નવલકથાપરિચયકોશ/ધુમ્મસ

Revision as of 09:31, 31 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૭

‘ધુમ્મસ’ : મોહમ્મદ માંકડ

– પાર્થ બારોટ
Dhummas.jpg

લેખક પરિચય : મોહમ્મદ વલીભાઈ માંકડ જન્મ : ૧૩/૦૨/૧૯૨૮– અવસાન : ૦૫/૧૧/૨૦૨૨ વતન : પાળિયાદ ગામ અભ્યાસ : સ્નાતક વ્યવસાય : શિક્ષક, ‘સંદેશ’, ‘સમકાલીન’, ‘જનસત્તા’માં કટારલેખક. સાહિત્યિક પ્રદાન : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ-સાહિત્યકાર, સંપાદક, અનુવાદક, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. નોંધપાત્ર પુરસ્કાર : (૧) ઈ. સ. ૧૯૬૪માં ‘ધુમ્મસ’ નવલકથાને જી. એમ. ત્રિપાઠી ફેલોશિપ, (૨) ઈ. સ. ૧૯૭૯માં સંસ્કાર એવૉર્ડ, (૩) ઈ. સ. ૧૯૮૭માં ગાંધીનગર દ્વારા શ્રી ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, (૪) ઈ. સ. ૧૯૯૬-૯૭માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નરસિંહ મહેતા એવૉર્ડ, (૫) ઈ. સ. ૨૦૦૬માં વડોદરા દ્વારા કવિશ્રી ડાહ્યાભાઈ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક, (૬) ઈ. સ. ૨૦૦૭માં અમદાવાદ દ્વારા રણજિતરામ સુવર્ણચંદ્રક.

મોહમ્મદ માંકડકૃત ‘ધુમ્મસ’ પ્રથમ આવૃત્તિ વર્ષ : ઈ. સ. ૧૯૬૫ પ્રકાશક : ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. મોહમ્મદ માંકડકૃત ‘ધુમ્મસ’ નવલકથા કુલ ત્રણ પ્રકરણમાં વહેંચાયેલી છે જેમાં ગૌતમ નવલકથાનું મુખ્ય પાત્ર છે અને સાથે જીતુ, મધુ, ઊર્મિલા, નિશા, ચારુ તથા લાલભાઈ વગેરે જેવાં પાત્રો છે. નવલકથાની શરૂઆત ગૌતમ બેચેનીના લીધે જાગી જાય છે ત્યાંથી થાય છે. ત્યાર બાદ તે બારી બહારના દૃશ્યને જોતો હતો ત્યારે તે જેવી બેચેની અત્યારે અનુભવી રહ્યો હતો, એવી જ બેચેની તેણે છેલ્લીવાર રાજગઢ મામાના ઘરે હતો ત્યારે સૂર્યને ઢળતા જોઈને અનુભવી હતી. ગૌતમની પત્નીનું નામ ઊર્મિલા હતું. ગૌતમ તેને ઊર્મિ (ગરમી) વગરની ઠંડી સ્ત્રી માનતો હતો, તે તેને ‘લા-ઊર્મિ’ કહીને બોલાવતો હતો. તેમના દીકરાનું નામ રાજુ હતું. ગૌતમ ‘ગુજરાત’ કાર્યાલયમાં મૂર્ખ તંત્રીના હાથ નીચે નોકરી કરતો હતો. તે જલદી જ એ તંત્રીની જગ્યા ઝડપી લઈને ઊર્મિલાની ઇચ્છા મુજબનું નવું રાચરચીલું સજાવીને મકાન બનાવવાનો હતો જાણે કે પોતાની કબર પર તાજાં ફૂલ પાથરવાનો હતો. તેને આ બધું કરવા માટે લોહી ગરમ રાખવાની જરૂર હતી, પણ ગૌતમને પોતાની જિંદગી બેસ્વાદ લાગતી હતી. જિંદગીનું સ્વરૂપ ભયાનક છે, તેનું ધડ રૂપાળું અને ચહેરો ભયાનક છે. જેને આપણે મૉત કહીએ છીએ એ જિંદગીનો ચહેરો છે. ગૌતમને કાર્યાલયમાં રજા હતી. તે વિચારતો હતો કે આમ જિંદગી જીવવામાંથી પણ રજા મળતી હોય તો કેવું સારું? તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે ગૌતમ પોતાની જિંદગીથી કેટલી હદે કંટાળી ગયો હતો. તેનો મિત્ર જીતુ તેના ઘરે આવ્યો અને બંને મધુના ઘરે ગયા. ત્યાં બધા મિત્રો આવી ગયા હતા. ‘સિદ્ધાર્થ’ નાટક ભજવવાનું નક્કી થયું હતું. હિન્દી નાટક પરથી ગૌતમ અને જીતુએ મળીને એ તૈયાર કર્યું હતું. મધુને નાટકનો ખૂબ જ શોખ હતો. એના પિતા મોહનભાઈ લાખોપતિ હતા. મધુની ઇચ્છા હતી કે પોતે અવેતન નાટ્યસંસ્થા ઊભી કરે. નિશાના પિતા બાબુભાઈના ઘરે પહેલાં ગૌતમ ભાડે રહેતો હતો. અત્યારે નિશાને નાટકમાં ‘યશોધરા’ના પાત્ર માટે પસંદ કરી હતી, મધુને ‘સિદ્ધાર્થ’નું પાત્ર આપવામાં આવ્યું હતું જે પાછળથી જીતુને મળ્યું. રોજે બધા મધુના ઘરે મળીને નાટકની તૈયારી કરતાં નાટકની તૈયારીના દિવસોમાં જ ગૌતમ નિશાને પસંદ કરવા લાગ્યો અને એ વાતની ઊર્મિલાને જાણ થઈ ગઈ હતી. એક વાર નિશાએ ગૌતમને જણાવ્યું કે તે ગૌતમને પસંદ નથી કરતી. ત્યાર બાદ ગૌતમે જીતુ અને નિશાને સાથે જોયાં ત્યારે તેને જાણ થઈ કે નિશા જીતુને પસંદ કરે છે. નાટકની ભજવણી બાદ મધુના ઘરે પાર્ટી રાખી. નાટક પૂર્ણ થયું એ સ્વીકારવું ગૌતમ માટે અઘરું થઈ ગયું હતું. આ તરફ મધુ અને ચારુનું સરસ ગોઠવાઈ ગયું હતું અને બીજી તરફ જીતુ અને નિશા પણ જોડાઈ ગયાં હતાં. ગૌતમે તો હવે ‘ગુજરાત’ દૈનિકમાં જ મન લગાવવાનું નક્કી કર્યું હતું. જીતુ હમણાંથી રોજે નિશાના ઘરે જતો તેથી ગૌતમ પાસે આવવાનું ઓછું બનતું. એક વાર એ આવ્યો અને બંનેએ પોતાની માન્યતાઓ વિશે તથા એકબીજા વિશે વાતો કરી. જીતુએ ગૌતમ તથા ઊર્મિલાને પોતે અને નિશા રાજગઢ જવાના છે એ જણાવ્યું ત્યારબાદ ગૌતમ મનોમન જાત સાથે સંવાદ કરે છે જેમાં તેને જીતુ પણ યાદ આવે છે. જીતુ અને મધુ એકબીજાને લાંબા પત્રો લખતાં. જીતુને મધુ પોતાનો અધ્યાત્મિક ગુરુ માનતો હતો. મધુને ઇચ્છા થાય ત્યારે એ રાજગઢ જીતુ પાસે જઈ આવતો. હવે નિશાએ છોકરાને જન્મ આપ્યો હતો. ગૌતમ ચેરમેનને મળીને આવે છે. એમણે કહ્યું હતું કે ગૌતમને તંત્રી તરીકેની જવાબદારી સંભાળવાની છે. પરંતુ ગૌતમે પોતે વિચારીને જવાબ આપશે એમ કહ્યું. ગૌતમ તંત્રી બનશે એવા સમાચાર સાંભળીને મધુ ગૌતમને અભિનંદન આપવા આવ્યો. તેના ગયા પછી ગૌતમ ઊર્મિલાને કિશનની વાત કરે છે જે આ નવલકથાનું પરોક્ષ પાત્ર છે જે ‘ટાઈગર’ મંડળ બનાવવા માંગે છે, જેમાં જોડાવા માટે પહેલાં બે ખૂન કરવાં પડશે. આ તરફ જમી રહ્યા પછી ગૌતમને લાલભાઈનો ફોન આવે છે જેમાં ગૌતમે ઊર્મિલાની મશ્કરી કરવા માટે પોતે રાજીનામું આપવાનો હોય એ રીતે ફોનમાં વાત કરી. તરત જ મધુનો ફોન આવે છે, ત્યારે પણ એ જ રીતે વાત કરે છે. ઊર્મિલાએ હવે જીતુને પત્ર લખ્યો, પરંતુ નિશાને સુવાવડ આવી હોવાથી તે આવી નહીં શકે એમ જણાવે છે. એક દિવસ મધુ અને ચારુ બંને ગૌતમના ઘરે આવ્યાં. ચારુને ગૌતમનું કામ હતું. એ ‘Eugenie grandet’ નવલકથાનો અનુવાદ કરવા માંગતી હતી, તેને છાપવામાં ચારુને ગૌતમની મદદની જરૂર હતી. મધુ કહે છે કે, જે ભાઈ કે જે ‘ગુજરાત’ દૈનિકના તંત્રી હતા એ મળ્યા હતા અને કહેતા હતા કે, ગૌતમ કંઈ તંત્રીપદ સંભાળી શકવાનો નથી. એ સાંભળ્યા પછી ગૌતમે તંત્રીપદ સંભાળવાનો નિર્ણય કર્યો. ગૌતમને સદાય ઘણા પ્રશ્નો સતાવતા રહેતા હતા. જેમ કે આ જીવન શું છે? તેનો સર્જનહાર કેવો છે? દુનિયામાં બુરાઈ ક્યાંથી આવી? વગેરે. એક દિવસ ચારુ ગૌતમને બોલાવે છે અને ‘Eugenie grandet’ નવલકથાનો અનુવાદ બતાવે છે જે ગૌતમને પસંદ નથી આવતો તેથી તે પાનાં ફાડીને ચાલ્યો જાય છે. ચારુ રડતી રહી તથા બીજી બાજુ ગૌતમ પોતે મૂંઝવણમાં હતો કે પોતે એવું શા માટે કર્યું હશે? બીજી વાર પણ ચારુએ ગૌતમને તેડાવ્યો. આ વખતે અંગ્રેજીમાં થયેલ અનુવાદની ચારુએ કોપી કરી હતી. ગૌતમે એ પાનાં પણ ફાડી નાખ્યાં પરંતુ ચારુ આ વખતે દુઃખી ના થઈ. હવે ગૌતમ ચારુને મળવાનું ટાળતો હતો. એક વાર ગૌતમ કાર્યાલયમાં કામ કરતો હતો ત્યારે મધુ ઝડપથી ગૌતમને પોતાના પિતા મોહનભાઈ પાસે કામથી લઈ ગયો. મુંબઈ જતું દાણચોરીનું સોનું પકડાયું જેમાં કારણ વિના તેમના અમુક સંબંધીઓ ફસાયા હતા તેથી વધુ પડતા સમાચાર ના છાપવા માટે સમજાવ્યો, તેના બદલ પૈસા આપ્યા પરંતુ ગૌતમે ના લીધા. બીજા દિવસે માત્ર દાણચોરીના જ સમાચાર છપાયા હતા. ચારુ ગૌતમના કાર્યાલયમાં જઈને તેના ટેબલ પર પૈસાની થપ્પી મૂકીને ચાલી ગઈ. પૈસા આપીને એ ગૌતમને પોતાની તરફ ખેંચતી હોય એવું લાગતું હતું. એક વાર ચારુએ ગૌતમને ફોન કરીને બોલાવ્યો. ચારુ ગૌતમની રાહમાં પુસ્તકનાં પાનાં ઉથલાવતી હતી. ગૌતમે આવીને ચારુને ઊંચકીને ભીંસી, ચોળી, સાવ ગોટો વાળી દીધી, ખભા ઉજરડી નાખીને ગૌતમ ચાલ્યો ગયો. ચારુને સારું લાગતું હતું. સાંજે ગૌતમનો ફોન આવ્યો તેણે બીજા દિવસે હોટલમાં જવાની વાત કરી, પણ ચારુએ સોમવારનું રાખવા કહ્યું. એ બંને હોટેલમાં એક રાત રહ્યા કારણ કે ત્યારે મધુ બિઝનેસ ટ્રીપ ઉપર ગયો હતો. ગૌતમે ચારુને પ્રશ્ન પૂછ્યો કે, ચારુ શા માટે મધુ માટે એટલું બધું કરતી હતી? ચારુને પણ ઘરે જઈને એ પ્રશ્ન સતાવતો હતો. ગૌતમ અને મધુ રોજે એકવાર તો મળતા જ હતા. નિશા અને તેનાં બંને બાળકો અહીં આવ્યાં હોવાથી મધુ તેને મળવા જવાનો હતો પરંતુ ગૌતમ ત્યારે ચારુને મળવા જવાનો હોવાથી નિશાને મળવા માટે નકાર દર્શાવે છે. એક વાર મધુ, ગૌતમ, ચારુ અને ઊર્મિલા બધા જ જીતુ પાસે રાજગઢ જાય છે. ત્યાં જઈને બધાને મળી લીધા બાદ રાત્રે મોડે સુધી ગૌતમ અને જીતુ એકબીજા વિશે તથા આસ્તિકતા - નાસ્તિકતા અને ઈશ્વર બાબતે વાતો કરે છે. જીતુ અને ગૌતમ સવારે મળીને જીતુની બીમારી વિશે વાત કરે છે, સાંજે બધાં છૂટાં પડે છે મધુ એકવાર ગૌતમના કાર્યાલય પરથી તેને લઈને હેન્રી હિલ પર ગયો. પહેલાં બંનેએ જીતુ વિશે વાત કરી. મધુ ગૌતમને સમાચાર આપે છે કે જીતુનો મોટો દીકરો મરી ગયો અને જીતુના બંને પગ ખોટા પડી ગયા છે એ ઊભો થઈ શકતો નથી. ત્યારબાદ ‘મુનલાઇટ’વાળાની વાત ચાલુ કરી. મધુ ‘મુનલાઇટ’ કરતાં પોતાની સાથે ગૌતમને બિઝનેસમાં જોડાવા માટે કહે છે. ગૌતમને હાલમાં પૈસાની જરૂર પણ હતી જે મધુ પાસેથી મળી શકે. ગૌતમનું ધ્યાન હવે નોકરી અને પૈસામાં વધુ લાગ્યું હતું. તે ચારુને પણ ખટકતું હતું. ગૌતમને પૈસાની ઉઘરાણી માટે ફોન આવતા ત્યારે ઊર્મિલા ગભરાઈ જતી. એકવાર ફોન પત્યા પછી ગૌતમને તેણે પ્રશ્ન કર્યો કે કોણ છે? કેટલા પૈસા માંગે છે? એ સમયે આ બાબતને લઈને ગૌતમ ક્રોધિત હોવાના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ઊર્મિલા ભાવનગર પોતાના પિયર ચાલી ગઈ. ગૌતમને એકાએક લાલભાઈએ મળવા બોલાવ્યો. તરત જ ચારુએ પણ એ રાત્રે મળવાનું કહ્યું. ગૌતમ લાલભાઈ પાસે જતો હતો ત્યારે રસ્તામાં તેને નિશા દેખાય. લાલભાઈએ ગૌતમને જલ્દી મુંબઈ જઈને રમણીકભાઈને મળીને પત્ર આપવાનું કહ્યું. મુંબઈ હોટેલમાં તેને મધુ મળી ગયો. બંને જીતુની વાત કરે છે કે નિશા જીતુ સાથે ઝઘડીને પિયર આવી ગઈ. રમણીકભાઈ બેંગ્લોર ગયા હતા એ વાતની જાણ થતાં લાલભાઈ ગૌતમને હજુ રોકાવાનું કહે છે. એમને સવારે ખબર પડે છે કે એ ઇરાદાપૂર્વક બહારગામ ગયા હતા. બીજી પાર્ટી તેની પાસે પહેલાં પહોંચી ગઈ હોવાથી ગૌતમને પાછો બોલાવે છે. તે લાલભાઈને મળ્યા બાદ પોતાના ઘરે જાય છે ત્યારે તેને ભેંકાર અને એકલું લાગે છે, ફોનની રીંગ તથા ઘણા લોકોના અવાજ સંભળાય છે. નવલકથાના અંતમાં ગૌતમ ઝેર પીને આપઘાત કરે છે અને તે આઘાત ચારુ જીરવીને મધુ માટે જીવે છે. ઊર્મિલા વિશે અંતમાં એક વાક્ય છે કે ‘ઊર્મિલા જિંદગીના ચહેરા પર આંસુ જેમ વળગી રહી હતી.’ જિંદગીનો ચહેરો એટલે કે મૃત્યુ જેનો ઉલ્લેખ આપણે પહેલાં જોયો એમ જ ઊર્મિલા પોતાના મૃત્યુની રાહ જોઈને બેઠી છે. બીજી બાજુ મધુએ જીતુને આગ્રહથી પોતાના ઘરે તેડાવ્યો ત્યાં મધુ અને નિશા તેની સેવા કરતાં હતાં. મધુ ખૂબ જ આધ્યાત્મિક બની ગયો હતો. તે જીતુનાં ત્રણ પુસ્તકો - વનસ્પતિઓ વિશે, કાવ્ય વિશે અને પોતાના પરના પત્રોના પુસ્તક, વ્યવસ્થિત રીતે છાપકામ કરાવવા માટે મહેનત કરતો હતો. જે ગૌતમની પણ ઇચ્છા હતી. મધુ અને ચારુ તથા જીતુ અને નિશા એકબીજાને પસંદ કરતાં અને લગ્ન પણ કરે છે. દરેકના પરિવારનો ઉલ્લેખ નથી પરંતુ છતાં કહી શકાય કે એમના કોઈના જીવનમાં પ્રેમલગ્ન કરવા માટે સંઘર્ષ ઉદ્‌ભવ્યા નથી. પરંતુ દરેક પાત્રને પોતાનું લગ્નજીવન સંભાળવું પડે એવી પરિસ્થિતિ આવે છે. આમ, લગ્ન માટે ખુલ્લા મનવાળાં પાત્રો લાગે છે જે લગ્ન તોડવા માટે તથા પરપુરુષ કે પરસ્ત્રી સાથે પણ પ્રેમ કરવાની બાબતમાં પણ ખુલ્લાં મન રાખવામાં સહેજ પણ સંકોચ અનુભવતાં નથી એવું દેખાય આવે છે. ધુમ્મસમાં જેમ વ્યક્તિને બધું જ ધૂંધળું દેખાય છે, પરંતુ એ ધીમેધીમે આગળ વધતો જાય તેમ રસ્તો દેખાતો જાય છે એવી જ રીતે આ નવલકથાના દરેક પાત્રો સાથે થાય છે તથા ભાવકને પણ ‘ધુમ્મસ’ નવલકથામાં આગળ વાંચતાં વાંચતાં ઘણી ઘટનાઓનો ખ્યાલ આવતો જાય છે અને નવલકથાના વળાંકો દેખાતા જાય છે. આગળથી કંઈ જ ખ્યાલ નથી રહેતો કે નવલકથા કઈ દિશામાં આગળ વધશે એમ આ ‘ધુમ્મસ’ નવલકથાનું શીર્ષક અહીં સાર્થક ઠરે છે.


પાર્થકુમાર બારોટ
B.A., M.A. (Gold Medalist), Ph.D. (Running)
ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૨૦૦૧૧૨૪૧૯
Email: bparth517@gmail.com