ લોયન્લા પાસે પાછો આવે છે. રાગ પામવાની આ ઝંખના એને એક સ્ત્રી પાસેથી બીજી અને પછી ત્રીજી એમ ભટકાવે છે. એને અકોલા પર ખુન્નસ આવે છે, એ તેની હત્યા કરી નાંખે છે! ને પછી ખીણમાં ઝંપલાવી દે છે! ત્યાં નવલકથા વિરામ પામે છે. તો, જેમ પ્રેમ છે એમ મૃત્યુ છે જેની છાયા સતત મંડરાયેલી રહે છે. આ ‘અનિષ્ટને જોવા તપાસવાનો’ કળાઉદ્યમ એટલે રિક્તરાગ. કથાના આરંભે અને અંતે મૃત્યુની ઘટના આલેખાય છે. આરંભમાં જ લોયન્લા સાથે પ્રણય માટે ઉત્સુક અનુંગ્બાની હત્યા થાય છે. તો કથાના અંતે લોયન્લાને મૃત્યુદંડ લાટીનો માલિક કરે છે. આ શબ્દોમાં. ‘તારા શરીરને જેમ ઉઘાડું કરી, તેં ઘોર અપરાધ કર્યો છે એ રીતે તારી એબ ઉઘાડી કરી, અને પાણીમાં પધરાવી દેવાની સજા ફટકારું, જેથી તારું કલંક ધોવાય. તારી નિર્દોષતા ફરી વાર તને પાછી મળે.’ તો, અકોલા પણ બાઘડ સાથે શરીરસુખ માણતા નાયક વડે મૉત પામે છે. અહીંયાં આવતા મૃત્યુના મૂળમાં – કામવાસના જ જોવા મળે છે, રૂપાંદેની કથામાં પૃથ્વી પર મૉતનું આગમન કઈ રીતે થયું એ સંદર્ભ આવે છે. લોયન્લા પર મુકદ્દમો ચાલે છે ત્યારે નાયક નાસી જવાનું સૂચવે છે પણ એ જવાબ આપે છે, ‘કશો ફરક પડવાનો નથી જે નિશ્ચિત છે એ તો ડગલે પગલે આંતરીને ઊભું છે એટલે પલાયન થવાનું ક્યાં? આમ અનિવાર્ય એવું મૃત્યુ એનો ભય ઓથાર કથામાં જુદી જુદી રીતે મુકાયેલો છે. ભાષાની દૃષ્ટિએ નવલકથાની વિગતે વાત કરી શકાય એવી સમૃદ્ધ ભાષા અહીં પ્રભાવક રીતે પ્રયોજાઈ છે તો પ્રતીકને વિનિયોગ ધ્યાનપાત્ર છે. આ નવલકથાને અભ્યાસીઓએ આવકારી છે. એમાંથી શ્રી નટવરસિંહ પરમારની સમીક્ષાનો અંશ પ્રસ્તુત છે : “કિશોર જાદવ ‘રિકતરાગ’માં કથાનાયકના અસ્તિત્વગત પ્રમેયના મૂળભૂત દ્રવ્યને ઉપસાવીને એના ‘સ્વ’ની શોધ માંડે છે. ‘હું’ના ચરિત્રનું નિર્માણ કરી શકે એવી સામાન્યતઃ પરંપરાગત ગણાય એવી, ગુણ વિશિષ્ટ લક્ષ્મણ રેખાઓ – શારીરિક દેખાવ, નામ, પાછલો વૃત્તાંત, મનમાં વૃત્તિ વલણો વગેરેના પરિચયને સંગોપીને ચરિત્રના અસ્તિત્વગત પ્રમેયને ઉપસાવી આપવાનો આ ઉપક્રમ ગુજરાતી નવલકથાના ક્ષેત્રે એક અભિનવ ગતિ ધારણ કરી રહે છે.’૧ કિશોર જાદવની આ નવલકથા ગુજરાતી આધુનિક નવલકથાના ઇતિહાસમાં નોંધપાત્ર ઉમેરણ છે.

સંદર્ભ નોંધ : પરમાર, નટવરસિંહ. ‘કિશોર જાદવ અધ્યયન ગ્રંથ’, સંપાદક : કિશોર જાદવ, પ્રથમ આવૃત્તિ ૨૦૦૬ પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ પૃ. ૯૩

પ્રો. ડૉ. અજય રાવલ
એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
ઉમિયા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
મો. ૯૮૨૫૫૦૬૯૪૨
Email: ajayraval૨૨@gmail.com